Tuesday, May 31, 2011

જીવતો કસાબ કરોડોનો

‘અગિયાર કરોડ કોને કહેવાય? ‘ સિંદબાદે સવાલ કર્યો. ‘અગિયારની પાછળ સાત મીંડાં લાગે ત્યારે અગિયાર કરોડ થાય છે, પણ તું કેમ મૂંઝાય છે ?’

‘બોસ, મારો ભાઈ વરસે દોઢ લાખ કમાય છે. આટલું ભણ્યા પછી, તેની આ સરેરાશ જોતાં તેની જિંદગીમાં તે ચાલીસ-પચાસ લાખ માંડ કમાઈ શકે, જ્યારે એક હત્યારા આતંકવાદીને સાચવવા અગિયાર કરોડ ખર્ચાઈ ગયા છે!’

સ્વાભાવિક હતું કે સિંદબાદ કસાબની વાત કરી રહ્યો હતો.

‘સિંદબાદ, કસાબને ફાંસી આપ્યા પછી આ ખર્ચ બંધ થઈ જશે.’

‘જોક સારી છે.’

‘તને જોક લાગે છે?’

‘હાસ્તો, હજી તો કેટલી અપીલો થશે અને છેવટે રાષ્ટ્રપતિ મેદાનમાં આવશે.’

‘એટલે?’

‘એટલે કે માર દીયા જાયે કે છોડ દીયા જાયે તે નક્કી કરવા માટે રાષ્ટ્રપતિને દયાની અરજી થશે.’

‘પછી?’

‘રાષ્ટ્રપતિની કુળ રીતી સદા ચલી આઈ, ની રેકર્ડ શરૂ થશે,એ રેકોર્ડ બ્રેક નહીં થાય પણ વાગ્યા જ કરશે. ‘

‘એટલે?’

‘એટલે કે દરમિયાન રાષ્ટ્રપતિઓ બદલાયા કરશે, પણ રાષ્ટ્રની નીતિ નહીં બદલાય, કસાબની ફાંસીની સજા કાયમ રાખવાનું નિમિત્ત કયા રાષ્ટ્રપતિ કે કેટલામા રાષ્ટ્રપતિ બનશે તે નક્કી કરવા ભલભલા જ્યોતિષીઓ પણ પાછા પડે.’

‘ખરેખર?’

‘હા, ‘વક્ત’ ફિલ્મનો સંવાદ હતો કે કપ અને હોઠ વચ્ચે ઘણું અંતર હોય છે આ દરેક ‘વક્ત’માં લાગુ પડે છે એ સંવાદને જરા ફેરવીને કહી શકાય કે ગળા અને ફાંસીના દોરડા વચ્ચે ઘણું અંતર છે.’

‘લાગે છે ખરું.’

‘હા,ગળું પણ છે ફાંસીનું દોરડું પણ છે, પણ તેનો મિલાપ ક્યારે થશે? ફાંસીનું દોરડું કસાબના ગળાને ક્યારે ગળે મળશે તે કોઈ જાને ના.’

આપણા દેશમાં અનેક ટીવી ચેનલો છે. છગનની આગાહી છે કે ‘ચેનલ વન’માંથી કોઈ એકાદ ચેનલ કસાબકથા ઉપર એકાદ વિશેષ કાર્યક્રમ ભવિષ્યમાં રજૂ કરશે.’

‘એ કેવો કાર્યક્રમ હશે?’

‘શરૂમાં બતાવશે કે કસાબને પકડયો ત્યારે તે કેવો લાગતો હતો તેના ક્લિપિંગ રજૂ કરવામાં આવશે. પછી દરેક વર્ષના તેના ફોટા અને ક્લિપિંગ બતાવવામાં આવશે. કોર્ટમાં ચાલતી ટ્રાયલના ફોટા ક્લિપિંગ દેખાડશે.’

‘પછી?’

‘પછી જુદા જુદા રાષ્ટ્રપતિઓના ફોટા હશે જેના ગાળામાં કસાબની દયાની અરજીઓ આવી હશે તે હશે. ૧૯૧૫માં કસાબ કેવો હતો- ૧૯૨૦માં કસાબ કેવો લાગતો હતો. છેવટે એકાદ દિવસે તે કુદરતી મોતે મરી જશે. દિગ્વિજયસિંહ કુળના કોઈ નેતા કહેશે ‘ આ ભારતની લોકશાહી ન્યાય પ્રણાલિકાનો વિજય છે. અમે એમને એમ કસાબને લટકાવી નથી દીધો એને પૂરતી તક બચાવ માટે આપી છે. છેવટે ‘કસાબજી’ કંટાળીને ગુજરી ગયા.

અત્યારે ધોળકામાં મલાવ તળાવ ન્યાયના પ્રતીક તરીકે લોકોને બતાવવામાં આવે છે. ભવિષ્યમાં આર્થર રોડની કોટડી બતાવાશે. જ્યાં ન્યાય સાચવવા સેંકડો માણસને શહીદ કરનાર પાછળ કરોડો રૂપિયા શહીદ થયા મતલબ કે વપરાઈ ગયા.

‘સત્યમેવ જયતે’ની જેમ સૂત્ર પ્રચલિત થશે

‘હણો આતંકવાદને, ન હણો આતંકીને’

ગૂગલી

‘હાથમાં કરોડો રૂપિયા, અને પાછી પત્ની જેલમાં, કનિમોઝીના પતિને અત્યારે જલ્સા જ જલ્સા છે’ અનુપમ ખેરે કહ્યું:

અનુપમ ખેરની પત્નીએ આ જાણ્યું એટલે કહ્યું ‘આવવા દો અનુપમને ઘેર આજે તેની ખેર નથી.’

May 31,2011

Saturday, May 28, 2011

દેશ કામરૂ દેશ બની રહ્યો છે

જૂની કથાઓમાં કામરૂ દેશનો ઉલ્લેખ આવતો હતો. ત્યાં સદા સ્ત્રીઓ રાજ કરે.

થોડાક વખત પહેલાં એક સર્વે થયો હતો. “ઓફિસમાં વુમન બોસ હોય તો તમને કેવું લાગે?”

એક કર્મચારીએ જવાબ આપેલો. “ઘર જેવું લાગે, ઘરે પણ વુમન બોસ. ઓફિસમાં પણ વુમન બોસ!”

લાગે છે જૂની કથાઓમાં આવતી કામરૂ દેશની વાત આકાર લઈ રહી છે આપણા દેશમાં. તાજેતરની ચૂંટણીઓમાં દેશને વધુ બે મુખ્યમંત્રી તરીકે મહિલાઓ મળી છે.

દેશના સૌથી મોટા રાજ્યનાં મુખ્યમંત્રી માયાવતી તો છે જ. શીલાકી જવાનીમાં તો નહીં પણ બૂઢાપામાં શીલાજી દિલ્હી જેવા અતિ મહત્ત્વના રાજ્યમાં શાસન કરી રહ્યાં છે.

ભારતના વડા પ્રધાન ભલે સ્ત્રી ન હોય પણ, સ્ત્રી જ વડાપ્રધાન ગણાય તેવું છે. કાનૂનમાં કહેવું હોય તો કહી શકાય કે, ‘ડીફેક્ટો’ વડા પ્રધાન સોનિયાજી છે તેમ સિંદબાદ કહે છે. વિરોધપક્ષમાં નેતા તરીકે સુષમા સ્વરાજનું રાજ ચાલે છે.

તાજેતરની ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે એક મિત્રે એસએમએસ કરેલો, “તામિલનાડુમાં અમ્મા આવ્યાં છે, તો બેંગાલમાં દીદી આવ્યાં છે. યુપીમાં બેનજી છે તો દિલ્હીમાં આન્ટીજી છે, કેન્દ્રમાં મેડમ છે. વિપક્ષમાં સ્વરાજ ઈશારત છે. ઘરમાં પત્નીઓનું રાજ છે જ હવે સ્ત્રીના રાજમાં આપણે છીએ.”

આમ પણ મહિલાઓનું આધિપત્ય છે જ. જન્મ થાય ત્યારે, તે જ ઘડીએથી માતાના શાસનમાં. આપણે સ્કૂલનાં પ્રારંભના દિવસોમાં મહિલા શિક્ષિકાઓના પ્રભાવ હેઠળ રહેવાનું. ઘરમાં બહેન હોય તો તે તમારી ઉપર રોફ મારે. કાળક્રમે તમે મોટા થાવ અને પરણો પછી પત્નીશાસન હેઠળ તમે આવી જાવ. પછી તમારાં સંતાન મોટાં થાય એ પરણે તમારા માથે પુત્રવધૂનું શાસન આવી જાય. આમ મહિલાઓના શાસનમાં તમે. હા, સરકારો બદલાયા કરે, પહેલાં માતાની સરકાર, પછી પત્નીની સરકાર પછી પુત્રવધૂની સરકાર એમ ચાલ્યા કરે. સરકાર મહિલાઓની છે તમે કેવળ રૈયત છો, એમાં પણ મહિલા જાગૃતિ મંડળો છાશવારે પુરુષોની જોહુકમીના દાખલાઓ આપે. અને એ રીતે પુરુષોના માથે મત્સ્યસ્નાન કરાવે.

હવે આ લોકો મહિલા અનામતના બિલની માગણી કરી રહ્યા છે. લાગે છે કે તમને એની જરૂર? મહિલા અનામત બિલ આવે તો લોકસભા, વિધાનસભાને રાધાસભા કહેવી પડશે તેવી સ્થિતિ આવશે.

કહેવત છે કે ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.’ આ વાત ઇન્દિરાજીને જરૂર લાગું પડે કે તેમણે રાજીવ - સંજયનું પારણું ઝુલાવ્યું હતું. પણ માયાવતી કે મમતા દીદી અને જયલલિતા અમ્માએ કોઈનું પારણું ઝુલાવ્યું નથી, પણ શાસન કરે છે. આ મહિલાઓને પતિ છે જ નહીં એટલે સંતાનનું પારણું ઝુલાવવાનો પ્રશ્ન થતો નથી.

આપણા ધર્મમાં પણ મહિલાઓ છવાયેલી છે. દેવોની સાથે ઘણી સંખ્યાઓમાં દેવીઓ પણ આપણી પાસે છે. બીજા કોઈ ધર્મમાં આવું નથી. દેવીઓના પ્રભાવ કેવા છે? તે જાણવું હોય તો ભિન્નમાલ (રાજસ્થાન)માં ગોત્રદીઠ એક એક દેવી માતાનું સ્થાપન થયેલું છે.

હિન્દુ ધર્મની ફિલોસોફીના અભ્યાસી વડોદરાના ડો. સત્યવ્રત પટેલે લખ્યું હતું કે, ‘માતા કાલિકા એક્સપ્રેસ ધ વોરિયર મૂડ ઓફ મધર.’ (કાલિકા માતા, માતાનો યોદ્ધા તરીકેનો ભાવ પ્રગટ કરે છે).

આપણા મહિલા નેતાઓ પણ અલગ અલગ મૂડ પ્રગટ કરે છે. જયલલિતા અમ્મા, મહિલાઓનો લક્ઝુરિયસ મૂડ પ્રગટ કરે છે. તેમના વોર્ડમાં દસ હજાર સાડીઓ છે. (વોર્ડરોબનો પણ કેવો રોબ?) આટલી બધી સાડીઓ તો ઘણા ખરા સ્ટોર્સમાં પણ ન હોય. એ ઉપરાંત સાતસો પગરખાં! જૂતાં બજારની દુકાન લાગે. અમ્માનાં ઘરેણાંઓ જોતાં લાગે પૂરું ઝવેરી બજાર ઘરમાં આવી ગયું છે.

અમ્મા સામે દીદીની વાત કરો તો મમતાદીદી પાસે સાત જોડી પણ પગરખાં નહિ હોય. એકાદ બે જોડી સ્લીપર જ હશે. જયલલિતાની સાડીઓ અને મમતાદીદીની સુતરાઉ સાડી કોઈ હોસ્પિટલની આયા પહેરે તેવી ગણાય. દુર્ગા, કાલિકા, સરસ્વતી માતાઓમાં જેવી વિવિધતા છે તેમ આ મહિલા નેતાઓમાં પણ છે.

વાઈડ બોલ

‘તેરી દો ટકીયાકી નોકરી, મેરા લાખ્ખો કા સાવન જાય રે...’

‘અરે બહેન, તમે જેને દો ટકીયાની નોકરી કહો છો તેના કારણે જ તમારા એ હોમલોનની બાર ટકાવાળી લોનના હપ્તા ભરી શકે છે.’

May 29,2011

Wednesday, May 25, 2011

ભારત તો આતંકવાદીઓનું સ્વર્ગ!

આપણે પાકિસ્તાનને ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારોની યાદી આપી તેવા એક ‘વજહૂલ કમર’નું નામ આપણે આપ્યું છે. પાકિસ્તાનને નામ આપતા તો આપી દીધું પછી ખબર પડી કે આ વજહૂલભાઈ તો થાણામાં જલસા કરે છે. સત્તાધીશોને પછી ખ્યાલ આવ્યો કે ‘હાય - હાય યે ક્યા કર બૈઠે ગોટાલા’.

આપણે કહ્યું વજહૂલભાઈ પાકિસ્તાનમાં છે. વજહૂલભાઈને સોંપવાને બદલે થાણા પાકિસ્તાનને આપી દો તેમ પાકિસ્તાનવાળા કહેશે તમે જ કહો છો કે વજહૂલ પાકિસ્તાનમાં રહે છે.લાવો થાણા અમને આપી દો.

દેશના ગૃહપ્રધાન આને માનવીય ભૂલ કહે છે. ગાંધીજી હોત તો આને ‘હિમાલય બ્લન્ડર’ કહેત. પણ એ નથી એટલે માનવીય ભૂલ તરીકે ચાલી ગયું.

આપણે કહ્યું કે વજહૂલ પાકિસ્તાન જતો રહ્યો છે. ત્યારે વજહૂલે અંડરવર્લ્ડની ભાષામાં જ કહ્યું, ‘બાપ, અપૂન તો ઈધર હી હૈ’.

સિંદબાદ કહે છે કે જો વજહૂલ આતંકવાદી હોય તો શા માટે પાકિસ્તાન જાય! જો તે પાકિસ્તાન જતો રહ્યો હોત તો તે તેની માનવીય ભૂલ ગણાત. અથવા આતંકવાદીય ભૂલ ગણાત.

‘એમ!’

‘હા બોસ ભારત તો આતંકવાદીઓનું સ્વર્ગ ગણાય છે.’

