Saturday, September 25, 2010

બલિહારી હુસૈન કી

ટેલિફોનમાં ઘણી વાર ૧૯૭ કે એવો કોઈ નંબર ડાયલ કરો તો સામે રેકોર્ડેડ જવાબ મળે, આપ કતારમાં હૈ, આપણને થાય કે આપણે તો ઇન્ડિયામાં છીએ આ કેમ કહે છે કે આપ કતાર મેં હૈ?

હા, આપણી આગલી કતારના કલાકાર-ચિત્રકાર એમ.એફ. હુસૈન અત્યારે કતારમાં છે. કેટલાંક એમ.એફ. હુસૈનનું આખું નામ માધુરી ફીદા હુસૈન કહે છે. એ ચિત્રકાર માધુરી ઉપર ફીદા હતા તે તેમણે જાહેર કરેલું જ. માધુરી દીક્ષિતની એક ફિલ્મ હતી ‘હમ આપકે હૈ કૌન’, જે એમણે ડઝન વાર (કદાચ વધુ) જોઈ હતી. એ હુસૈન અત્યારે કતારમાં છે. કુહાડી ઉપર જઈને એમણે જાતે પગ મારેલો એટલે ઘવાયેલા પગ સાથે તેઓ કતારમાં છે. કહેવાય છે કે કલાકારો દિલવાળા હોય છે પણ કેટલાંક કલાકારોને કેવળ દિલ જ હોય છે દિમાગ નથી હોતું. હુસૈન એવા કલાકાર હતા, જે દિમાગનો ઉપયોગ કરકસરપૂર્વક કરતા હતા. કરોડો લોકોની એમણે લાગણી દુભાવેલી એટલે કતારવાસી થવું પડયું છે.

એમની પીંછી વીંછી જેવી, ઘણાં શ્રદ્ધાળુઓને તે પછીથી ડંખ મારેલા. દુર્ગા માતા અને સરસ્વતી માતા તેમજ બીજાં દેવ-દેવીઓનાં નગ્ન ચિત્ર તેમણે દોરેલાં. આથી કરોડો લોકોનાં હ્ય્દયને ઠેસ પહોંચેલી. આ કારણે ઢગલાબંધ કેસ તેમની ઉપર થયેલા. કોર્ટ, સમન્સ વગેરે જોઈને તે ગભરાયા. આરોપીઓની કતારમાં ઊભા રહેવાને બદલે તેમણે કતાર દેશમાં જવાનું નક્કી કર્યું. હવે તેઓ ત્યાં છે. પણ ત્યાં તેઓ સખણા રહ્યા છે. એ દેશના લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવાં ચિત્રો કતારમાં નથી દોર્યાં. કલાકારને દિમાગ હોવાનો આ પુરાવો ગણી શકાય. કેટલાંક એનજીઓએ હુસૈનની તરફેણમાં દેકારો પણ કરેલો, જેને કેટલાંક ન્યુસન્સ ઓર્ગેનાઈઝેશન પણ કહે છે એ લોકોને લાગી આવેલું કે આવા કલાકારે દેશ છોડવો પડે તે ખોટું છે. ચિત્રકારને અભિવ્યક્તિની આઝાદી હોવી જોઈએ એમ કહી એ લોકોએ હુસૈનનો બચાવ કરેલો. છગન કહે છે સરસ્વતી દેવી ગણાય તેનું નગ્ન ચિત્ર ખરાબ બાબત છે. ભલે સરસ્વતીના આરાધકોને કપડાં વગર ચલાવવું પડતું હોય, પણ સરસ્વતીને કપડાં વગરની ન બતાવાય!

ડેન્માર્કના એક કાર્ટૂનિસ્ટે પયગંબર સાહેબનું કાર્ટૂન ચીતર્યું ત્યારે ઘણી ધમાલ થઈ. આપણાં ‘કર્મશીલો’એ ત્યારે કલાકારની અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની વાત ન કરી. ચૂપ રહ્યાં. પંડિતોની સભામાં મૂરખાઓ ચૂપ રહે છે એ યાદ રાખી બુદ્ધિજીવીઓ ચૂપ રહેલા. એક નેતાએ તે ડેનિસ કાર્ટૂનિસ્ટની હત્યા કરનારને કરોડ રૃપિયા આપવાનું કહ્યું હતું. જોકે પાંચ-પંદર માટે કોઈની હત્યા કરી નાંખનારાઓમાંથી કોઈ આગળ આવ્યું નથી.

ડેન્માર્ક જઈને આવવામાં પાંત્રીસ-ચાલીસ હજાર થાય ત્યાં રહેવા-ફરવામાં બીજા પાંચ-પચ્ચીસ થાય તો કરોડ રૃપિયામાં આ ઘણાં ફાયદાકારક ગણાય.

આટલો મોટો ફાયદો જોઈ એક જણ લલચાઈ ગયો કે ‘ચાલો એકાદ ખૂન કરતાં આવીએ અને યુરોપ પણ જોતા આવીએ.’ ઠાઠથી જઈને આવે ખૂન કરીને પરત આવીએ. ઠાઠના ખરચા પછી પણ એંસી નેવું લાખ તો મળે જ મળે. એ ભાઈએ ડેન્માર્કના વીઝા માટે અરજી કરી. મુલાકાતના હેતુમાં, તેમણે સારું લખી નાંખ્યું કે ડેનિસ કાર્ટૂનિસ્ટનું ખૂન કરવા ડેન્માર્ક આવવું છે. વીઝા રિજેક્ટ થઈ ગયો. પેલા નેતાના કરોડ બચી ગયા છે. એનું વ્યાજ ખાઈ રહ્યાં હશે. ન્યુસન્સ ઓર્ગેનાઈઝેશનવાળા પણ શાંત છે.

છાપામાં હતું કે હુસૈનનાં ચિત્રોએ અગિયાર કરોડની કમાણી કરી છે. સિંદબાદ કહે છે કે એનાં ચિત્રોને કારણે થયેલાં તોફાનોથી એનાથી અનેકગણાં રૃપિયાનું નુકસાન થયું છે.
હુસૈન પગમાં જૂતાં પહેરતા ન હતા. આ અંગે સિંદબાદ કહે છે કે, ‘ઉસકા જૂતા ઉસી કા સર’ એ ઉક્તિ પ્રમાણે હુસૈનને ખ્યાલ હતો કે લોકો ક્યારેક એમના જોડાંથી જ એમને મારશે એટલે જૂતાં પહેરવાનું છોડી દીધું હતું.

વાઈડ બોલ

ગોલ્ફ અંગેના એક સમાચારમાં કહેવાયું કે, ‘આગામી ટાઈગર વૂડ ગુજરાતમાંથી મળશે’ ‘એવો ખેલાડી કે એવો લફરાંબાજ?’

Wednesday, September 22, 2010

વાંચે ગુજરાત - વેચે ગુજરાત

વાંચે ગુજરાતના અભિયાનમાં ઉત્સાહી એક બાળ લેખકે એક નવતર પ્રયોગ કર્યો.. બગીચાની ડાળીઓ ઉપર પુસ્તકો લટકાવ્યાં. બાળકો લટકતાં પુસ્તકો વાંચશે તેવી આશા હતી. પણ બાળકો માટે કહેવાયું છે કે એ તો વડના વાંદરા ઉતારે તેવાં હોય છે. ઝાડ ઉપરનાં પુસ્તકોની શી વિસાત? પ્રેરણાદાયી ડાળીઓ ઉપર લટકાતાં જોઈ બાળકોને પ્રેરણા મળી કે આ પુસ્તકો ‘ફળદાયી’ છે. એટલે કે એને પસ્તીમાં વેચીને ફળ ખરીદી શકાય. બાળકોએ પ્રેરણાદાયી પુસ્તકોને વેચી માર્યાં. આમાં તો એમને વકરો એટલો નફો જ હતો. લેખકને વાંચે ગુજરાત (પુસ્તકો)ની અપેક્ષા હતી. પણ એમના ટારગેટ ગ્રુપ’ બાળકોએ એનો ઉપયોગ ‘વેચે ગુજરાત’ તરીકે કર્યો એ બાળકો વાંચક ન બન્યાં પણ વેચાણકર્તા બન્યાં. આમ તો વૃક્ષો છાંયડો આપે પણ બાળ લેખકને સંતાપ આપ્યો.

(બાળ લેખક એટલે બાળકો માટે લખતા વૃદ્ધ લેખકો એમ સમજવો)

વાત નીકળી ત્યારે વાત થઈ. અમારા વિસ્તારમાં બૂટ-ચંપલની સાત-આઠ દુકાનો છે પણ પુસ્તકો વેચતી એક પણ નથી. એ અંગે મારા એક હાસ્યકાર મિત્રે કહ્યું એટલે તો આપણે ‘વાંચે ગુજરાત’ની ચળવળ કરવી પડે છે. બૂટ-ચંપલવાળાને ‘પહેરે ગુજરાત’ની ચળવળ નથી કરવી પડતી.

કોઈકે કહ્યું અત્યારે ગુજરાતમાં ‘ચાવે ગુજરાત’ ચાલે છે. ગુજરાતીઓ વાંચતા નથી. વાંચવાના શોખીન નથી પણ ચાવવાના શોખીન છે. દશેરાના દિવસે જોઈ લેજો ગુજરાતીઓ કરોડો રૃપિયાના ફાફડા - જલેબી ચાવી જશે. પણ લાખ્ખો રૃપિયાનાં પુસ્તકો વાંચે તે અપેક્ષિત નથી.

ગૂગલી

એક તરફ ફાફડા
બીજી તરફ ખમણ - ઢોકળાં. એમાં પુસ્તકો ક્યાં આવ્યાં?
જય જય ગરવી ગુજરાત

Saturday, September 18, 2010

શ્લેષનો બાદશાહ નિરંજન દેસાઈ

છગન ત્રીસ ફૂટ દૂરથી જતો હોય તોપણ તેની ચાલને હિસાબે ઓળખાઈ જાય તેમ કેટલાક લોકો વાતની શૈલીથી ઓળખાઈ જાય. ફોનની ઘંટડી રણકે છે. પ્રાથમિક વાત પછી પુછાય છે, “શું કરે છે આપણા મિત્ર નવીનચંદ્ર પુરુષોત્તમદાસ ખાલપોડે?”
“મજામાં છે”
“અને જગદીશ રતિલાલ દેસાઈ?”
“જલસા કરે છે.”
“ફાઈન, અને ઉપેન્દ્ર વૈકુંઠલાલ મુનશી કેમ છે?”
આ વાતની શૈલીથી જ ખબર પડે કે સામે છેડે નિરંજન દેસાઈ છે. તેઓ મિત્રો કે સ્નેહીજનોને હંમેશાં આખા નામથી બોલાવે.
નિરંજન દેસાઈ બેન્કના ઓફિસર નિવૃત્ત થયા ત્યારે આસિસ્ટન્ટ જનરલ મેનેજર હતા. તેમને મળો ત્યારે તેમના હોદ્દાનો કે તેમના વિષયના જ્ઞાનનો ભાર જરા પણ ન વરતાય. બેન્કમાં ઘણો ખરો સમય તે ફોરેન એક્ષચેન્જ વિભાગના હેડ તરીકે રહેતા. આ કામગીરી ખૂબ જ જાણકારી માગી લે. તેમના પ્રભુત્વની પ્રશંસા કરીએ તો કહે, “બોસ, બધું જ આપણા હેડ ઓફિસના અને રિઝર્વ બેન્કના સરક્યુલરમાં લખેલું જ છે.” વર્તનમાં એવી હળવાશ દાખવે કે તેઓ કોમનમેન જ છે તેવી છાપ પડે.
ખૂબ ખૂબ વાંચે, બેન્કનું અને સાહિત્યનું ભારોભાર. વિનોદવૃત્તિ, અદ્ભુત સંગીતપ્રેમ, ખાસ કરી જૂની ફિલ્મોનાં ગીતો, ક્રિકેટમાં જબ્બર રસ, અમદાવાદમાં હતા ત્યારે મુંબઈની દરેક ટેસ્ટમેચ જોવા ખાસ જાય. રાજકારણનો પણ અભ્યાસ. આ બધાની જાણકારી તેમની શ્લેષ પ્રચુર કોમેન્ટ્સમાં જોવા મળે.
ત્યારે ઈરાનમાં ખૌમેનીનું ખોફનાક શાસન હતું. ઢગલાબંધ વિરોધીઓને તેણે ઠેકાણે પાડી દીધા હતા. મેં કહ્યું, “દેસાઈ જોને યાર, આ ખૌમેની સવારે પકડે છે, બપોરે કેસ ચલાવે છે અને સાંજે તો ફાંસી આપી દે છે.” આ કરુણ વાતનો ફિલોસોફિક અંદાજમાં એણે જવાબ આપ્યો, “જસ્ટિસ ડીલેઈડ ઇઝ જસ્ટિસ ડિનાઈડ” (ન્યાયમાં વિલંબ પણ અન્યાય જ ગણાય)
દેસાઈના ટેબલ ઉપર કાગળોનો મોટો ઢગ પડયો હોય, કોઈકે પૂછયું, “આ બધામાંથી તમને જોઈતો કાગળ મળે ખરો?” “કેમ નહીં? ધોબી લટકતાં સેંકડો કપડાંમાંથી તમારો કોટ એક મિનિટમાં કાઢી આપે છે કે નહીં!”
ડિપાર્ટમેન્ટમાં કામનો બોજ ઘણો, વારંવાર લખાપટ્ટી કરેલી એટલે મેનેજમેન્ટે એક ક્લાર્ક મોકલ્યા. ક્લાર્કને જોઈને મેં કહ્યું, “દેસાઈ ચાલો તમને વધારાનો સ્ટાફ મળી ગયો.” એણે લાક્ષણિક સ્મિત સાથે કહ્યું, “મહાભારતની કથા જેવું થયું છે નવો ક્લાર્ક આવ્યો છે અને ઈસ્માઇલ રજા ઉપર ગયો છે. એટલે ‘તારા તો પાંચના પાંચ જ રહેશે’ તેવું થયું છે.”
જીવો અને જીવવા દો. લીવ એન્ડ લેટ અધર લીવ, તો સુંદર શ્લેષ કરતા. કોઈક લાંબો સમય બેસે પછી કહે, “ઓ કે મિસ્ટર દેસાઈ આઈ એમ ટેકિંગ યોર લીવ.” (હું જાઉં છું) ત્યારે દેસાઈ એમના લાક્ષણિક સ્મિત સાથે શ્લેષયુક્ત જવાબ આપે, “ઓ કે, લીવ એન્ડ લેટ અધર લીવ”. (જાવ અને જીવવા દો)
દેસાઈને ક્રિકેટમાં જબ્બર રસ. ક્રિકેટમાં વપરાતા શબ્દોનો સરસ ઉપયોગ કરે, શ્લેષ કરે. ત્યારે બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આર.એમ. પ્રધાન હતા. (દેસાઈની શૈલીમાં રમેશ મુકુંદ પ્રધાન) પ્રધાનસાહેબને પોસ્ટ ઉપર એક્સ્ટેશન મળવાની અપેક્ષા હતી, પ્રયત્ન પણ કરેલા છતાં કામ ન થયું ક-મને નિવૃત્ત થયેલા તેમ કહેવાતું. મેં દેસાઈને પૂછયું, “શું ખબર છે પ્રધાનસાહેબના? એણે કહ્યું, “હી ઈઝ રિટાયર્ડ-હર્ટ” આ કિસ્સામાં ઈજાગ્રસ્ત નહીં પણ દુભાયેલી લાગણી સાથે રિટાયર્ડ તેવું તેનું કહેવું હતું.
અમદાવાદમાં તે લગભગ દસ-બાર વર્ષ રહેલા. રોજ સાંજે ભદ્રની લાયબ્રેરીમાં હોય જ. સમયના અભાવે ઘણી વાર તે પુસ્તક જમા ન કરાવી શકે અને દંડ ભરે. એ કહે, “આ પુસ્તકો લાયબ્રેરીનાં છે, પણ કબાટોમાં મારું ડોનેશન છે. ઘણો દંડ આપ્યો છે.”
મોડે સુધી લાયબ્રેરીમાં બેઠા હોય, એક વાર પૂછયું, “તમે મોડા જાવ તો ભાભી કશું કહે નહીં?”
“વહેલો જાઉં તો ગભરાય કે બીમાર પડયો લાગે છે.”
એક વાર દૂધવાળાને દેસાઈ કહે “ભૈયાજી, તમે દૂધના ભાવમાં એકાદ-બે રૃપિયા વધારે લ્યો પણ તેમાં પાણી નાંખો તે મિનરલ વોટર નાંખો.”
દેસાઈ ભરૃચના ભાર્ગવ. કનૈયાલ મુનશીની નજીક જ એમનું ઘર હતું. ઓમકારનાથ ઠાકુર પણ ભરૃચના, એ વાત કરતા દેસાઈ કહે, “ઓમકારનાથજી મનને પ્રસન્ન કરતું સંગીત આપતા, પણ તેમના ભાઈ સરસ રસોઈ બનાવતા, તે ચિત્ત પ્રસન્ન કરતી રસોઈ બનાવતા. દેસાઈ એમના ભાઈને જાણે ઓમકારનાથજીના સંગીતની ચર્ચા કરતા. એ કહે, “મિત્ર, એ વંદેમાતરમ્ વિલંબિતમાં ગાય ત્યારે માહોલ અલગ હોય, એક વાર તેમણે વંદેમાતરમ્ શરૃ કર્યું હું ઘરે જમીને પાછો આવ્યો ત્યારે તેઓ હજી મલયજ શીતલામ્ સુધી જ પહોંચેલા.”
સંગીતના ચાહક દેસાઈ અમદાવાદ હતા ત્યારે વોઈસ ઓફ લતા મંગેશકર તરીકે જાણીતાં માલતી લાંગેની ખાનગી બેઠકોમાં પણ પ્રથમ હરોળમાં બેઠા હોય. સંગીતની વાત નીકળે એટલે એક જ પંક્તિમાં તારીફ કરતા કહે, “જબ દિલ કો સતાયે ગમ તૂં છેડ સખી સરગમ” ત્યારે હવામાં અદૃશ્ય હાર્મોનિયમ ઉપર આંગળી ફરતી હોય.
બેલેન્સ મેળવવાં તે બેન્કમાં સહુથી કષ્ટદાયક કામગીરી હતી. (તે વખતે કમ્પ્યુટર્સ હતાં નહીં) એક વાર એમના ક્લાર્કે જોયું કે બેલેન્સ મળતાં નથી એટલે બૂમ પાડતાં કહ્યું, “બોસ, ડિફરન્સ આવે છે.” જરા પણ વિચલિત થયા વગર દેસાઈએ કહ્યું, “બાબુલાલ, ઈન ડેમોક્રેસી ડિફરન્સ આર ઓલવેઝ વેલકમ!”
ચૂંટણીપ્રથાની કરુણતા ઉપર તે શ્લેષ કરતા કહેતાં હતા કે, “આ ડેમોક્રેસીમાં બાય (buy) ધ પીપલ છે. એટલે કે લોકોને બાય - ખરીદીને ચલાવાતી સિસ્ટમ છે! કેટલું કરુણાસભર સત્ય છે.

Tuesday, September 14, 2010

પાકિસ્તાન સ્ટમ્પડ ઈન ઈંગ્લેન્ડ

પાકિસ્તાનના ક્રિકેટરો અત્યારે ‘કોટ બિહાન્ડ’ થઈ ગયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઝરદારીને થોડા દિવસો પહેલાં લંડનમાં જૂતાં પડયાં હતાં.

હવે પાકિસ્તાન ક્રિકેટરો ઉપર લંડનમાં જૂતો કી બારીશ થઈ છે.

દુનિયાને ખબર પડી કે પાકિસ્તાનના ખેલાડીઓ કરતાં સટ્ટો રમવામાં વધુ રસ હતો. આ ક્રિકેટર કહેવાય કે સટોડિયા? ક્રિકેટમાં સટ્ટો ખેલતા ક્રિકેટરો ઉપર સખત પગલાં લેવાં જોઈએ તેવી માંગ ઊઠી છે.

એક વખત હતો કે જાવેદ મિયાંદાદ જેવા એની સિક્સર માટે જાણીતા હતા, અત્યારના ખેલાડીઓ ફિક્સર તરીકે જાણીતા થયા છે.

આપણાં છાપાના વાંચકો પણ આવા ક્રિકેટરોને કડક સજા માટે ચર્ચાપત્રો લખે છે. કડક સજા? કઈ રીતે? ઈસ્લામિક કાનૂન પ્રમાણે વ્યભિચાર કરનારને પથ્થર મારી મારીને મૃત્યુદંડ આપવામાં આવે છે. રમતનો આ દુરાચાર શું વ્યભિચારથી કમ છે? પાકિસ્તાનના એ ખેલાડી સામે ઈસ્લામિક ધોરણે સજા થવી જોઈએ તેવું છગન કહે છે. વ્યભિચાર માટે જેમ પથ્થર મારવાની સજા છે તેમ ક્રિકેટના આ વ્યભિચાર માટે એના જેવી જ સજા થવી જોઈએ. એ ક્રિકેટરોને સ્ટમ્પની અણીઓ મારી મારી દંડ આપવો જોઈએ.

સિંદબાદ કહે છે ક્રિકેટની રમતને ફટકો આપનાર ક્રિકેટરોને જાહેરમાં ફટકા મારવાની સજા થવી જોઈએ. હવે પાછો કહાનીમાં ટ્વિસ્ટ જેવી વાત થઈ છે. પાક.ના ખેલાડીઓની નાપાક હરકતોથી લાજવાને બદલે,પાકિસ્તાની વહીવટકર્તાઓ ગાજે છે. એ લોકો કહે છે આ વિશ્વસંસ્થાના પ્રમુખ શરદ પવાર ભારતીય હોવાથી પાકિસ્તાનને બદનામ કરવાની તેમની ચાલ છે. પાકિસ્તાન સાથે જે કાંઈ ખરાબ થાય છે તે માટે ભારતને જવાબદાર ગણવાની પાકિસ્તાનની જૂની આદત છે. બિચારા પવાર ભારતના સડતા ઘઉં ઉપર ધ્યાન આપે કે ક્રિકેટમાં વ્યાપેલા સડાનું ધ્યાન રાખે?

પાકિસ્તાનમાં આવેલ વિનાશકારી પૂર માટે, ત્યાંના લોકોએ ભારતને દોષ આપ્યો છે. ભારતે નદીઓમાં છોડેલા પાણીથી પાકિસ્તાનમાં બેહાલી આવી છે તેમ કહે છે

* * *

મેરી ભેંસ કો દંડા ક્યું મારા?

વિનોદ કાંબલી ફરી પાછા સમાચારમાં તેમના વાળ વગરના માથાની જેમ ચમક્યા છે. વિનોદ કાંબલી અને તેની પત્ની કોઈ હોટેલમાં જઈ રહ્યાં હતાં, ત્યારે કોઈ ટીખળી યુવતીએ કાંબલીને એય ટકલો, કાલિયા એવા વિશેષણથી નવાજ્યો. એક વખત તેંદુલકરના પાર્ટનર રહી ચૂકેલ કાંબલીની વર્તમાન પાર્ટનર (પત્ની)થી આ સહન ન થયું. તેણે પેલી યુવતી તરફ આક્રમક વલણ અપનાવ્યું. મારા પતિની નિંદા કેમ કરી? કાંણાને કાંણો કહેવાય નહીં તેમ ટકલાને ટકલો કહેવાય નહીં, એની પેલી મહિલાને પણ જાણ ન હતી, આ ધમાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી, પેલી મહિલાએ કાંબલીની પત્ની સામે ઉગ્રતાપૂર્વકના વર્તનની ફરિયાદ કરી. છેવટે કાંબલીએ પરિસ્થિતિ સંભાળી લીધી. એ જાણે છે કે અમુક બમ્પરથી માથું બચાવવા ઝૂકી જવું જરૃરી છે.
કેટલાંક બનાવો લોકોને પ્રોત્સાહન આપતા હોય છે. યાદ હશે, એક આધેડ સ્ત્રીએ લગ્ન કર્યું, બલકે પુનઃ લગ્ન કર્યું. વનમાં પ્રવેશેલી તે મહિલાએ વનવાસ છોડી ઘરવાસ પસંદ કર્યો. છાપાની ભાષામાં કહું તો આ બનાવના મિશ્ર પ્રત્યાઘાત પડયા. કેટલાક ખુશ થયા, કેટલાક નાખુશ થયા.

એક વૃદ્ધને આમાંથી પ્રેરણા મળી. આ રસ્તે જવાય તેવું છે કેડી પડી ગઈ છે. તેણે કોઈકને પૂછયું સલાહ મળી કે ચોગઠાં ગોઠવી આપનાર સંસ્થાઓ હોય છે. વૃદ્ધજન તે ઓફિસે ગયા, ત્રીજે માળ હતી. ગોઠણ ઉપર હાથ રાખી દાદરા ચડી ગયા, જઈને ખુરશીમાં બેસી ગયા. બલકે બેસી પડયા. સંચાલકે પાણી મંગાવ્યું. ‘‘વડીલ, તમે શું કામ ધક્કો ખાધો, પુત્ર કે પુત્રી જે ઉમેદવાર હોય તેને મોકલી આપવાં હતાં ને!’’

‘‘ઉમેદવાર? ઉમેદવાર હું જ છું.’’

સાંભળીને સંચાલક હક્કા બક્કા થઈ ગયા, પાણી લઈ આવેલા નોકર પાસેથી બીજો ગ્લાસ ગટગટાવી ગયા અને પછી ઉમેદવારની વિગત માગી.

‘‘જો ભાઈ, વિગત તો હું આપીશ, પણ જો તમે વૃદ્ધોને માટે સહાય કરતા હો તો પહેલાં આ ઓફિસ ત્રીજે માળથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લઈ જાવ, વૃદ્ધોને આટલા દાદરા ચડ-ઊતર કરવાનું ન ફાવે ભાઈ.”

સાંભળ્યા પ્રમાણે હવે ‘મેરેજ બ્યૂરો’ એમની જાહેરાતમાં છપાવા માંડયા છે કે વૃદ્ધોને તકલીફ ન પડે માટે ખાસ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ રાખી છે, અને લગ્ન પછી તકલીફ ન પડે તે માટે શુભેચ્છા આપશું.

વૃદ્ધ મહિલા અને વૃદ્ધ પુરુષે કરેલાં લગ્નથી નારાજ થયેલા લોકોને કહેવાનું કે આપણે ત્યાં લગ્ન માટે લઘુતમ ઉંમર નક્કી છે. એથી ઓછી ઉંમર હોય તો કાનૂનસર ન ગણાય. પણ વધુમાં વધુ કોઈ ઉંમર નથી ઠરાવી. માણસ પચ્ચાસ, પંચોતેર ચાહે તે ઉંમરે લગ્ન કરી શકે. કાનૂન તેમાં વાંધો ન લે. બાળલગ્નો અમાન્ય છે. વૃદ્ધલગ્નો અમાન્ય નથી. પહેલાંના વખતમાં બાળલગ્નો થતાં. એમાંથી રમૂજ પણ થતી. આપણાં પ્રસિદ્ધ વાર્તાકાર ઉજમશી પરમાર અજાણતા જ પરણી ગયેલા. મતલબ કે એમના બાળલગ્ન થઈ ગયાં હતાં. ઉજમશીએ કહ્યું કે ‘‘એક વાર હું મારા સાસરે ગયો ત્યારે મારી પત્ની ઘોડિયામાં સૂતી હતી. હું પણ બાળક જ હતો. એક વડીલે મજાકમાં ઘોડિયાની દોરી મને પકડાવી દીધી. એ રીતે મારી પત્નીને ઘોડિયામાં મેં ઝુલાવી પણ હતી.’’ જે કર ઝુલાવે પારણું. આ કિસ્સામાં અલગ સંદર્ભમાં જોઈ શકાય.

હવે બાળલગ્નો ભુલાવાં માંડયાં છે. તેની સામે વૃદ્ધાવસ્થાનાં લગ્નો પ્રકાશમાં આવી રહ્યાં છે. એક વૃદ્ધાએ લગ્ન કર્યાં, કારણ કે તેનો પુત્ર તેની દેખભાળ રાખતો ન હતો. પુત્રોની જવાબદારી અંગે એક વડીલ કહેતા હતા. ‘‘મા-બાપને જીવતા પાળવાનાં અને મૂવા બાળવાનાં’’ પણ આ કિસ્સામાં વૃદ્ધ માતા જેને પુત્ર ડોશી કહેતો હતો તેને જીવતા જ બાળતો હતો. એ ડોશીને બળતરા સહન થતી ન હતી. પુત્ર કુપુત્ર થયો હતો. એટલે માતાએ પણ કુમાતા થવાનું નક્કી કર્યું. ‘‘હું પરણું, અને તને નમાયો કરું.” ડોશીએ મુરતિયાની શોધ આરંભી દીધી. એના લિસ્ટમાં અઢાર જણ આવી ગયા. પરણું તો પરણું પણ કોને પરણું? એણે અઢાર લગ્નઇચ્છુકની પરીક્ષા લેવા માંડી છેલ્લે એક વૃદ્ધને પસંદ કરી લીધો. એના છોકરાને કેટલાંક સગાંવહાલાંએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ડોશી પરણવા મક્કમ હતાં. તે પરણી ગયાં. છોકરો અકળાઈને બોલ્યો ‘ડોશી કે’દાડાની પૈણું પૈણું કરતી હતી.’ એણે છોકરાને ચેતવણી તો આપેલી જ કે સારી રીતે નહીં રાખે તો પરણીને જતી રહેશે.

વૃદ્ધ મહિલાનાં લગ્ન થયાં. એમાં સૌથી વધુ આનંદ ચેનલવાળાઓને થયો. આ પ્રકારની શાદીમાં ચેનવલાળા દીવાના થાય છે. કોઈ બાળક ‘બોર’માં પડે કે કોઈ વૃદ્ધ લગ્ન કરે (સંસાર સાગરમાં પડે) તો તેમના માટે ગરમાગરમ આઈટમ છે.કેટલાક જીજ્ઞાસુઓ પૂછે છે વૃદ્ધાનાં લગ્નમાં તેમનો પુત્ર હાજર રહ્યો

હશે? કન્યાવિદાય - મતલબ કે વૃદ્ધાવિદાય કોણે આપી હશે? ચેનલવાળાઓએ આના જવાબો પણ શોધવા જોઈએ...

Tuesday, September 7, 2010

ઊંઘ્યા ત્યારથી રાત (બાજી ફિટાઉંસ) Sep 07,2010

ભગવાને ઊંઘવા માટે રાત બનાવી છે.

માણસને ન ચાલી શકે તેવી વસ્તુઓમાં એક ઊંઘ પણ છે. માણસને ઊંઘ વગર ચાલે નહીં. હાં, કેટલાક માણસ ઊંઘમાં પણ ચાલે. ઊંઘ માટે આપણી ગરવી ભાષાનો શબ્દ છે નીંદર. શિવાજીને નીંદુરુ એટલે કે નીંદર આવે તે માટે માતા જીજીબાઈને પ્રયત્ન કરવા પડતા હતા. નાના શિવાજીઓને નીંદર માટે જીજીબાઈઓને મહેનત કરવી પડે અને એ જ શિવાજીઓ મોટા થાય ત્યારે તેમને જગાડવા માટે પ્રયત્ન કરવા પડે. ‘અલ્યા સ્કૂલનો ટાઈમ થયો છે, તારે કોલેજ જવાનું મોડું થશે. જાગ મારા વીરા જાગ.’

ઊંઘવું એ માણસની મજબૂરી છે. ભૂખ ન જોવે ભાખરો ને ઊંઘ ન જોવે સાથરો તેવી ઉક્તિ પણ છે. બરાબરની ભૂખ લાગી હોય ત્યારે માણસ પત્નીની રસોઈની આવડત ઉપર કોઈ ટીકા કરતો નથી. બળેલી ભાખરી પણ ચૂપચાપ ખાઈ લે છે. તેમજ ઊંઘ આવે ત્યારે માણસ ગમે ત્યાં ઊંઘી શકે છે.

બિલકુલ સત્ય વચન, મારા મિત્ર મહેતા તેમની ઓફિસ જ રીવોલ્વિંગ ખુરશીને પણ છત-પલંગ તુલ્ય ગણી ઊંઘી જાય. એમની કેબિનમાં કોઈનો ફોન આવે તો વાત કરતાં કરતાં પણ તેમને બગાસું આવી જાય અને નીંદરમાં સરી પડે.

એક વાર રસ્તા ઉપર ઊભેલી ટ્રક સાથે તેમનું સ્કૂટર અથડાઈ ગયું. એ વખતે બેંક ઓફિસર બંસલે કોમેન્ટ કરેલી કે, ‘મૈંને કિતની બાર મહેતા કો કહા થા, યાર સ્કૂટર ચલાને કે સમય મત સોયા કરો.’

મહેતાને કોઈએ પૂછેલું કે, ‘સોમથી શનિ તમે બેંકમાં હો, રવિવારે શું કરો છો?’

મહેતાએ નિખાલસતાથી કહ્યું, ‘રવિવારે ઘેર સૂઈ જાઉં છું.’

ઊંઘવું ક્યારે? કેટલું?

ભક્ત નરસૈયાએ કહેલું કે ‘પાછલી ખટ ઘડી સાધુપુરુષે સૂઈ ન રહેવું.’ (આમાં પુરુષનો જ ઉલ્લેખ છે, સ્ત્રીઓને વાંધો નહીં.) નરસિંહ મહેતાના આ નિયમ પ્રમાણે તમારે રાત્રિના ત્રણ (કે સવારના ત્રણ) વાગે ઊઠી જવું જોઈએ. નરસિંહ મહેતાની ઊંઘવાની આ ‘ડેડલાઈન’ આજે ફાવે ખરી? પ્રો. યોગેન્દ્ર વ્યાસ કહેતા હતા કે આજે આપણે અગિયાર વાગ્યા પછી ઊંઘતા હોઈએ તો ત્રણ વાગે કઈ રીતે જાગવું? નરસિંહ મહેતાને તો ઠીક છે આઠ વાગે સૂઈ જતા હશે, પણ આપણું શું?

ગીતાના અભ્યાસ વળી જુદી વાત કરે છે. ‘દુનિયા ઊંઘે ત્યારે જાગે તે સંયમી!’ એટલે કે બીજી પાળી કે ત્રીજી પાળીમાં નોકરી કરનાર સંયમી?

જ્યોતિન્દ્ર દવેને પણ વહેલા ઊઠવાની સલાહ આપનારાઓ તકલીફ આપતા હતા. એક જણે અંગ્રેજી કહેવત ટાંકતા સલાહ આપેલી કે સૌથી ‘વહેલું ઊઠનાર પક્ષી જ જીવડાં પકડી શકે છે.’ ત્યારે જ્યોતિન્દ્ર દવેએ ટિપ્પણી કરેલી કે, ‘પણ પેલા જીવડાં તો પક્ષીઓ કરતાં પણ વહેલા ઊઠયા હશે ને! વહેલું ઊઠવું એમના માટે લાભદાયી ન હતું.’

ઈન્દિરાજીએ તેમની ઘણી ખરી રાજકીય હિલચાલો મધરાતે કરેલી. (પછી એ દિવસે આરામ કરતા હશે ને!) અરે આપણા દેશને પણ મધરાતે આઝાદી મળેલી ત્યારે સરકાર મળસ્કા સુધી જાગતી રહેલી. પછી તો ઊંઘ આવે જ ને!

ઘણા વિદ્યાર્થીઓ તો ક્લાસમાં પણ ઊંઘી જાય છે. અધ્યાપકોની શિક્ષણપદ્ધતિનો તેમાં ફાળો હોઈ શકે. આપણા ઘણા સાંસદો લોકસભામાં કે રાજસભામાં ઊંઘતા હોય છે. જે ઊંઘે છે તેનું નસીબ ઊંઘે છે, તે સિદ્ધાંત તેમને લાગુ પડતા નથી. એમની ઊંઘ દરમિયાન પણ તેમનાં ભથ્થાં પણ ચાલુ જ હતાં.

આપણા પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડા પણ સંસદમાં ઊંઘતા હતા તેવાં દૃશ્યો છપાયેલાં.

ટૂંકમાં જ્યારે પણ ઊંઘ આવે ત્યારે સાથરો જોયા વગર સૂઈ જવાનું. જાગ્યા ત્યારથી સવારની જેમ ઊંઘ્યા ત્યારથી રાત ગણવી.

આપણા પાણી પુરવઠામંત્રી પણ એક વાર વિધાનસભામાં ઊંઘી ગયેલા, તો પણ ખાતું શાંત જ રહેલું.

મિત્રો, ઊંઘ એ વરદાન છે. ઊંઘો અને ઊંઘવા દો.

Saturday, September 4, 2010

ગાયો ગાંઠતી નથી(અવળી ગંગા) Sep 04,2010

એક ગૌહત્યાની વાત કરવી છે. ગૌહત્યા શબ્દ મધ્યમપદલોપી સમાસ તરીકે મૂક્યો છે. મતલબ કે ગાય દ્વારા થયેલી હત્યા તે ગૌહત્યા.

અમદાવાદનો અમર સ્કૂટર ઉપર જતો હતો. ‘જાતે થે જાપાન પહોંચ ગયે ચીન...’ જેવો ઘાટ થયો. અમર જતો હતો ત્યાં રસ્તા ઉપર રઝળતી ગાયે શીંગડું માર્યું. અમર તો ગાયને માતા ગણતો હતો, પણ ગાય તેને પુત્રવત્ નહીં ગણતી હોય. ગમે તેમ હોય તે કુમાતા થઈ. અમર રસ્તામાં મળતી ગાયને પૂંછડે હાથ અડાડી માથે ચઢાવતો હતો, પણ આ ગાયે તેના માથા ઉપર પૂંછડું નહીં પણ શીંગ ઝીક્યું. અમર ઢળી પડયો. ગુજરાતની પ્રખ્યાત ૧૦૮ આવી ગઈ. હોસ્પિટલના ડોક્ટરે તેને તપાસીને છાપાની ભાષામાં કહું તો મૃત જાહેર કર્યો.

છગન આને ગૌ દ્વારા થયલી હત્યા કહે છે. આના માટે જવાબદાર કોણ? ‘માસ્ટર્સ લાયબિલિટી’ના સિદ્ધાંત હેઠળ માલિક જવાબદાર આવે કે નહીં? મતલબ કે ગાયનો માલિક આમાં જવાબદાર કે નહીં?

કોર્પોરેશનનું ઢોર-ત્રાસ નિવારણ ખાતું જવાબદાર ગણાય તેવું છગન કહે છે. ઢોર-ત્રાસ નિવારણનો સ્ટાફ કોર્પોરેશનના પગારમાંથી પોતાનો નિર્વાહ કરે છે, પણ ઢોર-ત્રાસનું નિવારણ કરતું નથી. એ લોકોએ અમરના કુટુંબને વળતર ચૂકવવું જોઈએ.

લઠ્ઠો પીને મરી જનાર ક્યારેક અસામાજિક તત્ત્વ પણ હોય છે. તેના કુટુંબને લાખ રૂપિયા અપાય છે, પણ ઢોર-ત્રાસ નિવારણ ખાતાની બેદરકારીથી મરણ પામનાર કુટુંબને કોઈ વળતર અપાતું નથી.

અમદાવાદ અને રખડતી ગાયોના સંબંધ વિશે વિચારીએ તો અમદાવાદને, સસલાં અને કૂતરા કરતાં પણ વધારે ગાયો સાથેનો સંબંધ જૂનો હશે.

ભાઉની પોળમાં કર્ણાવતી નગરીની દરેક પોળની જેમ શીંગડાં વીંઝતી ગાયો ફરતી હતી.

ત્યારે ત્યાં ડોક્ટર ગોસ્વામી રહેતા હતા. આજે એ ડોક્ટર પોળ તો શું દુનિયામાં પણ રહ્યા નથી. ડોક્ટર સિવિલમાં સર્વિસ કરીને ઘરે આવતા હશે. તે ગાય પાસેથી પસાર થતા જ ગાયે શીંગડાં વીંઝ્યાં. સુધારેલી કહેવત પ્રમાણે દીકરી ને ગાય સ્વામીની સામે થાય એ અનુસાર ગાય ડોક્ટર ગોસ્વામીની સામે થઈ. ડોક્ટરને સ્વમાનભંગ જેવું લાગ્યું. એટલે બાજુમાં કપડાં ધોતી મહિલા પાસેથી ધોકો લઈ ગાયને ફટકારી દીધો.

મારાં માતુશ્રી આ ખેલ જોઈ રહ્યાં હતાં. તેમણે ડોક્ટરને વારતાં કહ્યું, ‘‘ડોક્ટર રહેવા દો, આ ગાય તમને એકબે પેશન્ટ અપાવી શકે તેમ છે.” આ રીતે રખડતી ગાયો ડોક્ટરની સર્વિસનું માર્કેટિંગ કરતી હોય છે તેમ માની શકાય.

અમદાવાદના ઘણા ઓર્થોપેડિક ડોક્ટર્સ અને હાડવૈદોનાં પેટ ભરવાનું કામ ગાય માતા કરે છે. (ભોજનેષુ માતા) ગાયોની આ ઉત્તમ સમાજસેવા કોર્પોરેશનના ધ્યાનમાં છે જ એટલે તેની સામે કડક પગલાં ભરાતાં નથી. ગાયો નાના મોટા બધાંને શીંગડાં ભરાવે છે. કોઈ પણ ભેદભાવ વગર બધાને જ ઠેબે ચડાવે છે. આ સમાજવાદી અભિગમ કહી શકાય. તેનો અનુભવ સમાજવાદી નેતા રસિકલાલ આચાર્યને થઈ ગયો હતો. આચાર્યજી અમદાવાદમાં જૂની હાઈકોર્ટ અને ગાંધીજીના પૂતળા પાસેથી પસાર થયા હતા. ત્યારે એક ગાયે તેમને શીંગો ભરાવ્યાં હતાં. રસિકલાલ આચાર્ય આ કારણે હોસ્પિટલનશીન થયા હતા. પ્રતિષ્ઠિત હાસ્યકાર રતિભાઈ બોરીસાગરે આ બનાવની મીમાંસા આગવી રીતે કરી હતી - તેમણે કહ્યું આ રસિકલાલ મૂળ સમાજવાદી લાલ ટોપીવાળા પાણેરીની જેમ બધા સમાજવાદીઓ કોંગ્રેસમાં હપ્તે હપ્તે જોડાઈ ગયા. રસિકભાઈએ કહ્યું હું કાંેગ્રેસમાં નહીં જોડાઉં. મારી આ લાલ ટોપી મારે માથે જ રહેશે. સર પે ટોપી લાલનું તેમને ગૌરવ હતું. એટલે એમણે કોંગ્રેસની સામે લડયા કર્યું. બોરીસાગરનું તારણ છે કે એ વખતે કોંગ્રેસના નિશાનમાં ગાય હતી. આ ગાયને થયું કે આતો આપણી સામે લડવાવાળો છે. એટલે એટલે ઢીંક મારી. અમદાવાદ એ ગાયોનું સ્વર્ગ છે. ગાયોના સ્વર્ગના શહેરમાં અમર જેવા ગાયોને કારણે સ્વર્ગે સીધાવે છે. અમદાવાદના રસ્તા ઉપર ફરતી ગાયો, એ કોર્પો.ના ઢોર-ત્રાસ નિવારણ વિભાગની જબર-દસ્ત મજાક છે.

વાઈડ બોલ

IPL માં ખેલાડીઓને કરોડો રૂપિયા મળ્યા. નક્સલવાદીઓને લડતા શહીદ થયેલ જવાનના કુટુંબને ફક્ત લાખ રૂપિયા મળ્યા.