Friday, April 9, 2010

એક આપઘાતિયો. એક ભાગીયો.

એક જમાનામાં રમખાણ સમયે છાપામાં પહેલે પાને સ્કોર પ્રગટ થતા આજે આટલી છૂરાબાજી થઈ કે ગોળીબાર થયા. આટલા મર્યા તેટલા ઘાયલ થયા.

હવે પરીક્ષાના સમયે આ વાતનું પુનરાવર્તન થાય તેવું બન્યું છે. આજે બારમાની પરીક્ષા હતી. ચાર વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. બે વિદ્યાર્થીઓએ સ્કૂલ યુનિફોર્મની ટાઈથી ફાંસો ખાઈ લીધો અને બે વિદ્યાર્થીઓએ રાજ્યની જીવાદોરી ગણાયેલ નર્મદા નહેરમાં પડી પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી. આ પ્રકારના વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોના સમાચાર છપાઈ ગયા કેટલાંક વિદ્યાર્થીઓને ભણતર લાંબંુ લાગે છે અને જીવન ટૂંકાવી દે છે. આ પરીક્ષાઓના કારણે કેટલાંક બારમાના વિદ્યાર્થીઓનાં બારમા થવા માંડયાં છે.

કેટલાંક ખૂન ચાકુથી થાય છે. કેટલાંક પિસ્તોલથી થાય છે. આજના કેટલાંક વિદ્યાર્થીઓનાં ખૂન ગણિત નામના હથિયારથી થાય છે. કેટલાંકનાં ખૂન વિજ્ઞાાન વિષય નામની પિસ્તોલથી થાય છે. કેટલાંકનાં ખૂન માટે અંગ્રેજી વિષયનું શસ્ત્ર પણ વપરાય છે. આ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો તેમ કહેવાય છે પણ ખરેખર તે કેળવણીપદ્ધતિ દ્વારા થયેલાં ખૂન ગણાય.

ભાવનગરના એક સજ્જન કહે છે આને 'આવતી ધાડે ઝેર' એમ કહેવાય. એક ગામમાં સમાચાર આવ્યા કે ધાડપાડુ આવી ગયા છે. આ સમાચાર સાંભળતા જ ગાંડાલાલ ગભરાઈ ગયા. ધાડપાડુ આવી જશે તો હવે શું થશે! એ લોકો શું કરશે? મને મારી નાંખશે? એની કલ્પનાથી જ ગાંડાલાલ ગભરાયા. કરે તો ભી ક્યા કરે? એવા વિચાર ગાંડાલાલને આવવા લાગ્યા. એમણે ગભરાઈને ઝેર પી લીધું! ગાંડાલાલ એમનું નામ અને વિશેષણ બંને થઈ ગયાં. એ ભયથી કે ધાડપાડુ આવી જાય તો કોઈ તકલીફ ન પડે. આપઘાત કરનારા વિદ્યાર્થીઓ પણ ગ્રામવાસી ગાંડાલાલ જેવું જ ગાંડપણ ધરાવે છે. ધાડપાડુ આવશે તો શું થશે એ ભયે એ લોકો આપઘાત કરી લે છે. આવતી ધાડે ઝેર ખાનારા એ લોકો પણ છે.

મહેશ અને રમેશ બંને એક શાળામાં ભણે. મહેશ વધુ ભણે, રમેશ ભણે પણ ખરો ન પણ ભણે. પણ બંને જણા પરીક્ષાથી ફફડે. પરીક્ષાથી ફફડે અને પિતાથી પણ ફફડે. રમેશ-મહેશના પિતાઓ શાળાની પરીક્ષાના પરિણામથી અકળાયા. આવા માર્ક? તેમને આશ્ચર્ય થાય. મોંઘીદાટ ફી અને ટયૂશન છતાં આ લોકોના ભણતરમાં કોઈ ભઠિયો નથી તેનો વલોપાત બંનેના પિતાજીઓ કરતા હતા! અલ્યા, નપાવટો જોઈ આવો ગામનાં છોકરાંઓ, કેવાં કેવાં પરિણામ લાવે છે! અને તમે પરીક્ષામાં ઉકાળો છો અને પૈસા ડુબાડો છો.

મહેશ-રમેશ સમસમી જતા એ લોકોને મનમાં આવતું પણ બોલી શકતા ન હતા કે 'જોઈ આવો ગામના પપ્પાઓ.'

મહેશ... રમેશ બંને જણા પિતૃત્રાસથી કંટાળી ગયા હતા. અને રાજ્યની જીવાદોરી નર્મદાની નહેરમાં પોતાની જીવાદોરી ટૂંકાવવા પહોંચી ગયા. કોઈક જ્યોતિષીએ પણ તેમને કહેલું કે તમારા હાથમાં વિદ્યાની રેખા નથી. યુગો પહેલાં વ્યાકરણી પાણિનિને જ્યોતિષીએ કહ્યું હતું કે તારા હાથમાં વિદ્યાની રેખા નથી, ત્યારે પાણિનિએ છરીથી આપઘાત કરવાને બદલે પેલા જ્યોતિષીને કહ્યું, 'જુઓ મારા હાથમાં હું વિદ્યારેખા બનાવી રહ્યો છું.' પાણિનિએ આપઘાત કર્યો હોત તો દેશને એક વિદ્વાન ન મળત. પણ તે 'ઈડીયટ' ન હતો.

મહેશ-રમેશને એક સલાહકાર સજ્જન મળી ગયા. એણે બંનેને સમજાવ્યું કે પપ્પાઓ તો ઈડીયટ જ હોય પણ તમારે ઈડીયટ બનવાની જરૃર નથી. હા, બેસણાની જાહેરખબર અખબારવાળા સસ્તામાં છાપે છે, પણ મિત્રો, જીવન સસ્તું નથી. સરકારે જમીન હરિયાળી બનાવવા આ નહેર અહીંયાં લાવી છે. તેનો ઉપયોગ તમારું જીવન ઉજાડવા કરશો? બંને કામચલાઉ ઈડિયટોની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. આજે બંને જણ ખાઈ પીને મજા કરે છે.

No comments: