Sunday, October 31, 2010

પત્નીને મારી શકાય

Oct 30,2010

પત્નીને મારી શકાય. બાકાયદા મારી શકાય. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. હરખાશો નહીં ભાઈઓ એ સુપ્રીમ કોર્ટ આપણી નહીં, પણ સંયુક્ત આરબ અમીરાતનો એ ચુકાદો છે! આપણે ત્યાં પત્નીને ફટકારનારને કોર્ટ સજા ફટકારી શકે, એક કિસ્સામાં પત્નીને લાફો મારનારને કોર્ટે પચાસ રૂપિયા દંડ કર્યો હતો. પેલા પતિદેવે સોની નોટ ધરી. ક્લાર્કે કહ્યું, ‘છુટ્ટા નથી. પચાસ છુટ્ટા આપો’ પતિદેવે ઉત્સાહથી કહ્યું, ‘કોઈ વાંધો નહીં. હું બીજો એક લાફો મારી દઉં છું.’ કદાચ આ રમૂજ ગાંધીજી જાણતા હશે એટલે એમણે કહ્યું હતું, “કોઈ તારા એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરજે” (કમાણી બમણી થશે!)

યુનાઈટેડ આરબ અમીરાતની સુપ્રીમ કોર્ટનો ચુકાદો આપણને બંધનકર્તા નથી પણ તેમણે ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે પત્નીને મારી શકાય, પણ તે હળવી ઝાપટઝૂપટ જ હોવી જોઈએ. મારઝૂડ નહીં. એ કોર્ટે તો પત્નીને અંકુશમાં રાખવા આ પ્રથા જરૂરી છે તેમ પણ કહ્યું. મિત્રો, એ આરબ મુલ્ક છે. આરબ મુલ્કમાં સ્ત્રીઓનું કે પત્નીનું સ્થાન નીચલા દરજ્જાનં ગણાય છે. કેટલાંક વર્ષો પહેલાં અમેરિકન પ્રમુખ જીમી કાર્ટર સાઉદી અરેબિયા ગયા હતા. અમેરિકામાં તો પતિ-પત્ની સાથોસાથ ચાલે હાથમાં હાથ નાખી ચાલે, પણ આરબ દેશમાં પત્ની પાછળ પાછળ ચાલે.

અમેરિકન પ્રમુખ આરબ સંસ્કૃતિને ખ્યાલમાં રાખી પત્નીને પાછળ રાખી પોતે આગળ આગળ ચાલ્યા. અમેરિકાનાં ‘ફર્સ્ટ લેડી’ ‘રનર અપ’ની જેમ પાછળ પાછળ ચાલતાં હતાં. એ ફોટોગ્રાફ્સ અમેરિકામાં છપાયા ને હોબાળો મચ્યો. ‘હાઉ કેન યુ ઈગ્નોર યોર વાઈફ?

પણ આરબ દેશોમાં પત્ની પાછળ ઢસડાઈને ચાલતી હોય તે સામાન્ય છે. આ અંગેની એક રમૂજ છે. અફઘાનિસ્તાનમાં એક પઠાણ પાછળ પાછળ ચાલતો હતો, તેની બીબી આગળ જઈ રહી હતી. કોઈકે કહ્યું, ‘તમે ઉદારમતવાદી છો, પત્ની તમારાથી આગળ ચાલે છે!’

‘ના-ના એવું નથી.’ પઠાણ ભાયડાએ કહ્યું ‘આ રસ્તા ઉપર સુરંગો પાથરેલી છે એટલે હું બીબીને આગળ મોકલી રહ્યો છું!’ આપણે ત્યાં આરબ દેશો જેવી સ્થિતિ નથી. ક્યાંક ક્યાંક તો ‘અવળી ગંગા’ જોવા મળે છે. પત્ની પતિને મારતી હોય એવા કિસ્સા છે. (ભૂલ ન કરતા, મારી આત્મકથાનો ભાગ નથી પણ એક ચરિત્રકથા છે.) સેટેલાઇટ વિસ્તારનો એક કિસ્સો લાઇટમાં આવ્યો હતો. એક મહિલા તેના પતિને મારતી હતી આખરે આ પ્રદેશ અમદાવાદના મૂળમાં સસલું કૂતરાની સામે થઈ ગયું હતું તે બતાવે છે. ત્યાં સસલી જેવી પત્ની કૂતરા જેવા પતિ સામે થઈ જાય એ નવાઈ ન કહેવાય!

આરબ કોર્ટનો ચુકાદો યાદ રાખવા જેવો છે. પત્નીને મારો પણ હળવેથી. મારા હિન્દીભાષી મિત્ર કહેતા હતા. ‘મખમલ મેં લપેટ કે જૂતા મારો’ આરબ કોર્ટ એ જ કહે છે કે જૂતા મારો પણ મખમલ મેં લપેટ કે. આપણા લોકગીતમાં પણ આવે છે. ‘લવિંગ કેરી લાકડીયે રામે સીતાને માર્યાં જો...’ એટલે કે પત્નીને મારો પણ ‘લવિંગલી’.

આરબ અમીરાતથી કોર્ટ પણ એ જ કહે છે મારો પણ લવિંગલી! આપણે ત્યાં તો શાબ્દિક પ્રહાર પણ માન્ય નથી. એક પતિ એની પત્નીને કાળી કાળી કહેતો હતો. પેલીને ગમતું ન હતું. છતાં કાળી કહેવાનું ચાલુ જ રાખ્યું એટલે એ કાળી લાલ થઈ ગઈ, સુપ્રીમ સુધી મામલો ગયો. સુપ્રીમે પત્નીને કાળી કહેતા પતિને કાળી કોટડીમાં પૂરી દેવાની સજા કરેલી. ટૂંકમાં આરબ કોર્ટના ચુકાદાથી કોઈએ ખુશ થવાની જરૂર નથી. પ્રેરણા લેવાની પણ જરૂર નથી.

વાઈડ બોલ

યહાં કિસી કો મુક્કમલ જહાં નહીં મીલતા. કિસી કો આસમાં નહીં મિલતા, કિસી કો જમી નહીં મીલતી. અને કેટલાંક ત્રિશંકુઓને જમીં પણ નથી મળતી અને આસમાં પણ નથી મળતું.

Tuesday, October 26, 2010

બાપનો મારતલ

કંસ અને કોર્પોરેટર એવું શીર્ષક બની શકે તેવી ઘટના છે. કંસને કહેવામાં આવ્યું હતું કે દેવકીનું આઠમું સંતાન તેનો વધ કરશે. અત્યારની સ્થાનિક સંસ્થાઓની નિયમાવલિના કારણે ત્રીજું સંતાન તેના પિતાના સ્થાનનો વધ કરે છે. કોર્પોરેટર થવું હોય તો બેથી વધુ સંતાન તમને ન હોવા જોઈએ. ભલે તમે પચાસ હજાર માણસોના પ્રતિનિધિ હો પણ તમારે બેથી વધુ સંતાન ન ચાલે. શાહજહાંની મશહૂર બેગમ (વન ઓફ ધ વાઈફ્ ઓફ શાહજહાં) મુમતાઝને ચૌદ સંતાન હતાં. એ ભલે રાજરાણી હતી, પણ આજે તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર ન બની શકે. સિંદબાદ કહે છે કે મુસ્લિમ બિરાદરોની કુંડળીમાં સંતાન યોગ પ્રબળ હોય છે. એક સ્થાનિક ટૂર કંપનીના ડ્રાઈવર સૈયદભાઈને અગિયાર બાળકો હતાં. એમની સાથે તાજમહાલ જોતા જોતા એક પ્રવાસીએ ટકોર કરેલી કે ‘સૈયદભાઈ તમે શાહજહાં કરતાં થોડાક જ પાછળ ગણાવ.’ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોંગ્રેસના ચાલીસ કોર્પોરેટમાંથી અઢાર મુસ્લિમ છે. સાફ છે કે તેઓને બેથી વધુ બાળકો નહીં હોય. આ એ સમાજની પ્રગતિ ગણી હરખાવું જોઈએ.

ઇતિહાસના એક કાળમાં બાપને મારી દીકરો ગાદીએ આવતો. હવેના સમયમાં દીકરાને ગાદી નથી મળતી, પણ તેના કારણે બાપને ગાદી ગુમાવવી પડે છે. આ કળિયુગમાં ત્રીજું સંતાન બાપનો હત્યારો બને છે. અલબત્ત, તેમની ખુરશીની હત્યા. ‘પણ બિના ખુરશી જીના ક્યા, જીના હૈ?’

આ નિયમના કારણે અજીબોગરીબ ઘટના બને છે. થોડાક વખત પહેલાં એક ભાજપી નેતાને ઘેર ત્રીજા સંતાનનો જન્મ થયો કે કોંગ્રેસે પેંડા વહેંચ્યા હતા. આ ત્રીજા સંતાને તેના પિતાની નગરપાલિકાના પ્રમુખપદની ખુરશીને ખતરામાં મૂકી દીધી હતી. તેનો આનંદ તેમણે પેંડા વહેંચી પ્રગટ કર્યો હતો.

અત્યારે ભાજપના જ બે કોર્પોરેટ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેમની ખુરશી ગુમાવવાની તૈયારીમાં છે, એમના સંતાનને કારણે. આ માસૂમ બાળકોને ખબર પણ નથી કે તેમના કારણે પિતાની ખુરશી જઈ રહી છે.

મિત્રો, આ નિયમના કારણે આપણને ભવિષ્યમાં લાલુ પ્રસાદ નહીં મળે. લાલુ પ્રસાદ યાદવને નવ બાળકો છે. વિચાર કરો લાલુ પ્રસાદ વિના રાજકારણ કેટલું સૂનું લાગે?

આપણે ત્યાં અષ્ટપુત્ર માતા ભવ. આઠ પુત્રની માતા થવાનો આશીર્વાદ અપાય છે. આ નિયમ પ્રમાણે આ આશીર્વાદ હવે શ્રાપ બની રહ્યો છે. આમ જોવા જાવ તો આ નિયમ આપણી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે છે તેમ ગણી શકાય. તે અંગે કેમ કોઈ રીટ કોઈ રીટપ્રેમીએ કરી નથી તે સમજાતું નથી? કેટલાક લોકો રીટપ્રેમી હોય છે. મોકો મળે કે એકાદ રીટ ફટકારી દે. કાંકરિયાની ‘એન્ટ્રી ફી’ માટે લોકોએ રીટ ફટકારી છે. પણ ત્રીજા સંતાનથી થતી ‘એક્ઝીટ’ માટે કેમ તેમણે રીટ નથી કરી?

એ ત્રીજા બાળકને હાલરડું નાખતા વિતાવે કહ્યું પણ હશે કે, ‘તમે મારા દેવના દીધેલ છો.’ હવે એક કડી ઉમેરી શકાય ‘તમે મારી ખુરશીમાં મારતલ છો’. વધુ પત્ની રાખવાની આઝાદી તો ગઈ, હવે વધુ બાળકો મેળવવાની આઝાદી પણ જઈ રહી છે. જાગો... જનતા જાગો..

ગૂગલી

જીવન કરતાં વધુ સંતોષ છે બેફામ મૃત્યુમાં

હતાં મોટાં મકાનો એમને નાની મઝારો છે.

- બરકત વિરાણી

Saturday, October 23, 2010

બાબુ એક પૈસા દે દે...

આ એક જ પંક્તિ સાંભળ્યા પછી તુરંત જ ખ્યાલ આવે કે ગીત પુરાણું છે. ઘણું પુરાણું છે. એક ભિખારી ભીખમાં પૈસો માંગે છે. અત્યારે કોઈ ભિખારી પૈસો માગે નહીં કે લે નહીં. વર્ષો પહેલાંની હિન્દી ફિલ્મના આ ગીતકારને મન એક પૈસાનું મહત્ત્વ હતું. અત્યારે રિ-મેકનો જમાનો છે. ઘણી જૂની ફિલ્મોના રિ-મેક થાય છે એ રીતે ‘બાબુ એક પૈસા દે દે’ ગીતનું રિ-મેક કરવું હોય તો ‘બાબુ એક રૃપિયા દે દે’ એવું ગીત બનાવવું પડે. આપણી હિન્દી ફિલ્મનું કોઈ એક જમાનામાં પ્રખ્યાત ભીખગીત હતું એક પૈસા દે દે.

આમ તો હોલિવૂડની ફિલ્મો સાથે આપણી ફિલ્મોની સરખામણી થાય છે. એક મહત્ત્વનો ફરક હોલિવૂડ અને બોલિવૂડ વચ્ચે છે તે છે ભીખ-ગીતોનો! ભિખારીઓએ ગાયેલાં ગીતો આપણી ફિલ્મોમાં છવાઈ ગયાં છે. હોલિવૂડની કોઈ ફિલ્મમાં ભીખ-ગીત નથી. આપણી ફિલ્મોમાં ભીખગીતો એટલાં મશહૂર થઈ ગયાં છે કે તે લખનાર ગીતકારો ને સંગીતકારો ધનાઢય થઈ ગયા. ભીખગીતે એમને ધનવાન કર્યા!

આપણી ફિલ્મોએ કન્યાવિદાયનાં સુપરહિટ ગીતો આપ્યાં છે. લોરી-યાને હાલરડાં ગીતોએ આપણી ફિલ્મોમાં ખંગ વાળી દીધો છે. ‘ધીરે સે આજારે અખિયોં મેં નિંદીયા...’ ના ગીતકાર રાજેન્દ્ર ક્રિશ્ન અને સંગીતકાર રામચંદ્ર ચિરનિદ્રા પામી ગયા છે પણ આ ગીત સદાબહાર છે.

આપણી ફિલ્મોનાં લોરી-ગીતો કે કન્યાવિદાય ગીતો વિશે ઘણું લખાયું છે પણ ‘ભીખ-ગીતો’ પણ લેખ લખાય તેવો વિષય છે. ભીખગીતોની બાબતમાં બોલિવૂડ ખૂબ જ આગળ છે. હોલિવૂડને આ બાબતે ‘લવ-ગેઈમ’ આપી છે. હોલિવૂડ ઝીરો છે. સામે બોલિવૂડનાં અસંખ્ય ગીતો છે.

ભીખ આપણા જીવનમાં વણાઈ ગયેલી છે. કોઈ ટ્રેન એવી નહીં હોય જેમાં ભિખારીઓ લટપટિયાના તાલે ગીત ગાઈને ભીખ મેળવે. ભિખારીઓ પણ અપ-ડાઉન કરતા હોય છે અને ટિકિટ-ચેકરોની જેમ ટ્રેનમાંથી બે-પૈસા રળી લે છે.

વરસો પહેલાં રાજકપૂરનું ‘બૂટ-પોલિસ’ આવ્યું હતું. તેમાં સુંદર ભીખગીત હતું. ‘તૂમ્હારે તૂમ સે દયા માગતે હૈ’ છેલ્લી પંક્તિમાં રફી સાહેબ તાર સપ્તકમાં ‘બચા હુઆ રોટી કા ટુકડા યા કપડા દીલા દો’ની માગ કરે છે. ત્યારે રેડિયો ઉપર ગીત અવારનવાર વાગતું તે સાંભળી એક સજ્જન કહેતા હતા. ‘આટલો સરસ હલકદાર કંઠ છે તો ભીખ શું કામ માગતા હશે?’ એક ભીખગીતમાં ભિખારી કહે છે, ‘ઔલાદ વાલો ફૂલો ફલો મળનાર પૈસાના બદલામાં ફૂલો ફલો...ના આશીર્વાદ આપે છે. છગન કહે છે તે શરતી આશીર્વાદ છે. તે ઔલાદવાલોને જ સંબોધે છે. એટલે કે નિઃસંતાન લોકો માટે એ ડિમાન્ડ નથી કરતો. લાખ્ખો-કુંવારા સ્ત્રી-પુરુષને પણ ઔલાદ વાલો’ વાક્ય લાગુ ન પડે.

