બ્રા હ્મણોની ન્યાત જમતી હતી. દાળના સબડકા બોલતા હતા. અને લાડુ પ્રેમથી જમાતા હતા, એ વખતે એક કૂતરું પેઠી ગયું. તે સ્થળે, પછી તો હો હા થઈ ગઈ?
‘કેવી હો-હા થઈ!’
‘કેવી હો-હા કહું?’
‘હા - હા કહો’
સી-લીન્ક રોડના સમારંભ વખતે કોંગીજનો વચ્ચે અમિતાભ બચ્ચન આવી ગયા ત્યારે થઈ હતી તેવી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સ્ટેજ ઉપર હતા એ જ સ્ટેજ ઉપર અમિતાભ બચ્ચન! કયામત આ ગઈ! મુખ્યમંત્રીની આ મુદ્દે બાજી ફીટાઉંસ થઈ જશે એવું થઈ ગયું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું મને ખબર જ ન હતી કે સ્ટેજ ઉપર અમિતાભ બચ્ચન પણ છે. કમાલ કહેવાય નહીં? અમિતાભ શું આતંકવાદી છે કે તેના આગમનની ખબર તેના આવ્યા પછી જ પડે? આતંકવાદીઓ આવતા પહેલાં ઈ-મેઈલ નથી મોકલતા. એ તો આવ્યા પછી જ ખબર પડે કે આ તો આવ્યા. બચ્ચનને તો નિમંત્રણ હતું એટલે એ આવ્યા હતા. એ ઘૂસપેઠિયા ન હતા. શી-લીન્કના સમારંભમાં બચ્ચન તો આવ્યા, અને જમીન ઉપર બબાલ થઈ.
‘આને બોલાવ્યો કોણે?’ ઘેર પ્રસંગ હોય અને કોઈ અણગમતી વ્યક્તિ તેમાં દેખાય ત્યારે વડીલ નારાજ થઈ ત્રાડ પાડે. એક અભ્યાસી મિત્રનું કહેવું હતું કે સી-લીન્ક પ્રસંગની આ બબાલમાં મુખ્યમંત્રી ચવ્હાણનો ગભરાટ હતો કે ‘સી’ નારાજ થશે તો?
મહારાષ્ટ્રના શાસકવર્તુળમાં વાંધો એ હતો કે અમિતાભ તો ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તેને મહારાષ્ટ્રમાં કેમ બોલાવાય?
મુંબઈની ધરતી ઉપર પાકિસ્તાન કે ચીનના એમ્બેસેડર ફરી શકે, પણ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર ન ચાલે.
સિંદબાદ કહે છે કે શાયર લુધિયાન્વીએ લખ્યું હતું તેવી મનોદશા આ લોકોની છે.
‘તૂમ મૂઝકો ચાહો ન ચાહો. કોઈ બાત નહીં... તુમ કીસી ગેર કી બાહોં મેં હોગી તો મુશ્કેલી હોગી...’
કોઈ એક સમયે બચ્ચન કોંગ્રેસના એમ.પી. હતા. અને પી.એમના મિત્ર હતા. હવે ‘મંઝિલ બદલ ગઈ પ્યાર કી... સાથી બદલ ગયે’ જેવું થયું છે.
હવે બચ્ચન ‘ગેર’ કી બાહોં માં છે. મોદી કી બાહોંમાં બચ્ચન છે તેવું મહારાષ્ટ્રના શાસકો માને છે. આ માણસ મરાઠી નથી પણ મોદી કા માનુષ છે.
છગન પૂછે છે સી-લીન્ક રોડ સરકારી માલિકીની છે કે કોઈ પ્રજાની માલિકીનો? શું તે કોઈ પણની પ્રાઈવેટ પ્રોપર્ટી છે?
બચ્ચન સાથે દેખાઈ જવાના ‘સી-લીન્ક સમારંભ’ના ગમખ્વાર બનાવ પછી મુખ્યમંત્રી અશોક ચવ્હાણ સતર્ક થઈ ગયા છે. ત્યાર પછી પૂણેમાં એક કાર્યક્રમ હતો, જેમાં બચ્ચન હાજર હતા. બચ્ચન સાથે બેસવાનું ટાળવા મુખ્યમંત્રીએ કાર્યક્રમ બદલી નાંખ્યો.
તૂં જહાં હૈ ‘ઉસ ગલી સે હમે ગૂજરના નહીં’ એવી તકેદારી રાખી હતી.
અગાઉ ચોર્યાશી થતી ત્યારે બ્રાહ્મણો હોવા છતાં તેમની પંગતો અલગ અલગ પડતી હતી. ઔદિચ્ય અને શ્રીમાળી બ્રાહ્મણોની પંગત અલગ અલગ હોય છે. અશોક ચવ્હાણે જોયું કે આ બચ્ચન આપણી પંગતમાં ન હોઈ શકે એટલે સંગત ટાળી.
પહેલાંના વખતમાં સંબંધ બાંધતી વખતે લોકો ‘કુળ’ જોતા. સી-લીન્કના કાર્યક્રમમા બચ્ચનું કુળ જોવાનું વિસરાઈ ગયું.શું હવે એવું બને મહારાષ્ટ્ર સરકાર બચ્ચનને સી-લીંક રોડ ઉપરથી પસાર થવાનો ‘વીસા’ ન આપે?
No comments:
Post a Comment