‘સિંદબાદ, ભારતને તું આતંકવાદનું સ્વર્ગ ગણે છે?’

‘બિલકુલ બરાબર તો સાંભળ્યું છે, આતંકવાદીઓને અહીંયાં જે સુખ મળે તે ક્યાંય ન મળે. ફાંસીની સજા થાય પણ મોત ન મળે’.

‘આજે નહીં તો કાલે ફાંસી થશે’

‘વો કલ કબ આયેંગી... ગાયા કરો’.

‘સિંદબાદ નિરાશાવાદી નથી’

‘બોસ, આતંકવાદીઓ આ સમજે છે. લાદેન પાકિસ્તાનમાં રહ્યો તો માર્યો ગયો, ભારતમાં હોત તો જલ્સા કરતો હોત, પેલા મેમણબંધુઓ પણ આ સમજતા હતા એટલે તો તેઓ બોંબધડાકા કરીને પાકિસ્તાન જતા રહ્યા હતા, પણ ભારત પાછા આવી ગયેલા’.

‘હા એ ખબર છે’

‘બોંબ ફેંક્યા પછી ભારત પરત કેમ આવી ગયા? એનો કોઈ તર્ક છે?’

‘સમજ નથી પડતી’

‘બોસ, સમજ ન પડવી એ તમારી માનવીય નબળાઈ છે. એ લોકોને ખબર છે કે જે સુખચેન આતંકવાદીઓને ભારતમાં છે તે ક્યાંય નથી. પાકિસ્તાનમાં થયેલ લાદેનના એન્કાઉન્ટર અંગે કોઈ મોટો વિવાદ નથી. પણ સોહરાબુદ્દીનને મારનારની કેવી બૂરી વલે થઈ રહી છે?’

વિચાર કરો બોંબ બ્લાસ્ટના અપરાધી વજહૂલ જામીન ઉપર છે. જ્યારે રાજ્યના ગૃહપ્રધાનના જામીન રદ કરવા માટે સરકાર આકાશ પાતાળ એક કરી રહી હતી.

‘હા એ વાત પણ ખરી’

‘એટલે વજહૂલ કમરે વિચાર્યું કે મારે કયા દુઃખે પાકિસ્તાન જવું? કરોડોનો ધુમાડો જેની પાછળ થાય છે તે કસાબ કદાચ કુદરતી મોતે મરશે ત્યાં સુધી ફાંસી નહીં થાય. મેરે દેશ કી ધરતી... સોના ઉગલે... એકે ૪૭ ફૂટલે... જયહિંદ....’

ગૂગલી

‘પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ના સંભવિત નવા વડા, આપણા ફિલ્મી કલાકાર સૈફ અલીના કાકા થાય છે’.

‘કાકાનું ઘર કેટલે? બોંબ ફૂટે એટલે!’

May 24,2011

રડકણા નેતા


આપણને અનેક પ્રકારના નેતાઓ મળ્યા છે. અનેક વિભાગમાં તેમને વહેંચી શકાય. કેટલાક નેતા કરડકણા હોય તો કેટલાક રડકણા પણ હોય.

નેહરુજીનો કિસ્સો હતો, ત્યારે કહેવાતું કે લાઈટના થાંભલાને પણ નેહરુના નામે મત મળી જાય અને ચૂંટાઈ આવે. નેહરુજીના ચહિતા સાથી હતા કૃષ્ણ મેનન. આ કૃષ્ણ મેનન ભારતના સંરક્ષણ પ્રધાન પણ હતા. તે કરડકણા હતા. વડચકા કાયમ ભરતા હોય. શેક્સપિયરની શૈલીમાં કહી શકાય -તોછડાઈ તારું બીજું નામ કૃષ્ણ મેનન છે. ભારતના લશ્કરના મોટા મોટા જનરલો સાથે તે ઉદ્ધતાઈથી પેસ આવતા. એ વાત એક એડમિરલે ‘અનટોલ્ડ સ્ટોરી’માં કહી છે. એ પુસ્તકની વાતોથી ફલિત થતું હતું કે ભાષા ઉપર જબરદસ્ત પ્રભુત્વ ધરાવનાર કૃષ્ણ મેનન બીજાને મગતરાં જ સમજતા. પણ આ દેશને મળેલા એક નબળા સંરક્ષણ પ્રધાન હતા. મેનનમાં શત્રુઓ ઊભા કરવાની ગજબની શક્તિ હતી. ચીન સામે આપણને મળેલી પછડાટ મેનનનીતિનું પરિણામ હતું. તેમ છતાં નેહરુ એમને છોડવા તૈયાર ન હતા. તે વખતે નેહરુના મેનનપ્રેમ માટે એક સરસ શબ્દ શ્યામપ્રસાદ મુખરજીએ ‘કોઈન’ કર્યો હતો કે કદાચ પાછળથી અટલબિહારી વાજપેયીએ વાપર્યો હોય - પણ નેહરુના મેનનના લગાવ માટે ત્યારે એમણે કહેલું કે નહેરુને ‘મેનન-જાઈટિસ’ થયો છે. ચીન-યુદ્ધ પછી કરડકણા મેનનનો અંત આવ્યો.

થોડાક દિવસ પહેલાં નેહરુજીનો એક ફોટો છપાયો હતો. તેમની સાથે એક નેતા દેખાતા હતા, તે હતા સત્યનારાયણ સિંહા. તેમને તમે રડકણા નેતા કહી શકો. સિંહાસાહેબ દરેક પ્રધાનમંડળમાં હોય જ. સદા અત્તરથી તેઓ મઘમઘતા હોય. સેન્ટના દરિયામાં નાહ્યા હોય તેમ ‘પરફ્યુમ’નો ઉપયોગ કરતા. (પરફોર્મન્સ કરતાં પરફ્યુમથી આકર્ષક થવું સહેલું છે તે સત્ય, સત્યનારાયણ જાણતા હતા!)

પછી આવ્યું ઇન્દિરાજીનું શાસન. તેમણે કેટલાક પ્રધાનોને ડ્રોપ કરવા નિર્ણય કર્યો. ક્રિકેટની ભાષામાં કહીએ તો ‘રેસ્ટ’ આપ્યો. તેમાં સત્યનારાયણ સિંહાનો નંબર હતો. કેબિનેટની યાદી તૈયાર થઈ તેમાં સિંહાજીનું નામ નહીં. સિંહાજીએ તો સોગંદવિધિ વખતે પહેરવાના ખાસ વસ્ત્રો સેન્ટ છાંટીને તૈયાર રાખેલાં. સમાચાર જાણી સિંહા બકરી થઈ ગયા. ઇન્દિરાજી પાસે જઈ રડી પડેલા. પોતે પ્રધાન નથી એ આઘાત તેમને જીરવવો અઘરો હતો. જનતાની સેવા કરવાની ભારે તમન્ના દિલ મેં થી. હવે પ્રધાનપદ વગર જનતાની સેવા કેમ થાય? આ દુઃખથી તેઓ રડી પડેલા. જેનો અહેવાલ વર્તમાનપત્રોમાં પણ આવેલો. સિંહાને લાગી આવેલું કે સાલુ, મને જ નોતરું નહીં? ઇન્દિરાજીએ તેમની દાંડી ઉડાડી દીધેલી. હવે પ્રજાની સેવા કરવાના કાર્યથી વંચિત રહી જવાશે તેવા કારણોસર સિંહા રડી પડેલા. સિંહ રડતો હોય એ દૃશ્ય કેવું લાગે. ભલે સિંહ ઘાસ ન ખાય, પણ રડે તો ખરો જ. જનતાની સેવા કરવાની તક ગઈ, એની ઉપર સિંહાની આંખમાં આંસુ આવ્યા. સિંહાના લોચનીયાં ભીનાં થયાં.

કહેવાય છે કે, સ્ત્રીના આંસુથી પુરુષ પીગળી જાય છે. આ કિસ્સામાં પુરુષના આંસુથી સ્ત્રી પીગળી ગઈ. મતલબ કે સિંહાના આંસુથી ઇન્દિરાજી પીગળી ગયા. તેમને સંસદીય પ્રણાલિ કે એવા કોઈ ખાતાના પ્રધાન બનાવ્યા. બિનસત્તાવાર સમાચાર પ્રમાણે પ્રધાન બનાવ્યા ત્યારે પણ સિંહા રડેલા જ. પણ તે હર્ષનાં આંસુ હતાં.

ગુજરાત પાસે પણ એક રડકણા પ્રધાન હતા. ગુજરાતના મુખ્યમંત્રી થયેલા બાબુભાઈ જશભાઈ પટેલને રડકણા હોવાનો ‘જશ’ થાય છે. આમ તો બા.જ. પટેલ કહેવાય, પણ તેમનું દિલ બાજનું નહીં, કબૂતરનું હતું. મતલબ કે તે ખૂબ જ સંવેદનશીલ હતા. કર્મચારીઓએ કરેલી હડતાળથી તેઓ ખૂબ વ્યથિત થઈ ગયેલા ને ત્યારે ઇન્દિરાજીના પક્ષ સામે ચૂંટણી લડી તેઓ ચૂંટાયા હતા. લોકસભામાં ઇન્દિરાજી અને સંજયની હાર થઈ ત્યારે કોંગ્રેસ હાઉસની લોબીમાંથી હર્ષભેર જાહેરાત કરેલી કે ‘ગાય પણ હારી, વાછડું પણ હારી ગયું છે.’ (કોંગ્રેસનું નિશાન ત્યારે ગાય-વાછડું હતું) સમય બદલાતાં તેઓ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયેલા. સિંદબાદ કહે છે કે ત્યારે તેમનો માયલો રોયો હશે.

પુરુષો જાહેરમાં રડે તેવું જવલ્લે જ બને. એક બેન્કમાં મેનેજર હતા બહાદુરભાઈ. બેન્કના પ્રશ્નોથી અકળાઈને બહાદુરભાઈ ઘણીવાર બેન્કમાં રડી પડતા હતા. યુદ્ધમાં ‘બહાદુરીથી પીછેહઠ’ શબ્દ પ્રયોજાય છે. આ કિસ્સામાં ‘બહાદુરી રૂદન’ એમ કહી શકાય.

લાચારી નહીં ક્યારેક લાગણીવશ થઈ માણસ રડી પડે છે. આ કલમ લેખક શરદબાબુને વાંચતાં વાંચતાં ઘણીવાર રડી પડયા છે.

રડવાની વાત ઉપર પણ હસી લેવું...

વાઈડ બોલ

દાનવ અધિકાર પંચનું સૂત્ર ‘ભલે નવ્વાણું નિર્દોષ મરી જાય, પણ એક આતંકવાદી ન મરવો જોઈએ.’

May 21,2011

પુલમાં પેશાબ કરતા ક્રિકેટરો

સાવ નફ્ફટ છે આ ક્રિકેટરો. જો કે, અમરસિંહની ટેપ સાંભળ્યા પછી નેતાઓ જેટલા ક્રિકેટરો નફ્ફટ નથી એમ લાગે. એન.ડી. તિવારી (ઉંમર ૮૬)ની હરકતો જાણ્યા પછી ઉંમર વધવા સાથે વાનરની ગુલાંટ મારવાની ક્ષમતા લુપ્ત થતી નથી એમ લાગે. ત્યારે ક્રિકેટરોની હરકતો કમીના નેતાઓથી કમ છે એમ લાગે.

દક્ષિણ આફ્રિકાની ચીયર ગર્લ્સ ગ્રેબીયેલાએ કરેલા ચોંકાવનારા ઘટસ્ફોટથી અત્યારના ક્રિકેટરોની ઈજ્જતના લીરા ઉડયા છે. કોઈક કદાચ કોમેન્ટ કરશે હિન્દી ફિલ્મની શૈલીમાં બેઈજ્જતી એની થાય છે, જેની કોઈ ઈજ્જત હોય. આ ક્રિકેટરો તેમના ક્રિકેટથી મશહૂર છે, તેથી તેમની વર્તણૂંકથી કુખ્યાત છે.

કેટલાંક વરસો પહેલા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ મોટેરામાં રમવા આવી હતી. બોર્ડરની આગેવાની હેઠળની તે મજબૂત ટીમને અમદાવાદમાં હારનો સામનો કરવો પડયો. પાચનશક્તિ મજબૂત હોય તો જ તમે અમુક વસ્તુ પચાવી શકો. પચવામાં કઠિન તેવી એક ચીજ છે, તે હાર - પરાજય. હાર પચાવવી એ ઘણી કષ્ટદાયક છે. ઓસ્ટ્રેલિયાએ એ વાત ત્યારે સાબિત કરી હતી. હારથી અકળાયેલા ઓસ્ટ્રેલિયનોએ ત્યારે સ્ટેડિયમના સ્વીમિંગ પુલમાં તમામ ખેલાડીઓએ પાળી ઉપર ઊભા ઊભા સમૂહ લઘુશંકા યાને મૂતરવાનો કાર્યક્રમ ગોઠવેલો. ચીયર ગર્લ ગ્રેબીયેલાએ કહ્યું છે કે, ગુસ્તાખીની બાબતમાં ઓસ્ટ્રેલિયનો નંબર વન છે. બોર્ડરની ટીમના સભ્યોએ ત્યારે પણ સભ્યતાની તમામ ‘બોર્ડર’ ક્રોસ કરી હતી. આ વાત મેં છગનને કરી ત્યારે તે સ્ટેડિયમના સ્વિમિંગ પુલમાં નહાતો હતો. એને આંચકો લાગ્યો, ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોના મૂત્રમાં નાહી રહ્યો છે, તેવું તેને લાગતાં બહાર નીકળી ગયો.

સ્ટીવ વો જેવા ઉમદા માણસોને અપવાદ ગણીએ પણ પોન્ટિંગ, સાયમંડ, હેડન વગેરેની વર્તણૂંક ઘણીવાર ખેલાડીઓ જેવી લાગતી નથી. ચીયર ગર્લે આ ખેલાડીઓના વર્તાવની વાત જાહેર કરતાં તેઓ ચિયરલેસ થઈ ગયા છે. આ ઓસ્ટ્રેલિયનો ‘લેગ ગ્લાન્સ’ ફટકારવા માં આવ્યા છે. તેને બદલે ચીયર ગર્લ્સના લેગ તરફ ગ્લાન્સ કરતા હતા.

આમ, વસ્ત્રમાં દેખાતી ચીયર ગર્લ ગ્રેબીયેલાએ ક્રિકેટરોનું વસ્ત્રાહરણ કર્યું છે.

