Tuesday, August 31, 2010

પતે કી બાત!

પાકિસ્તાનમાં પૂરની આફત આવી છે.

માનવસર્જિત આફત પેદા કરવામાં પાકિસ્તાન અવ્વલ છે. (દા.ત. ૨૬/૧૧) એ દેશમાં કુદરત સર્જિત આફત આવી છે. ભારતમાં આતંક ઊભો કરનાર પાકિસ્તાનમાં કુદરતે આતંક કર્યો છે. ભારત આવે વખતે નાનાભાઈ પાકિસ્તાનને મદદ કરવા બટાકા, કરોડો રૂપિયાના બટાકા મોકલશે.

બાળકથા યાદ આવે છે. મોરને મેં ચણ આપી, મોરે મને પીંછું આપ્યું. પીછું મેં માળીને આપ્યું. માળીએ મને ફૂલ આપ્યું... ફૂલ મેં કુંભારને આપ્યું. કુંભારે મને ઘડો આપ્યો વગેરે વગેરે...

આ કહાનીમાં ટ્વિસ્ટ અપાય કે પાકિસ્તાનને મેં બટાકા આપ્યા, પાકિસ્તાને મને બોંબ આપ્યા (આપ્યા એટલે કે ઘુસાડયા) પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપવાના થતા હતા. સરદાર પટેલ આપવા રાજી ન હતા. લાલુએ આપવા આગ્રહ કર્યો હતો ત્યારે સરદારે કહ્યું હતંુ, આ પૈસાની ગોળીઓ બની આપણી ઉપર આવશે. અત્યારે સરદાર (મનમોહનસિંહ) પાકિસ્તાનને બટાકા આપવા ઉત્સુક છે.

---

સાંસદોનાં વેતન વધી જવાથી કેટલાંક નાખુશ છે. પણ તેઓ ખુશ થઈ શકે છે જો આ વધારા સાથે કેટલીક ‘પેનલ્ટી’ દાખલ કરી શકાય. બેંક કર્મચારીનાં વેતન વધાર્યાં ત્યારે સત્તાવાળાએ કેટલાંક ‘ક્લોઝ’ દાખલ કરી દીધા હતા. સાંસદના કિસ્સામાં થઈ શકે એક ઝલક જોઈએ...

સ્પીકરશ્રી સાંસદશ્રી વર્માજીની ગેરવર્તણૂક નિહાળી રહ્યા છે તેમણે તુરંત જાહેર કર્યું.

‘શ્રીમાન્ વર્માના આજના પગારભથ્થાના પચાસ ટકા કાપી લેવામાં આવે અને વડાપ્રધાન રાહતફંડમાં જમા કરાવવામાં આવે.’

ક્રિકેટરો સાથે આ વ્યવહાર થાય જ છે. હરભજન ભલે મોટો બોલર હોય પણ અભદ્ર ચેષ્ટા કે ટિપ્પણી માટે તેણે કરોડો રૂપિયા ચૂકવ્યા છે. દેશના સાંસદોને પણ આવી જ આચારસંહિતા લાગુ પાડવી જોઈએ. શક્ય છે કે કેટલાંક સુધરી જશે કે કેટલાંક અકળામણ અનુભવી રાજીનામું ધરી દેશે.

ફૂટબોલના ખેલાડીઓ તો તરવરિયા હોય છે. ગુસ્સો આસમાને હોય છે. પણ તેઓ અંકુશમાં રહે છે. રેફરી રેડકાર્ડ બતાવે કે યલોકાર્ડ બતાવે. સાંસદોના નવા પગારધોરણ સાથે નિયમો દાખલ થઈ શકે. સ્પીકર રેડ કાર્ડ બતાવે, યલો કાર્ડ બતાવે, ભલે સાંસદોના પગાર નિરંકુશ રીતે વધારો પણ તેમની ગેરવર્તણૂકને અંકુશિત કરો.

પગાર પણ આસમાને અને ગેરવર્તણૂક પણ આસમાને ના ક્યારેક સાતમા આસમાને- યે તો નાઈન્સાફી હૈ ઘરમાં ચાનો પ્યાલો નોકરથી તૂટી જાય તો તેનો પગાર કાપી લેતા સાંસદ ગૃહના પરિસરમાં શોભા માટે મૂકેલાં કૂંડાંને વિરોધ પ્રર્દિશત કરવા તોડી નાખે છે. આ તમામની નાણાકીય વસૂલાત કરવાની જોગવાઈ દાખલ થઈ શકે. આમ થશે તો દેશને પગારવધારો જરા પણ મોંઘો નહીં પડે.

ગૂગલી

મશહૂર ટેનિસ સ્ટાર ફેડરરે કહ્યું, ‘તમારી સો ભવ્ય સફળતા પાછળ હજાર નિષ્ફળતાઓમાંથી મેળવેલું શિક્ષણ કારણભૂત છે.’

Monday, August 30, 2010

યે એમપી માંગે મોર...

‘દિલ માગે મોર’ જાહેરાતના આ શબ્દો જ્યારે હવામાં ગુંજતા હતા ત્યારે કોઈકે પૂછયું ‘દિલ માગે મોર’ એવું કોણ કહે?

જવાબ મળ્યો હતો, ‘‘આવું તો ઢેલ જ કહે.’’

અત્યારે એમપીનાં મહેનતાણાં વધ્યાં, ત્યારે કેટલાંક એમપીએ એથી પણ વધારાની માગણી કરેલી એ વખતે એક ચેનલવાળાએ લખ્યું, ‘યે એમપી માગે મોર’

સાંસદોને હજી પણ વધારે વધારો જોઈએ છે.

એક શ્રીમાન ઉકળાટિયા ઉકળી ઊઠેલા... ‘‘પગારવધારો તો નોકરિયાતોને હોય, આ સાંસદો ક્યાં નોકરી કરે છે?’’

‘‘અચ્છા! તોય એ લોકોને વધુ મહેનતાણું જોઈએ છે.’’

‘‘મહેનતાણું? એ લોકો કઈ મહેનત કરે છે? અરે મિત્ર, કેટલાંક સાંસદોએ તો પાંચ વર્ષમાં પાંચ વાર પણ મોઢું ખોલવાની મહેનત કરી નથી, એમને મળતું વેતન મહેનતાણું કહેવાય છે.’’

‘‘તો માનદ્ વેતન કહો કે પછી સાલિયાણું કહો, આ બધા લોકો સાંસદોને મળેલા વધારાથી નાખુશ છે. મુલાયમ-લાલુજી એ બધા પણ નાખુશ છે. અમને ઓછું કેમ આવ્યું?’’

ઐસે વૈસે કો દીયા, (તો હમ કો ક્યૂં નહીં?)

હમ કો ભી લિફ્ટ કરા દે.

એવું એ લોકો કહી રહ્યા છે. મુલાયમ કઠોર અવાજે કહે છે કે “સચિવો કરતાં પણ સાંસદોને વેતન ઓછું છે એ બરોબર નથી.”

બીજા સાંસદોને પણ લાગ્યું કે ‘‘હમ કો ભી લિફ્ટ કરા દે..’ એટલે લિફ્ટ ઉપર લઈ ગઈ વેતનના માળખાને.

લાલુજી કહે છે કે “કેટલાક સાંસદોને પગારવધારો કદાચ નહીં જોઈતો હોય, કારણ કે તેમના સ્વીસ બેન્કમાં એકાઉન્ટ છે.” સ્વીસ બેન્કના એકાઉન્ટવાળા કોઈકે કહેવું જોઈતું હતું કે અમે તો સ્વીસ બેન્કમાંથી પૈસા ઉપાડીશું, કારણ કે અમારે બીજો કોઈ ‘ચારો’ નથી.

એક ચેનલવાળાએ લોકોનો અભિપ્રાય માગ્યો, કે સાંસદોને પગારવધારો મળવો જોઈએ કે નહીં?

કેટલાંક લોકોએ એમ પણ કહ્યું કે પગાર વધારવો ન જોઈએ પણ ઘટાડવો જોઈએ.

એક મત એવો છે કે પગારવધારો બરાબર છે. જેની સાથે આ કોલમલેખક સંમત છે. (અવળી ગંગાના લેખક ખરાં ને!) સિંદબાદ કહેતો હતો કે પચાસ ટકા ઉપરાંત સાંસદો કરોડપતિ છે. પગારવધારો શાનો?

સિંદબાદને પૂછયું, ‘‘તું રહે છે એ ફ્લેટની કિંમત કેટલી?’’ એ કહે ‘સિત્તેર લાખ ગણાય’. તારી બીજી થોડી બચત કે રોકાણો ગણીએ તો તું પણ કરોડપતિની હરોળમાં જ છે ને!

છગનનું ખાતું જે બેન્કમાં છે તેનો પટાવાળો જે ચેક ઉપર સિક્કા મારે છે તેનો પગાર વીસ હજાર ઉપર છે અને એ જ બેન્કનો ક્લાર્ક ચાલીસ હજાર પગાર મેળવે છે, એ દેશના સાંસદને પચાસ હજારનો પગાર શું વધારે કહેવાય?

સાંસદની નોકરી તો પાંચ વર્ષની જ ગણાય, જ્યારે બેન્ક ક્લાર્ક કે સચિવની નોકરી પાંત્રીસ ચાલીસ વર્ષની ગણાય.

કહે છે કે કાયદાના હાથ લાંબા છે, તો કાયદા ઘડનાર સાંસદોના પગાર શું કામ ટૂંકા હોવા જોઈએ? ટૂંકા પગારે તો કામ કરવા માટે અપરાધીઓ તૈયાર થશે જ, પણ તમારે ડો. વસંત પરીખ જેવા કે સરદાર પટેલ જેવા સાંસદો જોઈતા હોય તો તેની કિંમત પ્રજાએ ચૂકવવી જોઈએ. નહીંતર જે થોડા ઘણાં વિત્તવાળા સાંસદો હશે તે વિત્તના અભાવે આવતા સંકોચાશે.

સાંસદોને સારું વેતન સરવાળે દેશને સારી વ્યક્તિઓ મળવાનો રસ્તો સરળ બનાવશે.

જમીન પાછળ સારા ખાતર-પાણીનો ખરચો એ ખરચ નથી પણ રોકાણ છે. સમજો તો સારું.

વાઈડ બોલ

ક્રિકેટમાં ગેરવર્તન કરનારની મેચ-ફી કાપી લેવામાં આવે છે. તેમ સંસદમાં ગેરવર્તન કરનારનું ભથ્થુ-પગાર કાપી લેવાની જોગવાઈ કરવાથી ધોરણ કદાચ સુધરે.

લંક લગ ગઈ

ફાયદો થાય ત્યારે એક રૃઢિપ્રયોગ વપરાય છે. ‘લંક લગ ગઈ’ હવે રૃઢિપ્રયોગનો માયનો બદલવાનો સમય આવી ગયો છે.કોઈને ભારે નુકસાન કરવામાં આવે ત્યારે તેના માટે ‘લંક લગ ગઈ’ શબ્દ વાપરી શકાય તેમ છે હવે.

લંકાની ટીમ સાથે આપણને તાજેતરમાં અનુભવ થયો તે આ વાતની સાક્ષી પૂરે છે. બેંકવાળી વ્યક્તિ મરી જાય પછી ચેક ઉપર તેની સહી માન્ય કરતી નથી. તેમ ક્રિકેટના નિયમ પ્રમાણે બોલ-નોબોલ થઈ ગયો અને ત્યારે મેચ પતી જાય તો તે પછી બેટ્સમેનને રન મળતા જ નથી. આ નિયમના કારણે વીરુ સદીથી વંચિત રહી ગયો. પડોશીનો છોકરો નાપાસ થાય ત્યારે આનંદ લેતા લોકો જેવા આ લંકાવાળા છે. હું ભલે મરી જાઉં પણ પત્ની વિધવા તો થશે. પત્નીના નામ આગળ ગંગા સ્વરૃપ લખાય તે માટે કેટલાંક પતિદેવ આપઘાત કરી નાંખે છે, એવી મનોવૃત્તિ લંકાની ક્રિકેટ ટીમની હતી.

સામે કોઈ નાક કપાવેલો માણસ મળે તો તે અપશુકન ગણાય, સૂરજ રણદીવે એવું જ કર્યું. સેહવાગની સદી અટકાવવા તેણે નાક કાપી અપશુકન કરાવ્યા. લંકાની ટીમનું નાક કપાયું ગણાય. ભલે ભારતને અપશુકન થયા.

આ સૂરજને ગ્રહણ લાગી ગયું તેમ કહેવાય. સૂરજ રણદીવને સજા થઈ છે. દિલશાનને પણ અમુક રકમનો દંડ આ કરતૂત માટે થયો છે. કેટલાંક ચૂકાદામાં આરોપીને દંડ કરવામાં આવે છે, અને તે રકમમાંથી ‘વીક્ટમમ્ને અમુક રકમ અપાય છે. ક્રિકેટ કાઉન્સિલે નિયમમાં સુધારો કરી આવા કિસ્સામાં ભોગ બનનાર ક્રિકેટરના ખાતામાં અમુક રન જમા કરવાનું નક્કી કરવું જોઈએ. તો આ કિસ્સામાં સહેવાગના ખાતામાં છ રન ઉમેરી શકાય. સોચને વાલી બાત હૈ.ઓસ્ટ્રેલિયન-પાકિસ્તાનના ખેલાડી વત્તા તેમના અમ્પાયર્સ ખેલદિલી નેવે મૂકવા માટે જાણીતા છે. લંકા તેની હરીફાઈમાં છે.

***

આપણા ખેલાડીઓ વિવેક ચૂકે છે, તેમ સમાજમાં કેટલાંક માણસો રણદીવની જેમ ગમે ત્યારે ‘નો-બોલ’ ફેંકે છે કારણ વગર. બપોરના બે વાગ્યા હશે. છગનનો ફોન આવ્યો. ભર ઊંઘમાં હતો. આંખો ચોળતાં ચોળતાં ફોનનું રિસિવર ઉઠાવ્યું... ‘બોલ છગન’, મેં અકળામણમાં પૂછયું, ‘કેમ ફોન કર્યો?’

‘બોસ ખાસ કંઈ નહીં પણ તમે મજામાં છો કે નહીં તે પૂછવા ફોન કર્યો...’

‘અલ્યા પણ અઢી વાગ્યે...’

‘હા. અઢી વાગ્યે તમે મજામાં હો છે કે નહીં તે જાણવું હતું.’

‘અકળામણમાં છું’

ફોન તો કટ થઈ ગયો. પણ કટ થયેલી ઊંઘ પાછી ન મળી.

પૌરાણિક કાળના એક ઋષિએ વરદાન મેળવ્યું હતું કે મને કોઈ ઊંઘમાંથી જગાડે તો તે બળીને ભસ્મ થઈ જાય.

ભગવાન શ્રીકૃષ્ણે એક રાક્ષસને ‘એન્કાઉન્ટર’ કરવા માટે ઋષિના આ વરદાનનો લાભ લીધો હતો, ભરબપોરે ઘેર આવતા ફોન પછી આ વરદાનની યર્થાથતા મને સમજાય છે. આવી જ કોઈ તકલીફના કારણે ઋષિએ વરદાન મેળવ્યું હશે.

અમુક સોસાયટીવાળા સોસાયટીની બહાર બોર્ડ મૂકે છે કે ફેરિયાઓએ બપોરે એકથી ચાર ન આવવું. ઘરની બહાર બોર્ડ મૂકી શકાય કે આંગડિયા / કુરિયરે પણ એકથી ચાર ન આવવું. ઓફિસોમાં ભલે તમે બપોરે જાવ, પણ ભરબપોરે ઘેર ટપાલ આપવા જાવ, જહાંગીરના ઘંટની જેમ ‘બેલ વાગે, ત્યારે કુરિયરને...’ મન થાય છે.

Saturday, August 21, 2010

ઝરદારીને જૂતાં

ભવિષ્યના ઇતિહાસકારો, આ શબ્દપ્રયોગ કેવો લાગ્યો? ભૂતકાળની વાતો લખનાર તે ઇતિહાસકારો, તેના ભવિષ્યની વાત થાય છે.

ગઈ તિથિ જોષી પણ વાંચતો નથી, પણ ગઈ તિથિ ઇતિહાસકારો વાંચે છે. ભવિષ્યના ઇતિહાસકારો આજના યુગને કદાચ ‘જૂતાંયુગ’ તરીકે આલાપશે.

નેતાઓને જૂતાં પડતાં રહે છે. થોડાક સમય પહેલાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બુશ ઉપર જૂતાં ફેંકવામાં આવ્યાં હતાં. ટીવી પ્રસારણમાં બુશ ઉપર ફેંકાયેલાં જોડાંને વારંવાર દર્શાવવામાં આવ્યું હતું. જે રીતે સેહવાગ સુંદર સિક્સર મારે ત્યારે વારંવાર ટીવી પરદે તે ‘રિપીટ’ થયા કરે છે તેમ બુશ ઉપર જૂતાંપ્રહારને બતાવ્યા કરે. એ પ્રસારણ યાદ છે. બુશે ખૂબ જ સીફતપૂર્વક તે પ્રહારને ચુકાવ્યો હતો. છગન કહેતો હતો કે “ઘરની પ્રેક્ટિસ આવે વખતે કામ આવે છે!”

ત્યારે લાગેલું કે ભવિષ્યમાં ધોની જેવો કોઈ ક્રિકેટર નેતા થાય ત્યારે આવાં ફેંકાયેલાં જૂતાંને કેચ કરી તુરંત જ જૂતાં ફેંકનાર ઉપર જ વળતો ઘા કરે.

બુશ ઉપર જૂતા ફેંકનારના આ એક જ જોડાની કિંમત કરોડો રૂપિયાની થઈ હતી. આરબ કટ્ટરવાદીઓ આ જૂતા ફેંકનારની હિંમત (કાચી નિશાનબાજી છતાં) ઉપર ફીદા થઈ ગયા હતા. એને અનેક ઈનામો આપ્યાં હતાં. જૂતાં સારા પૈસા અપાવી શકે છે. એ ભારતીય સાળીઓને ખબર છે. એ જૂતાં ફેંકતી નથી પણ તે ભાવિ જીજાના વર્તમાન પગરખાંને ગુમ કરી ‘રેનસમ’ વસૂલ કરે છે. આને તમે ભારતીય લગ્ન પ્રથાની ખંડણી વસૂલ કરવાનો રિવાજ કહી શકો.

જૂતાં ફેંકનારને મળતી પ્રસિદ્ધિ, અથવા ભારત પણ જે અમેરિકા સાથે થઈ શકે છે, તે કરી શકે છે તેવી એક લાગણીથી ત્યાર પછી ભારતીય પ્રધાન ઉપર પણ જૂતાં ફેંકવામાં આવ્યાં હતાં. જૂતું જેની ઉપર તંકાયું હતું તે શુભ મસ્તક હતું ચિદમ્બરમ્જીનું. એક શીખ પત્રકારે જોડો ચિદમ્બરમ્ તરફ ફેંક્યો હતો. જોકે પત્રકારો આ કામ કરતા જ હોય છે પણ કલમથી. એ જોડાનું ખરું નિશાન ચિદમ્બરમ્ નહીં પણ શીખ વિરોધી હુલ્લડોના કર્તા કેટલાંક નેતાઓ હતા.

કેટલાંક વર્ષો પહેલાં ઇન્દિરાજી કોંગ્રેસ પ્રમુખ હતાં. ત્યારે ખાડિયામાં તેમની ઉપર ચંપલ ફેંકાયું હતું. જોકે ત્યારબાદ ઇન્દિરાજીએ ઘણા નેતાઓને ચંપલો ફટકાર્યાં હતાં!

પાકિસ્તાન એક એવો દેશ છે, જ્યાં નકલ વધારે થાય છે. ભારતમાં એક વખત ખૂબ લોકપ્રિય થયેલું ગીત, ‘સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ’ એ ગીતની નકલ પણ પાકિસ્તાનમાં થઈ હતી. ‘કાયદે-આઝમ તૂને કર દીયા કમાલ’ તેવું ઝીણાનું પ્રશસ્તિ ગીત લખાયું હતું. તે વખતની આપણી ઘણી ફિલ્મની બેઠી નકલ એ લોકો કરતા હતા. આપણે ત્યાં ‘દિલ એક મંદિર હૈ’ ફિલ્મ બહુ ચાલી હતી. ત્યારે આ કોલમના લેખકના પિતાજીએ કોમેન્ટ કરેલી કે એ લોકો હવે ‘મન એક મસ્જિદ હૈ’ એવી ફિલ્મ બનાવશે. હવે જૂતાંની વાત કરીએ તો પાકિસ્તાની નેતા જૂતાંની બાબતે પાછળ ન રહી જાય એવા કોઈક આશયથી જનાબ ઝરદારી ઉપર લંડનમાં જૂતું ફેંકાયું. ‘હન્ડ્રેડ પરસન્ટ’ ફેંકાયું. ભલે જરદારી મિસ્ટર ‘ટેન પરસન્ટ’ કહેવાતા હોય પણ તેમની ઉપર જૂતાનો પ્રહાર સો ટકા થયો. ઝરદારીજી સરકારી ટેન્ડરમાં તેમના દસ ટકા રાખતા હતા. તે માન્યતાને કારણે તેમનું નામ ‘ટેન પરસન્ટ’ તરીકે પૂરા પાકિસ્તાનમાં મશહૂર હતું. આપણે કોમનવેલ્થ ગેમ્સવાળાને શું નામ આપીશું? એ ટેન પરસન્ટવાળા જૂતાપ્રહારથી સો ટકા બચી ગયા.

હજી ઝરદારી ઉપર ફેંકાયેલાં જૂતાંના સમાચારની શાહી સુકાઈ ન હતી ત્યાં કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા ઉપર જૂતું ફેંકાયું. મને લાગે છે વિભાજનવાદી સંગઠનો આ જૂતા માટે માતબર રકમનાં ઈનામો જૂતાંફેંકી માટે જાહેર કરશે. ઓમર અબ્દુલ્લા આઝાદી દિને યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજને સલામી આપી રહ્યા હતા ત્યાં આ બનાવ બન્યો. ભારતીય આઝાદી દિનનો કાર્યક્રમ હતો એટલે અલગતાવાદીઓને લાગ્યું હશે કે બેગાની શાદીમાં આ અબદુલ્લા પણ દીવાના છે. દીવાનાને તો જૂતાં મારવાની મજનૂના સમયથી પ્રથા છે. એટલે અબદુલ્લા ઉપર જૂતાંપ્રહાર થયો. ટીવીવાળાએ પણ એ જૂતાંફેંકને પણ ક્રિકેટની જેમ જ અલગ અલગ રીતે દૃશ્યાંકનમાં બતાવ્યું.

લાગે છે કે ઓલિમ્પિકમાં ‘ડિસ્ક થ્રો’ની જેમ ‘જૂતાંફેંક’ની હરીફાઈ પણ દાખલ થવી જોઈએ.

વાઈડ બોલ

સ્ત્રી કર્મચારી સાથે અભદ્ર વર્તણૂકના આરોપસર ‘આઇડિયા’ના મુખ્ય અધિકારીએ રાજીનામું આપવું પડયું.

‘ક્યા આઇડિયા હૈ સરજી!’

Thursday, August 19, 2010

ભિખારીઓનું ‘ચલો દિલ્હી’

કોમનવેલ્થ ગેઈમે દરબારી સાહેબની બાજી ફીટાઉંસ કરી નાંખી. એને તમે ‘એન્કાઉન્ટર’ પણ કહી શકો. સરકારી અધિકારીઓને એ લોકો માણસ નહીં ગણતા હોય એટલે આ પ્રકારનાં ‘એન્કાઉન્ટર’ માં માનવઅધિકાર સંસ્થાઓ પડતી નથી.

હવે ‘કોમનવેલ્થ રમત’માં એક નવો સવાલ ઉમેરાયો છે.

એ છે ભિખારીઓનો. જેમ કુંભમેળાનું આયોજન થતા અનેક બાવાઓ વસ્ત્રવિહીન અને વસ્ત્રવાળા હરદ્વારમાં ઉમટી પડે છે તેમ કોમનવેલ્થ ગેઇમ જેવા પ્રસંગે ભિખારીઓ ઉમટી પડે છે. સુપ્રીમે ચીમકી આપી કે આ ભિખારીઓનું કંઈક કરજો એટલે દિલ્હી સરકારે ભિખારીઓને પકડવાનું શરૃ કર્યું છે. દેશનાં વિવિધ રાજ્યોના ભિખારીઓએ જાણે નારો લગાવ્યો છે ‘ચલો દિલ્હી’. અને દિલ્હી સરકાર ‘ક્વીટ દિલ્હી’ના સૂત્ર સાથે સામે પડી છે.

અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન કાયમ ગાયો પકડે છે(!) રખડતાં કૂતરાં પણ પકડે છે.કદાચ કૂતરાં હમણાં નહીં પકડતા હોય, કારણ કે થોડા સમય પહેલાં પ્રાણીઓ સામે ક્રૂરતા વિરોધ કરનાર એક સંસ્થા કૂતરાં પકડવાના સાણસા લઈને ભાગી ગઈ છે. હવે કૂતરાં કે સાણસા લઈ ભાગી જનાર કોઈ આરોપી સાણસામાં આવતા નથી. કહેવાનું એટલે કે કોર્પોરેશન ગાય-કૂતરા પકડવાની યોજનાઓ બનાવે છે, પણ રસ્તા ઉપર રખડતી ગાયોની સંખ્યા વધતી જ જાય છે. ચેનલવાળાની ભાષામાં કહું તો... આ ગાયો રસ્તા ઉપર જે પોદળા મૂકી. નિર્મળ ગુજરાતની ધજિયા ઉડાડી રહી છે. એ જ રીતે ભિખારીઓને નિયંત્રિત કરવાની કાનૂની જોગવાઈ છે, પણ તેની ગતિ પણ ગાય-કૂતરાંના ત્રાસ નિવારણ કાનૂન જેવી જ છે. દેશનાં અનેક રાજ્યોના ભિખારીઓ દિલ્હી તરફ જઈ રહ્યા છે, કારણ કે ભારતીય રેલવે આપણી રેલવે એ આપણી રેલવે છે. આપણી રેલવેમાં આપણે ટિકિટ લેવાની હોય? રસ્તા ઉપર રખડતી ગાય જેમ દરેક રસ્તા ઉપર મળી આવે તેમ દરેક ટ્રેઈનમાં ભિખારીઓ મળે જ મળે.

અપ-ડાઉન કરતા મિત્રો આ જાણે છે. એક ભિખારીએ મિત્રને કહ્યું, ‘કેમ છે સાહેબ?’ ત્યારે સાથે ઊભેલા બીજા મિત્રને નવાઈ લાગી. ‘આ ભિખારીને તું ઓળખે છે’, ત્યારે ભિખારીએ ચોખવટ કરેલી. ‘આ સાહેબ સાથે હું પણ દિલ્હી-મેઈલમાં અપડાઉન કરતો હતો - એસ-ટુ, એસ-થ્રી ડબ્બામાં’.

ભિખારીઓ ભલે ભારતની શાન ન હોય, પણ ભારતની સંસ્કૃતિનો ભાગ તો છે જ, દિલ્હી મેઈલમાં ભિખારી ગાતો હતો ‘કરતા હું મૈં જો, તૂમ ભી કરો જી’ છગન પૂછે છે. આ ભિખારી આપણને કહે છે હું જે કરું છું તે તમે પણ કરો, એટલે કે તમે પણ ભીખ માગો!ળખેર એ તો ભીખ માગતા માગતા કંઈક ‘રિટર્ન’ આપવાની ભાવનાથી સંગીત પીરસે છે. એસ્બેટોસની પટ્ટીઓથી રીધમ આપતા આપતા આ ભિખારીઓ આમ તો લલિતકલાના પ્રચારક ગણાય.

દિલ્હી સરકારની ભિખારી વિરુદ્ધ ઝૂંબેશથી નારાજ એક ભિખારી કહેતો હતો, ‘કમ સે કમ નેતાઓએ તો ભિખારીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ, આખરે એક જ પેશાના માણસ ગણાય, અમે કરીએ છીએ તે એ લોકો ચૂંટણી વખતે કરતાં જ હોય છે. એ લોકો પણ ત્યારે ‘દે-દે - બાબા--દે...દે’ કરતા જ હોય છે. આ તબક્કે યાદ આવે છે કે આપણી ફિલ્મોએ પણ અમર ભીખગીતો આપ્યાં છે. ‘ઓ જાનેવાલે બાબુ એક પૈસા દે દે’ ‘તૂં એક પૈસા દેગા, વો દસ લાખ દેગા,’ આવાં ઘણાં ગીતો છે. ભલેને ભિખારીઓ પરદેશથી આ રમતમેળામાં આવતા લોકો સામે ગાય... ‘આ આનેવાલે.. બાબુ...’

ગૂગલી
શક્ય છે કોમનવેલ્થ ગેમ્સમાં માગી ભીખીને એકાદ મેડલ ભિખારીઓ પણ લઈ આવે.

Saturday, August 14, 2010

લૂંટ સકો તો લૂંટ લો


સરકારી ઓફિસમાં ગેઝેટેડ ઓફિસર્સની ટી-ક્લબ મિટિંગ ચાલી રહી હતી. મિસ્ટર દેસાઈએ વાત છેડી, અલબત્ત, એ વખતે મિસ્ટર કાદરી ગેરહાજર હતા. ‘‘કાદરી આપણા ડિપાર્ટમેન્ટનું કલંક છે.’’

‘‘અરે કાદરી તો એકદમ સીધાસાદા છે. પ્રામાણિક છે. લોકો એને મિસ્ટર ક્લીન કહે છે.’’

‘‘હા, પણ પૈસા ખાતો નથી, આપણા ડિપાર્ટમેન્ટમાં તે તદ્દન અલગ પડી જાય છે એટલે આપણા સૌ માટે કલંકરૂપ છે.’’ દેસાઈએ સ્પષ્ટતા કરી. સૌ સ્મિત કરી સંમત થયા.

આ વાત અમને એટલે યાદ આવી, આજના ગરમાગરમ કોમનવેલ્થ ગેમ્સના સમાચારોને કારણે કાદરી યાદ આવી જાય છે. આજની પીચ કાદરી જેવા માટે અનુકૂળ નથી. આ પીચ ઉપર કલમાડી જ ચાલે.

બોલો બચ્ચો તૂમ ક્યાં બનોંગે? કાદરી કે કલમાડી? કોમનવેલ્થ રમતો-

ેઉત્સવના આયોજનમાં આપણે ત્યાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે. કુંભમેળાના આ દેશમાં થયેલી આ કટકીકથા માટે એક પત્રકારે ‘ગોટાળાનો મહાકુંભ’ શબ્દ વાપર્યો છે.

ઝાંસીની રાણીએ ઉગ્રતાથી કહ્યું હતું, ‘મૈં મેરી ઝાંસી નહીં દૂંગી’ આ મર્દાની રાણી જેવી જ ઉગ્રતા બતાવતા કલમાડીએ કહ્યું, ‘‘મૈં ઈસ્તીફા નહીં દૂંગા’’

જૂનાં છાપાં ઊથલાવશો તો સમાચાર જડી આવશે કે કોન્સ્ટેબલ જોરાવરસિંહને એન્ટિકરપ્શનવાળાએ પચાસ રૂપિયાની લાંચ લેવા માટે રંગે હાથ ઝડપી લીધો હતો. સસ્પેન્ડ છે બિચારો, ત્યારે કોમનવેલ્થ-રમતવાળાએ અબજોનું કરી બતાવ્યું. કવિ બ.ક.ઠા.નો આત્મા રાજી રાજી થયો હશે. કવિએ લખ્યું હતું, ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’

કેટલો સરસ સંદેશ છે. જે કલમાડીના મિત્રો સમજી શક્યા. ‘નહીં માફ નીચું નિશાન...’ કરવું તો કરોડોનું, પેલા જોરાવરસિંહ જેવું નહીં. કોમનવેલ્થ ગેમ્સમાં જે રીતે પૈસા ખવાયા છે એ માટે એક ટીકાકારે કહ્યું છે, ‘લૂંટ વેલ્થ ગેમ્સ’, વેલ્થ મતલબ સંપત્તિ. સંપત્તિ લૂંટો, પૈસા લૂંટો આ લૂંટવાની ગેમ્સ છે. એક પત્રકારે કહ્યું ટાઈટલ સૂચક છે ‘કોમનવેલ્થ’ આ લોકો સમજ્યા આ કોમન-વેલ્થ છે. સહિયારી સંપત્તિ એટલે કે આપણા સૌની ફિર શરમાના કાહે કા.

રમત અને પૈસાને સંબંધ છે જ. ઘણાં લોકો કહે છે.

‘સુરેશભાઈ માટે પૈસા પેદા કરવા તે ડાબા હાથનો ખેલ છે.’

(નામ સાચું ન ગણવું) હા, સુરેશ રૈના માટે ડાબા હાથના ખેલથી પૈસા રળતો માણસ ગણાય.

ઘણા રમતાં રમતાં પૈસા પેદા કરી લે, પૈસા કમાવા રમત વાત છે, જો તમને રમત આવડતી હોય તો. રમતમાંથી પણ પૈસા રળી શકાય છે. કોમનવેલ્થ ગેમ્સના મહારથીઓએ સાબિત કર્યું છે કે તેઓ આ બાબતે રમતવીર છે.

એક બાળગીત છે. ‘રમતા રમતા મને રૂપિયો જડયો’. એવું લાગે છે કે આ ગીતની પંક્તિમાં વ્યાકરણ દોષ છે. રૂપિયો નહીં પણ રૂપિયા શબ્દ જોઈએ. ‘રમતા રમતા મને રૂપિયા જડયા’.

કોમનવેલ્થ ગેમ્સની રમત રમતા રમતા કેટલાંકને કરોડો રૂપિયા જડી ગયા.

એક છાપામાં આક્રોશ સાથે લખાયું હતુ, કોમનવેલ્થ ગેમ્સમાં પ્રજાના પસીનાના કરોડો રૂપિયા લૂંટાઈ ગયા છે. પ્રજાના પસીનાના પૈસા ખરા, પણ લૂંટનારા કેવા! લૂંટવા માટે એ લોકોએ પસીનો વહાવ્યો નથી, કારણ કે લૂંટવાવાળા એસી ઓફિસમાં બેઠા છે. ભલે એમણે પરસેવો પાડયો નથી પણ તેમણે બુદ્ધિ તો વાપરી છે ને! એમણે બુદ્ધિપૂર્વકના આયોજનથી તમારા પરસેવાના પૈસા મેળવી લીધા. આ વાત સાબિત કરે છે કે પરસેવા કરતાં બુદ્ધિ ચઢિયાતી છે. રમતગમતનાં સાધનો ખરીદવામાં અનેકગણા પૈસા ચૂકવવામાં આવ્યા છે. એક આઈટેમનું નામ છે ‘ટ્રેડમીલ’ આની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે. પણ જરા વિચારો આઈટેમનું નામ જ ‘ટ્રેડમીલ’ છે. એટલે કે તેમાં ‘ટ્રેડીંગ’ કરી શકાય. તેનો વ્યાપાર કરી. આયોજકમાંથી કોઈકે કંઈક મેળવ્યું.

એક ચેનલ ઉપર રજત શર્માએ વાતનો ઉલ્લેખ કરતા મર્મથી કહ્યું હતું, ‘‘લાગે છે કે આપણને બીજા સુવર્ણચંદ્રક મળે કે ન મળે પણ ભ્રષ્ટાચારનો સુવર્ણચંદ્રક તો જરૂર મળે.” સુવર્ણચંદ્રક મુબારક...


પ્રેમ અને વરસાદ બન્ને સરખા છે. વરસાદમાં તમારું શરીર પલળે છે. પ્રેમમાં આંખો.

Wednesday, August 11, 2010

યુવરાજઃ પાણીના ભાવમાં

જાણે કે પૌરાણિક કાળના બનાવનું પુનરાવર્તન થયું.

લંકામાં યુવરાજને પૂંછડે આગ લાગી.

છાપાંઓમાં તમે વાંચ્યું જ હશે. લંકામાં પ્રેક્ષકોએ યુવરાજસિંહનો હુરિયો બોલાવ્યો.

ફિલ્મી દુનિયાનો એક કિસ્સો યાદ આવી ગયો. મહંમદ રફી પરદેશ જવાના હોવાથી, બર્મન દાએ આરાધના ફિલ્મનું ગીત ‘રૂપ તેરા મસ્તાના’ કિશોરકુમાર પાસે ગવડાવ્યું. અને કિશોર છવાઈ ગયો. કિશોરકુમારને ‘ઈન્ડસ્ટ્રી’માં રિ-એન્ટ્રી મળી ગઈ. પછીની વાત તો આખા હિન્દુસ્તાન જાનતા હૈ. યુવરાજસિંહને ઈજા થઈ. ‘અનફીટ’ હતો એટલે સિલેક્ટરોએ સુરેશ રૈનાને તેના સ્થાને લઈ લીધો. સુરેશે આવતાવેંત સદી ફટકારી દીધી. છવાઈ ગયો. પછીની મેચમાં પછી તો સુરેશને જ લે ને! કહે છે કે યુવરાજની જગ્યાએ ‘બદલી વર્કર’ તરીકે આવેલા રૈનાએ સદી ફટકારી ત્યારે ડ્રેસિંગ રૂમમાં બેઠેલો યુવરાજ ‘અનફેસ’ થઈ ગયો હોય તેવી લાગણી અનુભવતો હતો. એને અગમનાં એંધાણ આવી ગયાં હતાં. પછીની જ મેચમાં યુવરાજ, યુવરાજ મટીને ફટાયા કુંવર થઈ ગયો. સુરેશ રૈનાને ફરી લેતા યુવારજસિંહ બારમા ખેલાડી તરીકે મૂકાયો, બસ આ બારમો ખેલાડી થયો તેમાં બબાલ થઈ ગઈ. એ મેદાન ઉપર પાણી લઈને ગયો કે કેટલાંકે બૂમો પાડી ‘વોટર-બોય... વોટર બોય...’ પાણીવાલે... પાણીવાલે... આવાં વાક્બાણથી યુવરાજ વીંધાયો.

ક્રિકેટની રમતમાં મેદાન ઉપર પાણી આપી જવાનું કામ બારમો ખેલાડી જ કરે છે. ચાલુ રમતે કોઈ ખેલાડીને પાણી પીવું હોય કે નેપ્કિન જોઈતો હોય તો બારમો ખેલાડી બોટલ લઈને દોડે છે. આપણું અતિ ધનાઢય ક્રિકેટ બોર્ડ ધારે તો આખો નાયગ્રા ધોધ ખરીદી શકે પણ તે લોકો પાણી પાવા માટે ઓફિસોની જેમ ‘વોટરબોય’ નીમી શકતા નથી. બારમા ખેલાડીએ જ તે કામ કરવાનું હોય છે. છ છક્કા મારી છવાઈ જનાર યુવરાજ પાણીની બોટલ લઈ પાણી આપવા જાય તે કેવું લાગે? વિચાર કરો યુવરાજની માતાના દિલનો. ટીવી સ્ક્રીન ઉપર તે યુવરાજને પાણી આપવા જતો જોતી હશે ત્યારે તેના દિલ ઉપર કેવું વીતતું હશે? એને થતું હશે કે ‘આ છોકરો ઘેર કોઈ દિવસ જાતે પોતાના માટે પણ પાણી લેવા ઊભો થતો નથી, એને બીજા માટે પાણી લઈને દોડવાનું?’ એણે કદાચ કહ્યું હશે, ‘બેટા છોડ આ ક્રિકેટ, એકાદ પાણીદાર છોકરી ગોતીને ઘર માંડી દે.’

કદાચ એવું પણ બન્યું હશે કે રૈનાએ સદી કર્યા પછી પાણી પીવા માટે ઈશારો કર્યો હશે અને યુવરાજને પાણી લઈ રૈનાને આપવા જવું પડયું હશે, આને કહેવાય ઘા ઉપર મીઠું. અધૂરામાં પૂરું પ્રેક્ષકોએ એમણે ખરચેલા પૈસામાંથી વધુ તૃષ્ટિગુણ મેળવવા યુવરાજને પાણી લઈ જતા જોઈ બૂમો પાડી ‘વોટર બોય... વોટર બોય...’ એય પાણીવાળા છોકરા કે એવું કંઈક. પાણીના નામે ઘણાં યુદ્ધો ખેલાયાં છે. યુવરાજ તે પ્રેક્ષકોની સામે થઈ ગયો. એક પંજાબી યુવાન કઈ રીતે સામે થયો હશે તે કલ્પી શકાય છે... મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. કેટલાંક વર્ષો પહેલાં ઈન્ઝમામ હકને પ્રેક્ષકોએ ‘આલુ-આલુ’ (એ બટાકા) કહીને ઉશ્કેર્યો હતો, ત્યારે ઈન્ઝમામ બેટ લઈને પ્રેક્ષકોને મારવા દોડયો હતો. (ટીવી ગવાહ હૈ)

પાણીના મામલે થયેલી આ બબાલમાં, જાણવા પ્રમાણે પોલીસે પકડાયેલા યુવાનોને ચેતવણી આપી જવા દીધા છે. આને પાણીમાં બેસી ગયા તેમ કહી શકાય.

બારમા ખેલાડી તરીકે પાણી લઈને ગયેલા યુવરાજને એ ખ્યાલ નહીં હોય કે આ કિસ્સાને કારણે ‘જમ પેધો પડી જશે. આવતી કાલે યુવરાજ દીપિકા કે કોઈ પાદુકા સાથે લગ્ન કરશે. આ કિસ્સાને તે જાણતી હશે એટલે એ પણ યુવરાજ પાસે પાણી માગશે.’

‘ભાઈ યુવરાજ, બાજી ફીટાઉંસ કરી પરત આવી જાવ...’

ગૂગલી

સફળતાનો રસ્તો કાયમ ‘અન્ડર કન્સ્ટ્રક્શન’ જ હોય છે.

Saturday, August 7, 2010

આખીર કબ તક?

સુરીંદર લાલ-પીળો થઈ ગયો હતો. પગ પછાડતો હતો, હાથ ઊંચા કરી બૂમો પાડતો હતો. સુરીંદર ઝાલ્યો રહેતો નહોતો. “બસ હવે ચૂપ નહીં રહું” એમ કહ્યા કરતો હતો. જોકે, સુરીંદરને ક્યારે પણ ચૂપ કોઈએ જોયો નથી. પણ આજે તેનામાં ઉન્માદ વર્તાતો હતો. આક્રોશ હતો, ‘‘બોસ અત્યાર સુધી હું ચૂપ હતો પણ હવે ચૂપ નહીં રહું.’’

‘‘બરાબર છે, ચૂપ નહીં રહેવું જોઈએ. તને જરૃર લાગી હોય તો બોલી જ નાંખ, પણ તું ચૂપ ક્યારે હતો? તે વાત તો કર.’’

‘‘બોસ. દિલ્હીમાં ચારેક હજાર શીખ માર્યા ગયા, ત્યારે હું ચૂપ હતો, ત્યારે હું કશું જ બોલ્યો નહોતો. ગળી ખાધું હતું.’’

‘‘હા એ વાત તો ખરી.’’

‘‘બોસ. કાશ્મીરમાં પંડિતોને લૂંટી લીધા. કેટલાંય કુટુંબો બરબાદ થઈ ગયાં, પંડિતોની બહેન-દીકરીઓની લાજ લૂંટાઈ એ બધાં વરસોથી ઘર છોડીને નિરાશ્રિત હાલતમાં બેઠા છે.’’

‘‘હા’’

‘‘પણ ત્યારે હું કશું બોલ્યો હતો?’’

‘‘ના સુરીંદર ના. તું કશુંય બોલ્યો ન હતો.’’

‘‘બોસ મેં ચૂપકીદી જાળવી લીધી હતી.’’

“બોસ, કાશ્મીરી પંડિતોમાં કોઈ બે ચાર જણ નહોતા. હજારો લોકો હતા પણ હૃદય ઉપર પથ્થર મૂકી હું ચૂપ હતો.”

“બોસ ચૂપ રહેવાની કોઈ લિમિટ હોય કે નહીં?”

‘‘હોય જ ને’’

‘‘દિલ્હીની સ્ટેટ બેંકમાંથી પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલા સાઠ લાખ ઊપડી ગયા. આજના સાઠ કરોડ ગણાય, એ કેસ સાથે સંકળાયેલ તમામ સાક્ષીઓ કે આરોપીઓ પતી ગયા. ત્યારે મેં ચૂંકારો કર્યો નહોતો.’’

‘‘તારી ધીરજ, ધૈર્ય દાદને પાત્ર’’

‘‘બોસ ભોપાલ ગેસકાંડમાં તો ભોપાળું જ હતું ને તપાસમાં કશું ન થયું. અર્જુનસિંહ સારથિ બન્યા અને એન્ડરસનનો રથ હાંકી સલામત મૂકી આવ્યા. તેની પાછળ કેટલા બધા હશે.’’

‘‘હશે જ’’

‘‘પણ મેં ત્યારે કે અત્યારે એ વાત માટે કોઈ હોબાળો કર્યો નથી.’’

‘‘હા. એ વાત પણ જાણીતી છે.’’

‘‘બોસ, યાદ કરો બોફોર્સકાંડ કેટકેટલાં મોટાં માથાં તેમાં હતાં... કેટલી ગરબડો તેમાં હતી તેમ જાહેર થયેલું. “

‘‘પણ આ સુરીંદર ચૂપ રહ્યો...’’

‘‘ખબર છે.’’

‘‘બોસ લલિતનારાયણ મિશ્રા આપણા કેન્દ્રીય મંત્રી, જાહેર સમારંભમાં તેમના પગ પાસે જ બોમ્બ બ્લાસ્ટ થયો, અને પૂરી સારવાર પામ્યા વગર ગૂજરી ગયા.’’

‘‘દુઃખદ ઘટના એ હતી’’

‘‘કોઈ તપાસ એજન્ટોએ તેની પાછળનું પગેરું શોધ્યું નથી.’’

‘‘ખબર છે.’’

‘‘છતા એ બાબતે હું બિલકુલ ચૂપ હતો.’’

‘‘હા’’

‘‘પણ હવે હું ચૂપ નહીં રહું.’’

‘‘સુરીંદર, પાકિસ્તાનના લગભગ ત્રાણું હજાર સૈનિકો આપણે પકડેલા, શાંતિ કરાર થયા પછી એ પાછા સોંપ્યા...’’

‘‘સાચી વાત’’

‘‘પણ એ પાછા સોંપીએ તે પહેલાં દુશ્મનદળના સૈનિકોમાંથી કેટલાંક છટકી ગયા. કોની મદદથી એ જાહેર થયું જ નહીં. ત્યારે પણ તું ચૂપ જ હતો.’’

“હા બોસ, પણ હવે ચૂપ નહીં રહું... આ ગાંધીના ગુજરાતમાં એન્કાઉન્ટર થાય એ કેમ ચલાવાય?”

“મહારાષ્ટ્રમાં એથી વધારે એન્કાઉન્ટર થયાં છે.”

“ખબર છે બોસ પણ પેલી ધ્રુવની વાતમાં આવે છે ને માનીતી રાણીના પુત્ર હોવાના કેટલાક ફાયદા હોય કે નહીં! મહારાષ્ટ્ર માનીતી રાણીના પુત્ર સમાન છે.”

‘‘સુરીંદર એન્કાઉન્ટરમાં ઠાર થયેલો. સોહરાબુદ્દીન પાસેથી ભયંકર શસ્ત્રો મળ્યાં હતાં. એ કદાચ તારાં સગાંવહાલાંને વીંધી નાખત...’’

‘‘જે હોય તે - સોહરાબુદ્દીનની બધી મરણોત્તર ક્રિયા હવે મારે માથે છે... મેરા ભારત મહાન...’’

Tuesday, August 3, 2010

ચણતર વગરનું ભણતર

અત્યારે ચારે બાજુ ભાર વગરના ભણતરની વાત થાય છે. અલબત્ત, તેમાં ફીનું ભારણ ઘટાડવાની વાત નથી. એ બધા જ જાણે છે. પણ પ્રાથમિક શાળાનાં બાળકોના દફ્તરના ભાર ઘટાડવાની વાત છે.

ભાર ઘટાડવાની વાત આગળ વધી હોય તેમ લાગે છે. તંબૂ ચોકી બધાં જાણે છે. પણ મ્યુનિસિપલ શિક્ષણ વિભાગ તંબુ શાળા ઊભી કરી રહ્યું છે. કવિ ખબરદારે લખ્યું હતું કે શાળા એ કોઈ ઈંટ નથી, દીવાલો નથી. શાળા એ બાંકડા નથી કે પાટિયાં નથી. શાળા તો વિદ્યાર્થીઓ જ કેવળ વિદ્યાર્થીઓ જ કહેવાય. કવિતાનું શીર્ષક છે ‘શાળા અમે અમે હો’.

વાચકમિત્રો, તમારું શિર ગૌરવથી ઊંચું થઈ જશે. મેગા સિટી અમદાવાદમાં રીંગરોડ ઉપર ઈસનપુરમાં એક તંબુશાળા ઊભી થઈ છે. એ શાળામાં દીવાલો નથી, બાંકડા નથી પણ વિદ્યાર્થીઓ છે. આ મેગાસિટીમાં મેઘાની સવારી આવે ત્યારે તંબુશાળા અલૌકિક દૃશ્ય ખડું કરે છે. કોઈકે કહ્યું પણ ખરું જેમ વિદ્યાર્થીઓ માટે ભાર વગરનું ભણતર તેમ શિક્ષણ સંસ્થાઓ માટે ચણતર વગરની શાળાનો આ નવતર પ્રયોગ છે. તંબુશાળાના ક્લાસ રૂમમાં ચારે બાજુ પાણી હોય છે. જાણે કાંકરિયા વચ્ચે નગીનાવાડી. ઈસનપુર વિસ્તારના એક મિત્ર કહેતા હતા. ‘કોઈ છોકરા શાળામાં સાયકલ લઈને જાય છે. કોઈ સ્કૂટર લઈને જાય, તો કોઈક વીરલો બાઈક લઈને પણ જાય. આ તંબુ-શાળામાં ભરાયેલા પાણીના કારણે શાળામાં કે વર્ગમાં દાખલ થવા હોડી લઈને કેટલાંક વિદ્યાર્થીઓ જાય છે, કાગઝ કી કીશ્તી નહીં, સાચોસાચની હોડી લઈ ભણવાની તાલાવેલી છે તેવા વિદ્યાર્થીઓ હોડી લઈને શાળામાં જાય છે. એમને ગણિત-ભાષા, ભૂગોળ સાથોસાથ હોડી ચલાવવાની વિદ્યા પણ આવડી રહી છે. રાષ્ટ્રીય લેવલે કે આંતરરાષ્ટ્રીય લેવલે હોડી સ્પર્ધા યોજાતી હોય છે. જો જો ભવિષ્યમાં એ રમતમાં ઈસનપુર શાળાનો કોઈ વિદ્યાર્થી ચંદ્રક જીતી લાવશે.’

કેટલાંક તંબુ સ્કૂલ જોઈને બબડે છે. તંબુ સ્કૂલમાં શું તંબુરો ભણે? એક ગીતકારે વિદ્યાર્થીઓના સમૂહને સંબોધીને ગીત લખેલું કે ‘તૂમ મેં કોઈ હોગા ગાંધી...’ ઈસનપુરની પાણીની મધ્યે આવેલી શાળાના વિદ્યાર્થીઓને જોઈ એ ગીતકાર કહી શકે ‘તૂમ મેં ભી કોઈ હોગા મિહિર સેન’ તરણ સ્પર્ધામાં ચંદ્રકો જીતનાર મિહિર સેન જેવો તરવૈયો, પાણીથી ઘેરાયેલી શાળામાંથી મળી શકે એવી શક્યતા છે.

કૂતરા સામે થયેલું સસલું જોઈને બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું હશે. આપણી મ્યુનિસિપાલિટીએ પણ કંઈક જોયું હશે. એટલે પાણી મધ્યે શાળા શરૂ કરી છે. મુરારીબાપુ ઉત્કૃષ્ટ વિચાર લાવનાર માટે ઘણી વાર કહે છે કે એ કાંઈક ભાળી ગયો છે. સંચાલકો કે આયોજકો કાંઈક ભાળી ગયા હોય તો જ આવી શાળાનું સર્જન થઈ શકે. ઈસનપુર ગામની અંદરથી ભણવા આવતો એક છોકરો કહેતો હતો, ‘અમારે તો ઘર પણ પાણીમાં અને શાળા પણ પાણીમાં.’ છગન કહે છે આ શાળાની પ્રાર્થનામાં ‘પાની રે પાની તેરા રંગ કૈસા’ એ ગીત ઉમેરી શકાય. પાણીમાં રહેલી તંબુ સ્કૂલ જોઈને કેટલાંકને મૂંઝવણ થાય છે કે આમાં શિક્ષણ તરે કે શિક્ષણ ડૂબે?

ગૂગલી

પછાત જાતિઓના ઇતિહાસમાં દ્રવીડ તરીકે ઉલ્લેખ છે, હમણાં હમણાં રાહુલ ગાંધી યુપીમાં દલિતોની વચ્ચે ફરે છે એ જાણી સિંદબાદ કહે છે હવે એ ‘રાહુલ દ્રવિડ’ તરીકે ઓળખાશે.