Sunday, September 25, 2011

મેરી જૂતી સે

માયાવતીજીએ પગનાં જૂતાંનું સન્માન કર્યું છે. ધન્યવાદ માયાવતીજી, પગનાં જૂતાંને આપે આપેલું સન્માન આપના દિલની વિશાળતા બતાવે છે. પગની જૂતીનું સન્માન રામાયણકાળની પ્રણાલિકા રહી છે. શ્રીરામના નારા લગાવનાર ભાજપને માયાવતીજીની ટીકા કરવાનું શોભતું નથી!!
હિંદીનો જાણીતો રૂઢિપ્રયોગ છે ‘મેરી જૂતી સે...’ અંગ્રેજીમાં ‘હુ કેરસ’ (મને કંઈ પડી નથી)ના મતલબમાં વપરાય છે. ગુજરાતમાં આને માટે ‘ખાસડે મારી....’ જેવો પ્રયોગ છે.
આ બધામાં જૂતાંની તૌહીન સંભળાય છે. ત્યારે નીચલા વર્ગને ઊંચે લાવવાની જેમને લગની છે તે માયાવતીજીએ જૂતાંને ઊંચો દરજ્જો આપ્યો છે એ જાણી તમામ સામાન્ય લોકોને આનંદ થશે. જૂતાંચોરોને પણ પોતે એક ઉમદા ધંધામાં પડયા છે તેનો આનંદ થશે.
ગાંધીજી ઇચ્છતા હતા કે છેલ્લા માણસ સુધી પહોંચવું જોઇએ. માયાવતીજીએ જૂતાં સુધી પહોંચવાની તેમની તમન્ના પ્રગટ કરી છે.
આપ સૌને ખબર જ હશે કે સુશ્રી માયાવતીએ મુંબઈથી તેમના જૂતાં લાવવા માટે ખાસ જેટ વિમાન મોકલેલું. માયાવતીએ એક જોડી જૂતાંને મુંબઈથી લાવવા માટે લાખ્ખો રૂપિયા ખર્ચી કાઢયા તેની કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે. પણ ઢાલની બીજી બાજુ એ લોકો જોતાં નથી. પગની જૂતીને માથાના મુગટ જેટલું મહત્ત્વ આપ્યું છે!
પહેલાંના વખતમાં માથા ઉપરના છત્રનું સન્માન થતું. માયાવતીજીએ પગનાં જૂતાંનું સન્માન કર્યું છે. ધન્યવાદ માયાવતીજી, પગનાં જૂતાંને આપે આપેલું સન્માન આપના દિલની વિશાળતા બતાવે છે. નીચે રહેલા વર્ગ પ્રત્યે તમારી સહાનભૂતિ છે તે પ્રગટ કરે છે. ભાજપના નેતા ભલે કહેતા હોય કે આ દસ લાખ રૂપિયાનો ધુમાડો છે. આ તેમની દૃષ્ટિનો અભાવ બતાવે છે. પ્રાચીનકાળમાં રઘુકુળના ભરતજીએ પગની જૂતીનું એટલે કે રામજીની ચાખડીઓનું સન્માન કર્યું હતું. તમારો કિસ્સો ભાઈ ભરત કરતાં પણ જરા ઓછો નથી. પગની જૂતીનું સન્માન રામાયણકાળની પ્રણાલિકા રહી છે. શ્રીરામના નારા લગાવનાર ભાજપને માયાવતીજીની ટીકા કરવાનું શોભતું નથી.
હાલમાં જૂતાં અને નેતાઓનો સંબંધ વધુ પ્રકાશમાં આવ્યો છે. પ્રેસિડેન્ટ બુશ ઉપર ઇરાકમાં જૂતાં ફેંકાયાં ત્યારે ખબર પડી જૂતાંની કિંમત. માયાવતીનાં જૂતાં માટે દસ લાખ ખર્ચાયા જ્યારે બુશ ઉપર ફેંકાયેલાં જૂતાંએ ફેંકનારને કરોડો રૂપિયા રળી આપેલા. જોડાંની કિંમત કરોડો સાબિત થઈ છે ત્યારે માયાવતીજીના દસ લાખ રૂપરડીના ખર્ચ માટે કકળાટ કરનારે સમજવું જોઈએ કે તેઓ ક્ષુલ્લક બાબતે કકળાટ કરી રહ્યા છે.
અમદાવાદની ગરદીવાળી બસમાં અથડાતા, ગામડે જતા એસટીમાં લટકતાં લટકતાં જતાં છગનલાલ જ્યારે માયાવતીજીની જૂતીને શાનદાર હવાઈ સફરની વાત જાણે છે ત્યારે ભગવાનને વિનંતી કરે છે, ‘અગલે જનમ મૂઝે (માયાવતીજીની) જૂતિયાં હી કીજીયો...’
અગાઉ છાપામાં સમાચાર હતા કે તામિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાને તમે ‘જૂતાં ક્વીન’ કહી શકો, એમની પાસે ૭૦૦ જોડી જૂતાં હતાં. જેમાં વિરોધીઓએ તેમની ઉપર ફેંકેલાં જોડાંની ગણતરી કરવામાં નથી આવી. હવે માયાવતીજીએ એમના એક જૂતાને હવાઇસફર કરાવી પોતાની સુપ્રીમ કક્ષા સાબિત કરી છે. જયલલિતાજીનાં ૭૦૦ જોડાં સામે એમના એક જોડાનું સન્માન વધી ગયું છે. ‘સો સુનાર કી, એક લુહાર કી’ એ કહેવત યથાર્થ કરી છે.
માયાવતીજીએ એમના સ્ટેચ્યુ બનાવવા પાછળ પણ લાખો વાપર્યા છે. ગોવિંદાની શૈલીમાં આ અંગે સિંદબાદ કહે છે
‘તેરી જૂતી ભી કોસ્ટલી,
તેરી સ્ટેચ્યુ ભી કોસ્ટલી,
તૂ હે કોસ્ટલી - કોસ્ટલી- કોસ્ટલી,
તૂ હે કોસ્ટલી સીએમ ઇન્ડિયા કી.’
વાઇડ બોલ
આતંકવાદીઓનું દિલ્હી બોમ્બ બ્લાસ્ટનું કાર્ય કાયરતાપૂર્ણ છે એમ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું છે.
સિંદબાદ કહે છે, ‘વડાપ્રધાનશ્રીનું આ નિવેદન શૂરવીરતા પૂર્ણ છે!’

Saturday, September 17, 2011

હિટ લિસ્ટમાં કે ફિટ લિસ્ટમાં?

હિટ લિસ્ટ અને ફીસ્ટ લિસ્ટ પછી ત્રીજું લિસ્ટ છે - ફિટ લિસ્ટ. તમને પક્ષના મહામંત્રી પદનો હોદ્દો મળે જો તમે હાઇકમાન્ડના ફિટ લિસ્ટમાં હો. તમારી યોગ્યતા એ બીજી વસ્તુ છે, પહેલી વસ્તુ તમે ફિટ લિસ્ટમાં છો કે નહીં? તો જ કામ થાય. તમે કાબેલ છો. તમારી લાયકાત છે. તમારે ચેરમેન તરીકે કોઈ કોર્પોરેશનમાં બેસવું છે પણ એ માટે તમે હાઇકમાન્ડના ફિટ લિસ્ટમાં હોવા જોઈએ
કોઈ આલિયા- માલિયા કે જમાલિયાને ત્યાં ઇન્કમટેક્સના દરોડા નથી પડતાં આ “સ્ટેટમેન્ટ”માં થોડોક સુધારો થઈ શકે. માલિયાને ત્યાં દરોડા પડી શકે. માલિયા મીન્સ વિજય માલ્યા. (લીકર કિંકોગ) તેઓ આલિયા કે જમાલિયાની જમાતમાં ન આવે. કહેવાનું એટલું કે કોઈ એરા ગેરાને ત્યાં દરોડા ન પડે. મોટા મોટા કોન્ટ્રાક્ટર, ઉદ્યોગપતિઓ એ બધાને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડે.
કેટલાક કિસ્સામાં કરોડપતિને ત્યાં દરોડા પાડનાર લખપતિ થઈ જતા હોય છે. અમેરિકન ગુજરાતી હાસ્યલેખક હરનિશ જાની કહેતા હતા કે કોઈ ભિખારીનું ખિસ્સું ન કપાય, ખિસ્સું કપાય તો શેઠિયાનું જ કપાય. વાત સાચી છે ભિખારીનું ખિસ્સું કાપવામાં બ્લેડ કે કાતરના ધસારાની કિંમત પણ ન મળે. સામાજિક રીતે તમારે ત્યાં ઇન્કમટેક્સનો દરોડો પડે તે ગૌરવપ્રદ બાબત ગણાય છે. છોકરીઓનાં માબાપ એના ઘરમાં તેમની દીકરી આપવા આતુર હોય છે. ઇન્ક્મટેક્સના દરોડાની જેમ ત્રાસવાદીઓનો લક્ષ્યાંક એટલે કે એમના હિટ લિસ્ટમાં કોઈ આલિયા- માલિયા નથી હોતા.
વિશ્વનાં મોટાં માથાં ત્રાસવાદીઓના હિટ લિસ્ટમાં હોય છે. બરાક ઓબામા સૌથી ટોચ ઉપર હિટ લિસ્ટમાં છે.
આપણા જુદા જુદા પક્ષના નેતાઓ પણ હિટ લિસ્ટમાં છે. મોટા નેતાઓ જ હિટ લિસ્ટમાં હોય, ફાલતુ લોકો નહીં. પણ મોટા નેતાઓ ત્રાસવાદીનું લક્ષ્ય બને છે ત્યારે કેટલાક નવાણિયા કુટાઈ જાય છે. યાદ કરો રાજીવ ગાંધી હિટ લિસ્ટમાં હતા ત્યારે હુમલામાં લગભગ બીજા પાંત્રીસ જણ માર્યા ગયા હતા. હિટ લિસ્ટની આ બાય પ્રોડક્ટ ગણાય જેને લોકો યાદ નથી કરતા.
