Friday, April 9, 2010

યુનિ.માં સુંદરકાંડ

ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં સુંદરકાંડના પાઠનું આયોજન થશે તેવા સમાચાર પ્રગટ થતાં જ ઘણા લોકો ઉછળ્યા છે.

સુંદરકાંડ વિશે એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે રોજ છાપામાં તેનો ઉલ્લેખ હોય છે. શહેરના કોઇ સ્થળે સુંદરકાંડ હોય જ અને તેની વિગત છાપામાં હોય.

એવું કહેવાય છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી સાંસારિક ઉપાધિઓ ટળે છે. આમજનતામાં તેનો ભારે મહિમા છે. સુંદર અવાજના એક માલિકે, ગાયકે સુંદર અવાજે સુંદરકાંડ ઠેરઠેર ગાયો, તેના કારણે જ તે સુંદર બંગલાના માલિક થયા છે.

કહેવાય છે કે સુંદરકાંડના પાઠથી નડતા ગ્રહોની શાંતિ થાય છે. સુંદરકાંડમાં સુંદર રામ, સુંદર સીતા બધી જ સુંદર વાતો છે. એના પાઠથી વિઘ્નો દૂર થાય છે. પણ આ સુંદરકાંડના કારણે ગુજરાત યુનિ.ના વાઇસ ચેરમેન પરિમલ ત્રિવેદી વિવાદમાં સપડાયા છે. યુનિ.ના વિસ્તારમાં સુંદરપાઠ થશે તે ખબર ફેલાતા બુદ્ધિજીવીઓ ઉશ્કેરાયા છે. એ લોકોને પરિમલ ત્રિવેદીમાં કોમવાદની દુર્ગંધ અનુભવાય છે.

યુનિ.માં સુંદરકાંડનો પાઠ? બિલકુલ ન ચાલે એવું એ હડહડતા સેક્યુલારિસ્ટો માને છે. શું થશે ભારત દેશની બિનસાંપ્રદાયિકતાનું જો શિક્ષણસંસ્થાઓમાં સુંદરકાંડ થશે તો? બુદ્ધિજીવીઓએ કાગારોળ મચાવી છે. શિક્ષણસંસ્થામાં રામનું નામ? એ લોકોને શંકા છે. શિક્ષણસંસ્થાઓમાં સુંદરકાંડ થશે તો શિક્ષણનો રામબોલોથઇ જશે.

એક એવો કાનૂન છે (કાગળ ઉપર તો છે જ ) કે શિક્ષણસંસ્થાની નજીક ગુટકા-તમાકુનું વેચાણ ન થઇ શકે. હવે સેક્યુલારિસ્ટો માંગણી કરશે કે શિક્ષણસંસ્થાની નજીક સુંદરકાંડનો પાઠ ન જોઇએ. ગુટકા-તમાકુથી કમ નુકશાનકારક એ નથી. એવી પણ માંગણી થશે કે સુંદરકાંડના પહેલા પાના ઉપર જ કાનૂની ચેતવણી છાપવામાં આવે કે, ‘સુંદરકાંડનો પાઠ શિક્ષણસંસ્થાઓ માટે હિતકારી નથી.

ગુજ. યુનિવર્સિટીમાં થનાર સુંદરકાંડના પાઠ સામે કોઇ વિરોધી હાઈકોર્ટમાં મનાઇહુકમ મેળવવા પણ જાય. શક્ય છે તે વખતે હાઈકોર્ટના મેદાનમાં સુંદરકાંડનો પાઠ ચાલતો હોય. છગન કહેતો હતો કે સુંદરકાંડ સામે બિનસાંપ્રદાયિકતાનો ઉકળાટ આઠ રિક્ટર સ્કેલનો ગણી શકાય.

કેટલાંક વરસો અગાઉ બિનસાંપ્રદાયિકોની અડફેટે બાળવર્ગમાં શિખવાડાતો કક્કો ચડી ગયો હતો. કક્કામાં ગણપતિનો એમ લખ્યું હતું ત્યારે હડહડતા બિનસાંપ્રદાયિકોને આ કક્કામાં ભારતની બિનસાંપ્રદાયિક્તા ઉપર સંકટ તોળાતું દેખાયું હતું. કક્કામાં હિંદુ દેવતા દેખાયા એ બિનસાંપ્રદાયિક્તા ઉપરનો ખતરો એ લોકોને જણાયો હતો. ઠેરઠેરથી વિરોધ કરવામાં આવ્યો. ગણપતિનો કક્કામાંથી દૂર કરો તેવા નારા ચલાવાયા. જેમની કમરને વાંકા વળવામાં મુશ્કેલી નથી તેવા શાસકો ઝૂકી ગયા. કક્કામાંથી ગણપતિનો દૂર કરવામાં આવ્યો અને ત્યાર પછી ની ઓળખ માટે ગધેડાનો એવું કક્કામાં લખવામાં આવ્યું. ગણપતિની જગ્યાએ ગધેડો આવી ગયો. કક્કામાં લખવામાં આવ્યું. ગધેડાનો બિનસાંપ્રદાયિકોને ગણપતિ સામે વાંધો હતો ગધેડા સામે નહીં. (ગધે કહીં કે) બિનસાંપ્રદાયિકતા કોને કહેવાય? કેટલાંક વરસો પહેલાં પ્રમુખસ્વામી મહારાજના આદેશથી મેમનગર પાસે એક સંમેલન યોજવામાં આવેલું તેમાં દરેક સંપ્રદાયના પ્રતિનિધિઓને પોતાના સંપ્રદાયની વાત કરવા માટે આમંત્રવામાં આવ્યા હતા. જેમાં પારસી, ખ્રિસ્તી બધા ધર્મના ગુરુઓ ઉપસ્થિત હતા. સિંદબાદ કહે છે બિનસાંપ્રદાયિકતા આ કહેવાય. પણ ગણપતિની જગ્યાએ જેમને ગધેડાનો જ આગ્રહ હોય એમને આ વાત ક્યાંથી સમજાય?

ગૂગલી : ધેર ઇઝ સમથિંગ ઇન સરનેઇમએમ લાગે છે, ગૌતમ ગંભીર બેટિંગની બાબતમાં ઘણો ગંભીર છે.

No comments: