Tuesday, March 29, 2011

સાત સાત ડાયવોર્સ

હોલિવૂડની એક્ટ્રેસ એલિઝાબેથ ટેલરના અવસાનના સમાચારથી એક મહાન અદાકારનો અંત આવ્યાનો અહેસાસ થાય છે.

આ મહિલા તેની અદાકારી ઉપરાંત તેના આઠ લગ્નથી પ્રખ્યાત હતી. કેટલાંક સમાચાર અવારનવાર છાપામાં જોવા મળે. જેમ કે

જાપાન કે કોઈ જગ્યાએ ધરતીકંપ થયો.

કોઈ શહેરમાં ગેંગરેપનો બનાવ બન્યો.

આ બધાં સમાચાર અવાર નવાર આવે તેમ, એલિઝાબેથ ટેલરનાં લગ્નના સમાચાર પણ અવારનવાર ચમકે. આ બાઈ લગ્ને લગ્ને કુંવારી હતી. હવે તેનું અવસાન થયું છે. આપણા એક શાયરે લખ્યું હતું, ‘મોત હૈ મેરી મહેબૂબા’ લીઝ ટેલરે હવે મોતને મહેબૂબ તરીકે સ્વીકાર્યો છે, એવો મહેબૂબ કે તેનાથી હવે છૂટી નહીં પડે.

આમ તો તેનું નામ એલીઝાબેથ હતું પણ તે લીઝ તરીકે ઓળખાતી. એનું લગ્નજીવન ‘લીઝ’ ઉપર ચાલતું એટલે કદાચ એ લીઝ તરીકે ઓળખાતી હશે તેવું મકાનની દલાલી કરતાં એક મિત્રનું માનવું છે.

છગન પૂછતો હતો આ મહિલાએ આટલાં બધાં લગ્ન કેમ કર્યાં હશે? એનો એક જવાબ એવો મળ્યો કે, “તે લગ્નમાં માનતી હતી લફરામાં નહીં.”

આપણા હિન્દી ફિલ્મના હાસ્ય કલાકાર અને અદ્ભુત ગાયક કિશોરકુમારે પણ ચાર વાર તો લગ્ન કર્યાં હતાં. (લીઝ ટેલરથી અડધે રસ્તે હતા) સંજોગોવશાત્ કિશોરકુમારની બધી જ પત્નીઓ મુંબઈના બાંદરા વિસ્તારની હતી. એ વાતનો ઉલ્લેખ કરતા કિશોરકુમાર કહેતો, “ક્યા કરું મેરી કિસ્મત મેં હી સબ બંદરીયા લીખી થી!”

લીઝ ટેલરે પણ આઠ વાર વેતર્યું હતું. પણ તેણે કોઈ પતિને બંદર કહેવાનું જાણમાં નથી. હા જાનવરો પ્રત્યે તેને ઘણો પ્રેમ હતો. પણ વરને જાનવર નો’તો કહ્યો.

લીઝ ટેલર તેના અભિનય અને લગ્ન પ્રત્યેના તેના અભિગમ બંનેથી સમાચારમાં રહેતી, એણે જ્યારે આઠમી વાર લગ્ન કર્યાં ત્યારે આ જ છાપામાં લગ્ને લગ્ને કુંવારી એવો લેખ અમે કરેલો.

ત્યારે વિચાર આવેલો કે લીઝના ઘરમાં સૌથી અલગ વસ્તુ હશે તેના લગ્નનાં આલબમ્સ. આપણા બધાના ઘરમાં આપણા લગ્નનું એકાદ આલબમ કે કેસેટ હોય, જ્યારે આ બાઈના કબાટમાં આઠ આઠ લગ્નનાં આલબમ મોજૂદ હશે. આપણે લોકો ઘણી વાર સ્મૃતિ વાગોળવા માટે પ્રવાસ કે લગ્નનું આલબમ જોતા હોઈએ છીએ. લીઝ પાસે કેટલા બધા વિકલ્પ હશે! ચાલો આજે મારા ચોથા લગ્નનું આલબમ જોઉં તો કોઈક દિવસ વિચારતી હશે, આજે છઠ્ઠા લગ્નનું આલબમ જોઉં, શક્ય છે કે તેના છઠ્ઠા લગ્ન રિસેપ્શનમાં તેના સાતમા લગ્નવાળો પતિ ખૂણામાં બેઠો બેઠો આઈસક્રીમ ખાતો હોય. ત્યારે એને ખબર પણ ન હોય કે તેને પંથ શી જયાફત પડી છે!

સિંદબાદ આપણા માળખામાં લીઝ ટેલરનાં લગ્નોની ચર્ચા કરતા કહે, “બોસ, આઠ આઠ વાર લગ્ન એ કરે સગાંવહાલાં તો ચાંલ્લા કરવામાં જ તૂટી જાયા!’

લીઝને લગ્નમાં વધાઈ કઈ રીતે અપાઈ હશે, તે અંગે એક મિત્ર કહે. એને લગ્નની શુભેચ્છા એમ લોકો નહીં કહેતા હોય પણ કહેતા હશે, ‘મેની હેપી રિર્ટન્સ ઓફ ધ ડે... યે શુભ દિન બાર બાર આયે’ શુભ દિન કદાચ બાર બાર પણ એના જીવનમાં આવ્યો હોત. પણ આઠ વાર તો આવ્યો જ.

કોઈ માણસ એક વાર પણ લગ્ન કરે તો આપણને તેની પ્રત્યે સહાનુભૂતિ પ્રગટે. જો બે વાર લગ્ન કરે તો તેની હિંમત ઉપર આફરીન થઈ જવાય. ફિલ્મ લાઈનમાં લગ્નોની બાબતમાં તે તેંડુલકર હતી. પ્રભુ તેના આત્માને શાંતિ અર્પે.

ગૂગલી

ભાંગી પડેલો માણસ હસી શકતો નથી, એવી વાત નથી, પણ જે હસી શકતો નથી તે ભાંગી પડે છે.

Mar 29,2011

Saturday, March 26, 2011

સામી ઝાળનો અંજામ...

સત્યવાનભાઈ સામે ભડભડ બળતી ચિતાને જોઈ રહ્યા હતા. એમની પત્ની સાવિત્રીની ચિતા સળગી રહી હતી.

સાવિત્રીએ સત્યવાનને માંદગી વખતે સેવાચાકરીથી બે વાર જીવતદાન આપ્યું હતું. ક્રિકેટમાં જીવતદાન ટીકાને પાત્ર ગણાય. કૌટુંબિક રસમમાં એ સન્માનને પાત્ર ગણાય. સત્યવાન ઘણી વાર કહેતો કે તારી ચાકરી ન મળી હોત તો હું માંદગીમાંથી ઊઠી ન શકત. આજે હું જીવતો ન હોત. ‘ગર તૂમ ન હોતે...’ સત્યવાન ચિતામાંથી ઊઠતી ઝાળને જોઈ રહ્યો હતો. સત્યવાન ખૂબ જ ધર્મિક અને રીતરિવાજોને દૃઢતાપૂર્વક માનનારો, અમુક વારે એ ગોળ ખાઈને જ ઘરની બહાર પગ મૂકે, તો અમુક વારે ઘરમાંથી નીકળતા પહેલાં એક ચમચી દહીં જરૃર ખાય.

બે દિવસ પહેલાં તે ઓફિસમાં બેઠો હતો અને ઘરેથી ફોન આવ્યો, સાવિત્રીબહેનને છાતીમાં ગભરામણ થાય છે જલદી ઘરે આવો. તેમના પાડોશીએ ફોન ઉપર માહિતી આપી. સત્યવાન ઘરે પહોંચ્યો. સાવિત્રી અસ્વસ્થ હાલતમાં પલંગ ઉપર સૂતી હતી. ડોક્ટર આવ્યા. તેમણે કહ્યું, “બહેનને કોઈ ર્નિંસગહોમમાં ઝટ દાખલ કરો.”

ધર્મિક , અતિશ્રદ્ધાળુ સત્યવાનને માથે હવે સાવિત્રીની જિંદગી બચાવવાનો ભાર અને મોકો બંને હતો. આ જ સાવિત્રીએ તેને યમરાજના પાશમાંથી બે વાર બચાવ્યો હતો. પણ સત્યવાને જોયું કે સામે હોળી આવતી હતી. હોળીની સામી ઝાળે કશું પણ મહત્ત્વનું કામ ન થાય.

સામી ઝાળે સાવિત્રી હોસ્પિટલમાં જાય તે બરોબર નથી એમ વિચારી સત્યવાને નક્કી કર્યું. હોળી પછીના બે દિવસે ગુરુવાર આવે છે, ત્યારે હોસ્પિટલ પ્રવેશ ઠીક રહેશે. સાવિત્રીને ‘હાર્ટ-એટેક’ હતો. ટાઈડ એન્ડ ટાઈમની જેમ હાર્ટએટેક વેઈટ્સ ફોર નન. બીજા દિવસે સવારે સાવિત્રીને બીજો એટેક આવ્યો તે આખરી હતો. સત્યવાનનો તે સિતમ પણ આખરી હતો. (જડ માન્યતાઓનો સિતમ) જે દિવસે સાવિત્રીને હોસ્પિટલમાં દાખલ કરવાનું વિચાર્યું હતું તે દિવસે તેને સ્મશાન લઈ ગયા. સામી ઝાળે સારવાર ન પામેલી સાવિત્રી અગ્નિની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. સત્યવાન ચિતાની ઝાળને જોઈ રહ્યો હતો. સામી ઝાળે કામ ન થાય તે માન્યતા સાચી કે ખોટી? એની ઉપર સત્યવાન વિચારી રહ્યો હતો.

દિલીપ પંદર સોળ વર્ષનો જ હતો. કોઈ જૂના જમાનાનો માણસ ન હતો પણ કુટુંબના સંસ્કાર એવા કે અંધશ્રદ્ધા ઘણી ઘણી. પ્રભાતિયાં કે ભજનો ગાતો રૃઢિચુસ્ત પણ ન હતો. શીલા કી જવાની, આ કિશોર જવાનનું પ્રિય ગીત હતું. પણ અમુક કામ અમુક વારે જ થાય એમ જ માને. બારમાની પરીક્ષા જાહેર થઈ, હોળીની સામી ઝાળ હતી અને પહેલું પેપર હતું. એણે નક્કી કરી લીધું કે સામી ઝાળે બોર્ડની પરીક્ષા ન અપાય. હિન્દુત્વની તરફેણ કરતી સરકાર છે તો પણ શા માટે સામી ઝાળે બોર્ડની પરીક્ષા રાખવામાં આવતી હશે? દિલીપે સરકારને હિન્દુ ધર્મને મદદ ન કરતી સરકાર ગણાવી માર્ક કાપી નાંખ્યા અને બોર્ડે પણ દિલીપને કોઈ માર્ક ન આપ્યા. સામી ઝાળની ઝાળ તેને લાગી ગઈ હતી.

સામી ઝાળના સમયમાં કોઈ શુભ પ્રસંગ થતા નથી. સામી ઝાળે કોઈ લગ્ન થતાં નથી. સામી ઝાળનું નુકસાન તાત્કાલિક રીતે રસોઈ બનાવનાર કેટરર્સને થાય છે. એ લોકો સામી ઝાળથી દઝાય છે. જોકે, કેટલાંક લગ્નો સામી ઝાળે થાય છે. કેટલાક ગુજરાતીઓ તાત્કાલિક લગ્ન કરવા ગુજરાત આવી ગયા હતા. ત્યાંની સરકાર ‘પોલિસી’માં ફેરફાર કરશે તેવી જાહેરાતને કારણે. એ લોકો ગુજરાત આવ્યા ત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હતો. ત્યારે અનેક ગુજરાતીઓ શ્રાદ્ધ પક્ષમાં લગ્ન કરવા બેસી ગયા હતા. છૂટકો ન હતો. સામી ઝાળ કરતાં પણ આ સમય વધુ કનિષ્ટ ગણાય. છતાંય લોકો પરણ્યાં. હવે કોઈ સંસ્થાએ તપાસ કરવી જોઈએ કે શ્રાદ્ધનાં લગ્નોનાં પરિણામ શું આવે છે?

સુનીલભાઈને નોકરીનો ઓર્ડર મળ્યો. તાત્કાલિક હાજર થવાની સૂચના સાથે. પણ સામી ઝાળે નોકરી ઉપર હાજર ન થવું તેવી માન્યતાના કારણે હાજર ન થયા. મુદતમાં હાજર ન થતાં કંપનીએ એમને પડતા મૂક્યા! સુનિલભાઈ કિસ સે કહું દિલ કી બાત...ગાયા કરે છે. એ પણ પાડોશીને ઝાળની જેમ દઝાડે છે.

વાઈડ બોલ

દક્ષિણ આફ્રિકા સામે નેહરાએ છેલ્લી ઓવર એવી નાંખી કે એ લોકો હારતાં હારતાં જીતી ગયા. મિત્ર જોષી કહે છે હવે દ. આફ્રિકાની સરકાર નેહરાના જન્મદિનની રજા જાહેર કરવાની છે.

Wednesday, March 23, 2011

કોમેન્ટરીમાં વ્યંગરંગ

કેટલાંક વર્ષો પહેલાં પણ ક્રિકેટ તો આજના જેટલી જ લોકપ્રિય હતી. પણ ત્યારે ટીવી ન હોવાથી મેચ જોવા મળતી ન હતી. પણ સાંભળવા મળતી હતી. અત્યારે દીવાનખાનામાં એ મેદાની રમત જોઈ શકાય છે, ત્યારે રેડિયો ઉપર મેચનો અહેવાલ સાંભળવા મળતો. મહાભારત કાળમાં કુરુક્ષેત્ર ઉપરના યુદ્ધનો અહેવાલ સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવતા હતા. ક્રિકેટના કુરુક્ષેત્રમાં પણ શું ચાલી રહ્યું છે તે કોમેન્ટેટરરૂપી સંજયો સંભળાવતા હતા.

બહુ જ પુરાણકાળમાં વીની નામના કોમેન્ટેટર હતા. જે આમ તો ‘મહારાજકુમાર ઓફ વિજયનગરમ્’ તરીકે ઓળખાતા, સારા ક્રિકેટર હતા અને પાછળથી ટેસ્ટ મેચની રનિંગ કોમેન્ટરી બેઠા બેઠા સંભળાવતા હતા.

વીનીના ઉચ્ચારો ઝટ સમજાય તેવા ન હતા એટલે ઘણાંખરા શ્રોતાઓ તેમની કોમેન્ટરીથી અકળાતા. પણ તેમનામાં હાસ્યવૃત્તિ જબરદસ્ત હતી. જેમ ઘણાં અધ્યાપકો લેક્ચરોમાં મૂળ કોર્સને બદલે બીજી વાતો ઉપર ચડી જાય, અને વિદ્યાર્થી અકળાય તેમ વીની ઘણી વાર વાતોએ ચડી જાય, ત્યારે શ્રોતાઓને સ્કોર જણાવવાનું ભૂલી જાય.

ગોર્ડન રોક, ઓસ્ટ્રેલિયન ખેલાડી બેટિંગ કરવા મેદાનમાં આવ્યા, તે ખૂબ જ ઊંચાઈ ધરાવતા હતા. વીનીએ કહ્યું, “નાવ, કુતુબમિનાર ઈઝ કમિંગ ઈન ધ ફિલ્ડ.” (મેદાનમાં કુતુબમિનાર આવી રહ્યો છે.) તેના હાથમાં બેટ છે જે મારા હાથમાં પેન હોય તેવું લાગી રહ્યું છે.

વેસ્ટ ઈન્ડિઝના ખૂંખાર બોલર વેસ્લી હોલના બમ્પર સામે ગાયકવાડ બેસી જતા, સાથે બેટ સીધું રાખીને, ત્યારે વીની હસતાં હસતાં કહેતાં, “એ બમ્પર સામે બેસી જાય છે, એવું લાગે છે સબમરીન બેઠી છે અને માથે આ બેટ છે તે પેરિસ્કોપ જેવું લાગે છે!”

વીની પછી એક લોકપ્રિય કોમેન્ટેટર મળ્યા તે વિજય મરચન્ટ, એકદમ સરળ અંગ્રેજીમાં સાદા ઉચ્ચારોમાં વાત કરે. વચ્ચે વચ્ચે તેમનાં સંસ્મરણો કહેતા જાય, “જ્યારે હું ઓસ્ટ્રેલિયામાં ૧૯૪૮માં રમતો હતો...” એ શૈલી ત્યારે ખૂબ લોકપ્રિય. અબ્બાસ અલી બેગની ફટકાબાજીથી ખુશ થયેલી એક યુવતીએ બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેદાનમાં દોડી જઈ તેને ચુંબન કરેલું. (આ ગણિતથી, સેહવાગને કેટલાં બધાં ચુંબન મળે?) ત્યારે વિજય મરચન્ટે હળવેથી કહેલું, “ભાઈ, અમે પણ મેદાનમાં સદી ફટકારેલી છે, ત્યારે આ યુવતીઓ ક્યાં સંતાઈ ગઈ હતી?”

અત્યારે ટીવી કોમેન્ટરીમાં ગવાસ્કર અને નવજોત સિદ્ધુ હાસ્યના રંગો તેમની ભાષામાં પૂરે છે.

સિધ્ધુ જેવા તો ઘણી વાર સાથી કોમેન્ટેટરોની પણ મજાક ઉડાવે, ખાસ કરીને જ્યોફ બોયકોટ સાથે સિધ્ધુએ ઘણી ટપાટપી કરેલી. બોયકોટની ઉંમર ઉપર કટાક્ષ કરતા સિધ્ધુએ કહેલું કે “બોયકોટની બર્થ - ડે કેક ઉપર મૂકવામાં આવતી મીણબત્તીઓનો ખર્ચ હવે કેક કરતાં વધી ગયો છે.”

ગવાસકરે દિલીપ દોશી ઉપર વ્યંગ કરતાં કહેલું, “દિલીપની ફિલ્ડિંગ નબળી. એ બોલ રોકવા જાય પણ રોકાય નહીં, તે બોલની પાછળ પાછળ દોડતો હોય અને બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી જાય. એટલે ગવાસ્કર કહે, ‘દોશી એસ્કોર્ટેડ ધ બોલ અપ ટુ ધ બાઉન્ડ્રી’ દોશી બોલના વળાવિયા તરીકે કામ કરે છે.

Mar 22,2011

Saturday, March 19, 2011

કોઈના માથે માછલાં ધોવાં...


નાગપુરના રસ્તા પર માથે ટોપલાં ઉપર એક જણ જતો હતો. પાછળ બીજો માથે માછલાંના ટોપલા સાથે જતો હતો, તેની પાછળ ત્રીજો જતો હતો. એ જ રીતે કેટલાય જણ માછલાંના ટોપલા સાથે જઈ રહ્યા હતા.

એક જિજ્ઞાસુએ પૂછયું, “કેમ આજે આટલાં બધાં માછલાં લઈને જઈ રહ્યા છો?”

“સાહેબ, ક્રિકેટ મેચ છે ને એટલે” માછલાંના ટોપલાધારીએ જવાબ આપ્યો.

“ક્રિકેટ મેચ શું માછલાંથી રમાય છે?” એવો પ્રશ્ન નહીં પણ કોમેન્ટ પેલા સજ્જને કરી, “રસોઈ શું જાદુથી થાય છે?” એવી જાહેરાત રેડિયો ઉપર આવતી, તેવા અંદાજમાં જ પૂછયું હતું, “ક્રિકેટ મેચ શું માછલાંથી રમાય છે?”

પેલાએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, “મેચ તો બોલ અને બેટથી જ રમાય, પણ રમતના પરિણામ પછી આ માછલાં કેટલાંકને માથે ધોવાના કામમાં આવશે.”

કેટલાક શુદ્ધ શાકાહારીઓ માછલાં ભલે ખાતા ન હોય પણ કોઈકના માથે માછલાં ધોવાના કામમાં, માછલાંનો ઉપયોગ કરવાનો તેમને બાધ નથી હોતો. તેમાં તેમનું શાકાહારીપણું આડે આવતું નથી.

કહેવાય છે કે ‘દાને દાને પે લીખા હૈ ખાનેવાલા કા નામ’ દરેક દાણા ઉપર તેના ખાનારનું નામ ભગવાને અગાઉથી જ નક્કી કરી નાંખ્યું હોય છે. તેમજ દરેક માછલા ઉપર તે કોની ઉપર ધોવાવાનું છે તે નામ પણ લખ્યું હોય છે. માછલાં ઉપર ભગવાને બે નામ લખ્યાં હોય છે. એક તો એને કોણ ખાશે અને બીજું એ કોના માથે ધોવાશે.

નાગપુરમાં પહોંચેલાં માછલાંઓ છેવટે આશિષ નહેરાને માથે ધોવાના કામમાં આવ્યાં.

લાગતું હતું કે આ મેચ આપણે જીતી જઈશું. હસતાં હસતાં અમે રોઈ પડયાની જેમ જીતતાં જીતતાં આપણે હારી ગયા. ‘લાસ્ટ સ્ટ્રો ઓન કેમલ બેક’ ઊંટની પીઠ ઉપરનું છેલ્લું તણખલું આશિષ નહેરાની છેલ્લી ઓવર સાબિત થઈ. આશિષ માટે નાગપુરની મેચ શાપ બની ગઈ. નાગપુરમાં નેહરાને એરુ આભડી ગયો. દ. આફ્રિકાને છેલ્લી ઓવરમાં તેર રન જોઈતા હતા. નેહરાએ તે ત્રણ બોલમાં જ આપી દીધા અને નેહરાને માથે માછલાં ધોવાનું કામ ચાલુ થઈ ગયું.

ધોની ઉપર પણ માછલાં ધોવાયાં, નેહરાને તે છેલ્લી ઓવર અપાય? ધોનીનું એક ઉપનામ છે, ‘કેપ્ટન કૂલ’ એની ઉપર માછલાં ધોનાર હવે તેને કહે છે ‘કેપ્ટન ફૂલ’. છેલ્લી ઓવર નેહરાને આપી તે કેપ્ટનની મૂર્ખાઈ હતી એમ એ લોકો કહે છે. ન્યુઝીલેન્ડવાળાએ પાકિસ્તાન જેવા બોલરો સામે છેલ્લી ચાર ઓવરમાં જ બાણું રન કર્યા હતા ત્યારે આપણા લોકોએ છેલ્લી ઓવરમાં ઓગણત્રીસ રન જ કર્યા હતા. આ જોઈ છગન કહે છે : “નેહરા શું કરે? આ લોકોએ છેલ્લે છેલ્લે રન જ ન કર્યા!”

આ માછલાંસ્નાનમાં અમને પણ ભૂલી દાસ્તાન ફીર યાદ ગઈ. કેટલાંક વર્ષો પહેલાં પાકિસ્તાન સામે શારજાહમાં આપણે રમી રહ્યા હતા. જીતી જઈશું એમ લાગી રહ્યું હતું. છેલ્લો બોલ બાકી હતો, પાકિસ્તાનને ચાર રન કરવાના હતા. બોલર હતો ચેતન શર્મા એણે છેલ્લો બોલ નાંખ્યો અને પાકિસ્તાનના મિયાંદાદે છેલ્લા બોલે છક્કો મારી દીધો. ભારત હારી ગયું. છેલ્લો બોલ હતો. પણ ચેતન શર્માએ નાંખ્યો અને છક્કો વાગ્યો પછી કહે છે કે ચેતન થોડીક વાર જડ થઈ ગયો હતો. સમગ્ર ભારતમાં તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા. છેલ્લો બોલ ચેતન શર્માએ કઈ રીતે નાખવો જોતો હતો તે વિશે ઘણું લખાયું - બોલાયું. આજે પણ છેલ્લી ઓવર કે છેલ્લા બોલની વાત નીકળે છે ત્યારે લોકો ચેતન શર્માને આજે યાદ કરે છે. હવે એ ચેતન શર્મા ટીવી ઉપર નિષ્ણાત તરીકે ક્રિકેટની રમત ઉપર વિવેચન કરે છે. આપણા લોકોએ ત્યારે ચેતનને પઈનો કરી નાંખ્યો હતો. આજે નેહરાનો વારો છે.

આપણી પ્રજા ‘કુછ ભી હોતે હુએ દેખ શકતી હૈ.’ મગર ક્રિકેટમાં ભારતને હારતા જોઈ નથી શકાતું. આપણી પ્રજા ક્રિકેટરોની નાની સરખી ભૂલ કે પછડાટ સહન નથી કરી શકતી પણ નેતાઓની તરફ આ પ્રજા ખૂબ જ ‘લેટ-ગો’ કરવાવાળી છે.

છેલ્લી ઓવરમાં તેર રન આપનાર નેહરા ઉપર આક્રોશ કરનાર આ લોકો કરોડો રૂપિયાનું કરી નાખનાર કલમાડી કે રાજા પ્રત્યે એટલો આક્રોશ નથી બતાવતા. એટલે નેહરા કદાચ કહેતો હશે, ‘અગલે જનમ મુઝે નેતા હી કીજીયો’.

વાઈડ બોલ

તમારા હાથમાં બધું જ હોય ત્યારે તમે કઈ રીતે વર્તો છો? અને તમારા હાથમાં કશું જ ન હોય ત્યારે તમે કઈ રીતે વર્તો છો.

એ માણસની પરિપક્વતાની કસોટી છે

Sandesh 20/3/2011

Tuesday, March 15, 2011

મહિલાને ક્યાં અન્યાય છે?


છગનને મેં કહ્યું, “દર નવમી માર્ચે મહિલા દિન ઉજવાય છે”.

છગને ફિક્કું હસીને કહ્યું, “દરેક દિન મહિલા દિન છે, ત્રણસો પાંસઠ દિવસ મહિલા દિનનો જ અનુભવ થાય છે, શા માટે ફક્ત નવમી માર્ચને જ સિંગલ આઉટ, મતલબ કે અલગ તારવો છો? શું દસમી માર્ચ મહિલા દિન નથી હોતો?’ દરેક દિવસ મહિલા દિન જ હોય છે.

છેલ્લા કેટલાંક વખતથી મહિલા સંસ્થાઓ ખૂબ જાગૃત થઈ ગઈ છે.આ જાગૃત મહિલા સંસ્થા માટે કહી શકાય કે તે ઊંઘતી નથી અને ઊંઘવા દેતી નથી. કોઈ પણ બાબત ઉપર આ સંસ્થાઓ મુદ્દા ઉઠાવી હંગામો કરી શકે છે.

આ મહિલા કાર્યકર્તાઓને પુરુષાર્થ શબ્દ સામે પણ વાંધો છે. સખત શ્રમ કરનારે પુરુષાર્થ કર્યો છે એમ કેમ કહો છો? એમનું ચાલે તો કઠોર પરિશ્રમ માટે સ્ત્રીઆર્થ શબ્દ વાપરે પણ ઊંઝા જોડણીવાળાઓની ચળવળની જેમ આ સ્ત્રીઆર્થ શબ્દ માટેની ચળવળ ચાલે તેમ નથી. આ મહિલા કાર્યકર્તાઓને ગણિતના દાખલાઓ સામે વાંધા પડયા છે. અંકગણિતમાં રકમમાં લખ્યું હોય કે રમેશે મહેશને દસ ટકા વ્યાજે ત્રીસ હજાર રૂપિયા આપ્યા, તો વર્ષ પછી વ્યાજ કેટલું થશે? મહિલા આગેવાનોને એ વાંધો છે. રમેશ, મહેશ એવા પુરુષોનાં જ નામ શા માટે દાખવવામાં આવે છે. રમા કે સાવિત્રીના નામનો કેમ ઉલ્લેખ નથી? આ ઝઘડાનો શું મતલબ? રમેશે વ્યાજે પૈસા લીધા છે, કદાચ તેની પત્ની રમા માટે દાગીનો લેવા માટે લીધા હોય. આવા કિસ્સામાં રમાનો પતિ જ વ્યાજ ચૂકવતો હોય છે એટલે દાખલાઓમાં આવતાં પાત્રોનાં નામ પુરુષોનાં જ હોય છે.

હવે પ્રગતિશીલ દેખાવા માટે નવા પ્રકારના દાખલા મૂકી શકાય.

રમા શાળામાં શિક્ષિકા છે. તેનો પગાર પંદર હજાર છે. (એમ પણ લખી શકાય કે વીસ હજારની રિસિપ્ટ ઉપર સહી કરી તે પંદર હજાર મેળવે છે). આ પંદર હજાર લઈ ઘેર જાય છે કે તેનો પતિ રમેશ શરાબ પીવા માટે પાંચ હજાર તેમાંથી પડાવી લે છે.

બાકીના પૈસામાંથી તે બાળકોની ફી - કપડાં-અનાજ પાછળ આઠ હજાર ખરચે છે તો મહિનાના અંતે તેની પાસે કેટલા બચશે? એના પતિ કેટલા ટકા આવકનો શરાબ પી જાય છે?

આ પ્રકારના દાખલાઓ જો ગણિતના પુસ્તકમાં આવે તો મહિલા આગેવાનોને તસલ્લી થાય. મહિલા દિન નિમિત્તે પાઠયપુસ્તકોની રીવાજ આવૃત્તિ તૈયાર થવી જોઈએ. જેમાં મહિલાઓને ન્યાય મળે તેવી વાતોનો ઉલ્લેખ થાય. મને નવાઈ લાગે છે કે ન ઊંઘતી મહિલા નેતાઓએ નરસિંહ મહેતા સામે કેમ આંદોલન ન છેડયું?

નરસિંહ મહેતાએ પત્ની ગુજરી જતાં કહ્યું હતું ‘ભલું થયું ભાંગી જાંજાળ’ આ અંગે મહિલા સંસ્થાઓએ જરા પણ વિરોધ નથી નોંધાવ્યો. ૯મી માર્ચે નરસિંહ મહેતાની આકરી ટીકા કરતું એકાદ નિવેદન, એકાદ મહિલા નેતાએ કરવું જોઈતું હતું.

મહિલાઓને આ દેશમાં ઘણું મળ્યું છે, તો પણ ગણિતના દાખલાઓની રકમ સામે વાંધો પાડે છે તે વાંધાજનક છે. આ દેશનાં રાષ્ટ્રપતિ એક મહિલા છે. (જે સરસ રસોઈ પણ કરતાં હતાં) વડાપ્રધાન પણ આમ તો મહિલા જ ગણાય ને (કોઈ શક?) વિરોધપક્ષનાં નેતા મહિલા છે, લોકસભાનાં સ્પીકર મહિલા છે. તોય તમારે મહિલાઓને અન્યાયની બૂમો પાડવી છે?

ગૂગલી

કસરતનું મહત્ત્વ ઘણું છે, પણ સતત ચાલતો પોસ્ટમેન સામાન્ય જીવે છે. સદા કુદાકૂદ કરતું સસલું માંડ પંદર વર્ષ જીવે છે અને સદા પડયો રહેતો કાચબો ચારસો વર્ષ જીવે છે.

Saturday, March 12, 2011

નામ મેં ક્યા રખ્ખા હૈ?

જન્મનો દાખલો કઢાવા માટે, જે તે સંતાનના જન્મ પછી નોંધણી કરાવવી ફરજિયાત છે. અમેરિકામાં જન્મ નોંધાવતા જ નામ નોંધાવવું ફરજિયાત છે. આપણે ત્યાં ચાલે, બાબો કે બેબી લખાવી શકાય છે. આ સગવડને કારણે આ લેખકે એની પુત્રીનું નામ છેક સ્કૂલમાં દાખલ થઈ ત્યાં સુધી પાડયું ન હતું. સ્કૂલના ક્લાર્કે કહ્યું, “ફી કદાચ બાકી રાખી શકાય પણ વિદ્યાર્થીનું નામ નહીં”. એટલે નામકરણ અને સ્કૂલપ્રવેશ બંને દીકરીના એક સાથે જ થયાં હતાં.

આપણે ત્યાં, નામ નોંધણી કચેરીને જન્મ-મરણ નોંધણી કચેરી એમ કહે છે. આ કચેરીમાં જન્મ નોંધાવા જનારને કેટલીક વાર મરણતોલ અનુભવ થતા હોય છે. એટલે એવું નામ રાખ્યું હશે તેમ છગન કહે છે.

શાળામાં કે સરકારી કચેરીઓનો એક જ નામનો આગ્રહ રાખવામાં આવે છે. તમે ટ્રાફિક પોલીસને એમ ન કરી શકો કે આમ તો મારું નામ મહેન્દ્ર છે. પણ રેશનકાર્ડમાં મહેશ નામ છે. મારા સગાંવહાલાં મનુભાઈ કહે છે. જો તમે આ પ્રમાણે કહો (જોકે તમે સમજુ હો તો નહીં કહો) તો પોલીસવાળો નિયમ અનુસાર હશે તોપણ નિયમના તમામ માન્ય ધોરણોને કોરાણે મૂકી તમને ઠમઠોરશે.

શું માણસે એક નામ જ લઈને ફરવાનું? ભગવાન વિષ્ણુએ હજાર નામ રાખ્યાં હતાં. જે વિષ્ણુ સહસ્ત્રાવલી નામે મશહૂર છે. એની પુસ્તિકા પણ મળે છે. એ ભગવાન વિષ્ણુ ટ્રાફિકવાળાને ભટકાય અને નામની પૂછપરછ થાય તો કેવું દૃશ્ય સર્જાય તેની કલ્પના જ મનોરંજક બની રહે છે. ટ્રાફિક પોલીસવાળાને નહીં પણ ભગવાન વિષ્ણુને પેટ્રોલપંપવાળો ભટકાય છે, તેની એક રમૂજ વાંચેલી, વિષ્ણુ ભગવાન લૂના લઈને પેટ્રોલ પંપ ઉપર જાય છે. આજથી પાંચેક વર્ષ પહેલાં લોકો વીસ રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હતા. અર્ધો લિટર આવતું હતું. અત્યારે ચમચીથી પેટ્રોલ ભરવાની સગવડ ન હોવાથી પંપવાળા વીસનું પેટ્રોલ ન આપે. ભગવાન પંપ ઉપર ગયા ચત્રભૂજને લૂના ઉપર જોઈ પંપનો ચાકર આશ્ચર્ય પામ્યો અને આનંદિત થઈ બોલી ઊઠયો,ભગવાન વીસનું?’ (વિષ્ણુનો ઉચ્ચાર એણે વીસનું એમ કરેલો).

ભગવાને કહ્યું, “ના, ત્રીસનું.” એમ કરી ત્રીસ રૂપિયા આપેલા.

આ ભગવાન વિષ્ણુ ટ્રાફિક પોલીસવાળાને નામ શું લખાવે? હજાર નામમાંથી કયું લખાવવું? ભક્તને પણ મૂંઝવણ થઈ હતી. “હરિ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી...” પોસ્ટમેન પણ આંટા મારતો થઈ જાય.”પોસ્ટ ક્યાં ડિલિવર કરવી?”

નિયમ પ્રમાણે વ્યક્તિનું નામ એક જ હોય, પણ જોવામાં આવે છે કે મોટાભાગના લોકોને એક કરતાં વધુ નામ હોય છે. બચપણમાં બાળકનું એકાદ વધારાનું નામ હોય છે. કોઈનું ભીખુ હોય છે, કોઈનું પપ્પુ હોય છે, કોઈનું બચૂ હોય છે. અને આ નામો મોટા થયા પછી પણ તેમની સાથે રહે છે. જેમ ક્યારેક રેલવેમાં એક જ લાઈન ઉપર મીટરગેજ, બ્રોડગેજ દોડતી હોય છે તેમ (ત્રણ પાટાની લાઈન સાથે) તેમ આ એકસ્ટ્રા નામ પણ ચાલુ રહે છે. શાળાના મિત્રો ભીખુ કહે અને ઓફિસમાં સાથીઓ બિપિન કહે. ‘નામ રૂપ ઝૂઝવાં બાકી માણસ તો એ જ.’

લોકકવિઓ અને ગુંડાઓને પણ એક કરતાં વધુ નામ હોય છે. જોકે ગુંડાઓ કવિતા કરતા નથી હોતા, તેમજ કવિઓ પણ ગુંડાગીરી કરતા નથી હોતા. (આ મારું અજ્ઞાન હોઈ શકે) પણ કવિઓને તો જાતે પાડેલાં ઉપનામ હોય છે. એ બેફામ, ઈર્શાદ કે ઘાયલ હોઈ શકે. ગુંડાઓને લોકોએ આપેલા ઉપનામ હોય છે. મહંમદ લંગડો કે કરસન કારતૂસ એ રીતે આ અંધારી આલમવાળા ઓળખાય છે. પોલીસ રેકોર્ડ ઉપર પણ આ લોકો નામ તેમજ ઉપનામ બંને સાથે ઓળખાવે છે.

સામાન્ય માણસોમાં પણ ઘણા લોકોને નામ સાથે ઉપનામ જોડાય છે. વામનભાઈ વામન ઝંડા તરીકે ઓળખાય. ભોગીલાલ સિંદબાદને પણ સિંદબાદ એ વધારાનું પૂંછડું છે તેને ઉપનામ કહી શકાય. આ સિંદબાદનું કહેવું છે કે કોઈ કાન્તિલાલ નામ ઉપનામ વગરનું નથી હોતું. એક કાન્તિભાઈ બહુ હળવા છે તે કાન્તિ-ટેંટેં તરીકે ઓળખાય છે. એક કાન્તિ-બાટલી તરીકે ઓળખાય છે. (જે દારૂબંધી અંગે તેમનો અભિપ્રાય પ્રગટ કરે છે.) એક કાન્તિ પટપટ તરીકે એક ઓફિસમાં જાણીતા છે. સિંદબાદની વાતમાં તથ્ય છે, કાન્તિ નામ અત્યાર સુધી ઘણું કોમન હતું. એટલે તેમની ઓળખ વધુ ચોક્કસ કરવા આવાં ઉપનામ લાગતાં.

વાઈડ બોલ

‘ક્વોટ્રોચી સામેનો કેસ બંધ કરાયો’ આવાં શીર્ષક છાપામાં છપાયાં તે જ પાના ઉપર સમાચાર હતા.

‘અડવાણી સામે સમન્સ જારી કરવાની માંગણી’ (કોઈને કરસનદાસ માણેકની કવિતા યાદ આવી જાય)

Friday, March 11, 2011

ક્યાં છે મારો ચશ્માંનો ચોર?

કેટલાંક સમાચાર રોજ છાપામાં આવે જ. રોજ ન આવે તો અવારનવાર તો આવે જ, ખૂન, બળાત્કાર, લૂંટફાટ.

છગન હમણાં પૂછતો હતો. મિત્ર, આંગડિયા પ્રથા બંધ થઈ ગઈ ?

‘ના ભઈ, આંગડિયા ઓફિસો બંધ થઈ ગઈ તેવા કોઈ સમાચાર નથી. પણ પૂછવું કેમ પડયું?’

‘બોસ, ચાર-પાંચ દિવસથી એક પણ આંગડિયાને ત્યાં લૂંટ થઈ હોય એવા સમાચાર છાપામાં નથી, મને લાગ્યું કદાચ આંગડિયા લોકોએ છેવટે કામકાજ બંધ કરી દીધું હોય. ડાકુ લૂંટેરા તો કામ બંધ કરવાના નથી.’

વાત સાચી આંગડિયાને લૂંટયા એ પણ આપણા છાપાંઓની જાણે રોજિંદી વાનગી બની ગઈ છે.

બાકી જો બચા થા કાલા ચોર લે ગયા, એવી એક પંક્તિ છે, જેમાં ચોરોને કાળા માનવામાં આવ્યા છે. બાકી ઘણાં ચોર તો હેન્ડસમ પણ હોય છે. આ કહેવાતા કાળા ચોર પીળા સોનાની ચોરી કરતા હોય છે. મહિલાઓના ગળામાં નેકલેસ આ કાળા ચોરોની પહેલી પસંદગી હોય છે. કોઈ પણ જગ્યાએ તમે નેકલેસ ચોરીની વાત કરો, એટલે હાજર રહેલા તમામ પાસે ‘ચેઈન-સ્નેચિંગ’ની કોઈ ને કોઈ ઘટનાની વાત હોય છે. કેટલા બધા ‘ચેઈન સ્નેચિંગ’ થાય છે!

ચેઈન-સ્નેચિંગની ઘટનામાં ગુનેગારો ઘણુંખરું પકડાતા નથી. એટલે આ બિઝનેસ વધતો જાય છે.

પછી મહિલાઓએ આક્રોશ જાહેર કર્યો. મહિલાઓના ગળામાંથી કાયમ ચેઈન જતાં રહે છે. ચેઈન અને ચેન બંને એથી જાય છે.

સત્તાવાળાઓએ આની ખાસ નોંધ ન લીધી પણ ચેઈન તફડાવનારાઓને થયું કે પુરુષોને પણ ભોગ બનાવવા જોઈએ. એટલે એ લોકોએ એક મિટિંગ કરી કે હવે પુરુષોનો વારો પાડી દઈએ...

મહિલાઓ ગળામાં જાતજાતની ચેઈન લટકાવતી હતી, પુરષોએ ઠઠારો કરવા શું કરવું એવું ઘણાં પુરુષોને પણ થતું. પુરુષો દાગીના તો શું પહેરે? પછી કેટલાંક ફેશનબાજ પુરુષોને થયું કે આપણે પણ શરીર ઉપર સોનું ધારણ કરી શકીએ, જ્વેલરોએ તેમને રસ્તો બતાવ્યો કે તમે ચશ્માં સોનાની ફ્રેમમાં પહેરી શકો. આ વાત પુરુષોના દિમાગમાં આવી ગઈ, ચશ્માંધારી પુરુષો, યુવકો સોનાની ફ્રેઈમવાળાં ચશ્માં પહેરતા થઈ ગયા. ઠેર ઠેર સોનાની ફ્રેઈમવાળા ચશ્માંધારીઓ શહેરોમાં દેખાતા થઈ ગયા.

બધા પ્રકારના પુરુષો સોનાની ફ્રેઈમવાળાં ચશ્માં પહેરતા થઈ ગયા. યુવાનોને થયું કે વૃદ્ધ પિતા કે દાદાને પણ સોનાનાં ચશ્માં અપાવવા, એ કિસ્સામાં કોઈ ગઠિયો એક વાર કહે કે ‘આગળ ખૂન થયું, તમારા ચશ્માં ઉતારીને ખિસ્સામાં મૂકી દો’.

ચેઈન તફડાવનારાઓને ખ્યાલ આવ્યો કે પુરુષોએ સોનાની ફ્રેઈમવાળાં ચશ્માં વસાવવા માંડયા છે. જે ત્રીસથી પચાસ હજારના થતા હતા. અને નવા પ્રકારનો આતંક શરૂ થયો.

મહેન્દ્રભાઈ ઓફિસથી ઘેર જતા હતા, ત્યાં બાઈક ઉપર એક ગઠિયો આવી એમના ચશ્માં ઉપર ઝપટ મારી લઈને જતો રહ્યો.

શહેરમાં ઠેર-ઠેર ‘ચશ્માં-સ્નેચર’નો ત્રાસ ફેલાયો. કિશનભાઈનાં સોનેરી ચશ્માં આ રીતે ગયાં... પોલીસે પૂછયું, ‘કિશનભાઈ, ગઠિયો બાઈક ઉપર હતો, તેનો નંબર ખબર છે?’

‘ક્યાંથી ખબર હોય?’

‘કેમ?’

‘ચશ્માં ખેંચી લીધાં એટલે પછી બાઈક નંબર કઈ રીતે વંચાય?’

હવે નેકલેસની જગ્યાએ ચશ્માં - સ્નેચિંગની બીના રોજેરોજ છાપામાં આવે છે. પુરુષોને મહિલાસમોવડિયા થવાનો સંતોષ મળે છે...

ગૂગલી

રોષે ભરાયેલ ગૃહસ્થ મામલતદાર કચેરી સામે સળગી ગયો - સમાચાર.

‘સત્તા આગળ ગાંડપણ પણ નકામું’.

Saturday, March 5, 2011

લવ યુ અમદાવાદ!

અમદાવાદને છસ્સો વર્ષ પૂરાં થયાં. તેની જન્મજયંતી હતી છવ્વીસ ફેબ્રુઆરીએ, તે ધામધૂમથી અનેક લોકોએ ઊજવી. અમને પણ ખૂબ ઉત્સાહ હતો. આ અમારું પ્યારું નગર છે. બહાર ગયા હોઈએ, પાછા ફરીએ અમદાવાદનાં ઝાડવાં દેખાય કે અમે પ્રફુલ્લિત થઈ જઈએ. આમ તો અમે NRK. કહેવાઈએ. જેમ NRI કેટેગરી છે તેવી કેટેગરી છે NRK. એટલે કે નોનરેસિડેન્ટ કાઠિયાવાડી. આ શહેરમાં મારા જેવા ઘણા NRK છે. ભલે અમે કાઠિયાવાડી પણ એકડો અમદાવાદમાં ઘૂંટેલો અને એલએલબી પણ અમદાવાદમાં થયેલા (માંડ માંડ). નોકરીની શરૂઆત પણ આ શહેરમાં કરેલી, નિવૃત્ત પણ અહીંયાં જ થયા.

આ અમદાવાદની માયા-મોહિની અજબ છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા કશ્યપને કોઈ સ્નેહીએ પૂછયું, “હું અમદાવાદ જાઉં છું કાંઈ મંગાવું છે?” “યાર ત્યાં જતા હો તો મારા માટે એક પ્લાસ્ટિક બેગમાં અમદાવાદની માટી લેતો આવજે, સૂંઘી લઈશ કે તાજો થઈ જઈશ.”

આ અસર છે અમદાવાદની. કોઈકે નિરીક્ષણ કર્યું છે કે માણસ અમદાવાદની બહાર નીકળી શકે પણ તેનામાંથી અમદાવાદ બહાર નીકળી ન શકે. ગાંધીજી પણ અમદાવાદમાં રહેલા NRK જ હતા. અમદાવાદની ભૂમિમાં તેમણે આશ્રમ સ્થાપ્યો. અમદાવાદનો આશ્રમ જગ-મશહૂર થઈ ગયો. અમદાવાદે ગાંધીજીની યાદમાં ગાંધીરોડ પણ બનાવ્યો છે. પણ ખૂબી એ છે કે ગાંધીમાર્ગ, એક માર્ગી, વન-વે છે આ વાત ઘણી સૂચક છે.

ઘણાં ક્ષેત્રોમાં અમદાવાદનું પ્રદાન છે. વિજ્ઞાન અને અંતરીક્ષ ટેક્નોલોજીમાં અમદાવાદના વિક્રમ સારાભાઈનું પ્રદાન યાદ રહે તેવું છે. (ખરા ભારતરત્ન એ ગણાય). સંગીતક્ષેત્રે અમદાવાદના બ્રીજભૂષણ કાબરા ગિટારવાદનમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મશહૂર છે. શાસ્ત્રીય સંગીતમાં અમદાવાદનું યોગદાન કેમ ભુલાય? દેશના મહાન કલાકારો જાન્યુઆરીમાં ‘સપ્તક’માં ભેગા થયા.

અમદાવાદની ગલી ગલીમાં ક્રિકેટ રમાતું હોય છે. ભલે તે મેદાની રમત કહેવાતી. અમદાવાદમાં તે ગલીની રમત છે. સાંકડી ગલીમાં કોઈ દીવાલ ઉપર ચીતરેલા સ્ટમ્પ સામે છોકરાઓ ક્રિકેટ રમતાં હોય. હા, ક્રિકેટ ક્ષેત્રે ઝાઝા રમતવીરો અમદાવાદે નથી આપ્યા. પણ જસુ પટેલને ન ભૂલી શકાય. જસુ પટેલ અમદાવાદી ક્રિકેટના ખૂબ ચહીતા ખેલાડી હતા. ઓસ્ટ્રેલિયન બોલર લીલી ખૂબ લોકપ્રિય ગણાય. એ બોલિંગ નાખવા જાય કે ત્યાંના પ્રેક્ષકો લી.લી.લી...લી એમ સમૂહમાં ગાવા માંડે. એ લીલી અગાઉ એવું દૃશ્ય અમદાવાદના ક્રિકેટ મેદાન ઉપર જોવા મળતું. કોઈ વિદેશી ટીમ અમદાવાદમાં રમવા આવે, જશુભાઈ એમને ભારે પડે જ. અને ત્યારે મેદાનમાં બેઠેલા પ્રેક્ષકો જેમ લીલીને લોકો બિરદાવતા તેમ જશુ પટેલને બિરદાવે. જશુભાઈ જેવા રન-અપના માર્ક ઉપર જાય કે પ્રેક્ષકો બૂમો શરૂ કરે - ‘બોય - લર’... ‘બોય....લર’ (બોલર) આ જસુભાઈએ સૌ પ્રથમ વાર આ દેશને ટેસ્ટની મોટી જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમને ધૂળ ચાટતી કરી હતી.

અમદાવાદનું માણેકચોકનું રાત્રી બજાર અમદાવાદની ઓળખ છે. પાણીપૂરી-પકોડીનો મેળો અમદાવાદમાં ખાસ ભરાય છે. કાર્તિકી પૂર્ણિમાએ લોકો એને ‘પકોડી-પૂનમ’ તરીકે ઓળખે છે. પકોડી-પૂનમ એ કદાચ સમગ્ર દેશમાં પ્રથમ હશે. રાજસ્થાનીઓ કહેતા હોય છે. ‘દિવાળી અઠે કઠે પણ હોળી તો મારવાડે’ તેવી રીતે અમદાવાદનો ઉત્તરાયણનો માહોલ જબરજસ્ત હોય છે. દેશ-વિદેશોમાં વસેલા અમદાવાદીઓ પણ ‘દિવાળી અઠે-કઠે પણ ઉત્તરાયણ તો અમદાવાદે ભલી’ એવું માનતા હોય છે. દશેરાના ફાફડા - જલેબી સમગ્ર અમદાવાદને ફાફડામય કરી દે છે.

અમદાવાદ તરફ ઈર્ષા રાખનાર એની નીચલી કક્ષાની મજાકો કરે છે. સ્વ. યશોધર મહેતા કહેતા કે જેને અમદાવાદમાં ઘર કે સાસરું નથી મળ્યું એ લોકો જ આવી અમદાવાદની મજાક કરી તેમની ઈર્ષાઓ ઠાલવે છે...

વાઈડ બોલ

દરેક સ્ત્રી તેના પતિની દૃષ્ટિએ મહારાણી ન પણ હોય, પણ તેના પિતાની નજરે તે કુંવરી જ છે.