Friday, April 9, 2010

છુટ્ટા નથી

થોડા દિવસ પહેલાં રસ્તા ઉપર છુટ્ટા હાથની મારામારી જોઈ. છુટ્ટા પથ્થરની મારામારી થાય, છુટ્ટા પથ્થર કે ઈંટની પણ મારામારી થાય, ઈગ્લિશ ફિલ્મોમાં કોમેડી સીનમાં છૂટ્ટી ક્રીમ યા ડીશથી પણ મારામારી થાય. પણ કોઈ પોતાનો હાથ કાપીને કાઢીને છુટ્ટો મારતું નથી. છતાં છુટ્ટા હાથની મારામારી થઈ તેમ કહેવાય. એટલે આપણે પણ લખ્યું છુટ્ટા હાથની મારામારી. તપાસ કરી એટલે ખબર પડી કે છુટ્ટા પૈસા નહીં હોવાથી છુટ્ટા હાથની મારામારી થઈ હતી.

બજારમાંથી કેટલીક વાર કેરોસીન ગુમ થઈ જાય છે. કેટલીક વાર ખાંડ ગુમ થઈ જાય છે અને પરચૂરણ ગુમ થઈ જાય છે. ધનની ગેરહાજરી માણસને તકલીફ આપે જ છે... કહેવાય છે પૈસાથી બધા પ્રશ્નો નથી ઉકેલાતા પણ પૈસા ન હોવા એ જ સૌથી મોટો પ્રશ્ન છે. અને કેવળ પૈસાથી જ તે ઉકેલાય છે. ભલે કહેવાતું કે પૈસો એ બધાં દર્દોની દવા નથી, પણ પૈસાનો અભાવ બધાં જ દર્દોનું મૂળ છે. પણ એકલું ધન નહીં પણ જીવન ચલાવવા પરચૂરણ પણ જોઈએ. ખિસ્સામાં સો-સોની નોટો હોય કે દસ દસની નોટો હોય, પણ તમે લાચાર થઈ જાવ છો જ્યારે રીક્ષાવાળો કહે છે ચોવીસ રૃપિયા થયા, ઉપરના ચાર છુટ્ટા જોઈએ. તમે જલદી પહોંચવા રીક્ષા કરી હોય, પછી હાથમાં નોટ લઈ આજુબાજુ છૂટા લેવા દોડાદોડી કરો છો. રીક્ષા મુસાફરીથી બચાવેલો સમય પરચૂરણ શોધવાની કસરતમાં વપરાઈ જાય છે.

પરચૂરણની અવેજીમાં કેટલાંક વેપારીઓ પિપરમીન્ટ કે ચોકલેટ આપે છે. એક ભાઈ દવાની દુકાને ગયા. તેમણે પ્રિસ્ક્રિપ્શન આપ્યું. કેમિસ્ટે બત્રીસની દવા આપી અને પાંત્રીસ રૃપિયા જે ગ્રાહકે આપ્યા હતા તેને દવા સાથે છ ચોકલેટો આપી. ત્રણ રૃપિયાને બદલે છ ચોકલેટ. (એક ચોકલેટ=૫૦ પૈસા) ગ્રાહકે પૂછયું, ‘શું ડોક્ટરે ચોકલેટો પણ લખી છે? અને ચોકલેટ સવાર સાંજ એક એક વાર લેવાની કે રોજ એક વાર?’ પછી તો ગ્રાહક સાથે મગજમારી થઈ. એટલે ગ્રાહક છેવટે ચોકલેટની જગ્યાએ માથાની દવા લઈને ઘેર ગયો.

એ દવાના વ્યાપારીએ દવાની સાથોસાથ પરચૂરણના અભાવે છુટ્ટા પૈસાના પર્યાય તરીકે ચોકલેટો આપવા માંડી. એ વેપારી પરચૂરણની તંગીથી રાજી છે. એનું કહેવું છે આ ચોકલેટ મને વીસ પૈસાની પડે છે. પચાસ પૈસા તરીકે ગ્રાહકને પરચૂરણ તરીકે આપું છું. (પધરાવું છું એ સાચો શબ્દ) કેટલા ટકા નફો થયો? સો ટકા કરતાં પણ વધુ. આટલો નફો તો મને દવાના વેપારમાં પણ નથી થતો!

જય-મા-તંગી. (પરચૂરણની)

બસોમાં કંડક્ટર અને મુસાફરો વચ્ચે પણ પરચૂરણ અંગે ઝઘડા થાય છે. કેટલાંક અકળાયેલા મુસાફરો આક્ષેપ કરે છે કે આ બધું પરચૂરણ જાય છે ક્યાં? આ કંડક્ટરો પરચૂરણ વેચી મારે છે!

શાકવાળા પાસે રૃપિયાની કોથમીર માગો તો કહે, ‘રૃપિયો છુટ્ટો લાવ્યા છો?’ (નહીંતર-ચાલતી પકડો) આજે ઘણાં ઘરોમાં દાળ-શાકમાં ક્યારેય કોથમીર જોવા ન મળે તો તેનું કારણ આ છૂટા પૈસાની રામાયણ.

છૂટા પૈસાની રામાયણમાં કેટલીક જગ્યાએ મહાભારત પણ થાય છે. મારામારીઓ પણ થાય છે. તેને કારણે હાડવૈદો કે ઓર્થોપેડિક-સર્જનને ક્યારેક લાભ મળે છે. તો કેટલાંકમાં સામાન્ય પાટાપિંડીના કિસ્સાથી પતે છે. પણ એ રીતે પરચૂરણની તંગી મેડિકલ ક્ષેત્રના વિકાસમાં ફાળો આપે છે.

કેટલાક વેપારીઓ કકળાટથી દૂર રહેવા મંદિરના પૂજારીઓ પાસેથી પાંચ ટકાના વટાવથી પરચૂરણ મેળવી લે છે. અત્યાર સુધી પૂજારીઓ જપ-વિધિ જેવાં કામોમાં જ કંઈક મેળવતા, પણ હવે પરચૂરણની તંગીથી તેઓને પણ આવકનું એક નવું સાધન મળ્યું છે. આ આપણી અર્થવ્યવસ્થા નામના ગ્રહની તેમના ઉપર થયેલી કૃપા ગણી શકાય.

ગૂગલી

માય નેઈમ ઈઝ ખાનની રજૂઆત મોકૂફ રહી. - સમાચાર

માય નેઈમ ઈઝ ઠાકરેવધારે વજનદાર નીકળ્યું...

No comments: