ભાજપનું હમણાં જ ભોપાલમાં અધિવેશન મળી ગયું.
અધિવેશનમાં છેલ્લે ગીત-સંગીતની મહેફિલ થઈ. નેતાઓએ સંગીતના સૂર છેડયા. નેતાઓએ ગીત ગાયાં. છગને કહ્યું, 'ગીત ગાયા પથ્થરો ને...' નેતાઓને અને પથ્થરોને સંબંધ તો ખરો જ. કેટલાક નેતાઓએ પથરાબાજી કરી નેતાપદ પ્રાપ્ત કર્યું છે, કેટલાકે પથરાઓ ખાધા છે. કેટલાક ખાશે. રાજકારણ માટે કહી શકાય કે 'પથ્થર પથ્થર પે લીખા હૈ ખાનેવાલો કા નામ.'
આપણા જીવનના દરેક પહેલુ પર ગીત-સંગીત છવાયેલાં છે. જન્મના સમયથી જ ગીતોની શરૃઆત હાલરડાંથી થાય છે. લોકમુખે ગવાયેલું હાલરડું સિરિયલે પણ પ્રખ્યાત કર્યું, 'તમે મારા દેવના દીધેલ છો... આવ્યા છો તો અમ્મર થઈને રહો' આ લેખકના પિતાએ હાલરડાની પેરોડી કરતા, 'તમે મારા માથાના મારેલ છો, આવ્યા છો તો સખણા થઈને રહો.'
જન્મનાં હાલરડાં પછી લગ્નગીતો - છેલ્લે મરશિયા સાબિત કરે છે કે ગીત-સંગીત બધે જ છવાયેલું છે. એટલે ભાજપવાળાએ ગીતોથી લોકોને પૂરા કરવા પ્રયત્ન કર્યા. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન અને એક પ્રધાને ગીતો લલકારીને, કાલ સવારે સરકાર ન રહે તો સંગીત તો સહારો મળી રહેશે એવી પ્રતીતિ કરાવતા હતા.
સંગીતની અસર અંગે એક લેખકે લખેલું કે આપણે ત્યાં શાકવાળી પણ લયમાં શાક વેચે છે, 'એ કૂણા માખણ જેવા ભીંડા લઈ લો...' અરે, આપણે ત્યાં તો 'ઓ જાને વાલે બાબુ એક પૈસા દે દે' એમ કહીને ભીખ માંગવામાં આવે છે. સિંદબાદ કહે છે, મત માગવાવાળા નેતાઓ પણ માગણ જ કહેવાય ને! ભાજપ તો ભારતીયતાને વરેલો પણ છે. દરેક પ્રસંગ સાથે ગીત-સંગીત સંકળાયેલું છે, તે ભારતીય સમાજ તેનો આદર્શ છે. એટલે અધિવેશનમાં ગવાયેલાં ગીતોથી ખુશ થવા જેવું છે.
એક વાર અટલબિહારી વાજપાઈને ઇન્દિરાજીએ કેદ કરેલા. પછી તુરંત છોડી મૂકેલા, તે વાત તેમણે અમદાવાદમાં ફૂટબોલ ગ્રાઉન્ડ પર કરેલી અને બોલ્યા હતા, 'કેદ માગી થી રીહાઈ તો નહીં માગી થી...'
ઇન્દિરાજીએ 'ગરીબ હટાવો'નો નારો લગાવી તમામ પક્ષનાં સૂપડા-પીપડા વધુ સાફ કરી નાખેલું. ત્યારે જનસંઘ (ભાજપ)ના મુખપત્ર 'ઓર્ગેનાઈઝર'માં પૂરબ-પશ્ચિમ ગીતની પંક્તિ ટાંકવામાં આવી હતી.
'કોઈ અગર તેરા દિલ તોડ દે
અકેલા તુજે છોડ દે, તબ તુમ મેરે ઘર
ચલે આના પીયા... યે ઘર ખૂલા હૈ ખૂલા હી રહેંગા..'
'યે દીપક જલા હૈ જલતા હિ રહેગા' (ત્યારે જનસંઘનું નિશાન પણ દીપક હતું)
વડાપ્રધાનની ખુરશી વાટ જોવે છે, એવું જેમને લાગતું હતું તે અડવાણીજીએ ગાવું જોઈએ કે 'હમને તો કલીયાં માંગી થી કાંટો કા હાર મીલા' ઉમા ભારતીજી ગાઈ શકે,'જો તૂઝે ભૂલ ગએ. યાદ રહે ગમ તેરે.' મુલાયમનું દિલ પથ્થર જેવું છે, તે યાદ કરી અમરસિંહ ગાઈ શકે, 'પથ્થર કી તરહ દિલ હો જીસકા ઉસે દિલ મેં બસાકે ક્યા કરે.'
તાજેતરમાં 'માય નેઈમ ઈઝ ખાન'ના મામલે શાહરુખ ગાઈ શકે, 'આગે આગે મહારાષ્ટ્ર કી સરકાર યહાં કે હમ હૈ રાજકુમાર' ઘણાં ગીતો સ્ફૂરે છે - તે ફરી ક્યારેક
અમદાવાદમાં એક સ્કૂલનું નામ છે 'સેવન ડેઈઝ' 'તે પાંચ દિવસ જ ચાલે છે!'
No comments:
Post a Comment