Sunday, April 11, 2010

મુઝસે ફીર શાદી કરોગી?

તમે અત્યારે જે સ્ત્રીને પરણ્યા છો એ સ્ત્રી જ સાથે ફરી પરણો ખરા? છગનને પૂછવામાં આવ્યું. છગન ઊંડા વિચારમાં પડી ગયો. પછી આજુબાજુ નજર કરી ધીમે અવાજે બોલ્યો, 'જ્યાં સુધી પરણવાની વાત છે ત્યાં સુધી અત્યારની પત્ની જ ઠીક છે.'

તમે એની એ જ પત્ની કે પતિ સાથે ફરી લગ્ન કરો ખરા? લગ્ન માટે એના એ જ પાત્રને ફરી પસંદ કરો કે કોઈ નવી વ્યક્તિને પસંદ કરો? આ પ્રકારનો એક સર્વે એક મેગેઝિને હમણાં જ કરેલો. દુનિયાના અનેક દેશોમાં આ સર્વે એમણે કર્યો. મિત્રો શું ધારો છો? તમને જાણીને અચરજ થશે પણ અડસઠ ટકા લોકોએ એના જ જીવનસાથીની પુનઃ પસંદગી કરી છે. આ આપણા મહાન ભારત પૂરતી વાત નથી વિશ્વના અનેક દેશો આમાં સામેલ હતા. છતાં અડસઠ ટકા જેટલી ભારે બહુમતીથી એ જ જીવનસાથીની પુનઃ પસંદગી કરી. શું કારણ આ માનસિકતાનું?

'બીજે છેતરવા જવા કરતા અમારી દુકાને જ આવો...'

ગ્રાહક પણ વિચારે બીજે છેતરાવા કરતા એ જ દુકાને જવું સારું. આપણે દુકાન તો જાણીતી ખરી!

એક બાળવાર્તામાં આવે જેમાં કઠિયારો કહે છે 'મને તો ગમે મારી કુહાડી આરી' કઠિયારાને સોનાની કુહાડી પસંદ નથી, ચાંદીની નથી. ભલે લોખંડની હોય પણ એ કુહાડી સાથે તેનો મનમેળ છે એટલે એ કઠિયારો આપણા નેતાઓની જેમ કહે છે 'મેરી કુહાડી મહાન'

એક મહિલાને પૂછવામાં આવેલું આ જ પુરુષને તમે ફરી પતિ તરીકે પસંદ કરો? ત્યારે મહિલાએ કહ્યું, 'હાસ્તો' આને ટપારી ટપારી ઘડવામાં મને દસ વર્ષ લાગ્યાં છે. ત્યારે આ મહાશય માંડ ઠેકાણે આવ્યા છે. બીજા કોઈને પસંદ કરું તો ફરી બીજા દસ વર્ષ થઈ જાય ને? એટલે આ જ વર તરીકે ઠીક છે.

એક મિત્ર લાયબ્રેરીમાં જાય ત્યારે અઢળક ચોપડીઓ ત્યાં પડેલી હોય પણ એ મિત્ર પહેલાં વાંચેલું પુસ્તક જ લઈને આવે. કહે બીજી ચોપડી લઈએ તે સારી હોય કે ન પણ હોય ત્યારે આ ચોપડી આપણે વાંચેલી છે, જાણીતી છે, પત્તે પત્તું આપણું જાણીતું છે. આ માનસિક કારણસર પત્તા-પત્તા જાનત હે... એમ માની કેટલીક વ્યક્તિ એના એ જ જીવનસાથીને ફરી પસંદ કરે છે.

પુરાણ કાળમાં કહેવાયું કે તમે 'કાશીએ જઈને કરવત મેલાવો' (સ્વૈચ્છિક મૃત્યુ) અને તે વખતે જેવી ઇચ્છા વ્યક્ત કરો તેવો તે પછીનો જન્મ તમને મળે. એટલે ઘણા લોકો કાશીએ જઈ કરવતથી કપાઈ મૃત્યુને આવકારતા, ઇચ્છતા કે આવતા જન્મે હું રાજા બનું તો તેઓ રાજા બની શકતા. એક વાર્તા પ્રમાણે જોડા સીવનાર મોચીભાઈ કાશીઓ કરવત મુકાવા જાય છે. મોચીભાઈએ અનેક વિકલ્પો વિચાર્યા કે આવતા જન્મે શું થવું? લાંબી વિચારણા પછી મોચીએ વિચાર્યું કે આવતા જન્મે પણ મોચી થવું જ ઠીક પડશે એટલે કરવત મુકાવતા ફોર્મમાં ભર્યું કે આવતા જન્મે મોચી જ થઈશ. અગલે જનમ મુઝે મોચી હી કીજીયો.

જીવનસાથીની પુનઃ પસંદગીમાં પણ એ જ માનસિકતા પ્રગટ થઈ છે. સર્વેનો જવાબ આપનારાઓએ મોચીભાઈની જેમ જ એની એ જ અવસ્થા કબૂલ રાખી. અમારે કોઈ રાખી સાવંતના સ્વયંવરમાં નથી જવું કે રાહુલ મહાજન પામવો નથી છે. એ જ ઠીક છે.

માણસના સ્વભાવમાં નવી પરિસ્થિતિમાં ન જવું તેવું વલણ ઘણા ખરા કિસ્સામાં હોય છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં લટકતો લટકતો ફરતો છતાં તેને મુંબઈ પસંદ છે, છોડવું નથી. કોઈને ગામડામાં લીમડાના ઝાડ નીચે ખાટલો પાથરીને સૂવાનું પસંદ છે તેને અમદાવાદ-મુંબઈની સાહ્યબી પસંદ નથી. આપણે તો આપણું ગામડું સારું. 'હમ કો હૈ પ્યારી હમારી ગલીયાં' એ મોટા ભાગના માણસોની પ્રકૃતિ છે. એના એ જ જીવનસાથીની પસંદગીમાં માણસની સ્વગલી પ્રિયા દેખાય છે.

જોકે આનાથી વિપરીત એક કથા હાસ્યકાર બોરીસાગરે લખી છે. એક દંપતીમાં પતિ એકદમ નાસ્તિક, પત્ની ખૂબ જ ભક્તિવાન. દર નૂતન વર્ષે પત્ની મંદિરે જાય. એનો પતિ મંદિરમાં ન જાય અને બહાર જ ઊભો રહે. પતિ પૂરો નાસ્તિક. એક વાર પતિએ પૂછયું કે,'તું મંદિરમાં જઈ કાયમ પ્રાર્થના કરે છે. હું તો પૂરો નાસ્તિક છું. આવતો નથી, પણ એ કહે કે તું શું માંગે છે? પેલી પત્નીએ કહ્યું 'હું ભગવાનને કહું છું કે મને ભવોભવ તમે જ પતિ તરીકે મળો.' નાસ્તિક પતિ ગભરાયો. તેને થયું કે ભગવાન આની વાત સાંભળશે તો? એટલે નાસ્તિક હોવા છતાં મંદિરમાં દોડી જાય છે અને ભગવાનને કહે છે 'પ્રભુ, એકતરફી- એક્સપાર્ટી નિર્ણય ન લઈ લેતા મને પણ સાંભળજો.'

પણ આ તો અપવાદમાં ગણી શકાય. સર્વેએ બતાવ્યું છે કે એ જ જીવનસાથીની પુનઃ પસંદગીમાં મોટી બહુમતી છે.

ગાંધીજીને નરસિંહનું 'વૈષ્ણવજન' અતિપ્રિય. ગાંધીજી નરસિંહે કહેલા વૈષ્ણવજન કરતાં પણ અધિક હતા. નરસિંહે કહ્યું કે 'વૈષ્ણવજન... પરસ્ત્રી જેને માત રે..' પણ ગાંધીજી તો સ્વસ્ત્રીને પણ માત સમાન ગણતા હતા.

કસ્તુરબા.

No comments: