Saturday, April 10, 2010

ખેલના ખેલાડી ખાન 13/02/2010

પાકિસ્તાની ક્રિકેટરો વિશેષ છે. શાહરુખખાન તો વિશેષ લાગે જ છે. પણ હું બીજી વાત કરું છું. પાક. ક્રિકેટરો ફક્ત ક્રિકેટરો જ નથી પણ એમાં વિલનો છે. તો કેટલાંક જોકરો છે. તો કેટલાંક સીધા સાદા ચરિત્ર કલાકાર નાસીર હુસેન જેવા પણ છે.

જે ફિલ્મમાં મારામારી હોય, ગમ્મત હોય, એ વધારે ચાલે, અથવા એ જ ચાલે. પાકિસ્તાની ક્રિકેટરો સિવાય આ વાત વધુ સારી રીતે કોઇ સમજતું નથી.

IPLની મેચો માટે કોઇ પાકિસ્તાની ખેલાડીઓ પસંદ થયા નથી. તેમની ઉપર બોલી લાગી નથી એટલે એ અકળાયા છે. 'સાલું વૌઠામાં ગધેડાંઓ ઉપર પણ બોલી લાગે અને અહીંયાં અમારી ઉપર કોઇ બોલી નહીં? કોઇ લેવાલ નહીં?' આ એમની વ્યથા છે. કર્ણને પણ દ્રૌપદી સ્વયંવરમાં અવજ્ઞાાનું દુઃખ થયું હતું. પાક.ના ક્રિકેટરો આ અવજ્ઞાાથી ઘવાયા છે. એટલે કેટલાંકે જેમતેમ બોલવા માંડયું છે. ત્યાંના રાજકારણીઓ પણ કૂદી પડયા છે. પ્રધાન મલિક જાણે આપણા માલિક હોય તે રીતે બયાન આપતા હતા. તકલીફ એ છે કે કાશ્મીરમાં તો ઘૂસણખોરી થઇ શકે છે. ક્રિકેટમાં નહીં. અહીંયાં એ ખેલાડીઓ લાખ્ખો રૃપિયા લઇને જાય છે. આ વખતે એ ન મળ્યા એટલે બમ્પર અને બીયર ફેંકવા માંડયા છે.

આપણે ઘણી વાર કેટલાંકને સારું લગાડવા માટે બોલતા હોઇએ છીએ. આશય ફક્ત સારું લગાડવાનો જ હોય છે. છગન એની પત્નીની રસોઇનાં વખાણ એટલા માટે જ કરે છે. સારું લગાડવા. એ રીતે ક્યારેક કેટલાંક માણસો કોઇને ખરાબ લગાડવા માટે જ કંઇક બોેલી નાખતા હોય છે. શાહરુખ ખાને પણ બાલાસાહેબને જ ખરાબ લગાડવા માટે બોલી નાખ્યું. 'પાકિસ્તાન ખેલાડીઓને કોઇકે તો લેવા જોઇતા હતા. IPL માં પાક. ક્રિકેટરોની બાદબાકી થઇ તે અંગે શાહરુખ ખાને કોમેન્ટ આપેલી. અને શિવસેનાએ શાહરુખના તાપના ભાગાકાર શરૃ કર્યા. સિંદબાદનું કહેવું છે કે આ વખતે બધા લોકોએ શાહરુખનો ઉધડો લેવો જોઇએ. શા માટે ફક્ત શિવસેના? શાહરુખ ખાન કહે છે 'મને મુંબઇએ ઘણું બધું આપ્યું છે' તો બિરાદર પાકિસ્તાને એ મુંબઇને શું આપ્યું ? એ યાદ કરો. '૨૬/૧૧' મુંબઇમાં તબાહી મચાવી મૂકી. એ પાકિસ્તાન રમવા આયે તો ભી ક્યા ન આયે તો ભી ક્યા?

આપણા બુદ્ધિજીવીઓની આ કિસ્સામાં વિચિત્ર ભૂમિકા છે. ખોંખારીને પાકિસ્તાનને કશું કહેવામાં તેઓ માનતા જ નથી. એ બુદ્ધિજીવીઓ શાહરુખ ખાનની પછીની પંગતમાં ગોઠવાયા છે. એક આડવાત શાહિદ કપૂરે હમણાં ટકોર કરેલી, કે 'શાહરુખ કેમ એમ કહે છે કે માય નેઇમ ઇઝ ખાન?' કારણ કે તેનું ફિલ્મમાં નામ તો રીઝવાન છે ખાન તો અટક છે. એટલે માય સરનેમ ઇઝ ખાન એમ કહેવું જોઇએ. આપણા બુદ્ધિજીવીઓ લાહોરમાં આપણા ખેલાડીઓને મીઠાઇ ઓફર થાય કે પાક. પ્રમુખ ધોનીની હેરસ્ટાઇલનાં વખાણ કરે એટલે ખુશ ખુશ થઇ જાય. પણ શ્રીકાંતનું શર્ટ મેદાન ઉપર પ્રેક્ષકોએ ફાડી નાખ્યું હતું તે ભૂલી જાય છે.

એ ખેલાડીઓ ક્રિકેટને પણ ઇસ્લામ સાથે જોડે છે. વર્લ્ડકપની રમત પછી જગતના તમામ મુસ્લિમોને એના ટેકા બદલ આભાર માન્યો હતો. (જાહેરમાં ટીવી ઉપર) શું ભારતમાં મુસ્લિમો એમને ટેકો આપતા હતા? બુદ્ધિજીવીઓએ આ કોમેન્ટ અંગે 'સોમવારના ગાંધી' થઇ ગયા હતા (સોમવારે ગાંધીજી મૌનવ્રત રાખતા હતા) સોબર્સે, માઇક ગેસંગે ઘણા મોટા ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટરોની ક્રિકેટને બદનામ કરતી હરકતો વિશે લખ્યું જ છે. ભાઇ શાહરુખ અને બીજા સહપંથીઓ એ સમજે તે જરૃરી છે. કિસ્સા તો ઘણા છે, પણ અહીં લખવાની જગ્યા નથી. પાક. ખેલાડીઓ માટે પણ જગ્યા નથી તેમ.

'એક દૂધની દુકાનનું નામ ગાંધી દુગ્ધાલય છે.' 'પણ ત્યાં બકરીનું દૂધ નથી મળતું.'

No comments: