આપણા વિદેશ પ્રધાન શશી થરૃરને કોણ નથી ઓળખતું? તેઓ રાજ્યકક્ષાના પ્રધાન છે પણ લાગે છે તેઓ રાજા કક્ષાના પ્રધાન છે.
પહેલાંના વખતની રાજાઓની વાર્તામાં આવે કે એક રાજા તેને સાત રાણી. આ રાજ્યકક્ષાના રાજા ત્રણ રાણીની સંખ્યાએ પહોંચી જશે.
શશીજી શબ્દોથી ધરતીકંપ કરી શકે છે તે આપણે જોયું છે. વિમાનના ઈકોનોમી ક્લાસને ઢોરના ડબ્બાની ઉપમા આપી હતી, એ સિવાય વચ્ચે પણ એક-બે વાર તેમણે વિવાદાસ્પદ વિધાનો કરેલાં. ત્યારે લાગેલું કે ચંદ્ર (શશી) પૂનમનો મટી અમાસનો થઈ જશે. પણ ગ્રહણ લાગે એ પહેલાં જ મોક્ષ થઈ ગયો હતો. હવે શશીસાહેબે શબ્દથી ઝંઝાવાત જગાવવાની જગ્યાએ, કાર્યથી ‘એક્શન’થી એ કામ કર્યું છે.
શશીજી ત્રીજી વાર લગ્ન કરવાના છે. ત્રીજી વારના સમાચાર આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ અગાઉ બે વખત મંડપમાં બેસી ચૂક્યા છે. હાલ તેઓ એક કેનેડીયન મહિલા સાથે લગ્નથી જોડાયેલા છે. આપણા આ વિદેશ પ્રધાને સાસરું પણ વિદેશમાં જ પસંદ કરેલું.
આપણી લોકકથામાં આવતું કે ઘોઘાના રાજકુંવરે લંકાની લાડી પસંદ કરેલી, એ પછી વાસ્તવિકતામાં બીજા એક કાઠિયાવાડી ક્રિકેટર કરસન ઘાવરીએ લંકાની લાડી પસંદ કરેલી. પણ તેઓ પ્રધાન થઈ શક્યા નહોતા. ફક્ત ભારતીય ટીમના ‘પ્રધાન’ બોલર હતા. પણ કેનેડાની યુવતી સાથે બીજાં લગ્ન કરેલા શશી થરૃર વિદેશ પ્રધાન બની શક્યા. વિદેશ સાથેના અનુભવના એક ભાગ તરીકે આ જોઈને કદાચ વડાપ્રધાને તેમને વિદેશ પ્રધાન બનાવ્યા હશે. થરૃરને પ્રથમ પત્નીથી બે પુત્રો છે. પ્રથમ પત્ની વિદેશી ન હતાં, પણ તેના બે પુત્રો વિદેશમાં છે. આ બંને પુત્રોને બાપની શાદી માણવાનો મોકો મળી શકે છે. બહુ જ ઓછા માણસોને બાપનાં લગ્નમાં જવાની તક મળે છે. આવી વિરલ તક પૂરી પાડવા માટે તેઓએ પિતાશ્રીનો આભાર માનવો જોઈએ. થરૃરના વિદેશ રહેતા પુત્રોને બાપનાં લગ્નમાં આવવાની ઇચ્છા થશે તો રજા માટેના પત્રમાં લખશે ‘આઈ વોન્ટ ટૂ એટેન્ડ માય ફાધર્સ મેરેજ’ એનો બોસ ભારતીય હશે તો વિચારમાં પડી જશે કે ‘ફાધર ફ્યૂનરલ’ માટે રજા માગનાર હોય છે. આ ‘ફાધર્સ મેરેજ’ માટે રજા માગે છે.
પ્રાચીન કાળમાં રાજાઓ પ્રવાસે કે મૃગયા કરવા નીકળે ત્યારે એકાદ રાણીનો વેંત કરતા આવે. આગળ કહ્યું તેમ એક હતો રાજા તેને સાત રાણી, શશીજી વિચારતા હશે કે રાજા તરીકેના વૈભવમાં તેઓ અડધે રસ્તે પહોંચી ગયા છે.
અર્જુન પાતાળલોકમાં ગયો ત્યારે ત્યાં લગ્ન કરેલાં તે કથા મહાભારતમાં છે. ભીમે હિડિમ્બા સાથે ‘પ્રવાસ’માં જ લગ્ન કરેલાં. આમ બિનનિવાસી સ્ત્રીઓને પરણવાનો રિવાજ હતો જ. થરૃરની ત્રીજી પત્ની પણ પરદેશી છે. તે હાલમાં દુબઈ રહે છે. એટલે વિદેશપ્રધાનને એક વધુ વિદેશી સાસરું મળશે. જોકે હાલના સમયનાં લગ્નની વાત કરીએ તો ઈલીઝાબેથ ટેલર આગળ શશી ક્ષીણ ચંદ્ર લાગે. ઈલીઝાબેથ ઈકોતેરમા વર્ષે નવમી વાર લગ્ન કરવાની છે. તે સામે ચોપ્પન વર્ષના થરૃર ત્રીજી વાર ઘર માંડે છે. ઈલીઝાબેથ ટેલરને હરાવવા માટે શશીજીએ ઝડપ વધારવી પડશે.
એક રમૂજ વાંચેલી કે એક યુગલ દેવળમાં લગ્ન કરવા જાય છે. પાદરી રાબેતા મુજબ વિધિ પહેલાં લગ્નનું જીવનમાં મહત્ત્વ સમજાવતો પાઠ વાંચે છે. ત્યારે લગ્ન માટે આવેલી મહિલાએ પાદરીને કહ્યું, ‘સાહેબ, અમને બંને જણાને આ વાત ખબર છે. અમે બંને જણા સાતમી વાર પરણી રહ્યાં છીએ. તમે કહો છો તે બધું જ અમે અગાઉ સાંભળી ચૂક્યાં છીએ, પ્લીઝ, લગ્નની વિધિ જ પતાવો.’
શશીજીને પણ લગ્નવિધિ ઘણી ખરી પાકી થઈ ગઈ હશે. જો તેઓ આ બાબતમાં આગેકૂચ ચાલુ રાખશે તો એમને પણ લગ્નના શ્લોકો મોઢે થઈ જશે.ગોરની ભૂલ પણ બતાવી શકશે.
એ કદાચ બીજાનાં લગ્નોમાં ન ગયા હોય તો કહી શકશે, ‘ભલે જાનમાં નથી ગયો પણ પા ડઝન વાર શાદી કરી છે.’
આપણા સાંસદો વિશે એક સર્વે હમણાં પ્રસિદ્ધ થયો છે તે પ્રમાણે લગભગ સો જેટલા સાંસદો કરોડપતિ છે. કેટલા સાંસદો કરોડપતિ છે એ ખબર પડી પણ કેટલા સાંસદો કેટલી પત્નીના પતિ છે એ ખબર નથી પડી. શશી થરૃરના કિસ્સા પછી એ પણ સર્વે થવો જોઈએ તેમ લાગે છે.
વાઈડ બોલ
શોએબ મલિક ઉપર પાકિસ્તાનમાં મેચ ફિક્સિંગનો આરોપ લાગેલો છે. તે અંગે ટોણો મારતા માથાફરેલા સફરાઝ ખાને કહ્યું, ‘હવે ટેનિસની મેચો પણ ફિક્સ થશે.’
No comments:
Post a Comment