હિટ લિસ્ટ જેવું ફીસ્ટ લિસ્ટ પણ હોય છે. એક ફિટ લિસ્ટ પણ હોય છે. ફિટ લિસ્ટની વાત પાછળથી કરીશું, ફીસ્ટ લિસ્ટની વાત કરીએ. ફીસ્ટ એટલે કે જમણનું લિસ્ટ, જમવામાં જગલો શબ્દ વપરાય તો જગલાઓનું એક લિસ્ટ કુટુંબદીઠ હોય છે. છગનના ઘરે પાર્ટી હોય તો તેમાં કોને બોલાવવા તેનું એક લિસ્ટ હોય છે તેને તમે ફીસ્ટ લિસ્ટ કહી શકો.
આપણને બધાં કંઈ પાર્ટીમાંં ન બોલાવે. તમે ફીસ્ટ લિસ્ટમાં હો તો તમને આમંત્રણ મળે. અમેરિકન હાસ્યકાર આર્ટ બુકવર્લ્ડે કહ્યું હતું કે વ્હાઈટ હાઉસની પાર્ટીના નિમંત્રણમાં મારું નામ ન હોઈ એક વાર મને નિમંત્રણ મળ્યું ત્યારે આશ્ચર્ય થયું હતું. દરેક વર્ગમાં તેમના પોતાના મોભા પ્રમાણે એક ફીસ્ટ લિસ્ટ હોય છે. તે લિસ્ટમાં તેમની હરોળના માણસોને આમંત્રણ હોય છે. કોઈ આલિયા- માલિયાને નહીં.
ત્રીજું એક લિસ્ટ છે ફિટ-લિસ્ટ, તમને પક્ષના મહામંત્રી પદનો હોદ્દો મળે જો તમે હાઇકમાન્ડના ફિટ લિસ્ટમાં હો. તમારી યોગ્યતા એ બીજી વસ્તુ છે, પહેલી વસ્તુ તમે ફિટ લિસ્ટમાં છો કે નહીં? તો જ કામ થાય.
તમે કાબેલ છો. તમારી લાયકાત છે. તમારે ચેરમેન તરીકે કોઈ કોર્પોરેશનમાં બેસવું છે પણ એ માટે તમે હાઇકમાન્ડના ફિટ લિસ્ટમાં હોવા જોઈએ. તુષાર ચૌધરીને ડોક્ટર થવા માટે પરીક્ષા આપવી પડી હતી. યુનિર્વિસટીએ ડિગ્રી આપી ત્યાર પછી જ ડોક્ટર બની શક્યા. પણ તે કેન્દ્ર સરકારમાં પ્રધાન કઈ રીતે બન્યા? કોઈ ડિગ્રી નહીં પણ અમરસિંહ ચૌધરીના પુત્ર હતા એટલે સોનિયાબહેનના ફિટ લિસ્ટમાં આવી ગયા. હિટ લિસ્ટ કોઈને ઉડાડવા માટેનું સાધન છે. જ્યારે ફિટ લિસ્ટ કોઈનું સ્થાપન કરવાનું માધ્યમ છે.
કોઈ સંસ્થામાં હોદ્દો જોઈતો હોય, કોઈ એવોર્ડ મેળવવો હોય તો યોગ્યતા કરતાં તમે ફિટ લિસ્ટમાં હોવ તે વધુ જરૂરી છે. હિટ લિસ્ટમાં હો તો દુનિયામાંથી ઊઠી જશો, ફિટ લિસ્ટમાં હશો તો કોઈ ખુરશીમાં બેસી જશો. તમે પણ ફિટ-લિસ્ટમાં આવી જાવ એવી અમારી શુભેચ્છા.
વાઇડ બોલઃ અમેરિકામાં એક જણનાં લગ્ન ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે થયાં. (૪થી જુલાઈ)
“એ દિવસે તેણે ઇન્ડિપેન્ડન્સ ગુમાવ્યું!”

Saturday, September 10, 2011

રે ઘૂવડો સુખથી ભણજો..

તમને કવિ કલાપી યાદ આવી જશે. તેમણે લખ્યું હતું કે, ‘રે પંખીડાં સુખથી ચણજો...’
વિદ્યાર્થીઓ પણ પંખી જ છે.
અને ઘૂવડ પણ પંખી છે એટલે વિદ્યાર્થીઓને ઘૂવડની ઉપમા આપી કહેવામાં આવ્યું છે કે, ‘રે ઘૂવડો સુખથી ભણજો...’ કોઈએ વિદ્યાર્થીઓને ઘૂવડ કહેવા બદલ ખરાબ ન લગાડવું.
અમેરિકાની એક શાળાએ નવા સત્રમાં વિદ્યાર્થીઓને આવકાર આપતા ઘૂવડ કહ્યા છે.
આપણે ત્યાં શિક્ષકોનાં નામ પાડવાની પ્રથા છે. વિદ્યાર્થીઓ શિક્ષકને ખાસ નામથી બોલાવે. ભૂગોળના એક શિક્ષકને વિદ્યાર્થીઓ ચકલી કહેતા. એ યાદ આવે છે. અમેરિકાની શાળાઓમાં શિક્ષકોનાં ઉપનામ વિદ્યાર્થીઓએ પણ પાડયાં હશે પણ એક શાળાએ નવા વિદ્યાર્થીઓને આવકારપત્રમાં ઘૂવડતૂલ્ય ગણાવ્યા છે.
અમેરિકાની આ પ્રાથમિક શાળામાં યુનિફોર્મની પ્રથા નથી. અમુક જ કપડાં પહેરવાં તેવું નથી. (કપડાં પહેરવાં પડે) અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય! કપડાં પહેરવાનું સ્વાતંત્ર્ય!
આપણે ત્યાં શાળામાં યુનિફોર્મ ફરજિયાત છે. ઘણી ખરી શાળાઓ વિદ્યાર્થીઓના જન્મદિને યુનિફોર્મમાંથી મુક્તિ આપે છે. (બર્થડે શૂટ નહીં પણ રંગીન કપડાં પહેરવાની છૂટ) કેટલીક શાળાઓ યુનિફોર્મ તો ફરજિયાત ખરો પણ કઈ દુકાનમાંથી ખરીદવો તે પણ ફરજિયાત. રિટ-પ્રિય બૌદ્ધિકોએ આ માટે કેમ કોઈ રિટ નથી ફટકારી, એનું આશ્ચર્ય છે. એ શાળા કહે યુનિફોર્મ મગનલાલની દુકાનમાંથી જ ખરીદવાનો એટલે પછી ત્યાં જ ખરીદવાનો. સિંદબાદ કહેતો હતો, આ પ્રકારના યુનિફોર્મ એટલા મોંઘા હોય છે કે વાલીઓનાં કપડાં વેચાઈ જાય. ફક્ત રામાયણમાં જ નહીં પણ વાલી વધ અત્યારે પણ થાય છે. વાલી વધ યુગે યુગે એમ કહી શકાય.
મૂળ વાત ઉપર આવીએ. પેલી અમેરિકન શિક્ષિકાએ વિદ્યાર્થીઓને ઘૂવડ કહ્યા છે. તેની સમજણ કે ખુલાસો પણ આપ્યો છે. અંગ્રેજી જોડણી ઘૂવડ (ઓવલ)ની છે. ‘ર્ઉન્’ ઓ (ર્) એટલે તે આજુબાજુ ઓબ્ઝર્વેશન કરે છે. ડબ્લ્યુ (ઉ) એટલે વન્ડર, તે જે જોતો હોય છે તે માટે તેને તાજૂબી થતી હોય છે અને એલ (ન્) ‘લવ ટુ લર્ન’ તેને નવી વસ્તુ શીખવાનો આનંદ હોય છે. ‘ર્ઉન્’ આ છે ર્ઉન્નું સમીકરણ.
શિક્ષિકા કહે છે તેને ઘૂવડ જેવા વિદ્યાર્થીઓ ગમે છે જેને નિરીક્ષણ કરવાની અને શીખવાની તમન્ના છે.
શિક્ષિકા એનું સરનામું પણ પત્રમાં આપે છે. આપણે ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ મહેનત કરી શિક્ષકનું સરનામું મેળવી લે છે. (માર્ક/માહિતી મેળવવા જરૂરી ગણાય છે) આ અમેરિકન ટીચર પોતાના કુટુંબની માહિતી પણ આપે છે. એણે બે કૂતરાં પાળ્યાં છે. બે બિલાડીઓ પણ પાળી છે. બે છોકરાં છે. (એક પાળેલો પતિ છે એ વાત એણે લખી નથી.)
આપણે ત્યાં શિક્ષકો કૂતરાં-બિલાડી પાળતાં નથી. સોસાયટી કે શેરીનાં કૂતરાં- બિલાડીથી ચલાવી લે છે. એનાં બે બાળકોની માહિતી પણ આપી છે અને લખે છે કે છોકરાઓને મેં ભણાવ્યાં તેને કારણે મને શિક્ષણમાં રસ પડયો છે. તેની સાથે રહી મને જગતનો પરિચય થયો છે, તમારી સાથે રહીને પણ હું એ જ કરીશ. શિક્ષકે વાલીઓને એ પણ પૂછયું છે કે તમારા બાળકનું શું ગમે છે? શું શું નથી ગમતું? શિક્ષક તરીકે મારે તમારા બાળક વિશે શું જાણવું જરૂરી છે? આ પ્રશ્નોના જવાબ અનેક રીતે આપી શકાય. તમે તમારી રીતે વિચારજો...
વાઈડ બોલ
સિગારેટ છોડવી અઘરી બાબત નથી, મેં એક હજાર વાર છોડી છે. - માર્ક ટ્વેઈન(અમેરિકન હાસ્યલેખક)

Monday, September 5, 2011

ફિલ્મ પાછળની બબાલ

કેટલાક વખત પહેલાં ‘થ્રી ઇડિયટ્સ’ નામની ફિલ્મ આવી હતી. ફિલ્મના ત્રણ નાયક કલાકારો ઇડિયટ્સ છે. જેણે કરોડો રૂપિયા નિર્માતાને કમાવી આપ્યા છે. ફિલ્મથી નાખુશ કેટલાક લોકો માને છે કે પ્રેક્ષકોને ઇડિયટ બનાવી હિરાણી કંપનીએ કરોડો રૂપિયા બનાવ્યા છે.

દેશ માટે અનાજ પકવતા ખેડૂતો અને ભાવિ ભારતના ઘડવૈયા વિદ્યાર્થીઓ અવારનવાર આપઘાત કરતાં હોય છે એ સિસ્ટમની કરુણતા છે. એમાંથી શિક્ષણની કરુણતાની વાત ફિલ્મવાળાઓએ કરી. ત્રણ મિત્રો, વિદ્યાર્થીઓએ ફરી મળવાનો વાયદો પાંચ સપ્ટેમ્બરે તો કરે છે. ત્રણ વિદ્યાર્થીઓ મળવાની તારીખ નક્કી કરે છે તે આપણો શિક્ષણદિન ગણાય છે.

શિક્ષણ જગતમાં કોઈ પ્રોફેસર કોઈ વિદ્યાર્થીના પ્રેમમાં પડે એવા કિસ્સા બને છે. આમાં અવળીગંગા થાય છે. એક પ્રોફેસરની પુત્રી ઇડિયટ વિદ્યાર્થીના પ્રેમમાં પડે છે.

આપણાં પુરાણમાં પણ આવી એક કથા છે. આચાર્યની પુત્રી, એ સમયની ભાષામાં ગુરુની પુત્રી, ગુરુના શિષ્યના પ્રેમમાં પડે છે. કચ-દેવયાનીના નામે આ કિસ્સો જગમશહૂર છે. આચાર્ય શુક્રાચાર્યનાં પુત્રી દેવયાની પિતા શુક્રાચાર્યના શિષ્ય કચના પ્રેમમાં પડે છે પણ રણછોડલાલ ચાંચડ એટલે કે આમિર ખાનની કરામતોનો લાભ દેવયાનીને મળ્યો ન હતો એટલે તે કચને પામી શકી ન હતી. અમેરિકન ભારતીય લેખક ચેતન ભગતનો દાવો હતો કે એમની એક વાર્તાને આધારે આ ઇડિયટોએ ‘થ્રી ઇડિયટ’ બનાવી છે. મને ક્રેડિટ પણ આપી નથી.

ફિલ્મોમાં તો આવું ચાલતું જ હોય છે. (ધીરે ધીરે હું મારી વાત ઉપર આવીશ) ફિલ્મ ‘મોગલે આઝમ’ રજૂ થઈ ત્યારે નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે દાવો કર્યો હતો કે ફિલ્મનું મશહૂર ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...’ એમનું રચેલું ગીત છે. કે.આસિફે એમની સાથે કરેલી આ છેતરપિંડી છે.

‘થ્રી ઇડિયટ’ના લેખક અભિજાત જોષીએ ચેતન ભગતના આક્ષેપ અંગે કહ્યું કે કુલ ૧૭૦ પાનાંની ફિલ્મની વાર્તા છે. તેમાંથી ૧૬૦ પાનાં સાથે ચેતન ભગતની વાર્તા સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધ પણ નથી.એટલે કે ફિલ્મની વાર્તાને ત્રાણું (૯૩%) ટકામાં ચેતનની વાર્તાનો કોઈ પડછાયો નથી. તેમ છતાં અમે ચેતન ભગતને ‘થ્રી ઇડિયટ્સ’ માટે ક્રેડિટ તેમજ ‘કેશ’ બંને આપ્યા છે.

છગને ફિલ્મના એક દૃશ્યની વાત કરી. “બોસ, ‘થ્રી ઇડિયટ્સ’માં છેલ્લે થોડી ભાગમ્ભાગ પછી કરીના કપૂર અને આમિર ખાન મળે છે. ત્યારે આમિર ખાન- કરીના એકબીજાને દીર્ઘ ચુંબન કરે છે આમ કેમ?”

“કેમ?”

“બોસ, કરીના કપૂર આમ તો સૈફ અલીની મંગેતર છે. આપણી ફિલ્મોમાં આવાં દૃશ્યો ખાસ આવતાં નથી તો સૈફ અલીએ વાંધો નહીં લીધો હોય?”

સિંદબાદને ભીતરની વાત ખબર હતી એ કહે... “સૈફ અલીએ વાંધો લીધો નહોતો પણ શરત કરી હતી કે આ ચુંબન દૃશ્યમાં આમિર ખાનના ડુપ્લિકેટનો ઉપયોગ કરવો અને તે ડુપ્લિકેટ તરીકે મારો ઉપયોગ કરવો, એટલે જે ચુંબન દૃશ્ય છે તેમાં આમિર ખાન નહીં પણ સૈફ અલી જ છે. ‘થ્રી ઇડિયટ’ની વાર્તામાં માંડ સાત- આઠ ટકા પોતાની વાર્તાનો ઉપયોગ થયો હતો તેમાં ચેતને હંગામો કર્યો હતો.

આ લેખકની એક વાર્તા ‘જહાંગીરનો ઘંટ’માંથી એક આઈડિયાનો કેતન મહેતાએ ‘ભવની ભવાઈ’માં ઉપયોગ કર્યો હતો. અમારી એ વાર્તા લગભગ ત્રીસ વર્ષ પૂર્વે મુંબઈ દૂરદર્શન ઉપરથી નાટય રૂપાંતર રૂપે રજૂ થઈ હતી. જેમાં કાંતિ મડિયાએ અભિનય અને દિગ્દર્શન કર્યું હતું.

જહાંગીર ભેળસેળ રોકવા ઘંટ બંધાવે છે ત્યારે ફરિયાદ કરવા આવેલ ફરિયાદી ઉપર જ ભેળસેળને કારણે ઘંટ તૂટી પડે છે અને તે રામશરણ થઈ જાય છે. કેતન મહેતાએ આ ઘટના ‘ભવની ભવાઈ’માં રજૂ કરી છે. અમને ખબર નહીં નહીંતર અમે પણ ચેતન ભગતની જેમ હોબાળો કરત. અમારી પણ ચર્ચા તો થાત જ. સિંદબાદ આ જાણી કહે છે, “બોસ તમે ફોર્થ ઇડિયટ છો.”

વાઈડ બોલ

ઇંગ્લેન્ડની વિકેટ જબરી છે. ઇંગ્લેન્ડનો દાવ હોય ત્યારે બેટ્સમેનની ફેવર કરે છે, આપણો દાવ હોય ત્યારે બોલરની ફેવર કરે છે!!

દુલ્હન વોહી જો ધરતીકંપ લાયે

તાજેતરમાં જ ન્યૂ યોર્કમાં ધરતીકંપ આવ્યો.

ધરતીકંપ એક સમાચાર લાવ્યો, જે નવતર શબ્દ પણ લાવ્યો.

‘અર્થક્વેક બ્રાઈડ’ (ધરતીકંપ દૂલ્હન) ‘રન-અવે બ્રાઈડ’ એ જાણીતો શબ્દ છે. લગ્નના છેલ્લા સમયે કન્યાનું મગજ બદલાય. અરે, આ હું શું કરી રહી છું? એમ તેને લાગે ને ચર્ચ કે મેરેજ રજિસ્ટ્રી તરફ જવાને બદલે ‘અય મેરે દિલ કહીં ઔર ચલ’ ગણગણતી બીજી તરફ ફંટાઈ જાય તેને રન-અવે બ્રાઈડ કહે છે. જરૂરી નથી કે તેનું કોઈ ‘અફેર’ હોય તેથી આમ થયું હોય, પણ લગ્ન માટે હા પાડયા પછી, માલ-સામાન, ખાણી-પીણીના ઓર્ડર અપાઈ ગયા હોય અને ‘બ્રાઈડલ ડ્રેસ’ તૈયાર હોય અને દૂલ્હનનું મન બદલાય ચર્ચને બદલે પહેરેલા પરિધાન સાથે બીજે નીકળી પડે તેને માટે યુરોપ- અમેરિકામાં વપરાતો શબ્દ છે ‘રન-અવે બ્રાઈડ’.

તાજેતરમાં આવેલ ન્યૂ યોર્કના ધરતીકંપ વખતે મીડિયાએ નવો શબ્દ ‘કોઈન’ કર્યો છે. ‘અર્થક્વેક બ્રાઈડ’ ‘ધરતીકંપ દુલ્હન’, વાત એવી બનેલી કે ધરતીકંપના સમયે એક મહિલાનાં લગ્ન લેવાયાં હતાં. સરસ મજાના સફેદ ડ્રેસમાં મહિલા બનીઠનીને મેરેજ નોંધણી કચેરી તરફ ચાલી અને ધરતીકંપ આવ્યો. લગ્ન પછી ઘણા લોકોનાં જીવનમાં ધરતીકંપ આવતો હોય છે. આ કિસ્સામાં લગ્નના સમયે જ ધરતીકંપ આવ્યો હતો.

કહેવાય છે ધરતીનો ભાર શેષનાગના માથે છે. લગ્ન કરવા જઈ રહેલી યુવતીના કાર્યમાં સંમતિ વ્યક્ત કરવા તેમણે માથું સહેજ હકારમાં હલાવ્યું હશે અને ધરતીકંપ આવી ગયો. ધરતીકંપના ગભરાટથી ભાગતી યુવતીની તસવીરો અમેરિકાનાં ઘણાં છાપાંઓમાં પ્રગટ થઈ. દુલ્હનના પોશાકમાં યુવતી હતી પણ ચહેરા ઉપર ઉમંગ ન હતો, પણ ગભરાટ હતો. ત્યાંના બ્રાઈડલ ડ્રેસમાં શોભતી યુવતી ભાગતી હતી. એક હાથમાં મોબાઇલ ફોન હતો. બીજા હાથે કીમતી બ્રાઈડલ ડ્રેસ ઊંચો કરી ભાગતી હતી. અમેરિકામાં લગ્ન વખતે યુવતીઓ ધોળો- સફેદ ડ્રેસ પહેરે છે અને ધોળા દિવસે લગ્ન કરે છે. આપણે ત્યાં લગ્નના દિવસે કોઈ યુવતી સફેદ પોશાકમાં ન હોય.

અમેરિકામાં લગ્ન દિવસે જ થાય, રાત્રે નહીં. આપણે ત્યાં લગ્ન રાત્રે પણ થાય. એ બહેને જો લગ્ન રાતે રાખ્યાં હોત તો ધરતીકંપના સમયે ડ્રેસ ઝાલીને દોડવું પડયું ન હોત. છગને ધરતીકંપમાં ભાગતી દુલ્હનનો ફોટો જોઈ કહ્યું, ધોતીયું ઝાલીને દોડયા કરે છે એના જેવું લાગે છે. હવે અમેરિકાવાળા ધરતીકંપને આ દુલ્હન સાથે સાંકળી રહ્યા છે. ઘણા લોકો કહે છે આ યુવતીને કારણે ધરતીકંપ આવ્યો અને તેને લેબલ લગાડી દીધું ‘અર્થક્વેક બ્રાઈડ’.

કેટલાંક વરસો પહેલાં ઊંઝાની એક બેંકમાં લૂંટારુંઓ ત્રાટક્યા હતા. જોગાનુજોગ એ દિવસે જ બેંકમાં નવી યુવતી કલાર્ક તરીકે જોડાઈ હતી. એનું નામ પડી ગયું ‘ડાકુરાની’ છોકરી અમદાવાદથી અપ-ડાઉન કરતી હતી. સમગ્ર અપ-ડાઉન સ્ટાફ એને ડાકુરાનીના નામે જ જાણે.

ન્યૂ યોર્કના કિસ્સામાં અજીબ વાત એ હતી કે નવવધૂના પોશાકમાં તેનો ભાગતો ફોટો અગ્રગણ્ય છાપાંઓમાં આવ્યો. ઇન્ટરનેટ ઉપર તેની ક્લિપિંગ પણ આવી. (યુ ટયૂબમાં અર્થક્વેક બ્રાઈડમાં તમે એ ક્લિપિંગ જોઈ શકશો) પણ વાત એવી હતી કે આ યુગલ છાનામાના લગ્ન કરી રહ્યું હતું અને ખૂણે ખૂણે ખબર ફેલાઈ ગઈ કે આ તો લગ્ન કરવાં જઈ રહી છે. વરરાજાનાં માતા આ લગ્નની ખિલાફ હતાં. (એટલે કે યુવતીનાં સાસુમા) એમણે પણ સૂર પુરાવ્યો આને કારણે જ ધરતીકંપ આવ્યો છે. કાગડા કાશીના હોય કે કાનપુરના રંગ તો કાળો જ હોય. સાસુઓનું પણ એવું હશે. ન્યૂ યોર્ક હોય કે ભારત, સાસુઓના ઢંગ એક સરખા હોય! બરાબરને?

વાઇડ બોલ

દર ચાર અમેરિકને એકનું મગજ બરાબર નથી હોતું. તમારા ત્રણ મિત્રો તપાસજો, જો તેઓ શાણા હોય તો તમે ચોથા રહ્યા!

(વિકટર પોસ્ટ રોએસ્ટરમાંથી)