અલબત્ત આપણા ક્રિકેટર બાદશાહ ધોની અને શહેનશાહ તેંદુલકર માટે સન્માનીય વાત છે. આ લોકો આવી હરકતો કરતા નથી. આપણા ક્રિકેટરોની સભ્યતા ને વર્તણૂક બાબતમાં એક વાત વરસો પહેલા જાણેલી. ત્યારે પીજ ગામે બેંકમાં અમે કામ કરતા. એ ગામના અવળી ગંગા જેવું નામ ધરાવતા એક તંબાકુના વેપારી હતા, તેમના જમાઈ ઓસ્ટ્રેલિયાથી આવેલા. તેઓ ક્રિકેટના શોખીન જ નહીં, પણ તે ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયામાં કામગીરી પણ કરી રહ્યા હતા. ત્યાંની સ્થાનિક ટૂર્નામેન્ટ (કદાચ વિક્ટોરીયા ટૂર્નામેન્ટ) જે આપણી રણજી ટ્રોફી જેવી ગણાય તેમાં અમ્પાયરિંગ કરતા હતા. તે માટે જરૂરી યોગ્યતા પણ એમણે પ્રાપ્ત કરેલી. આજથી પચ્ચીસેક વર્ષ પહેલાની વાત છે, ત્યારે ઓસ્ટ્રેલિયામાં પજવી શકાય એટલી સંખ્યામાં ભારતીયો ન હતા. જ્યારે ભારતીય ટીમ ત્યાં રમવા જાય ત્યારે સ્વાભાવિકપણે આવું કોઈક ભારતીય કુટુંબ ખુશખુશ થઈ જાય. ‘વલ્લભ ડાહ્યા’ના જમાઈ પણ ભારતીય ટીમના આગમનથી ખુશ થતા. વળી એ તો ક્રિકેટ ક્ષેત્રમાં સામેલ, એટલે ભારતીય ટીમને ઘેર પણ બોલાવતા. એમણે કહેલા શબ્દો ફરી કાનમાં ગૂંજે છે.

જ્યારે ચીયરગર્લ ગ્રેબીયેલાએ ક્રિકેટરોના વર્તનની વાત જાહેર કરી ત્યારે તે પીજના જમાઈ બાબુએ કહેલું કે ‘સાહેબ આ લોકોને ઘેર ન બોલાવાય. થોડાક અનુભવ બાદ જ મેં આપણા ક્રિકેટરોને ઘેર બોલાવવાનું બંધ કરી દીધું. એમનું કહેવું હતું કે ગવાસ્કર અને કપિલ દેવ જેવાંને બાદ કરતા ખેલાડીઓની વર્તણૂંક ઘરમાં પણ અસભ્ય ગણાય તેવી હતી. બૈરી - છોકરા સાથે રહેતા આપણા જેવાએ તેમને ઘેર બોલાવાય જ નહીં. ગ્રેબીયેલાએ કહેલી વાતના પચ્ચીસ વર્ષ પહેલાં આ વાત એક ગુજરાતી સજ્જનના મોઢે જ સાંભળી. ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ટૂર્નામેન્ટના અમ્પાયરનો આ નિર્ણય છે. હાઉઝ ધેટ!’

ગૂગલી બકુલ ત્રિપાઠીની ‘પિયર જતી પત્નીને સલાહ’ કાવ્યની એક પંક્તિ

‘પ્રિય, મા-બાપને દુભવીશ નહીં.

આગ્રહ કરે તો રોકાઈ જા જે’.

May 17,2011

Saturday, May 14, 2011

પાકીટ જડે તો?

‘રીડર્સ ડાયજેસ્ટ’વાળાએ થોડાક સમય પહેલાં એક સર્વે કરેલો. જુદા જુદા દેશના લોકોને પૂછયું, તમને રસ્તામાંથી પાકીટ મળે તો શું કરો?

આ સર્વેમાંથી પ્રેરણા લઈ સિંદબાદે મને પૂછયું, “બોસ, તમને રસ્તામાંથી પાકીટ મળે તો શું કરો?”

“આમ તો રસ્તામાં મારું પાકીટ જવાની ઘટના બની છે, મને પાકીટ મળવાની ઘટના બની નથી. આવી તારા પ્રશ્ન જેવી અવળી ગંગા ક્યારેય થઈ નથી. પાકીટ માટે અમારા નસીબમાં આઉટગોઈંગ જ છે. ઈનકમિંગ નથી એવું અમારા અનુભવથી જાણ્યું છે.”

“ઠીક છે બોસ પણ આ તો ધારવાનું છે, ધારો કે તમને પાકીટ મળે એટલે કે જડે તો શું કરો?”

ડાયજેસ્ટવાળાએ આ સવાલ સિંગાપુર, મલેશિયા, ઈન્ડોનેશિયા તેમજ યુરોપના દેશોમાં પણ પૂછેલો, જે કોઈએ જવાબ આપ્યા તેમાંથી કશું ખાસ ફલિત થતું નથી. હવે સિંદબાદ સર્વે કરી રહ્યો હોય તેમ પૂછતો હતો, “બોસ, તમે શું કરો?”

“સિંદબાદ, મિયાંના પગમાં જૂતાં અને આ બ્રાહ્મણના નસીબમાં પાકીટ જડવા અસંબંધિત બાબતો ગણાઈ છે.”

“આમાં ધારવાનું છે, ધારવામાં શું જાય છે? ગણિતના દાખલાઓમાં આવે છે ને કે ધારો કે છગન પાસે સો રૂપિયા છે, તેમ ગણિતના દાખલાની જેમ ધારી લ્યો.”

“સિંદબાદ, મેં ગણિત છોડી દીધું હતું.”

“સમજ્યો, ભલે ગણિત છોડી દીધું હોય, પણ ધારવાનું ન છોડો. ચાલો ધારો કે રસ્તામાંથી પાકીટ જડે તો શું કરો?”

વાચકમિત્રો, તમે પણ ધારી લો કે તમને રસ્તામાંથી પાકીટ જડે તો શું કરો? ધારવાનો આનંદ લઈ શકાય તેમ છે. પાંચસો પાંચસો કે હજાર હજારની નોટો ભરેલું પાકીટ જડે તો? દિલ કો બહેલાને કે લિયે ખયાલ અચ્છા હૈ. સિંદબાદે ફરી પ્રશ્ન દોહરાવ્યો, “જવાબ આપો શું કરશો?”

“જો મને પાકીટ જડે તો પાકીટ ઉપાડતા પહેલાં હું જોઈ લઉં કે મને પાકીટ મળ્યું છે તે કોણ કોણ જુએ છે?”

“આ જવાબ સ્પષ્ટ નથી લાગતો.”

“સ્પષ્ટ જ છે, પહેલાં એ જોવું પડે કે કોણ જોઈ રહ્યું છે કે રસ્તા ઉપરથી આને પાકિટ મળ્યું છે.”

“કેમ?”

“એમાંથી જ એનો માલિક થતો કોઈ આવે અને કહે લાવો પાકીટ તો મારું છે.”

“હા એ વાત ખરી. જડે તમને અને લઈ જાય કોઈ. કહેવત છે ને ખોદે ઉંદર ભોગવે ભોરીંગ.”

“બરાબર, એટલે ભોરીંગનો ભોગવટો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડે.”

“ઠીક છે, તમને પાકીટ મારતા સોરી પડેલા પાકીટને ઉઠાવતા કોણ કોણ જુએ છે તે જોઈ લ્યો પછી?”

“પછી તીરછી નજરે પાકીટમાં અંદાજે કેટલા પૈસા છે તે જોઈ લઉં.”

“બરોબર પછી?”

“પછી?”

“પછી હું ઈશ્વરનો આભાર માનું...”

“ઈશ્વરનો આભાર! શા માટે ઈશ્વરનો આભાર?”

“મોડે તો મોડે મારી પ્રાર્થના સાંભળવા માટે.”

“શેની પ્રાર્થના, બોસ સમજાય તેવી વાત કરો ને!”

“સિંદબાદ એક વર્ષ પહેલાં મારું પાકીટ ગયું ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરેલી કે હે પ્રભુ મને પાકિટ નહીં તો છેવટે પૈસા પણ અપાવી દો...”

“તો...”

“સિંદબાદ, તને ખબર છે ને કે ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી.”

“એટલે?”

“એટલે પ્રભુએ વરસ પછી પણ મારા ગયેલા પૈસા પણ આપ્યા છે તેમ માનું.”

“પણ તમારા ગયેલા તેટલા જ આ પૈસા હોય ખરા?”

“જો એનાથી ઓછા હોય તો માનું કે ભગવાન મને હવેથી પૈસા પરત મળે તેમ ઇચ્છે છે, પ્રભુની ઇચ્છા માથે ચડાવું.”

“તમારા ગયેલા પૈસા કરતાં વધુ પૈસા હોય તો?” “બને એવું પણ બને. તો માનવાનું કે ભગવાન ગયેલા પૈસાનું વ્યાજ આપવા ઇચ્છે છે. ભગવાનના વ્યાજની ગણતરી ઊંચી હોય પણ ખરી, વાંધો નહીં. એમની ઈચ્છા માથે ચડાવું.”

સિંદબાદ ડઘાઈ ગયો. “બોસ બોસ, આ ઠીક છે?”

“ઠીક જ છે, કાયદામાં ટાઈટલ અંગે સ્પષ્ટતા થયેલી છે. તેમાં સ્પષ્ટ છે - જેને વસ્તુ મળે છે તેને મૂળ માલિક પછી સેકન્ડ બેસ્ટ ટાઈટલ મળે છે. એટલે કે તે બીજા નંબરનો પાકીટનો માલિક જ ગણાય...”

“બોસ તમે પણ ચીજ છો...”

“હા હમ ભી ચીજ હય...”

વાઈડ બોલ

પત્ની - મેં તો તમને જોયા ન હતા પણ લગ્ન કર્યાં.

પતિ - અરે ગાંડી, મારી હિંમત તો જો - તને જોઈ તોપણ તારી સાથે લગ્ન કર્યાં છે. (sms by mahendra joshi)

Tuesday, May 10, 2011

ચલ દરિયામાં ડૂબ જાય

આખરે અમેરિકાએ ઓસામા બીન લાદેનને દરિયામાં પધરાવી દીધો - દિગ્વિજયસિંહની ભાષામાં કહું તો ઓસામાજીને દરિયામાં દફન કરવામાં આવ્યા.

ઓસામાને ઓસામાજી કહેવા બદલ ઘણાં લોકો દિગ્વિજયસિંહ ઉપર ખીજાયા છે. ઉત્તર ભારતવાળાઓએ જ મોહનદાસ ગાંધીને ગાંધીજી બનાવ્યા. ત્યાં સન્માન આપવા ‘જી’ લગાડે છે. દિગ્વિજયસિંહ સોનિયા ગાંધીને સોનિયાજી કહે છે. હવે ઓસામાને પણ ઓસામાજી કહે તો કેવું લાગે?

કોઈ કાઠિયાવાડી નેતા ઓસામા ઉપર દિગ્વિજયસિંહની જેમ રાજી હોત તો ઓસામાભાઈ કે લાદેનભાઈ કહેત. બહાદુરશાહ ઝફર સાથે આવું જ કંઈક થયું એનો અહેસાસ થતા બહાદુર શાહે લખ્યું હતું, ‘દો ગજ ભી જમીં ન મીલી દફન કે લીયે...’ બહાદુરશાહને પોતાના દેશમાં દફન માટે જમીં પણ મળી ન હતી. એણે લંડન તક તલવાર ચલાવવાની ઘોષણા કરી હતી. લાદેને ન્યૂયોર્ક (ટ્વિન્સ ટાવર) તક મિસાઈલ ચલાવાની વાત કરી અને અમલ કર્યો. એને પણ દો ગજ જમીં દફન માટે ન મળી.

એક સમાચાર પ્રમાણે કોઈ દેશ લાદેનને પોતાની ભૂમિ ઉપર દફનાવવા રાજી ન હતો. માટે અમેરિકાએ દરિયાઈ દફન પસંદ કર્યું. કદાચ આ અમેરિકાનું બહાનું હોઈ શકે છે. કારણ કોઈ પણ જગ્યાએ તેને દફનાવે એટલે ત્યાં તેનું સ્મારક કે મકબરો ઊભો થઈ જાય. અલ - કાયદા - એ કરે જ. શહીદો કી ચિતાયે હર બરસ લગેંગે મેલે એ ઉક્તિ પ્રમાણે એ મકબરા પાસે દર વર્ષે ઉર્સ થાય, કવ્વાલીઓનો મારો ચાલે. મોટાં મોટાં આયોજન લાદેનવાદીઓ કરે જ. (ના માર્કાવાળા) એટલે અમેરિકાએ અગમચેતી વાપરી દરિયાને સ્વાહા કહી દીધું. જાવ ત્યાં મકબરો કરો કે અંજલિ કાર્યક્રમ કરો.

છગન કહે છે કે પાકિસ્તાની નેતાઓ ભારતીય ફિલ્મ સંગીતના આશિક રહ્યા છે. ઝિયાથી માંડી મુશરફ કે ગીલાની સૌ કોઈ. શક્ય છે કે લાદેન પણ હિન્દી ફિલ્મી ગીતો સાંભળતો હોય એને ત્યાંથી મળેલી ઢગલાબંધ ડ્ઢફડ્ઢ માં થોડીક હિન્દી ફિલ્મનાં ગીતોની હશે. એમાં પણ પેલું ગીત હશે, ‘ચલ દરિયામાં ડૂબ જાયે’ અમેરિકાએ તે સાર્થક કર્યું.

આપણા કેટલાંક નેતા ભારતમાં લાદેનને દફનાવવા તૈયાર થાત. આપણે બહારના ઘણાં લોકોને આશ્રય આપેલો જ છે. સૈકાઓ પહેલાં પારસીઓને આપણી ભૂમિ ઉપર આવકાર આપેલો. નજીકના ભૂતકાળમાં દલાઈ લામાને આશરો આપેલો. પ્રસિદ્ધ બાંગલાદેશી લેખિકા તસલીમા નસરીનને આશ્રય આપ્યો છે. સ્ટેલીનપુત્રી સ્વેતલાનાને પણ આપણે શરૃમાં આશરો આપેલો, કરોડો બંગ્લાદેશીઓને ઘૂસીને રહેવાની સગવડ આપણે આપી જ છે. એ ભવ્ય પ્રણાલિકાના સન્માન માટે લાદેન (જી)ના દેહને ભારત લાવવો જોઈતો હતો. સિંદબાદ કહે છે તો આપણામાંના ઘણાં તેના ફાતિહા પઢવા પહોંચી ગયા હોત.

આમ તો ઓસામા બીન લાદેનનું એન્કાઉન્ટર થયું છે. માનવ અધિકારના એક્ટિવિસ્ટો મેદાનમાં કૂદી પડશે. ઈશરત જહાં કે શોહરાબુદ્દીન એન્કાઉન્ટર જેવો જ આ મામલો ગણાય. અમેરિકાએ લાદેનનું એન્કાઉન્ટર કર્યું છે જેવું ઈશરત જહાંનું થયું છે. તેમ કરી આંતરરાષ્ટ્રીય અદાલતમાં કાઈ પિટિશન થશે તેમ લાગે છે. પણ અમેરિકન સરકારને ગુજરાતની જેમ પરેશાન કરી શકાય તેમ નથી. એટલે આ ‘બુદ્ધિજીવીઓ’ લાચાર છે.

ઈઝરાયલવાળાએ જેમ યુગાન્ડા જઈને તહેલકો મચાવ્યો હતો, તો અમેરિકાએ પણ પાકિસ્તાન થઈને લોકોને બતાવ્યું કે ત્રાસવાદ સામે આમ લડાય.

ગૂગલી

સમાચારમાં હતું કે પ્રમુખ ઓબામાની આવકમાં ઘટાડો થયો છે.

‘લાગે છે તેણે ભારતીય નેતાઓનું ટયૂશન રાખવું જરૃરી છે’

May 10,2011

Saturday, May 7, 2011

ગરીબોનું ગોવા - દીવ

જ્યારે અમિતાભનો ડંકો વાગતો હતો, અલબત્ત, અત્યારે પણ તેનો ડંકો વાગે જ છે, પણ અમિતાભ જ્યારે હીરો હતો ત્યારની વાત છે. તેની શારીરિક ઊંચાઈ ઘણી. તેથી જ તેની ‘પ્રાઈસ’ ઘણી ઊંચી એટલે કે વધારે હતી.

બધા નિર્માતાઓને અમિતાભ પોસાય નહીં, ત્યારે વિકલ્પ હતો - પ્રેક્ષકોને પ્રિય મિથુન ચક્રવર્તી. મિથુન નિર્માતાઓને સસ્તામાં પડે. સેકન્ડ ચોઈસ તરીકે નિર્માતાઓ મિથુનને પસંદ કરતાં. એટલે મિથુન ગરીબોના અમિતાભ તરીકે ઓળખાતો. એના કારણે મિથુનને ઘણી ફિલ્મો મળેલી. આ ગરીબોનો અમિતાભ એ કારણે પૈસાદાર થઈ ગયેલો.

ગરીબોનો એવો શબ્દ વાપરીએ ત્યારે ડુંગળી યાદ આવે. ડુંગળી યાદ કરીએ ત્યારે શરદ પવાર પણ જબરદસ્તીથી યાદ આવી જ જાય. કુદરતે એવી રચના કરેલી છે કે હાજર રહેલી ડુંગળી તમારી આંખમાં આંસુ લાવી દે છે, પણ ભગીરથતૂલ્ય શરદ પવારે આમાં અવળી ગંગા કરી અને ડુંગળીની ગેરહાજરીથી આંખમાં આંસુ લાવી બતાવ્યાં. ખાસ કરીને ગરીબોની આંખમાં, જે રોટલો ને ડુંગળી ખાઈ ગુજારો કરી લેતા હતા. આ ડુંગળી પણ ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાય છે. કસ્તુરીમાં ઘણા ગુણ છે. આયુર્વેદ કસ્તુરીનાં ઘણાં ગુણગાન કરે છે. આરોગ્ય માટે કસ્તુરી ખૂબ જ ઉપયોગી પણ તેની કિંમત અમિતાભ જેટલી ઊંચી. શારીરિક આરોગ્ય તેનાથી સુધરે, પણ નાણાકીય આરોગ્ય કથળી જાય. એટલે કસ્તુરી તો ધનાઢય લોકોને જ પોસાય. કુદરતે તેનો ઉપાય કર્યો, ડુંગળી બનાવી. આયુર્વેદમાં પણ ડુંગળીને ગરીબોની કસ્તુરી કહી છે. આથી ગરીબો કસ્તુરીની અવેજીમાં ડુંગળી વાપરે. જેમ ધનાઢય નિર્માતાઓ બચ્ચનને સાઈન કરે તો સામાન્ય નિર્માતાઓ બચ્ચનની અવેજીમાં મિથુનને સાઈન કરે. એટલે તેને ગરીબ નિર્માતાઓના બચ્ચનનું બિરુદ મળ્યું છે. અમિતાભને અપાતી ‘સાઇનિંગ એમાઉન્ટ’માં મિથુન પિક્ચર પૂરું કરી આપે.

આ કુદરતી વ્યવસ્થા છે. કુદરત સામાન્ય માણસનો પણ ખ્યાલ રાખે છે. સહેલગાહોનાં સ્થળોમાં પણ કુદરતે આ વ્યવસ્થા જાળવી છે તેમ સિંદબાદ કહે છે. માણસોને સહેલગાહે જવાની ઇચ્છા હોય છે (કેટલાક અપવાદો સિવાય). ભારતનાં ઘણાં સ્થળોમાં ગોવા પણ એક એવું સ્થળ છે જ્યાં પ્રવાસે જવાની લોકોને ઇચ્છા થાય છે. સરસ મજાનો દરિયા કિનારો, એના બીચ ઉપર આંટો મારનાર તેનું સ્મરણ અવારનવાર કરતાં રહે તેવો અનુભવ છે. સિંદબાદ કહે છે ગોવા એક નયનરમ્ય સ્થળ છે. જ્યાં માણસોની એક પ્રકારની ‘પ્યાસ’ બુઝાવાનું સ્થળ છે, પણ ગોવા જનારને ખિસ્સાંનો પણ વિચાર કરવો પડે ને જેમ કસ્તુરી ખરીદતા કરવો પડે તેમ.

ગોવા જવું, ત્યાં રહેવું અને પાછા આવવું, આ એક વખતની ક્રિયામાં જ માણસ તૂટી જાય છે. આવા સ્થળે સફર કરવી આપણને ગમે, પણ તે સફર, અંગ્રેજી અર્થમાં ‘અફર’ બની જાય તેવું છે. ગોવા જવાની પ્યાસ બૂઝાવે તેવું દરેક સ્થળ ગુજરાતમાં પગવગું છે તે છે દીવ. જ્યાં તમને ગોવાનો અહેસાસ થાય છે. સિંદબાદ કહે છે દીવ એ ગરીબોનું ગોવા છે (ગુજરાત માટે).

દીવમાં ગોવા જેવો સુંદર નાગવા બીચ છે. બીચ ઉપર ખાણીપીણીના સ્ટોર છે. બાળકોને રમવા માટે લપસણી અને ઝૂલા છે, ચકડોળ છે. બાજુમાં પોસાય તેવી કિંમતની હોટેલ છે, રિસોર્ટ પણ છે.

આ મોંઘવારીના જમાનામાં કોઈ વસ્તુ સસ્તી નથી કે સહેલાઈથી મળતી નથી. ફક્ત મોંઘવારી જ સસ્તી છે જે તમને તુરત જ મળી જાય છે. દૂધનું મૂલ્ય સતત વધતું જ રહે છે. રાજાની કુંવરી માટે કહેવાતું કે તે રાતે ન વધે તેટલી દિવસે વધે. અત્યારે આ રાજાની કુંવરીનું સ્ટેટ્સ દૂધે પ્રાપ્ત કર્યું છે. અમૂલ સહિતના દૂધ ઉત્પાદક મંડળીઓની એ નમ્રતા છે કે દૂધને રાજકુંવરી તુલ્ય કરવા બદલ સહેજ પણ અભિમાન નથી કરતાં. આવા આ કપરા સમયમાં ગોવા સસ્તામાં જોવાનું પણ મોંઘું પડે. ત્યારે કુદરતે ગરીબોના બચ્ચન કે ગરીબોની કસ્તુરીની ફોર્મ્યુલા પ્રમાણે આપણને દીવ આપ્યું. કાવડિયાં ઓછાં છે. જાવ ગોવાને બદલે દીવ ફરી આવો એવી જ મજા પડશે (નહીં પીનારાઓને પણ).

છગન કહેતો હતો દીવો લઈને શોધવા જશો તો પણ દીવ જેવું પોસાય તેવું સ્થળ ફરવા માટે નહીં મળે. છગન પણ ઉમેરે છે દીવ ગરીબોનું ગોવા છે.

પોર્ટુગીઝોએ કમને દીવ છોડયું ત્યારે તેમાંથી ભૌતિક સંપત્તિ લેતા ગયા, તેમની ઇચ્છા હશે કે અહીંનો બીચ પણ લગેજમાં પેક કરીને સાથે લેતા જાય. જેવી વેંગસરકરે લોર્ડ્ઝની વિકેટ સાથે લઈ જવાની ઇચ્છા કરી હતી તેમ, પણ દીવના બીચ, સુંદર નાળિયેરનાં જંગલો એ છોડતાં ગયા છે.

વાઈડબોલ

શાહી લગ્ન અંગે કોમેન્ટ કરતાં મિત્ર મહેન્દ્રે કહ્યું : “પ્રિન્સ વિલિયમ્સનો વેડિંગ સૂટ આપણે ત્યાંના બેન્ડવાજાંવાળાના ડ્રેસના જેવો હતો!”

May 07,2011

Tuesday, May 3, 2011

પ્લેકાર્ડની દુનિયા

અત્યારે મેચનું ટેલિકાસ્ટિંગ થતાં એક નવો રંગ તો ઉમેરાયો છે. દર્શકો પોતાની વાત પોતાની રીતે રજૂ કરવાનો મોકો તેમાંથી ઢૂંઢી લે છે.

કેટલાંક વર્ષ પહેલાં વેસ્ટ ઇન્ડિઝમાં મેચ ચાલતી હતી. ત્યાંના પ્રેક્ષકોમાં હાસ્યરમૂજ ઘણી જણાય છે. એક જાણીતું પોપસોન્ગ છે ‘બી હેપી-બી મેરી’ વેસ્ટ ઇન્ડિઝના એક પ્રેક્ષકે આ ગીતની પેરોડી કરતો હોય તેમ ‘પ્લેકાર્ડ’ બનાવ્યું તેમાં લખ્યું હતું

ડોન્ટ મેરી બી હેપી

યાને કે લગ્ન ન કરો અને આનંદમાં રહો. આ માણસ નરસિંહ મહેતાથી એક કદમ આગળ ગયો. નરસિંહે તો પત્ની મરણ પામી ત્યારે કહેલું : ‘ભલું થયું ભાંગી જંજાળ...’ આ પ્રેક્ષકે તો સેહવાગની જેમ એક સ્ટેપ આગળ જઈ ફટકો માર્યો. લગ્નની જંજાળ જ ઊભી ન કરો અને આનંદમાં રહો. શક્ય છે કે, આ પ્લેકાર્ડ બતાવનાર પ્રેક્ષકને મેચ જોવા આવવા માટે ગૃહમોરચે કકળાટનો સામનો કરવો પડયો હશે. એટલે આ પ્લેકાર્ડ મારફત ઉકળાટ ઠાલવ્યો હશે.

હાસ્યમાં પણ ‘ઇંગ્લિશ હ્યુમર’ તેની વિશેષતા ધરાવે છે. પ્લેકાર્ડ તેની સાબિતી છે.

એક વખત ભારતીય ટીમ સામે (ગાંગુલીના સમયે) ઇંગ્લેન્ડની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. તેના બેટ્સમેન આપણા બોલર સામે ટકી શકતા ન હતા. ત્યારે પ્રેક્ષકમાંથી કોઈએ તીખો વ્યંગ કરતાં ‘પ્લેકાર્ડ’ બતાવ્યું. ‘નોકરી ખાલી છે. ઇંગ્લેન્ડની ટીમમાં બેટ્સમેન માટે.’ મતલબ કે આવા બેટ્સમેન જે છે તે ન ચાલે નવા લાવો. તે વખતે ઇંગ્લેન્ડના વડા પ્રધાન મેજર હતા. ઇંગ્લેન્ડના ધબડકા વખતે દર્શકગણમાંથી એક બોર્ડ દેખાયું : ‘ક્વીન્સ ટીમ ઇન મેજર ટ્રબલ.’

ભારતની છોકરીઓ પણ ‘શરમિંદગી છોડ દી મૈંને’ એવો મૂડ ક્યારેક બતાવે છે. મુંબઈમાં મેચ ચાલતી હતી એક છોકરીએ ‘પ્લેકાર્ડ’ બતાવ્યું. “ઝહિર ખાન, વીલ યુ મેરી મી?’ ક્યા મુઝસે શાદી કરોંગે?” કોઈ શીલાની આ દીવાનગી હશે.

આપણી ટીમ કેટલાંક વર્ષ પહેલાં પાકિસ્તાન રમવા ગઈ હતી. ત્યારે કરાચીના દર્શકોએ ધમાલ કરી હતી અને આપણા સ્ટાર બેટ્સમેન શ્રીકાંત જે બાઉન્ડરી ઉપર ફિલ્ડિંગ ભરી રહ્યા હતા ત્યારે કરાચીના કેટલાંક પ્રેક્ષકોએ હુમલો કર્યો હતો અને તેનું શર્ટ ફાડી નાખ્યું હતું. અત્યારે આપણી ટીમ પાકિસ્તાન જાય તેવી વિચારણા ચાલી રહી છે. અમને પણ આ અંગે એક ‘પ્લેકાર્ડ’ બતાવવાનો તુક્કો સૂઝ્યો છે. અમે જો પાકિસ્તાની દર્શક હોઈએ તો ભારતીય ફિલ્ડરને પ્લેકાર્ડ બતાવીએ “એક્સ્ટ્રા શર્ટ લેકે આયે હો ને?”

યૂસુફ પઠાણે જે રીતે ૩૭ બોલમાં સદી કરી હતી તેમજ લંકામાં જઈ ધમાલ કરી લંકા પાસેથી વિજય ખૂંચવી લીધો હતો, ત્યારે અમે પ્લેકાર્ડ બતાવીએ “આ છે પઠાણી ઉઘરાણી.”

વિવિધ પ્રકારનાં પ્લેકાર્ડ લખાયાં છે, લખી શકાય તેમ પણ છે. વિષય રસપ્રદ છે. વધુ વાતો ક્યારેક...

ગૂગલી

કોઈને લૂંટો નહીં, કોઈને છેતરો નહીં,

સરકાર સાથે શા માટે હરીફાઈ કરવી?

May 03,2011