Thursday, December 19, 2013

દોડતા દોડતાં અમેરિકા – નિરંજન ત્રિવેદી


દોડતા દોડતાં અમેરિકા. અમેરિકા જનારને ઘણી દોડાદોડ કરવી પડે છે. એક તો વીસા માટે દોડાદોડી. પછી વાજબી ભાવે લઈ જતી એરલાઇન્સ માટે દોડાદોડી. ત્યાં લઇ જવા માટે માલસામાનની ખરીદી માટે દોડાદોડી. અશોકના શિલાલેખમાં પારસી શૈલીમી ઝલક આપાતાં જ્યોતીન્દ્ર દવેએ લખ્યું હતું, “આ દુનિયા છે એક દોરમ દોર’ એમ અમેરિક જનાર પ્રવાસીને દોડમદોડનો અનુભવ થાય છે. વિસા લેવા માટે કેટલી વિસુએ સો થાય એ સમજાય છે. અમને એ લોકોએ દસ વર્ષનો વિસા આપ્યો હતો. અમારી પૌત્રીને પબ દસ વર્ષનો આપ્યો. એટલે ત્રણનું ત્રેખડ અમેરિકા ઊપડ્યું. એક ગુજરાતી હાસ્યલેખિકા કલ્પનાબેન દેસાઈએ તેમના સિંગાપુર પ્રવાસનું વર્ણન કરતુ પુસ્તક લખ્યું છે, ‘ચાલતા ચાલતાં સિંગાપુર’ એ પુસ્તકને ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’ પણ મળ્યું છે. ચાલતા ચાલતાં કદાચ સિંગાપુર જઈ શકાય, રામસેતુ જેવી સગવડ હોય તો. ભગવાન રામ ચાલતા ચાલતા શ્રીલંકા ગયા હતા. એ રાજકારણમાં હતા, સાહિત્યમાં ન હતા. એટલે એમણે ‘ચાલતા ચાલતાં શ્રીલંકા’ એવું પુસ્તક ન લખ્યું. લોકો ચાલતા ચાલતા અંબાજી જાય છે. ચાલતા ચાલતા ડાકોર પણ જાય છે. ચાલતા ચાલતા દ્વારકા જવાની ઈચ્છા રાખનાર કોઇકે ચાલવાનું માંડી વાળ્યું. ઈચ્છા ખરા પણ શક્તિ નહિ એટલે ‘અઠે દ્વારકા’ જેવી કહેવતનો જન્મ થયો. કોલંબસને પણ અમેરિકા જવું હતું. એ અમેરિકા તરફ ઉપડ્યો, ચાલતા ચાલતા નહિ પણ બોટમાં (તરતાં તરતાં અમેરિકા એવું શીર્ષક કોલંબસના સાહસને આપી શકાય.) કોલંબસ નાવખતમાં વીસા જેવો શબ્દ ન હતો. એનું નિશાન તો ઇન્ડિયા હતું પણ પહોંચી ગયો અમેરિકા (કે વેસ્ટ ઇન્ડિઝ !) ‘જાતે થે જાપાન પહુંચ ગયે ચીન’ જેવો ઘાટ થયો હતો. ઘણા લોકો ડોક્ટર થવા નીકળે છે, પણ બી. એસસી. થાય છે તેમ અમેરિકાનો પ્રવાસ કરનાર ‘ઉડતા ઉડતા અમેરિક’ એમ લખી શકે. અમેરિકા જતા સાહિત્યકારો પછી અમેરિકાના પ્રવાસ વિશે લખે છે, જેમ તિરુપતિ મંદિરે જનાર, ત્યાં જઈને પોતાના વાળ ઉતરાવે છે તેમ અમેરિકા જનાર સાહિત્યકારો વાળ ઉતરાવાના કર્મની જેમ પ્રવાસવર્ણન લખે છે. અમે અમેરિકાના પ્રવાસ વિશે પુસ્તક લખ્યું નથી. કેટલાક લેખો લખ્યા છે. ભવિષ્યમાં પુસ્તક થાય પણ ખરું. (હોની કો કૌન ટાલ શકતા હૈ ?) એ પુસ્તકનું નામ નક્કી નથી. પણ અં લેખનું ટાઈટલ ‘દોડતા દોડતા અમરિકા’ રાખ્યું છે. અમારી દીકરી અમેરિકા છે. એમ કહી શકાય કે અમારો વ્હાલનો દરિયો, દરિયાપાર છે. સાત સમંદર પાર કરકે તેને મળવા અમે જઈ રહ્યા હતા. આમ તો અમારો અં ત્રીજો પ્રવાસ હતો. ક્રિકેટની ભાષામાં એને ‘હેટ્રિક’ કહી શકાય. અમારી ઉડાન વાયા દિલ્હી હતી. દિલ્હી એરપોર્ટ ઉપર એ જ આશ્ચર્યજનક અનુભવ થયો. દિલ્હી ઉપર પ્લેન બદલવાનું હતું. ખાસ્સું દૂર ‘ટર્મિનલ’ હતું. પણ ‘વ્હીલ-ચેર’ વાળા ભાઈએ અમારી પૂરી કાળજી લીધી. સરસ રીતે પ્લેનમાં બેસાડી ગયા. પછી અમે તેને બક્ષિસ આપવાવી ઈચ્છા પ્રગટ કરી, પણ એ મહાશય તુરંત ગાયબ થઇ ગયા. કશું પણ લેવાની ના પાડી. અમને થયું આવા માણસનું દિલ્હીમાં શું ભવિષ્ય ? બિચારો રખડી પડશે. વળતરની આશા રાખ્યા વગર એ કામ કરતો હતો. કાશ આપણને એ પોર્ટર જેવા શાસકો મળ્યા હોત તો ! કેનેડી એરપોર્ટ ન્યુયોર્ક ઉપર અમે ઉતર્યા ત્યાં એક અશ્વેત પોર્ટરે અમને સેવા આપી. એ દેશમાં પ્રેસીડન્ટ અશ્વેત છે, તે દેશમાં એરપોર્ટ ઉપર પણ પોર્ટર અશ્વેત હતો. ઘણો જ સહાયભૂત થયો હતો. ઈમિગ્રેશન-કસ્ટમની વૈતરણી તેણે પાર કરાવી આપી. અમે તેને પૂછ્યું કે, “ભાઈ તારું નામ શું છે ? ક્યા નામે તને સાદ પાડવો ?” ત્યારે એણે કહ્યું મને “બા” કહી શકશો. ઓબામાના દેશમાં અમને હવાઈમથકે બા મળ્યા. બાળક બોલે પહેલો અક્ષર બા-બા-બા. એવું અમે બાળપોથીમાં ભણેલા. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર પણ પહેલો અક્ષર અમે ‘બા’ જ બોલ્યા. ન્યુયોર્કથી રોચેસ્ટર સાડાત્રણસો માઈલ અમે બાયરોડ ગયા. ન્યુયોર્કમાંથી અમે ઉષાબેનનાં ખાખરા અને મોલ સ્ટોરમાંથી શાક લઇ ઉપડ્યા. ‘સુહાના સફર ઔર યે મૌસમ હસી’નો એ સાક્ષાત અનુભવ હતો. ચારે બાજુ કુદરતનો નઝારો માણતાં માણતાં અમે રોચેસ્ટર પહોંચ્યાં. કુદરતનાં અદભુત નઝારા નાયગ્રાની વાત કરીએ. અમારા બેન્કર મિત્ર નિકુંજ કડિયા નાયગ્રાની વાત કરતા કહે, “બોસ, નાયગ્રાના કિનારે પાણીપૂરી મળે છે.” “અલ્યા, પાણીપુરી ખાવી હોય તો માણેક ચોકમાં મધ્યરાત્રીએ બજારમાં પણ મળે છે, એ ખાવા માટે નાયગ્રા જવાની શી જરૂર?” એ વાત ખરી કે આપણે ગુજરાતીએ ખાવાની બાબતે વધુ સંવેદનશીલ છીએ, ન્યૂ જર્સી ઈઝલીનમાં ઢોસા એક્ષ્પ્રેસમાં ઢોસા ખાવાની ભલામણ અમે ઘણાને કરી છે. રોચેસ્ટરથી નાયગ્રા જોવા જવાનું નક્કી કર્યું. “ગાયઝ, વી અરે ગોઇંગ તો બફેલો.” અને ‘ગાયઝ’ બફેલોનાં આંગણે જ નાયગ્રા ઘૂઘવે છે. બફેલો ટાઉનમાંથી પસાર થઇ અમે નાયગ્રા ફોલનાં કિનારે પહોચ્યા. ત્યાં આજુબાજુની રેસ્ટોરાંમાં પચાસ ટકા ઉપરાંત ‘ ઈન્ડિયન’ છે. નાયગ્રાના કિનારે ઉમટેલા સહેલાણીઓમાં લગભગ સિતેર ટકા ભારતીયો હતા. નાયગ્રા વિસ્તારમાં ફરવા માટે ટ્રોલી પણ દોડે છે. તેમાં અમે બેઠા, ત્યાં કેટલાંક મુસ્લિમ પણ બેઠા, આજુબાજુનો માહોલ જોઈ તે ગ્રુપની કે મુસ્લિમ મહિલા બોલી ઉઠી (કદાચ એ લોકો પાકિસ્તાની હતા) ‘ઇધર ભી હિન્દુસ્તાન, પાકિસ્તાન હો ગયા લગતા હૈ.” ટ્રોલી અમને નાયગ્રા સુધી લઇ જતી બોટના સ્ટેશન પાસે લઇ ગઈ. કેટલી બધી સગવડ ટુરિસ્ટસ માટે કરી છે તે દેખાઈ આવે છે. ભલે આપણે ગંજાવર ખર્ચ તેમની જેમ ન કરી શકીએ પણ ઓછા ખર્ચના આયોજનમાં આપણા પ્રવાસ મથકો સુવિધાપૂર્ણ બનાવી શકીએ. કબીરવડ-ગુજરાતની એક સુંદર જગ્યા છે, પણ નર્મદાકિનારે ઉતરી, વાળ તરફ જનારા ભારે કષ્ટ ભોગવે છે. નદીકિનારેથી વાળ સુધીનો એક સરસ રસ્તો અને ટ્રોલીની સગવડ જરૂર થઇ શકે, બાળક સાથેને મહિલાઓ તેમજ સીનિયર સિટીઝનને તે રાહત આપી શકે. અમેરિકાની સરખામણી નથી, પણ સામાન્ય ખર્ચે થઇ શકે તેવા આયોજનનો પણ અભાવ છે. અમે રેઇનકોટ પહેરી નાયગ્રા ધોધ વચ્ચેથી પસાર થવાનો અદભુત આનંદ માણ્યો. શાળામાં અભ્યાસ કરતી અમારી પૌત્રી આનિયા માટે પણ એક જીવનભર યાદગાર રહે તેવો અનુભવ હતો. નાયગ્રા સાઈટ ઉપરનો લિફ્ટ ઓપરેટર પણ ‘નમસ્તે’ એમ કહેતો હતો. કાકા અને માસી જેવા શબ્દોથી સ્વાગત કરતો હતો. ફરતાં ફરતાં અમે બોલીવુડ રેસ્ટોરાં જોઈ તપાસ કરી, ત્યાં ચાટ અને પાણીપુરી મળતાં હતાં. ભજિયા પણ ખરાં. ‘જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ફરસાણ’ એમ લાગ્યું. ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં પણ ફાફળા-જલેબી મળે છે. નાયગ્રાના કિનારે પાણીપુરી ખાવાનો એક રોમાંચ હતો. નાયગ્રાનું પાણી- અને પછી પાણીપુરી અમે માણ્યા. અહીનું લોકેશન જોઈ થયું કે ‘શેતલને કાંઠે’ની જેમ ‘નાયગ્રાનાં કાંઠે’ જેવી ફિલ્મ બની શકે. ન્યુજર્સીનાં ગુજરાતીઓ આ કરે શકે. નાયગ્રાનાં કાંઠે મધ્યાહન ભોજન તરીકે અમે પાણીપુરી ખાધી, નાં ઝાપટી. રોચેસ્ટર પરત ફર્યા. અં રોચેસ્ટર આપણા બધાની જાણીતી એવી ઝેરોક્ષ કંપનીનું ઈન્ટરનેશનલ હેડ ક્વાટર્સ છે. આપણે લકો ફોટોકોપીને ઝેરોક્ષ કહીએ છીએ તે કંપનીનું સાડત્રીસ માળનું મકાન અહી છે. ઠીક ઠીક સંખ્યામાં ગુજરાતીઓ પણ છે. મૂળ અમદાવાદ, વાઘેશ્વરની પોળનાં રહીશ ડો. અશોક શાહ(ન્યૂરોસર્જન) પણ ત્યાં છે. ઝેરોક્ષ કંપનીના સિનિયર એક્ઝીક્યુટીવ રહી ચુકેલા શ્રી પ્રતાપ ભટ્ટ પણ ત્યાં છે. મુંબઈનાં રહીશ વઢવાણનાં જૈન, શ્રી અશ્વિન શાહનું કુટુંબ પણ ત્યાં છે. અગાઉ મહાવીર જયંતિમાં ત્યાં પ્રવચન આપવાનો મોકો પણ મને અં કારણે મળેલો. આપણા કવિ શ્રી પ્રીતમ લખલાણી પણ રોચેસ્ટરમાં રહી, ગુજરાતી સાહિત્યની સેવા કરે છે. અમેરિકાની વધુ વાતો ફરી ક્યારેક....દોડતાં.... દોડતાં.