એક ભીખગીતમાં લોટરીપ્રથાના પ્રચાર જોવામાં આવે છે. ‘તું એક પૈસા દેગા તો વો દસ લાખ દેગા’ રોકાણ એક પૈસાનું ફાયદો સીધો દસ લાખનો. આ લોટરીમાં બની શકે. યા સટ્ટો!! એ રીતે સટ્ટાખોરીનું એ પ્રચારગીત પણ ગણી શકાય.

એક ફિલ્મમાં હાથી પાસે ભીખ મંગાવવામાં આવે છે ત્યારે હીરો ગાય છે, ‘દુનિયા મેં જીના હૈ તો કામ કર પ્યારે, સલામ કર પ્યારે’ અને હાથી સલામ કરે, પૈસા મેળવે.

આપણે ત્યાં ભીખ પણ સંગીતમય છે. એટલે ફિલ્મોમાં તે કામમાં આવે છે. વર્ષો પહેલાં રાયપુર ખાડિયામાં એક મહારાષ્ટ્રીયન કિશોર અને તેની બહેન ભીખ માગવા એમના સુકોમળ ગળામાંથી રેલાતું ભજન ‘મોરે કમલપતિ ભગવાન’ હજુ લોકોને યાદ છે.

‘બસંતબહાર’ ફિલ્મમાં પણ ભીખ અને ભજનનું મિશ્રણ મન્ના ડેના ગીતમાં હતું. ‘ભીડભંજના સૂન વંદના હમારી’ મલ્હાર રાગની બંદિશમાં ગીતકાર કહે છે, ‘તૂમ્હે ક્યા મેં દૂં મૈં ઠહેરા ભિખારી...’ ‘દોસ્તી’ ફિલ્મના ગીતમાં પણ ભીખનો સૂર જ પ્રધાન હતો. તો પ્રધાનો પણ ભીખનો સૂર ક્યારેક રેલાવે છે. એટલે કે ચૂંટણી વખતે હાથ જોડીને પ્રજા પાસે મત માંગે છે. આપણી સંસદમાં પચાસ ટકા સભ્યો કરોડપતિ છે. એટલે કરોડપતિ ભિખારીઓ છે એમ કહી શકાય.

Saturday, October 16, 2010

સરદાર તરફથી ઉપડશું...

અવળીગંગા - નિરંજન ત્રિવેદી

પોળોમાં તકરાર થાય ત્યારે મિત્રો વ્યૂહ ગોઠવે. સૂરીયાને લાગે છે કે કનિયા સાથે બબાલ થાય તેમ છે. એટલે તે તેના ગોઠિયાને પૂછે છે “મનુ, પેલા કનિયા સાથે બબાલ થઈ છે. મારામારી પણ કદાચ થશે.”

“થવા દે”

“હા, પણ ઝઘડો થશે ત્યારે તું મારા તરફથી ઉપડીશ ને?”

ત્યારે મનુ સુરીયાને બાંયધરી આપે છે, “હું તારા તરફથી ઉપડીશ, હું ઉપડીશ એ ‘કમિટમેન્ટ’ છે.”

અત્યારે સરદાર એટલે કે સરદાર પટેલને કારણે બબાલ થઈ છે.

ભાજપ અને કોગ્રેસે બાંયો ચડાવી છે.

કોંગ્રેસી મિત્રો એમના શત્રુ એટલે કે ભાજપ માટે કહી રહ્યા છે કે એમને ચૂંટણી વખતે જ સરદાર યાદ આવે છે.

“અરે, પણ તમને તો સરદાર ક્યારેય પણ યાદ નથી આવ્યા.” ભાજપી કાર્યકર વળતો જવાબ આપે છે.

આ તકરારમાં કોંગ્રેસ કે ભાજપ બરાબર ગરમ છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા ઊભી કરવાનું નક્કી કર્યું છે. આ પ્રતિમા વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા થશે. લીબર્ટીની પ્રતિમા કરતાં ક્યાંય મોટી આ પ્રતિમા હશે. બસ્સો મીટર ઊંચી પ્રતિમાના વિચારથી જ લોકો ઉત્તેજિત થઈ જાય છે.

ભારતના સૌથી ઊંચા નેતા માટે સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની વાત છે. સરદારસાહેબની બસ્સો મીટર ઊંચી પ્રતિમા બનશે. (લગભગ સાઠ માળના મકાન જેટલી) કોંગ્રેસ તરફથી ઝઘડો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસવાળા માને છે કે સરદાર તો કોંગ્રેસી હતા. “મારા બાપનું બારમું કોઈ બીજો કેમ કરે?”

ભાજપવાળા કહે છે સરદાર તો રાષ્ટ્રનેતા હતા. આ દેશને એક કર્યો હતો. આ ઝઘડામાં આપણે ક્યાં છીએ? આપણે કોંગ્રેસ તરફી નથી કે ભાજપ તરફી નથી, આપણે સરદાર તરફી છીએ. સરદાર તરફથી ઉપડવાનું અમારું કમિટમેન્ટ છે.

સરદાર પટેલનો જન્મ થયો ત્યારે જનસંઘ કે ભાજપનો જન્મ પણ થયો ન હતો. એ વખતે સરદારની સ્મશાનયાત્રામાં પ્રધાનોએ ભાગ લેવા મુંબઈ ન જવું એવી સૂચના પંડિતજીને જારી કરી હતી. પણ કનૈયાલાલ મુનશીએ તે સૂચના માની ન હતી. આ વાત મુનશીએ તેમની કથામાં લખી જ છે. અને આ લોકો પૂછે છે કે સરદારને કેમ યાદ કરો છો? આ દેશના દરેક મોટા નેતાએ મર્યા પછી પોતાના નામના ઘાટ પામ્યા છે. ગાંધીજી, જવાહરલાલ, ઇન્દિરાજી, અરે, પેલા ચરણસિંહજી અને બાબુ જગજીવનરામ પણ પોતાના ઘાટ એમની અગ્નિસંસ્કારની ભૂમિ ઉપર પામ્યા છે. આ બધા નેતાઓને એક પલ્લામાં મૂકો સામે સરદારને મૂકો એ તમામના ભેગા વજન કરતાં સરદાર પટેલનું વજન વધી જાય છે. એ સરદારના નામનો કોઈ ‘ઘાટ’ નથી. (જેણે આધુનિક ભારતનો ઘાટ આપ્યો) રાજીવ ગાંધી, સંજય ગાંધીનાં પણ ઘાટ-સ્મારક છે જ. બહાદુર શાહ ઝફરે કહ્યું હતું તેમ સરદાર પટેલને પોતાની કર્મભૂમિમાં “દો ગજ ભી જમીં ન મિલી”. આ બાબતે એ લોકોએ લાજવું જોઈએ પણ કેવા ગાજે છે!

આ દેશમાં અનેક લોકોની ટપાલટિકિટ બહાર પડી ગઈ છે. તબલાંવાળા કે સારંગીવાળાની ટપાલટિકિટ બહાર પડી ચૂકી છે. પણ મહાન-અતિમહાન સરદાર પટેલની ટિકિટ નહેરુજીની હયાતિમાં બહાર પડી નથી. ખેર, સરદાર બે ઈંચની ટપાલટિકિટના મહોતાજ નથી. માટે જ એમના માટે બે ઈંચની ટપાલટિકિટની જગ્યાએ બસ્સો મીટરની પ્રતિમા સ્થાન લઈ રહી છે. કોઈ પણ રાષ્ટ્રપ્રેમીને આનંદ થવો જ જોઈએ.

સરદાર પટેલની જન્મજયંતીની રજા પણ નહેરુના અવસાન પછી ગુજરાતમાં મંજૂર થઈ.

કારણ? કારણ એ જ કે “તૂમ કો પસંદ હો, વો હી બાત કરેંગે”તે એમનું ફેવરિટ ગીત હતું.

સરદારનું તૈલચિત્ર પણ લોકસભામાં ક્યારે મુકાયું? એ જરા જોઈ લેજો.

આ સરદારની વિરાટ પ્રતિમા મુકાય તો સમગ્ર દેશ ધન્ય થશે. યાદ આવે છે સ્વામી વિવેકાનંદની પ્રતિમા કન્યાકુમારીમાં મૂકતાં મૂકતાં આયોજકોને આંખમાં પાણી આવી ગયાં હતાં. એટલી બધી કનડગત, અવરોધો કેન્દ્ર સરકાર તરફથી થયાં હતાં. આમાં શું થશે?

વાઈડ બોલ :

“ચૂંટણીના દિવસે દારૂના વેચાણ પર પ્રતિબંધ હોય છે.”

“ડફોળ, ચૂંટણીના દિવસે કોઈ વેચાતું પીતું હોય!”

Saturday, October 9, 2010

શાહજહાંએ કરેલું શ્રાદ્ધઃ તાજમહાલ

મોગલ બાદશાહ પણ શ્રાદ્ધમાં માનતા હતા. તાજમહાલ એ શાહજહાંએ કરેલું પત્નીનું શ્રાદ્ધ હતું.

તાજમહાલને પ્રેમના શાશ્વત પ્રતીક તરીકે લોકો માને છે.

પેલા તબલાનવાઝ ઝાકીર હુસેનની જેમ લોકો તાજમહેલને જોઈ વાહ તાજ બોલી ઊઠે છે.

શાહજહાંએ આપેલી પત્નીને અંજલિ જોઈને ઘણાં લોકો ગદ્ગદ્ થઈ જાય છે. આ માણસે પોતાના પ્રેમને અમર કરી દીધો. અમરપ્રેમ તે આનું નામ. મુમતાઝે મરીને પણ શાહજહાંને અમર કરી દીધો. આજે લોકો ભલે તાજમહાલમાં શાહજહાંનો પ્રેમ જોતા હોય, પણ તે મુમતાઝની દેણગી છે, શાહજહાંની નહીં. પત્ની કે પ્રેમિકા પાછળ લૂંટાવું લોકોને ગમે છે. એ કામ લોકો હોંશેહોંશે કરે છે.

મારા એક મિત્ર શાહજહાંના તાજમહાલનું મૂલ્યાંકન કરતાં કહે છે. ભલે તમે પ્રેમના પ્રતીક તરીકે તાજને ગણો, પણ ખરું પ્રેમનું પ્રતીક તો આઠમો એડવર્ડ હતો. જેણે પ્રેમ ખાતર ‘તાજ’ને જતો કર્યો. પ્રેમ ખાતર તાજના નિર્માણ કરતાં પ્રેમ ખાતર ‘તાજ’ની કુરબાનીની કથા વધુ ભવ્ય ગણાય.

શાયર સાહિર લુધિયાનવી તાજમહાલ ઉપર ખફા હતા. તાજમહાલની ભવ્યતાથી તે અંજાયા નથી, પણ ડઘાયા છે. કહે છે ‘કિસી શહેનશાહને દૌલત કા સહારા લે કે હમ ગરીબો કી મોહબ્બત કા ઉડાયા હૈ મજાક’ જેમ કેટલાક ધનાઢયો સંતાનોનાં લગ્ન પાછળ ધુમાડાબંધ ગામ જમાડે કે ધનનો ધુમાડો કરે. મા-બાપના મરણ પછી ભવ્ય કારજ કરે. (જીવતા શું કર્યું હોય તે જગ જાણે નહીં) શાહજહાંએ પણ તાજમહાલ રૃપે મૃતપત્નીનું ભવ્ય કારજ કરેલું.

છગનનું માનવું છે કે શાહજહાં જીવતી પત્નીને ખુશ નહીં રાખી શક્યો હોય. (ક્યાંથી ખુશ હોય જ્યારે બીજી છ શોક્ય હાજર હોય!) એટલે મર્યા પછી પત્નીના આત્માને ખુશ કરવા તાજમહાલ બંધાવ્યો હશે. પત્ની કે કોઈ પણ મહિલાને રાજી રાખવી એ ઘણું મોટું કાર્ય છે. ભલભલા માંધાતાઓ, ચમરબંધીઓ ‘હોમફ્રન્ટ’ ઉપર હારી જતા હોય છે. ‘દુનિયા સે જીતે મગર તુમસે હારે’ એવી સ્થિતિ હોય છે. એટલે બુંદથી બગડેલી સ્થિતિને હોજ સમાન તાજમહાલથી સુધારવા તેણે કોશિશ કરી હોય તેમ જણાય છે.

શાહજહાંની આ કોશિશને શેખાદમે ચમકતો ને દમકતો મહેલ પણ જ્યાં પ્રેમ કેદ છે તેવી ખૂબસૂરત પથ્થરની જેલ કહી છે.

શું પ્રેમ પૈસાથી ખરીદી શકાય? રમા રમેશને પ્રેમ કરતી હતી પણ તેને ખબર પડી કે રમેશના કાકા કરોડપતિ છે, એટલે તે રમેશના કરોડપતિ કાકાને પરણી ગઈ. રમેશની રાણી થવાને બદલે તેની કાકી થઈ ગઈ. ભલે આ રમૂજ હોય પણ વાસ્તવિક્તા પણ છે જ. શાહજહાંએ પ્રેમને પૈસાથી તોલવા પ્રયત્ન કર્યો હતો. એ શાસક હતો. શાસકો પૈસાથી મત ખરીદી શકે છે. (હમરી ન માનો તો કોઈ ઉમેદવાર સે પૂછો) પણ પ્રેમ એ રીતે ખરીદી ન શકાય. સિંદબાદે તુરંત ઝુકાવ્યું, ‘‘બોસ, તમે તાજને શાહજહાંના પ્રેમનું પ્રતીક કહો છો? બોસ શાહજહાંને સાત રાણીઓ હતી, તેમાં મુમતાઝ ચોથી હતી!’’

‘‘ખરેખર!’’

‘‘યસ, અને એ ચોથી ત્યારે પરણેલી હતી. સમાજમાં એક પુરુષને સાત પત્ની માન્ય ગણાય (ત્યારે) પણ એક સ્ત્રીને બે પતિ માન્ય ન ગણાય. એટલે તેના હયાત પતિએ ખસી જવું પડે. શાહજહાંએ તેને ખેસવી પાડેલો.’’

‘‘ક્યા બાત હૈ?’’

‘‘બોસ, આ અમરપ્રેમની કૃતિ જોવા માટે તમારે એન્ટ્રી ફી આપવી પડે છે.’’

‘‘આપણા કાંકરિયાની જેમ!’’

‘‘હા, પણ કાંકરિયાની એન્ટ્રી ફીનો વિરોધ કરનારાઓ તાજની એન્ટ્રી ફી માટે ચૂપ છે.’’

‘‘બોસ, એ વિરોધ તો સગવડિયો છે, પણ તાજમાં એન્ટ્રી લેવા માટે મુમતાઝે ત્યારે એન્ટ્રી ફી ચૂકવી હતી, તેણે તે માટે પોતાનો જાન આપી દેવો પડયો હતો.’’

‘‘યસ યસ.’’

‘‘મુમતાઝના અમરપ્રેમની વાત કરનારાઓને ખબર નહીં હોય કે મુમતાઝના મરણ પછી શાહજહાંએ તેની બહેન સાથે લગ્ન કરી લીધાં હતા. આનું નામ પ્રેમ! પૂરા ખાનદાન સાથે પ્રેમ શાહજહાંએ કરેલો.’’

ઇતિહાસ કહે છે કે મુમતાઝ, મહેલ કરતાં મેટરનિટી હોમમાં વધુ રહેલાં. તેને ચૌદ પ્રસૂતિ થયેલી અને ચૌદમી પ્રસૂતિમાં જન્નનતશીન થઈ તાજમહાલ પહોંચી ગઈ. આ પ્રેમકથા માટે રહેમાન શૈલીમાં કહી શકાય ‘જય-હો!’

Wednesday, October 6, 2010

પરીક્ષામાં ચોરી

પરીક્ષાની વાત નીકળે છે ત્યારે તેની સાથોસાથ ચોરીની વાત પણ નીકળે જ છે. ફિલ્મી ભાષામાં કહેવું હોય તો કહેવાય કે પરીક્ષા અને ચોરી કા, ચોલી દામન કા સંબંધ હૈ, ચોરી પકડવાનું જેઓનું કાર્ય છે એવા એક ઉચ્ચ પોલીસ અધિકારી પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હતા.

તે ઉચ્ચ અધિકારી એલ.એલ.બી. કાયદાની પરીક્ષા આપી રહ્યા હતા. કેટલીક કાયદાપોથીની નોંધો તેમણે હાથ ઉપર લખી રાખી હતી. પેપર લખતા લખતા હાથ જોયા કરે. હાથ વાંચવાનું કામ આમ તો જ્યોતિષનું ગણાય. પણ પરીક્ષાર્થી પોલીસ ઓફિસર હાથ સામે જોઈ જોઈને લખતા હતા. તેમાં પકડાઈ ગયા. કાયદો હાથમાં લેવો તેવો એક રૃઢિપ્રયોગ છે. આ કિસ્સામાં કાયદો હાથ ઉપર જ હતો. પણ ચોરી પકડાતા તેમના હાથ હેઠા પડયા.

હમણાં થોડાક સમય પહેલાં પરીક્ષામાં ચોરી કરતા ન્યાયાધીશ પકડાયા (ખાતાકીય પરીક્ષા હતી). પોલીસ ઓફિસરે ચોરી કરી, પછી ન્યાયાધીશ પણ આવ્યા. છોટે મિયાં તો છોટે મિયાં, બડે મિયાં પણ ચોરી કામમાં જોડાયા. છાપાની ભાષામાં કહીએ તો આ બનાવે ચકચાર જગાવી હતી.

પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા ન્યાયાધીશો. (ત્રણ જેટલા હતા) એ કોરસમાં કદાચ ગાયું પણ હશે ‘હંગામાં ક્યૂં હૈ... ચોરી હી કી હૈ - પરીક્ષામં...’

જે લોકો પાસે ચોરી કરનારને પકડવાની અપેક્ષા હોય તે પોલીસ ઓફિસર, અને જે ચોરી કરનારને સજા આપે તેવી અપેક્ષા હોય તે ન્યાયાધીશ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા... ‘મી લોર્ડ, ઉસ કો કડીસે કડી સજા મીલની ચાહીયે’

સિંદબાદ કહે છે આ પ્રકારની ચોરીમાં ખોટો હંગામો છે. આમાં ચોરી ક્યાં આવી? ચોરીમાં તો એક જણની માલિકીની વસ્તુ કોઈ તેની જાણ બહાર તફડાવી જાય તો જ ચોરી ગણાય. આ કિસ્સામાં એવું કશું થયું નથી. સમજવા માટે એક દાખલો જોઈએ. પરીક્ષામાં પુછાયું હોય મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો? કોઈ વિદ્યાર્થી, મતલબ કે પરીક્ષાર્થીને તેની ખબર ન હોય તો તે કાપલીમાંથી કે કોઈ જગ્યાએથી જોઈ લે અને લખે કે મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણસીત્તેરમાં થયો હતો. આને તમે ચોરી કેમ કહી શકો? શું મહાત્મા ગાંધીની જન્મ તારીખ ચોરાઈ ગઈ ગણાય? એ જન્મતારીખ જ્યાં છે ત્યાં જ છે એની ચોરી કઈ રીતે ગણાય? કોઈનો મોબાઈલ ચોરાઈ જાય ત્યારે તે હતો ત્યાં નથી હોતો. જ્ઞાન ગંગાનાં વહેણ વિચારધારામાં વહેતાં થાય છે. એ કાપલીમાં લખેલું જ્ઞાન આવા વર્ગમાં ફેલાઈ જાય એને ચોરી કહેવી એ ઘણી ખરાબ બાબત છે.

ગૂગલી

ચીકનગુનિયા ચુસ્ત વેજિટેરિયનને પણ થઈ શકે છે.

Saturday, October 2, 2010

પીણું નહીં પુસ્તક આપો!

વાંચે ગુજરાતનું અભિયાન શરૃ થયું છે, પછી પુસ્તક વધુ વેચાયાં હશે. (કદાચ) પણ આ અંગેનાં સૂત્રો વધુ બોલાયાં છે, લખાયાં છે, એક સૂત્ર છે - ‘ઠંડું પીણું નહીં પુસ્તક આપો.’

