એક નિયમ છે કે પ્રાપ્તિ માટે ભક્તિ કરવી પડે.
એક ઓફિસમાં દામજીનું બહુ ચાલે. એની મારફત ઘણાંનાં કામ થઈ શકે. આમ તો એ હેડપ્યુન હતો. પણ રોલો હેડ ઓફ ધ ઓફિસ જેવો. કારણ? કારણ એટલું કે તેના તમામ કાર્યનું ધ્યેય સાહેબને રાજી રાખવાનું હતું. સાહેબને શું ગમશે? એવો ખ્યાલ રાખીને જ કામ કરે એટલે સાહેબ એની પર રાજીરાજી. સાહેબનું શાક-પાંદડું લાવી આપે. સાહેબના છોકરાને સ્કૂલે લેવા જાય, મૂકવા જાય. ઘંટીએ જઈ ઘઉં દળાવી આવે. સાહેબનાં પત્ની પણ દામજીની આ માટે પ્રશંસા કરે. દામજીની યોગ્યતા તેના સાહેબને રાજી રાખવાની શક્તિમાં હતી.
થોડા વખતમાં ઓફિસમાં કામઢા કર્મચારીનો એવોર્ડ દામજીને મળ્યો.
લોકો કહેતા હતા, સાહેબ કેન્દ્ર સરકારમાં મોટા મોટા સત્તાધીશ હોત તો દામજીને પદ્મ એવોર્ડ મળી ગયો હોત.
---
એક દૈનિકે પદ્મ એવોર્ડ કે રિવોર્ડ ગણાય તેવી પોઝિશન કોને મળી તેની વિગત પ્રગટ કરી છે. એ પત્રકારમિત્રનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી સામે જેમણે શસ્ત્રો ફેંક્યાં છે. એ એવોર્ડ - રીવોર્ડ માટે યોગ્યતા ગણાઈ છે. મોદી ઉપર પથ્થર ફેંકનારને હીરા મળ્યા છે. એમ પત્રકાર જણાવે છે. ગુલબર્ગ કાંડ વિશે મોદીની ટીકા કરનાર સુપ્રીમના ભૂતપૂર્વ ન્યાયાધીશને પદ્મ વિભૂષણ અપાયો છે.
પત્રકારમિત્રનું કહેવું છે કે એવું લાગે છે કે મોદીની ટીકા કરો, પ્રહારો કરો અને એવોર્ડ કે ઈનામ લઈ જાવ. એમણે બીજું નામ આપ્યું છે જાવેદ અખ્તર. એ સરળ કવિ એક-દો-તીન જેવાં કેટલાંક વાહિયાત ગીતો એમણે લખ્યાં છે પણ આપોઆપ સારા ગીતો પણ લખ્યાં છે. પણ એમ તો બીજા સરળ ગીતકારો ભારતમાં છે જ પણ જાવેદ સાહેબે ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર વિશે સુપ્રીમમાં રીટ કરેલી તેઓ હવે રાજસભામાં બેસશે. મલ્લિકાબહેન તો નર્મદાનું પાણી પીને મોદી પાછળ પડયાં છે. તેમને પણ પદ્મ મળ્યો છે.
વડોદરામાં બેકરીકાંડને ચલાવનાર તીસ્તા સેતલવાડને પણ પદ્મ પ્રાપ્ત થયો છે. “જૈસી જીસ કી ચાકરી ઈતના ઉન કો દેન” એવું આમાં લાગે છે.
---
દામજીની જેમ જ શામજી પણ ચાકરીબાજ ધુરંધરોની ચાકરી કરે. કથાને અંતે તો પ્રસાદ આવશે તેવી અપેક્ષા તો હોય ને, શામજીએ ખૂબ મંજીરા વગાડેલા, કરતાલો ખખડાવેલી પણ પ્રસાદ તો મળ્યો. પદ્મરૃપી પ્રસાદની તેને અપેક્ષા હતી, પણ ન મળ્યો, હાય...! દિલ કે અરમા આંસૂઓ મેં બહ ગયે. કેટલાંકને ચાકરીનો બદલો મળે છે. કેટલાંકને નથી પણ મળતો. શામજી કહે છે કે મારો પનો ટૂંકો પડયો.રમેશ પારેખે લખ્યું છે ને તેમ ‘ગોરમાને પૂજ્યા પાંચે આંગળીએ પણ નાગલા ઓછા પડયા રે લોલ.’
છગન કહે છે કે આ બધું વાંચતા એવું લાગે છે કે જેમ આઝાદી પહેલાં સુભાષબાબુએ કહેલું કે, ‘તૂમ મૂઝે ખૂન દો મેં તૂમ્હે આઝાદી દૂંગા’ તેમ ટોચના આગેવાનો કહેતા હશે ‘તૂમ મોદી કો પથ્થર મારો હમ તૂમ્હે પદ્મ દેંગે.’
પદ્મને કમળના અર્થમાં લઈએ તો કમળ તો કાદવમાં જ ઊગે ને!
ગૂગલી
‘હમણાં જ મહિલા દિન ઉજવાઈ ગયો.’
‘અરે ભાઈ, ત્રણસોએ પાંસઠ દિન મહિલાના જ છે ને એક અલગ શા માટે કરો છો?’ છગને કોમેન્ટ કરી.
No comments:
Post a Comment