Sunday, April 11, 2010

કોના બાપની હોળી?

આમ તો કોના બાપની દિવાળી? પ્રયોગ જાણીતો છે. પણ આ કોલમ તો અવળીગંગાનું છે એટલે કોના બાપની હોળી? ની વાત છે. કોના બાપની દિવાળીને લોકો ફિલ્મી સ્ટાઈલમાં KBD (કેબીડી) પણ કહે છે. કોના બાપની હોળીને તમે KBH કહી શકો. દિવાળી મતલબ કે જલસા. આ જલસા અન્યને પૈસે કરવાના હોય ત્યારે કોના બાપની દિવાળી લોકો કહે છે. રમૂજમાં કહેવામાં આવ્યું છે તેમ મહેમાન જમવા બેઠા ત્યારે લાપસીમાં મોટો ખાડો કર્યો. જેથી ઘી બરાબર લઈ શકાય. યજમાને વ્યંગમાં પૂછયું પણ ખરું કે ઘરે આવા જ ખાડા કરીને જ ખાવ છો? બહાર તો કોના બાપની...?

આમ પારકે પૈસે જલસા થતા હોય તેમ પારકે લાકડે ઘણા લોકો તાપણું કરતા હોય છે. હોળી તો પારકે લાકડે જ સળગાવાની હોય. વિશ્વવિખ્યાત નાઇન ઈલેવનયાદ કરો. ઓસામા બિન લાદેને હોળી સળગાવી હતી, જેની આગ હજી ઠરી નથી. ટ્વીન-ટાવર જે ઓસામા બિન લાદેનના આતંકવાદીઓએ ખલાસ કરી નાંખ્યું ત્યાં હવે ગ્રાઉન્ડ-ઝીરો છે. પણ તેના પ્રત્યાઘાતના આંકડા પાછળ ઘણા બધા ઝીરો લાગી ગયા છે. હોળીમાં તો નવાણિયા જ કુટાતા હોય છે. નવ/અગિયારની હોળીમાં ઘણાં ઝનૂની આગ લઈ કૂદી પડયા. એ હોળીમાં હજ્જારો શેકાઈ ગયા. એ ટ્વીન-ટાવરમાં સવારે નવ વાગ્યે ઘણાં આવ્યા હશે. એમને ખબર પણ ન હતી કે તે આજની રાતના અગિયાર જોઈ શકવાના નથી. આ આતંકની હોળીમાં હોલિકાને કાંઈ થતું નથી!

પણ હાલમાં તો સમય હોલિકાની ફેવરકરે છે. તમે ચા પીતાં પીતાં ખાંડના ભાવ યાદ કરી લ્યો. કસાબે જે કસબ કર્યો છે તેમાં એ આર્થરરોડ જેલમાં બેઠો બેઠો ચા પી શકે છે. ખાંડના ભાવની ચિંતા વગર. છગન કહે છે પવાર અને કસાબ બન્નેને ખાંડના ભાવની ચિંતા નથી. આનું નામ તે કોના બાપની હોળી?

અમદાવાદની પોળોમાં તો હોળી બીજે દિવસ સવાર સુધી સળગ્યા કરતી હોય છે. ઘણાં લોકો એ હોળી ઉપર પાણીના દેગડા મૂકી દે છે. નહાવાનું ગરમ પાણી એ રીતે મેળવી લે છે. પારકે લાકડે પોતાના નહાવાનું પાણી ગરમ થઈ શકે છે.

પાકિસ્તાની કાશ્મીરમાંથી ત્યાંના લોકોને મુક્ત રીતે આવા દેવાની વાત વહેતી થઈ છે. આમ તો ગુલામો આવાજ ઉઠાવતા નથી. પણ ગુલામ નબી આઝાદે આનો વિરોધ કર્યો છે. આ રીતે આવનાર લોકોના ભાથામાં એ.કે. ૪૭ હશે, હોળી સળગાવા જ આવવાના, પણ એમ થશે તો નિર્ણય લેનારાઓને હોળીની અસર થોડી થવાની છે? હોળી થાય તો પણ કોના બાપની હોળી?’ કહી એકાદ વિરોધયાદી કે ચેતવણી તારીખ બદલીને ઈસ્યૂ કરી દેશે. ટીવી ચેનલોની કૌટુંબિક સિરીયલોનું એક લીટીમાં અવલોકન કરી શકાય. કોના બાપની હોળી?’

શાળામાં કે કોલેજોમાં કેટલાંક વિદ્યાર્થીઓ ફક્ત હોળી સળગાવવા માટે જ જતા હોય છે. થોડુંક ભણાઈ જાય તો એ બાય-પ્રોડક્ટ છે. રાજકારણમાં પણ જે કાર્યકર્તા બસો બાળી શકે છે, પોસ્ટરો બાળી શકે છે, એ જ લાઈમલાઈટમાં - અગ્રસ્થાને આવે છે. કોઈ ઓફિસનું ફર્નિચર તૂટયું કે બળ્યું મારે કેટલા ટકા? આવી વૈરાગ્યભાવનાથી આ કાર્યકર્તાઓ કાર્યરત હોય છે. કોના બાપની દિવાળી કરતાં કોના બાપની હોળીની ભાવના સમાજમાં વધુ છે.

શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ હસમુખ અઢીયાએ હમણાં જ ગુજરાતી માધ્યમના પરિસંવાદમાં પ્રવચન આપ્યું. એ સાંભળી છગન કહે છે કે (અઢીયા કાઠિયાવાડી માધ્યમમાં ભણ્યા લાગે છે.)

No comments: