Saturday, July 30, 2011

જિસકા મિયાં સીએમ...

મહારાષ્ટ્ર પોલીસના આલા અધિકારીઓ મૂછના આંકડા ચડાવી રહ્યા છે. ‘ભઈ, હમ કીસે સે કમ નહિ’ એવો અંદાજ તેમની બોડી લેગ્વેંજમાં જણાઈ રહ્યો હતો. એક ઉચ્ચ અધિકારીએ ગૌરવપૂર્વક ડોક ઊંચી કરી કહ્યું,

“મહારાષ્ટ્ર પોલીસે સાબિત કર્યું છે કે તેઓ બાહોશ કાર્યક્ષમ અને કર્મઠ છે.”

આવું સાંભળતા જ છગન ઉછળી પડયો, “શું મહારાષ્ટ્ર પોલીસે દાઉદને પાકિસ્તાન જઈને પકડી પાડયો?”

“હોતું હશે? એવા છમકલા તો ઈઝરાયેલવાળા કરે”

“એમ?”

“હાસ્તો ઈઝરાયેલવાળા તેમના ગુનેગાર આઈકમેનને છેક બ્રાઝિલથી પકડી લાવ્યા હતા.”

“ઓહ!”

“આઈકમેને પોતાના ચહેરાનો ગેટ-અપ બદલી નાંખ્યો હતો. ઓળખ, પાસપોર્ટ બધું જ અલગ નામે હતું. છતાં લઈ આવ્યા હતા. જ્યારે દાઉદ તો બિન્દાસ પોતાની ઓળખ બિલકુલ જાળવીને જલ્સાથી રહે છે. દાઉદના વેવાઈ મિયાંદાદે છેલ્લા બોલે છક્કો મારી ભારતની હાલત ખરાબ કરી નાંખી હતી. તો દાઉદજી (દિગ્વિજયની ભાષામાં) એ પહેલા બોલે બોમ્બ ધડાકા કરી ભારતની આબરુના ધજાગરા ઉડાવ્યા હતા. પણ આપણે તેને પકડી શક્યા નથી.”

“તો શું ઝવેરીબજાર અને અન્ય જગ્યાએ થયેલા તાજેતરના બોમ્બ ધડાકાના આરોપીઓને પોલીસે પકડી લીધા?”

“ના-ના, અગાઉના ધડાકાઓના આરોપીઓ પકડાય પછી એમનો વારો આવશે...”

“તો પછી કઈ કમાલ માટે પોલીસને જશ અપાઈ રહ્યો છે?”

“તમને પોલીસે કરેલી કમાલની ખબર નથી?”

“ના ભઈ, તમે જ કહો...”

“પૃથ્વીરાજ ચવ્હાણની પત્ની...”

“તમે સંયુક્તાની વાત કરો છો?”

“વાત ક્યાંની ક્યાં લઈ જાવ છો યાર, એ પૃથ્વીરાજ ચૌહાણ રાજપુત યુગના મહારાજા હતા. તેમની પત્ની સંયુક્તા હતી પણ આ તો આધુનિક પૃથ્વીરાજ ચવ્હાણની વાત છે, તે મહારાજા જેવા જ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે...”

“તેમની પત્નીની શું વાત છે?”

“બોસ તેમની પત્ની ટ્રેનમાં મુસાફરી કરતાં હતાં ત્યારે તેમનું પર્સ કોઈ ઊઠાવી ગયું...”

“પછી?”

“પછી શું? બાહોશ પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્સ પાછું મેળવી દીધું.”

“તો- તો જરૂર પોલીસ ગર્વ કરે તે વાજબી છે, કલાકોમાં જ તમે ચોરાયેલું પર્સ પકડી પાડો એ કમાલ કહેવાય.”

“હા, પણ તે માટે પૂર્વશરત છે કે તે પર્સ મુખ્યપ્રધાનની પત્નીનું હોવું જોઈએ.” સિંદબાદે સાર કહ્યો.

કેટલાક વર્ષ પહેલા બચ્ચને ગીત ગાયેલું ‘જીસકી બીબી... ઉસકા ભી બડા નામ હૈ...’ હવે જો એ ગીતની પેરોડી કરવામાં આવે તો કહી શકાય - “જીસકા મિયાં સીએમ ઉસકા ભી બડા નામ હૈ,

પર્સ વાપીસ આ જાયે, ચોરો કી ક્યાં મજાલ હૈ?”

કહે છે કે ઝવેરી બજારના ધડાકા દરમિયાન ગૂમ થયેલા એક યુવકની માતા પોલીસ પાસે કકળતી હતી..”સા’બ મારો પુત્ર આટલા દિવસથી મળતો નથી તેને ગોતી આપો ને?”

“તપાસ ચાલે છે.”

“સા’બ મુખ્યમંત્રીની પત્નીનું પર્સ તમે ગોતી કાઢયું, મારા પુત્રને પર્સ તૂલ્ય ગણીને પણ ગોતી આપો, એ પુત્ર મારું પર્સ જ છે.”

વાઈડબોલ

પોતે જીવતા હોય ત્યાં સુધી કોઈએ પોતાની આત્મકથા લખવી નહીં.

- સેમ્યુલ ગોલ્ડવીન
Jul 31,2011

Saturday, July 23, 2011

ધડાકાના પડઘા

જ્યારે કોઈ ધડાકો થાય ત્યારે તેનો પડઘો પણ પડે છે. તાજેતરમાં મુંબઈમાં થયેલા ધડાકાના પડઘા પણ પડયા છે.

પડઘા નં-૧

મધ્યપ્રદેશમાં સિંહાસન ગુમાવનાર દિગ્વિજયસિંહ જાણે છે કે તેઓની ગાદી હિંદુ સંગઠનને કારણે ગઈ છે. એટલે કોઈ પણ બાબતમાં તેમને હિંદુ સંગઠનનું ભૂત દેખાય છે. મુંબઈમાં થયેલા ધડાકામાં પોલીસ તપાસ ચાલુ છે. પોલીસની શંકા ઇન્ડિયન મુજાહિદ્દીનો તરફ છે. પણ દિગ્વિજયસિંહજીએ તુરત કહી દીધું, “આમાં મને તો હિંદુ સંગઠનોનો હાથ દેખાય છે.” આ પ્રકારનાં નિવેદનોમાં હિંદુ સંગઠનોને કોંગ્રેસનો પંજો દેખાય છે.

કોંગ્રેસનો તો નહીં પણ દિગ્વિજયસિંહજીની સદા સળવળતી જીભ જરૂર દેખાય.

પડઘા નં-૨

આપણા ભાવિ વડા પ્રધાનશ્રી આ બાબતે બાર કલાક સુધી કશું બોલ્યા નહીં. તેમનું પ્રથમ લક્ષ્ય છે માયાવતી. એટલે ત્રાસવાદ માટે તુરત પ્રતિભાવ આપી ન શક્યા. પછી બાબા, બાવાની જેમ બોલ્યા,

“બધા જ હુમલા અટકાવી ન શકાય. અમેરિકા પણ બધા હુમલા અટકાવી નથી શકતું.”

“પણ સાહેબ, અમેરિકા હજારો માઈલ દૂર જઈને પણ ત્રાસવાદીઓ પેદા કરનાર લાદેન જેવાને પણ ઠાર મારી શકે છે.” છગન દલીલ કરે છે.

“શું આપણે બધી વાતોએ અમેરિકાની નકલ કરવી? આપણી કોઈ સ્વતંત્ર નીતિ હોય કે નહીં?”

“પણ ત્રાસવાદ મિટાવવાના આપણે શપથ લીધા છે.”

“હા, આપણે ત્રાસવાદ જરૂર મિટાવીશું. પણ એ માટે આપણે ત્રાસવાદીને મિટાવવા બરાબર નથી.”

“એમ?”

“હા, ભગવાન જિસસે પણ કહ્યું છે ને,’ન મિટાવો ત્રાસવાદીને મિટાવો ત્રાસવાદને.”

“વાહ.”

“આભાર, આપણી નવી ઊભરતી યુવા નેતાગીરી આ કામ કરી બતાવશે. લાઠી ભાંગ્યા વગર સાપ પણ મારશે. ગરીબી ક્યારે હટશે અને ત્રાસવાદ ક્યારે મટશે. એની કોઈ મુદત હોય નહીં. એ માટે કોઈ ‘ડેડલાઈન’ ન અપાય. ગરીબી પણ હટશે, ત્રાસવાદ પણ મટશે.

પડઘા નં-૩

આ ધડાકાથી કેન્દ્રના પર્યટનમંત્રી કૃષ્ણકાંત સહાય નિસહાય બની ગયા છે. મુંબઈમાં ફૂટેલા બોમ્બની કરચો છેક દિલ્હી સુધી તેમને વાગી છે.

બોમ્બ ધડાકા થયા પછી ચેનલોવાળા વારંવાર દૃશ્યો બતાવે છે કે શ્રીસહાય બોમ્બ ધડાકા થયા પછી એક ફેશન શોમાં બેઠા છે. બિચારા સહાય અકળાઈને કહે છે કે, “હવે કોઈ કાર્યક્રમ નક્કી થશે ત્યારે હું અગાઉથી પૂછી રાખીશ કોઈ બોમ્બ ધડાકા થયા નથી કે થવાના નથી ને?”

સહાયની સાથે ભાજપના પણ કેટલાક ઓછા જાણીતા નેતાઓ પણ આ ફેશન શોમાં હતા. ચેનલવાળા તેઓને ચમકાવી ઓછા જાણીતા નેતાઓને વધુ જાણીતા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પડઘા નં-૪

પ્રધાનમંત્રીનો પડઘો અદ્ભુત હતો. એમણે કહી દીધું, “અમે આવાં આતંકવાદનાં પગલાં નહીં ચલાવીએ અને આવા હુમલા રોકવા પ્રયત્ન કરીશું.”

કેટલાક લોકોએ સવાલ કર્યો છે કે ૨૦૦૮માં ધડાકા થયા ત્યારે મનમોહનસિંહે પડકાર કર્યો હતો કે હવે પછી જો આવા હુમલા થશે તો જવાબી કાર્યવાહી થશે. તો હવે મનમોહનસિંહ કેમ બીજી ભાષા બોલે છે? કાનૂન પ્રમાણે ૨૦૦૮માં સહી કરેલ ‘પ્રોમેસરી નોટ’ ૨૦૧૧માં રદ થઈ જાય એટલે મનમોહનસિંહજીએ ૨૦૦૮માં દેશને આપેલ પ્રોમિસ હવે ‘માન્ય’ ન ગણાય. હવે એમણે પ્રોમિસ ‘રિન્યૂ’ કરવું પડે. જે તેમણે કર્યું છે. ૨૦૧૪માં હુમલો થશે ત્યારે પણ મનમોહનસિંહ આ રીતે જ કહેશે.

પણ ત્યારે તો રાહુલજી આવી ગયા હશે ને!

ત્યારે રાહુલજી કહેશે, “અરે, હુમલાઓની ગણતરી રાખનારાઓ, મોદીના ગુજરાતમાં સોમનાથ મંદિર ઉપર સત્તરવાર હુમલા થયા હતા.”

સિંદબાદ કહે છે કે ૧૩મી જુલાઈ કસાબનો જન્મદિવસ હતો જન્મદિવની ઉજવણીમાં ધડાકા તો થાય ને!

વાઈડ બોલ

“તમે લગ્નદિનની ઉજવણી કઈ રીતે કરી?”

“અમે એ દિવસે ‘એર-ફાઈટિંગ શો’ જોયો.”

Jul 23,2011

Saturday, July 16, 2011

રમેશ રાજા અને વાંદરાં...

આપણા દેશમાં રાજા મહારાજાઓ હતા ત્યારે એ લોકો ઘણાં ખેલ કરતાં. ખેલ કરવામાંથી સમય મળે ત્યારે શાસન પણ કરી લેતા.

જૂનાગઢના નવાબને કૂતરાં બહુ ગમતા. એમણે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવું હતું અને પોતાનાં કૂતરાંને એક કૂતરી સાથે જોડયું હતું મતલબ કે લગ્ન કરાવ્યાં હતાં. ‘રાજા, વાજા ને વાંદરાં’ એ કહેવત આવા કોઈ પ્રસંગને કારણે આવી હશે. રાજાઓ તો ગયા, પણ આવા ખેલ પ્રજામાંથી કોઈ વીરલાઓ પાડતા હોય છે. નજીકના ભૂતકાળમાં જ અમદાવાદમાં જ કૂતરાંના અવસાન નિમિત્તે બેસણાં રાખવામાં આવ્યાં હતાં. બાપનું બેસણું રાખે તેને લોકો યાદ નથી રાખતા, પણ કૂતરાંનું બેસણું રાખનારને લોકો ખાસ યાદ રાખે છે.

“પેલા સંદીપભાઈને ઓળખ્યા?”

“કોણ?”

“અરે, પેલા કૂતરાનું બેસણું રાખવાવાળા!”

કડી પાસે એક પટેલ રહે છે, એમણે એમની ભેંસની જીવતા જગતિયાની ક્રિયા કરી હતી. એ ભેંસ જીવતી હતી, પણ તેનું બારમું-તેરમું વગેરે ઉત્તરક્રિયા કરી લોકોને તેમણે જમાડયા હતા.

તાજેતરમાં રાજસ્થાનમાં એક વાંદરાનાં લગ્ન કરવામાં આવ્યાં. ઘણી વાર લગ્ન પછી માણસની જિંદગી કૂતરાં જેવી થઈ જાય છે. જૂનાગઢના નવાબે જેનાં લગ્ન કરાવ્યાં હતાં તે કૂતરાંની જિંદગી પણ લગ્ન પછી કૂતરાં જેવી જ થઈ હશે કે રહી હશે. એ કૂતરાંનો માણસ નહીં થયો હોય.

રાજસ્થાનના વાંદરાનાં લગ્નમાં શું થયું હશે? એક કવિએ લખ્યું હતું, “આદમી થા બંદર.”

આ બંદરનાં લગ્ન થવાથી તે માણસ નહીં બન્યો હોય.

તેના માલિક રમેશ રાજસ્થાની. તેને તમે રમેશ રાજા એમ પણ કહી શકો. એ રમેશ રાજાએ તેના બંદર નામે રામુનાં લગ્ન એક વાંદરી નામે ચમકી સાથે કરાવ્યાં.

વરસો પહેલાં પોળોમાં, સોસાયટીઓમાં વાંદરાનો ખેલ કરવાવાળા આવતા હતા. યાદ આવે છે, તેઓ નાનકડી વાંદરી પાસે ચાળા કરાવતા હતા. “એય રતનબાઈ સાસરે કેમ જશો?”

એટલે રતનબાઈ નામની વાંદરી બે પગે ઊભી થઈ ઠૂમક ઠૂમક ચાલ બતાવે. માથા ઉપર ફાટેલા સાડલાનો કટકો ઢાંકે. આ રાજસ્થાની બંદર-બંદરિયાનાં લગ્નમાં પણ ચમકી વાંદરી ઠૂમક ઠૂમક ચાલતી લગ્નમંડપમાં ગઈ હશે.

રમેશ રાજાએ એમના વાંદરાનાં લગ્નમાં ગામમાં હજાર કાર્ડ વહેંચ્યાં હતાં. મારા બંદરનાં લગ્નમાં પધારશો.

આ લગ્ન રાજસ્થાનમાં થયાં હતાં, બાંદ્રામાં નહીં, નહીંતર બાંદ્રામાં વાંદરાનાં લગ્ન એવી ચમત્કૃતિવાળું હેડિંગ છાપામાં આપી શકાય. આપણા મસ્ત કલાકાર કિશોરકુમાર ચાર વાર પરણ્યા હતા. સંજોગોવશાત્ તેમની તમામ પત્નીઓ બાંદ્રાની હતી. ત્યારે કિશોરે કહ્યું, “ક્યા કરું મેરી કિસ્મત મેં સબ બંદરિયા લીખી થી.”

હવે ‘કહાનીમાં ટ્વિસ્ટ’ આવે છે. સરકાર જાગી છે. સરકારને વાંદરનાં લગ્ન સામે વાંધો છે. રમેશભાઈને એમણે કહ્યું, દેશનાં તમામ વાંદરાં સરકારની મિલકત ગણાય. “તમે સરકારી વાંદરાના વિવાદ કઈ રીતે કરી શકો?” આ ગુનો છે. તમારી ધરપકડ થશે. સરકારી મિલકત સાથે છેડછાડ કરવા બદલ તમારી સામે કામ ચલાવવામાં આવશે.

સરકારને લાગે છે કે વાંદરાનાં લગ્ન કરાવવાં તે વાંદરા માટે કલ્યાણકારી નથી.

માણસોનાં લગ્ન માટે પ્રભુતામાં પગલાં પાડયાં તેમ કહેવાય છે, પણ રમેશભાઈએ વાંદરાનાં લગ્ન કરાવી વાંદરાનું તેમજ પોતાનું અકલ્યાણ કર્યું છે. સરકારે આ લગ્નમાં ભાગ લેનાર સામે પણ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. બંદર રામુ અને વાંદરી ચીમકીને આ ધાંધલધમાલથી કોઈ અસર નથી પડી. એ વાંદરાઓને આ ‘માનવીની ભવાઈ’ લાગી હશે.

કાનૂન પ્રમાણે વાંદરાં પાળવાં તે પણ ગુનો છે. રમેશભાઈને લાગ્યું હશે આ વાંદરાઓનાં લગ્ન કરાવી તેમને માણસાઈ શીખવાડવાનો પ્રયત્ન કરવા જેવો ન હતો.

વાઈડ બોલ

“વાંદરા થઈને મુંબઈ જવાય.” આ શ્લેશયુક્ત વાક્ય ઉપર કોમેન્ટ કરતાં ભોગીલાલ સિંદબાદ કહે છે.

‘ધોળા થઈને ભાવનગર જવાય.’

Saturday, July 9, 2011

પાવલી કેવળ કહાની બની ગઈ

આખરે પાવલી ગઈ કેટલીક વાર માણસ આઈસીયુમાં હોય, વેન્ટિલેટર ઉપર હોય. સત્તાવાર મૃત્યુ જાહેર ન થયું હોય, પણ આમ તો એ માણસ મરી જ ગયો હોય. પાવલીનું પણ એવું જ છે. હવે એનું સત્તાવાર મૃત્યુ જાહેર કરવામાં આવ્યું છે. વળી કેટલાંક વરસોથી પાવલી હતી, પણ જીવતી ન હતી. ચલણમાં ચાલતી ન હતી. જેમ કોઈ કુટુંબમાં ઘરના ખૂણે ખાટલામાં કણસતા વડીલ પડયા હોય તેમ જીવતા ખરા પણ ચલણમાં નહીં. અત્યારના કોઈ બાળકને પૂછશો, તો ખબર પડશે તેણે પાવલી જોઈ પણ નથી અને તેના વિશે ખબર પણ નથી. વરસોથી કોઈ શાકવાળા પાવલી સ્વીકારતા ન હતા કે ભિખારીઓ પણ ઉપહાસ કરી પાવલી પાછી આપી દેતા હતા. ફૂટપાથના એક ખૂણે સાયંકાળે એક ભિખારી બેસૂરા અવાજે ગાઈ રહ્યો હતો.

“બાબુ એક પૈસા દે દે...”

એક સજ્જને બેસૂરા અવાજ પ્રત્યેની ચીડમિશ્રિત દયાથી પ્રેરાઈને પેલાના વાડકામાં પાવલી મૂકી. બેસૂરો અવાજ થંભી ગયો અને કર્કશ અવાજે પૂછયું, “આ શું કરો છો ? આ તો પાવલી છે, એને કોણ મારો બાપ લેશે? પાવલીમાં આવે છે શું?”

એક પૈસા દે દે ગાનાર ભિખારી પચીસ પૈસા પ્રત્યે પોતાની નારાજગી પ્રગટ કરી રહ્યો હતો. એણે માગ્યા હતા તેથી પચીસ ગણા પૈસા આપવા છતાં ભિખારી નારાજ હતો. માણસ ઈશ્વર પાસે સંતાન માગે અને જો પ્રસૂતિગૃહમાંથી એને મરેલું સંતાન મળે તો? એ નારાજ થાય કે દુઃખી થઈ જાય. પાવલીનું પણ એવું જ છે. એ મરેલા સંતાનતુલ્ય જ ગણાય. એને જોવાથી કોણ રાજી થાય?

એક વખત એવો હતો કે કોંગ્રેસના સભ્ય થવા માટે પાવલી આપવી પડતી હતી. ગાંધીજી ભલે આજે કરોડો રૂપિયાની નોટો ઉપર બેસી ગયા છે, પણ તેમણે પાવલી ખર્ચી ન હતી. મતલબ કે તેઓ કોંગ્રેસના સભ્ય થયા ન હતા. જૂના સમયના માણસો કહે છે, ત્યારે અમે પચીસ પૈસામાં ચા પી શકતા હતા અથવા કોંગ્રેસમાં સભ્ય થઈ શકતા હતા. સિંદબાદ કહે છે કે, દસ રૂપિયાની લોટરીની ટિકિટ લેનાર ક્યારેક કરોડપતિ થઈ જાય છે, તેમ પાવલીમાં કોંગ્રેસની ટિકિટ લેનારાઓ કેટલાય કરોડપતિ થઈ ગયા છે. ગાંધીજી એટલે જ લોટરીને દૂષણ માનતા હતા અને કોંગ્રેસના સભ્યપદરૂપી લોટરીની ટિકિટ તેમણે લીધી ન હતી.

આપણી ભાષામાં પાવલીનો ઘણો પ્રભાવ પડયો છે. કોઈકની કક્ષા ઓછી હોય, તો કહેવામાં આવતું એનામાં પાવલી ઓછી છે. (પૂરો રૂપિયો નથી).

ક્યારેક અણધાર્યું કામ થઈ જાય કે ન કલ્પેલ વ્યક્તિ કામ કરી જાય, ત્યારે હિન્દી ભાષાવાળા કહેતા, “ચવન્ની ચલ ગઈ’ ઇશાંત શર્મા હાફ સેન્ચૂરી મારે તો કહેવાય ચવન્ની ચલ ગઈ. આજે એ ચવન્ની ચલ બસી એમ કહી શકાય.

કેટલીક ચેનલોએ પાવલીની ચોક્કસતા પણ કરી. કેટલાંક અખબારોએ શોકદર્શક સંદેશા પણ પાવલીના અવસાન ઉપર પ્રગટ કર્યા. એક વડીલે જાહેર કર્યું, અમારા સમયમાં પાવલીમાં પાંચ શેર ખાંડ મળતી હતી. તમારા સમયમાં શરદ પવાર ન હતા તેવું તેમને કહી શકાય.

પાવલી જ્યારે રૂપિયા સાથે બેસતી ત્યારે તે વજનદાર થઈ જતી. દરેક ધાર્મિક પ્રસંગે સવા રૂપિયાનું મહત્ત્વ હતું. રૂપિયા સાથે ત્યારે ચાર આની-પાવલી મુકાતી.

જ્યારે પાવલી વજનદાર હતી, ત્યારે પ્રસંગે લોકો સવા રૂપિયો ચાંલ્લાનો કરતા હતા.

હજી નજીકના ભૂતકાળની વાત છે, રેંકડી ઉપર પચીસ પૈસાની ચા મળતી, લોકો પાવલીમાં એક રકબી ચા પી શકતા.

ઠેકડી ઉડાવવા માટે પણ પાવલીનો ઉપયોગ થતો.

છગન હાંફળો ફાંફળો થઈ રહ્યો હતો. એને ખિસ્સામાં કંઈ પડી ગયું હોય તેમ લાગ્યું. ઊભા રહી આજુબાજુ ડાફોળિયાં માર્યાં. “શું પડી ગયું હશે?” તે વિચારમાં હતો, ત્યારે દૂર ઊભેલા મગને કહ્યું,

“મિત્ર તમારી પાવલી પડી ગઈ છે.”

હવે તો પાવલી કેવળ કહાની બની ગઈ છે.

વાઈડબોલ

ક્રિકેટ આમ તો બેટથી રમાય, પણ તેમાં કૌભાંડો થવા માંડયાં એટલે કહેવાય ક્રિકેટમાં રેકેટ પણ છે.

Jul 09,2011

Saturday, July 2, 2011

ચલા શ્રીવર્ધન અમેરિકા..

મારા બેન્કર મિત્ર શ્રીવર્ધન અમેરિકા ગયા. આમ તો યુએસએ ગયા તેમ કહેવાય પણ આપણે ત્યાં યુએસ જનારને અમેરિકા ગયા તેમ જ કહેવાય છે. કેટલાંક વરસો પહેલાં મુંબઈ રહેતા ખીમજીભાઈ ભાવનગર ગયા હોય તો સગાંવહાલાં કહે ખીમજીભાઈ દેશમાં ગયા છે, એવી પ્રથા હતી. અત્યારે અમેરિકાવાળા ગુજરાતીઓ ભારત આવે છે ત્યારે દેશમાં ગયા છે તેમ કહેવાય છે.

શ્રીવર્ધન અમેરિકા જવાની તૈયારી કરતા હતા. જરૂરી વીસા તેમની પાસે હતો. વીસા તમારી પાસે હોય તો તે કેવા નસીબની વાત છે! ગુજરાતના એક સ્ટેજ આર્ટિસ્ટને અમેરિકાનો વીસા મળ્યો ન હતો પણ તેના કૂતરાને જ મળ્યો હતો. કોઈ સત્તા કે પૈસાથી વીસા મેળવી શકાતો નથી.

જેરી લૂઈસનું એક બેહદ રમૂજી પિક્ચર કેટલાંક વરસો પહેલાં આવ્યું હતું. જેરી લૂઈસ એક અબજોપતિ વેપારી છે. એને વિશ્વયુદ્ધમાં હિટલર સામે લડવાની ચળ ઊપડે છે. પણ મિલિટરીના ડોક્ટરો તેને નાપાસ જાહેર કરે છે. જેરી હુંકાર કરે છે ત્યારે ડોક્ટરો કહે છે, ‘‘મિસ્ટર, આ એક એવી જગ્યા છે કે જ્યાં તમારા કરોડો ડોલરની મદદથી પણ એન્ટ્રી નહીં મેળવી શકો.”

યુએસ વીસાનું પણ એવું જ કંઈક છે. કોઈ ધુરંધર વ્યક્તિને વીસા ન પણ મળે અને કોઈ આલિયા માલિયાને મળી પણ જાય. શ્રીવર્ધન ધુરંધર કેટેગરીમાં તો ન આવે પણ આલિયામાલિયા કેટેગરીમાં આવે. હા, દરેક આલિયામાલિયાને પણ વીસા મળતા નથી. નસીબદાર આલિયામાલિયાને મળી જાય.

વીસા મેળવવા માટે ઝૂરતા કેટલાક લોકો જાતજાતની બાધા-આખડી રાખે છે. વગર વીસાએ લંકામાં ગયેલા શ્રી હનુમાનજીની કૃપાથી કેટલાક લોકો અમેરિકન વીસા મેળવી શકે છે. અમદાવાદમાં ખાડિયામાં આવેલા એક હનુમાનજી વીસાવાળા હનુમાજી તરીકે જાણીતા છે.

અમદાવાદથી મુંબઈ રેલવેમાં જવું હોય તો ભાડું મગન જાય કે છગન જાય એક સરખું જ હોય છે. પણ શ્રી વર્ધન કહે છે, અમદાવાદથી નેવાર્ક (યુએસ) જવાનું ભાડું એજન્ટે એજન્ટે ભિન્ન ભિન્ન હતું. કોઈ પંચાવન હજાર કહેતું હતું. કોઈ એકસઠ હજાર કહેતું હતું. ભદ્રંભદ્ર મુંબઈની મૂલ્યપત્રિકા (ટિકિટ) માટે ભાંજગડ કરતા હતા તેવું અમેરિકાની ટિકિટ માટે શક્ય છે. શશિ થરૂર જેને ઢોર કા ડિબ્બા કહેતા હતા તે ઈકોનોમી ક્લાસમાં શ્રીવર્ધન સવાર થઈ નેવાર્ક પહોંચ્યા. બેન્કની નોકરીમાં ચા ઉપર નિર્ભર રહેલા શ્રીવર્ધનને એર ઇન્ડિયામાં મળતી ચા સજાતૂલ્ય લાગી. શ્રીવર્ધન માને છે કે રેંકડી જેવી ચા નહીં. ભવિષ્યમાં તે જો પ્રફુલ્લ પટેલની જગ્યાએ ‘એવિએશન મિનિસ્ટર’ બનશે તો તે પ્રવાસીઓ માટે ખાસ રેંકડીની, લારીની, મસાલાથી ધમધમતી ચાની વ્યવસ્થા કરશે. હવે મહારાજા રેંકડીની ચા પીવે છે તેવી એર ઇન્ડિયાની જાહેરાત પણ જોવા મળશે. એર ઇન્ડિયાએ રેંકડીવાળાઓ સાથે પણ ચાનો કોન્ટ્રાક્ટ કરવા જેવો. તેનાથી કંપનીને આર્થિક ફાયદો અને પ્રવાસીઓને સંતોષ મળશે.

નેવાર્ક એટલે ન્યૂજર્સીનું એરપોર્ટ. પ્રખર પત્રકાર વાસુદેવ મહેતાના ભત્રીજા ડો. જયદેવ મહેતા કહે છે, “કોઈ પણ સમયે નેવાર્ક એરપોર્ટ ઉપર પાંચ-સાત સાડીવાળી મહિલા તો જોવા મળે જ.” શ્રીવર્ધન કહે છે, “મારું પ્લેન લેન્ડિંગ થયું ત્યારે આઠ-દસ સાડીધારી મહિલાઓ દેખાતી હતી.”

શ્રીવર્ધને અમદાવાદ એરપોર્ટની સેવાની વાત કરતા કહ્યું, “બોસ, એરપોર્ટ ઉપર બેગ લઈ જવા માટે ટ્રોલી મળતી ન હતી. પ્રવાસીઓ ટ્રોલી ગોતવા માટે દોડાદોડી કરતા હતા, પણ ટ્રોલી મળે તો મળે તેવી હાલત હતી, જ્યારે અમેરિકાના મોટા મોટા મોલમાં ઢગલાબંધ ટ્રોલીઝ દેખાતી હતી. કોઈ ગરબડ નહીં.

શ્રીવર્ધન કહે છે, “અમદાવાદીઓને કે ગુજરાતીઓને તેમનાં મનભાવન ફરસાણ આરામથી અમેરિકામાં મળે છે.” કવિ ખબરદાર આજે હોત તો જરૂર લખત ‘જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ફરસાણ.’

વાઈડ બોલ

નાણાપ્રધાન પ્રણવ મુખરજી અને ગૃહપ્રધાન ચિદમ્બરમ્ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે તેવા એક સમાચાર હતા. તે અંગે પ્રતિભાવ આપતાં ચિદમ્બરમે કહ્યું, “અમે રોજ ફોન ઉપર વાત કરીએ છીએ.” છગન કહે છે, “ઝઘડા કરનાર તો ફોન ઉપર પણ ઝઘડા કરી શકે છે.”