Saturday, April 10, 2010

રૃપાળી તારું શું થશે? 10/04/2010

દૃશ્ય હતું ટેનિસ કોર્ટનું. એક મહિલા ત્યાં ઊભી હતી તેણે પૂરેપૂરો બુરખો પહેર્યો હતો. પગથી માથા સુધી શરીર બુરખામાં છુપાયેલું હતું. ફક્ત આંખ આગળનો ભાગ રિવાજ મુજબ ખુલ્લો હતો. જ્યાંથી તેની તગતગતી આંખો દેખાતી હતી. શરીર ઉપર બુરખો અને હાથમાં રેકેટ હતું.

થોડી વાર પછી જોનારાઓને ખ્યાલ આવ્યો કે તે બુરખો પહેરીને તે ટેનિસ રમી રહી હતી. અંદાજ બતાવતો હતો કે ભલે તેણે બુરખો પહેર્યો હોય પણ તેની રમત, તેના શોટ જોરદાર હતા. નિષ્ણાત હોય તે બંધનો સાથે પણ પોતાની કલા પ્રર્દિશત કરી જ શકે છે. જોનારને એમ લાગે કે જેમ આંધળો પાટો, આંખે પાટા બાંધીને રમાય છે, અથવા આંખે પાટા બાંધીને માટલી ફોડવાની રમત પણ રમાય છે તેમ, બુરખો પહેરી ટેનિસ રમવાની કોઈ નવી પદ્ધતિ વિકસાવાઈ હશે જેનાથી આપણે અજાણ છીએ. આ નજારો જોનાર એક સજ્જને ત્યાં ઊભેલા ગાર્ડને પૂછયું છાશ લેવા જવી ને દોણી સંતાડવી, એવી કહેવત જાણી છે પણ આ મહિલા ટેનિસ રમતા કેમ મોઢું સંતાડે છે?

ત્યારે પેલા ગાર્ડે કહ્યું,’તમે આ મહિલાને જાણતા નથી?’

ના ભાઈ, મારી આંખોમાં એવું કોઈ સ્કેનર નથી કે જાણી શકું કે આ મહિલા કોણ છે? તમે જ બતાવો કે બુરખે કે પીછે કૌન હૈ?’

જનાબ એ મહિલા છે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા છે. જો ઉપરવાળા - સોરી હૈદરાબાદવાળા મહેરબાન થશે તો સાનિયા મિર્ઝામાંથી સાનિયા મલિક થશે.

ઠીક છે એ મલિક થાય કે ન થાય તે માલિકની મરજી છે.

પણ એ બુરખો પહેરીને કેમ ટેનિસ રમે છે?’

સાબ તમે કહેવત સાંભળી છે?’

કઈ?’ ‘જેવો દેશ તેવો વેષ.

હા, પણ તેનું સાનિયા સાથે શું?’

કેમ નહીં? એ પરણીને પાકિસ્તાન જશે, ત્યાં એ બુરખો પહેરીને જ રમે તે ઈષ્ટ છે. પ્રદેશ પ્રમાણે પોશાક હોવો જોઈએ કે નહીં? સાનિયા આ વાત સમજે છે એટલે અત્યારે તેઓ બુરખા સાથે રમવાની પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

જોકે આજની તારીખે, આ લખાય છે ત્યારે લગ્ન થશે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. શોએબ મલિક એક વાર ભૂતકાળમાં પરણ્યો હતો, અને તેને છાપાની ભાષામાં કહું તો કહેવાતી દુલ્હન આયેશા મેદાનમાં આવી ગઈ છે. તે આ લગ્ન થવા દેવા માગતી નથી. (શોક્યનું સ્વાગત શા માટે કરે?) ચેનલવાળા આ પ્રકરણને સાનિયા બન ગઈ શોક્યએવું ટાઈટલ આપી મસાલો પ્રસારિત કરી શકે. આખીર ટીઆરપી કા તો સવાલ હૈ.

મામલો હવે અદાલતમાં જઈ રહ્યો છે. બંને પક્ષોએ વકીલો રોક્યા છે. લાગે છે કે સાનિયા ટેનિસ કોર્ટમાંથી લીગલ કોર્ટમાં જઈ રહી છે.

આયેશાના કુટુંબ તરફથી યે શાદી નહીં હો શકતીએવો ફિલ્મી ડાયલોગ બોલાઈ રહ્યો છે.

આયેશાએ ઘડો ફેડયો છે કે ચૂપ રહેવાના તેને સો કરોડ ડોલરની ઓફર થઈ છે.

માય ગોડ... સો કરોડ ડોલર? એટલે કે પચાસ અબજ રૃપિયા થયા! સમગ્ર આઈપીએલમાં આટલા પૈસા લલિત મોદીને મળ્યા હોય એટલા પૈસા આયેશાબહેન પૂરતા ગણાય. (જો સાચું હોય તો) અરે, એક કરોડમાં પણ શોએબને લાત મારવાનું સસ્તું ગણાય.

આ લેખ છપાશે ત્યાં સુધીમાં ઘીના ઠામમાં ઘી પડી જશે. અત્યારે તો ઘીને ક્યાં પડવું એ નક્કી નથી.

સાનિયાએ બયાન આપ્યું છે કે શાદી પછી પણ તે ભારત તરફથી જ રમશે! છગન કહે છે લોગો કો ઉલ્લુ બનાને કે લીયે યે બયાન અચ્છા હૈ

ધારો કે શરીફ નામનો કોઈ આર્મી મેજર હોય, અને તે કહે ભલે હું પાકિસ્તાની સાથે લગ્ન કરું, પણ યુદ્ધ થશે ત્યારે ભારત તરફથી જ લડીશ! એક જાહેરાતમાં નાનકડો છોકરો અમિતાભને કહે છે ક્યા હમેં ઉલ્લુ સમજતે હો?’ આપણે પણ એ જ કહેવાનું છે બહેન માટે. જેને પરણવું હોય તેને પરણજે અમારા ભેજાની બોનને ન પરણીશ. અમને ઉલ્લુ ન સમજતા...

ગીતામાં અર્જુનને સવ્યસાચી કહ્યો છે. જે ડાબા અને જમણા એમ બંને હાથે બાણ ચલાવી શકતો. કેટલાક નેતા ડાબેરીઓ અને જમણેરીઓ એમ બંને સાથે સેટ થઈ જતા હોય છે. આને સવ્યસાચી નેતા કહેવાય કે નહીં?

No comments: