Saturday, October 15, 2011

બેફામ મહિલા ડ્રાઇવર્સ

છગન કહેતો હતો, “યાર, મારું બૈરું બેફામ ડ્રાઇવિંગ કરે છે.”
તાજેતરમાં એક સર્વે થયો છે. છગનની ભાષામાં કહીએ તો આ સર્વેનું તારણ છે કે બૈરાં બેફામ ડ્રાઇવર છે.
અમને હતું કે કોઈ મહિલા સંસ્થા સર્વે કરનાર સંસ્થાની ધૂળ કાઢી નાખશે પણ તેમ થયું નથી.
એક મિત્ર કહેતા હતા કે મહિલા ડ્રાઇવર, ઓટોરીક્ષા ડ્રાઇવરો જેવાં છે. અમદાવાદના ઓટોરીક્ષા ડ્રાઇવરો એમના ડ્રાઇવિંગ માટે કુખ્યાત છે. બેફામ ડ્રાઇવર એ રીક્ષા ડ્રાઇવરનો સમાનાર્થી શબ્દ ગણાયો છે. આવા સમયમાં રીક્ષા ડ્રાઇવરનું બેફામ ડ્રાઇવિંગનું પદ ખતરામાં આવી ગયું છે. મહિલા ડ્રાઇવરને કાર ચલાવે કે સ્કૂટર ચલાવે, બે પૈડાંનું વાહન હોય કે ચાર પૈડાંનું વાહન હોય, ડ્રાઇવર તરીકે તે ખતરનાક હોય છે.
એક મહિલાએ મહિલા ડ્રાઇવિંગ ઉપરના આ આક્ષેપનો બચાવ કરતા કહ્યું કે ડ્રાઇવર શબ્દમાં ‘વર’ આવે છે એટલે મહિલા જ્યારે ડ્રાઇવર બને છે ત્યારે તેનામાં ‘વર’ની આક્રમતા આવી જાય છે.
મહિલાઓ આક્રમક ડ્રાઇવર બને તે વાતમાં મતલબ જરૂર છે. આપણા પ્રિય ભારતમાં એક સર્વકાલીન મહાન નારી થઈ ગયાં ઇન્દિરા ગાંધી. એમનું ડ્રાઇવિંગ કેવું આક્રમક હતું? ઇંદિરાજીના રફ ડ્રાઇવિંગનો અનુભવ મોરારજીભાઇને થઈ ગયો હતો. ઇન્દિરાજી મારફાડ રીતે તેમની ગાડી ચલાવતાં ચલાવતાં હાઇ-વે ઉપર જતાં હતાં. આગળ શાંતિથી ટ્રાફિક નિયમની ચોપડીઓનું અધ્યયન કરીને ગાડી ચલાવતા મોરારજીભાઈ જતા હતા. ઇન્દિરાજીએ ધડ દઈને મોરારજીભાઈની ગાડીને પાછળથી ટક્કર મારી. મોરારજીભાઈની ગાડી ગુલાંટિયું ખાઈને બાજુના ખાડામાં પડી, મેઇન રોડ ઉપરથી મોરારજીભાઈની ગાડી એ રીતે ઊતરી ગઈ હતી. હમણાંની વાત કરીએ તો ‘જૂતાં ક્વીન’ જયલલિતાજી વીર વિક્રમની વાત કરતા વાર્તાકારો, બાણું લાખ માળવાના ધણી વીર વિક્રમ એમ કહેતા. આ જયલલિતાની વાત કરતા સાતસો જોડી જૂતાંનાં માલિકણ જયલલિતાજી એમ કહે છે. એમનું ડ્રાઇવિંગ પણ ઘણું રફ. તામિલનાડુમાં કરુણાનિધિની ગાડીને એમણે જબરી ટક્કર મારી છે.
ઉત્તરપ્રદેશનાં માયાવતીજીને એમના ડ્રાઇવિંગ માટે યાદ કરવાં જ પડે. વિક્રમાદિત્યના સિંહાસનના બત્રીસ પૂતળીઓ હતી. માયાવતીજીએ તેમના સિંહાસનના ટેકા માટે સેંકડો પૂતળાં ઊભાં કર્યાં છે. એમના ખુદનાં અને કાંશીરામજીનાં અનેક પૂતળાંઓ તેમણે ઊભાં કર્યાં છે. આ પૂતળાંક્વીનનું ડ્રાઇવિંગ બિલકુલ બેફામ છે. મુલાયમસિંહજીને એનો સૌથી કડવો અનુભવ છે. મુલાયમની ગાડીને કઠોર ટક્કર માયાવતીજીએ મારી છે. એ અકસ્માતથી મુલાયમસિંહનાં હાડકાં ફ્રેક્ચર થઈ ગયાં છે. એ ભાંગેલાં હાડકાંથી ખુરથી ઉપર બેસી શકે તેમ નથી. આ પ્રતાપ છે માયાવતીજીના બેફામ ડ્રાઇવિંગનો. કેટલાક લોકો બેફામ ગાડી ચલાવે. અકસ્માત થઈ જાય ત્યારે કોઈ બીજા લાઇસન્સવાળાને આગળ ધરી દે. આ કુનેહ માનનીય સોનિયાજીમાં છે. એમના વડે થયેલા બેફામ ડ્રાઇવિંગના અકસ્માતો, જેમના નામે ગાડી છે અને લાઇસન્સ છે તે મનમોહનસિંહને આગળ કરી દે છે.
આપણે ત્યાં આક્રમક મહિલા ડ્રાઇવરના ઘણાં કિસ્સા છે. મમતા બેનરજી ઉર્ફે દીદી યાદ આવે. એમના રફ ડ્રાઇવિંગનો અનુભવ ટાટા અને સીપીએમવાળાને થઈ ગયેલો જ છે. ભાજપ પાસે પણ સુષમાજી રફ ડ્રાઇવરના રૂપે ઉભરી રહ્યાં છે. ઉમા ભારતીના રફ ડ્રાઇવિંગનો અનુભવ અડવાણીજીને થઈ ચૂકેલો છે.
મહિલાઓ રફ ડ્રાઇવર હોય છે તે સર્વે સાચો જ છે.
વાઇડ બોલ
તમારી પત્નીના ખાસ મિત્ર બનીને રહો.- એક અમેરિકન કોલમિસ્ટની સલાહ
Oct 15,2011