તમારે કોઈ ઠંડું પીણું પીવું હોય અને તમને કોઈ પુસ્તક આપે તો તમે શું કરો? એક પ્રસંગ યાદ આવે છે મારા મિત્ર હતા. અમે એક પરિચિતની ખબર કાઢવા અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ગયા હતા. અત્યારે તો એ હોસ્પિટલમાં ક્યારેક ડોક્ટરની પણ ખબર લેવા જવું પડે તેવું છે. ત્યાં દર્દીનાં સગાં ક્યારેક ડોક્ટરોની પણ મારઝૂડ કરી લે છે. એને તમે ‘પ્રોફેશનલ હેઝાર્ડ’ કહી શકો. (ક્રિકેટરોના રમવા જતા હાડકાં ભાંગે છે તેમ)

અમે અમારા પરિચિતની ખબર કાઢી, એમની બાજુમાં જ એક યુવાનનો ખાટલો હતો. તેણે આપઘાત કરવાની કોશિશ કરી હતી. તે બેશુદ્ધ હાલતમાં હતો. તેના પિતા બાજુમાં કકળાટ કરતા ઊભા હતા, “ભાઈસાબ, આ છોકરો પાણી માગતો હતો અને દૂધ આપતો હતો. અને જુઓ, એણે કેવું કર્યું?”

ત્યારે ભગતે શાંતિથી તે પિતાને કહેલું, ‘‘એને પાણી પીવું હોય અને તમે દૂધ આપો પછી શું થાય? એ ખરું કે તમારો દૂધવાળો તેની પાણીની ઇચ્છાને ધ્યાનમાં રાખી દૂધ સાથે પાણી આપતો જ હશે, પણ છતાંય પાણી પીવું હોય ત્યારે એને પાણી જ આપજો.”

ઠંડા પીણા અને પુસ્તકના સૂત્રમાં પણ એ જ વાત લાગુ પડે છે. માણસને જ્યારે ઠંડું પીણું પીવું હોય ત્યારે પુસ્તક કામ આવે ખરું? પુસ્તક પુસ્તક છે અને કોલ્ડ્રીંક્સ કોલ્ડ્રીંક્સ છે. ઊધઈ ને ઠંડા પીણાને બદલે પુસ્તક ચાલે, પણ બીજે નહીં.

એક વાત ખરી કે ઠંડાં પીણાં વેચનારાઓ આ સૂત્ર તો નહીં જ સ્વીકારે, એ લોકો ઠંડા પીણાને બદલે પુસ્તક આપે તો ખાય શું? લોકોના ‘પીવા’ ઉપર તેમનું ખાવાનું નિર્ભર છે.

પીણું નહીં પણ પુસ્તક સૂત્ર રમતું થયું ત્યારે ઘણાને લાગતું હતું કે કોલ્ડ્રીંક્સ પાર્લરવાળા હવે કોલ્ડ્રીંક્સ પાર્લર બંધ કરી પુસ્તકની દુકાન શરૃ કરી દેશે. કદાચ વધુ મોટી અસર પડશે તો ઠંડા પીણાની કંપનીવાળા ખુદ ઠંડાં પીણાંનું ઉત્પાદન બંધ કરી પુસ્તકનું પ્રકાશન શરૃ કરી દેશે. આખરે એમને તો ધંધો જ કરવો છે ને! લોકો પીણું ન લે અને પુસ્તકો લેતાં થઈ જાય તો પુસ્તકના ધંધામાં પડી જવાય, આ સાંભળીને એક પ્રકાશકે કહ્યું, “પેપ્સીવાળા પાણીમાંથી પૈસા બનાવે છે, પણ પ્રકાશનના ધંધામાં તો પૈસાનું પાણી થઈ જશે, એટલે કદાચ તેઓ એવું નહીં કરે.”

‘ઠંડા પીણાને બદલે પુસ્તક આપો’નું સૂત્ર ફરતું થયું ત્યારથી રોજ અમે ઠંડાં પીણાંની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ તેવા સમાચાર વાંચવા ટાંપીને બેઠા છીએ. સિંદબાદ કહે છે કે છગનને ઘરે જઈએ એટલે ભાભી ફ્રિજમાંથી કોઈને કોઈ ઠંડું પીણું કાઢીને આપે. એક દિવસ સિંદબાદને તરસ લાગી હતી. એટલે થયું લાવ છગનને મળતો આવું અને ઠંડું પીણું પીતો આવું. છગનના ઘરે ગયો પણ ફ્રિજ ખૂલવાનો અવાજ ન સંભળાયો. હા, થોડી વારમાં કબાટ ખૂલવાનો અવાજ આવ્યો. છગનની પત્નીએ ઠંડા પીણાને બદલે ‘વચનામૃત’ સિંદબાદને આપ્યું. સિંદબાદને તો પીણાંમૃત પીવું હતું. પણ વાંચે ગુજરાતના અભિયાનમાં ઠંડાં પીણાં ફ્રિજ નિકાલ થઈ ગયાં હતાં.

વાંચે ગુજરાતના અભિયાનની અસરમાં આવી ગયેલી એક રેસ્ટોરાંમાં બોર્ડ હતું. અમે ઠંડાં પીણાંને બદલે પુસ્તક સર્વ કરીશું.

એક મિત્રનું કહેવું હતું કે ઠંડા પીણાની એક મોટી બોટલમાંથી અમે આઠ-દસ જણનું સ્વાગત કરી શકતા હતા. હવે એને બદલે પુસ્તક આપીએ તો પોસાય ખરું? પુસ્તકો કેટલાં મોંઘાં છે. સો-બસ્સોવાળા પુસ્તકની વાત જવા દો - પણ ‘દેશી હિસાબ’ કે ‘કક્કો-બારાખડી’ની પુસ્તિકા આપીએ તોપણ ઠંડાં પીણાં કરતાં મોંઘી પડી જાય. સોચનેવાલી બાત હૈ...

વાઈડ બોલ

શબ સ્મિત નથી કરતું. - ઓશો