વિક્રમ રાજા માટે કહેવાતું બાણું લાખ માળવાના ધણી.
વિક્રમોના રાજા સચિનને બાણું સદીના માલિક કહેવાય.
એ મેદાનમાં ઊતરે છે, અને એકાદ વિક્રમ બની જાય છે. આ પણ એક વિક્રમ છે. વન-ડેની સૌથી વધુ સદી મારનાર સચિન પછી બીજા ક્રમે છે પોન્ટીંગ, એ બંને વચ્ચે અઢારથી-વીસ સદીનું અંતર છે, પહેલા અને બીજા નંબરનો આ ફાંસલો પણ એક વિક્રમ છે.
સચિનને ‘ભારત રત્ન’ આપવાની માગ ચારે બાજુથી ઊઠી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને અને ભારતના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે પણ તેને ‘ભારત રત્ન’ આપવાની તરફેણ કરી છે. ભાજપ અને કોંગ્રેસે સાથે એકમત પ્રગટ કર્યો હોય તેવો આ કિસ્સો પણ એક વિક્રમ છે. ‘હવે રાષ્ટ્રપતિના પિતાનો પણ છૂટકો નથી ને તેને ભારત રત્ન આપવા સિવાય’ છગને કોમેન્ટ આપી.
સચિન ભારત રત્ન થાય તો સૌથી પહેલો રમતવીર, સ્પોર્ટમેન ભારત રત્ન થશે. એ પણ એક વિક્રમ ગણાશે.
અને તમે ભારત રત્ન બનાવો. એવી માગ કોઈ વ્યક્તિ માટે લોકોમાંથી સૌપ્રથમ વાર ઊઠી છે. એ પણ વિક્રમ સચિનના નામે ગણાશે.
‘ઉપર ગગન વિશાલ નીચે સચિનની ખેલધમાલ’ જેવી તરત જ યાદ આવે. સચિનનું નામ તેના પિતાએ સંગીતકાર સચિનદેવબર્મનના પ્રશંસક તરીકે પુત્રને આપેલું. સચિને ક્રિકેટમાં સચિનદેવ જેવી લયબદ્ધતા બતાવી નામને સાર્થક કર્યું છે.
લાડુ પચવામાં ભારે ગણાય, કેટલાક વૈદો મધને પચવામાં ભારે ગણાવે, પચવામાં સૌથી ભારે શું? અનુપ જલોટા એ શું ભારે છે? શું હલકું છે? એવું જાણી ગાયું છે.પણ પાચન મેં ભારી ક્યા હૈ? એવું પૂછયું નથી. પાચન મેં ભારી છે સફળતા. સહેજ સફળતા મળતા માણસો ઝાલ્યા નથી રહેતા. પોતે આ પૃથ્વી ઉપર ન જન્મ્યા હોત તો પૃથ્વીનું શું થાત? તેવો ભાવ તેમની ‘બોડી લેંગ્વેજ’માં દેખાય. વાણીમાં નમ્રતા હોય પણ વર્તનમાં ઘમંડ દેખાઈ જાય. નાની વાતમાં પણ જ્ઞાાતિનો પ્રમુખ થાય કે કોઈ મંડળની કારોબારીમાં ચૂંટાય તો પણ તે જણ કોલર ઊંચો કરે. જ્યારે સચિને સફળતા, આટલી મોટી સફળતા પચાવી છે. બિલકુલ સાહજિક્તાથી. સચિન ‘લો પ્રોફાઈલ’ શબ્દનું વાસ્તવિક રૃપ છે.
ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની નવી આવૃત્તિ કરે તો તેમાં જરૃર ઉમેરે કે ‘હે ધનંજય, બેટિંગમાં હું સચિન તેન્ડુલકર છું.’
ચાલીસ વર્ષથી રમાતા આ ‘વન-ડે’માં કોઈ બેટ્સમેને પહેલી વાર બસ્સો રન કર્યા છે. ચાલીસ વર્ષે બાવો નહીં પણ બેટ બોલ્યું છે.
ભાવિ ભારત-રત્ન તેન્ડુલકર ખરેખર કમાલ છે. ઓસ્ટ્રેલિયા, વેસ્ટ-ઈન્ડિઝ કે ઈંગ્લેન્ડ જેવા દેશો નહીં પણ ભારતના એક ખેલાડીએ ‘વન-ડે’માં બસ્સો રન ફટકાર્યા છે. એ રીતે ભારતરત્ન છે જ એની સાબિતી આપી દીધી છે. વીસ વર્ષ ક્રિકેટ રમવું એ જ અજાયબી છે. (ફિટનેસ જાળવીને) રીકી પોન્ટિંગે કહેલું કે ‘હું વીસ વર્ષ ક્રિકેટ રમું તો મારે મેદાનમાં આવવા ‘વ્હીલ-ચેર’નો ઉપયોગ કરવો પડે. આ રાજકારણ થોડું છે કે ‘મરતે દમ તક’ તમે રમી શકો? પાકિસ્તાનનો અબ્દુલ કાદિર, જેને ભારતીય ખેલાડીઓ માટે જરાપણ આદર નહીં. એણે કહ્યું હતું કે, ‘આ છોકરાએ મને બોલિંગમાં ગૂંચવી દીધો હતો.’ શેન વોર્ને કહેલું કે ‘ સ્વપ્નાં પણ સચિન મારી બોલિંગ ઝૂડતો હોય તેવા આવતાં’ આમાં સચિનની ખૂબી અને વોર્નની ખેલદિલી પણ ખરી.
વર્લ્ડ-કપમાં શોએબ અખ્તરને સચિને બરાબર ઝૂડયો હતો. તમામ ભારતીયો ત્યારે ઝૂમી ઊઠયા હતા.
આને તમે ભારતરત્ન આપો તો ભારતરત્ન ઉજળો થાય.
ગૂગલી : ‘હમણાં તમારી ઉપર મિસ કોલ કોનો હતો?’ ‘મિસીસ નો’
No comments:
Post a Comment