Wednesday, April 21, 2010

સમસમી જવામાં સાર છે 21 04 2010


સિંદબાદે કહેવા માંડયું કે, ‘તમે એટલા કડવા ન બનો કે લોકો તમને થૂંકી કાઢે, પણ એટલા બધા મીઠાં પણ ન બનો કે લોકો તમને ચાવી ખાય.

બોસ લાગે છે કે લોકો આપણને ચાવી ખાય છે.

કેમ શું થયું? સિંદબાદ!

બોસ, કરોડો ભારતીયોનાં હૃદયમાં આદરભર્યું સ્થાન ભોગવતા પૂજ્ય કૃષ્ણ અને રાધાજીને પેલા લોકો લીવ-ઈન-રિલેશનશીપવાળાં કહે છે.

તો

તો આપણે શું કરીએ?’

આપણે ત્યારે સમસમી જવાનું બસ!

એમ?’

હા, સમસમી જવું એ જેવી તેવી બાબત નથી, ડેન્માર્કના એક કાર્ટૂનિસ્ટે પયગંબર સાહેબનું કાર્ટૂન દોર્યું. તો આપણા એક નેતાએ તેને મારવા માટે એક કરોડ રૃપિયાનું ઈનામ જાહેર કર્યું. તેઓ સમસમી શક્યા ન હતા પણ બુદ્ધિજીવીઓએ સમસમીને આ વાતને અણદેખી કરી.

બોસ, થોડાં વર્ષો પહેલાં બેંગલોરમાં એક કિસ્સો બન્યો હતો. એક હોલિવૂડ નિર્માતા શૂટીંગ માટે ત્યાં આવ્યા હતા. તેમાં કુરાનનું પુસ્તક બતાવવાનું હતું, તેમણે તુરંત જ બજારમાંથી મંગાવ્યું. પછી ખ્યાલ આવ્યો કે પુસ્તક સાવ નવું છે. ફિલ્મમાં પુસ્તક જૂનું હોવું જોઈએ. એટલે ડાયરેક્ટરે તે પુસ્તકને જૂનું બનાવવા વિચાર્યું. જે રીતે બૂટપોલિસફિલ્મમમાં બેબી નાઝે પહેરેલું ફ્રોક ફાટેલું છે તે બતાવવા રાજ કપૂરે નવા ફ્રોકને કાતરથી કાપી નાંખ્યું હતું. આમાં દિગ્દર્શકે પુસ્તકને ચાની તપેલીમાં બોળ્યું. જેથી પાનાં પીળાં પડેલાં દેખાય. યુનિટમાં સ્પોટ બોય તરીકે યુસૂફ કે યુનૂસ નામે યુવાન હતો. તેણે બજારમાં જઈ હો-હા કરી કે પવિત્ર-કુરાનનું અપમાન થયું છે. અને એ દિવસે બેંગલોરમાં કેટલીક સરકારી બસો બાળી નાંખવામાં આવી. તોડફોડ પણ થઈ. સિંદબાદ કહે છે જો આ જ ગણિત પ્રમાણે ભગવાન કૃષ્ણ અને રાધાજીની ટિપ્પણીનો હિસાબ થાય તો?’

તો ભારતની એક પણ બસ બચે નહીં.

પેલા હોલિવૂડ ડાયરેક્ટરે કહ્યું હતું કે મેં કોઈ ગ્રંથ વિશે ખરાબ કહ્યું નથી. કુરાનના કોઈ આદેશ વિશે ક્ષોભજનક બાબત બોલી નથી તો શા માટે હંગામો! સિંદબાદ કહે છે કે રાધાકૃષ્ણ કરોડો લોકોનાં આરાધ્ય છે. લોકો અભિવાદન કરવા માટે રાધે-ક્રિશ્ન કે જયશ્રી કૃષ્ણ કહે છે. એ લોકોને આવી ટિપ્પણીથી કેટલું બધું દુઃખ થતું હશે? એમની લાગણીઓ ઘવાઈ હશે - પણ બુદ્ધિજીવીઓ ચૂપ છે. શા માટે આ વિશ્વ હિન્દુ પરિષદનો જ મામલો ગણાય? કપિલ સિબ્બલ કેમ ચૂપ રહે?

ગાઉન ફગાવી ગૌરવ દર્શાવતા જયરામ - કૃષ્ણ માટે ચૂપ કેમ છે? આ કોઈ પ્રજા કે કોમની વાત ન ગણાય. સમગ્ર દેશ અને સમાજને સ્પર્શતી વાત છે. સિંદબાદ કહે છે ઠીક છે નહીંતર આપણે સમસમી જઈ બેસી રહેવું. બુદ્ધિજીવી ગણાઈ જઈશું.

Saturday, April 17, 2010

લગ્નની હેટ્રીક 17/04/2010

આપણા વિદેશ પ્રધાન શશી થરૃરને કોણ નથી ઓળખતું? તેઓ રાજ્યકક્ષાના પ્રધાન છે પણ લાગે છે તેઓ રાજા કક્ષાના પ્રધાન છે.

પહેલાંના વખતની રાજાઓની વાર્તામાં આવે કે એક રાજા તેને સાત રાણી. આ રાજ્યકક્ષાના રાજા ત્રણ રાણીની સંખ્યાએ પહોંચી જશે.

શશીજી શબ્દોથી ધરતીકંપ કરી શકે છે તે આપણે જોયું છે. વિમાનના ઈકોનોમી ક્લાસને ઢોરના ડબ્બાની ઉપમા આપી હતી, એ સિવાય વચ્ચે પણ એક-બે વાર તેમણે વિવાદાસ્પદ વિધાનો કરેલાં. ત્યારે લાગેલું કે ચંદ્ર (શશી) પૂનમનો મટી અમાસનો થઈ જશે. પણ ગ્રહણ લાગે એ પહેલાં જ મોક્ષ થઈ ગયો હતો. હવે શશીસાહેબે શબ્દથી ઝંઝાવાત જગાવવાની જગ્યાએ, કાર્યથી એક્શનથી એ કામ કર્યું છે.

શશીજી ત્રીજી વાર લગ્ન કરવાના છે. ત્રીજી વારના સમાચાર આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ અગાઉ બે વખત મંડપમાં બેસી ચૂક્યા છે. હાલ તેઓ એક કેનેડીયન મહિલા સાથે લગ્નથી જોડાયેલા છે. આપણા આ વિદેશ પ્રધાને સાસરું પણ વિદેશમાં જ પસંદ કરેલું.

આપણી લોકકથામાં આવતું કે ઘોઘાના રાજકુંવરે લંકાની લાડી પસંદ કરેલી, એ પછી વાસ્તવિકતામાં બીજા એક કાઠિયાવાડી ક્રિકેટર કરસન ઘાવરીએ લંકાની લાડી પસંદ કરેલી. પણ તેઓ પ્રધાન થઈ શક્યા નહોતા. ફક્ત ભારતીય ટીમના પ્રધાનબોલર હતા. પણ કેનેડાની યુવતી સાથે બીજાં લગ્ન કરેલા શશી થરૃર વિદેશ પ્રધાન બની શક્યા. વિદેશ સાથેના અનુભવના એક ભાગ તરીકે આ જોઈને કદાચ વડાપ્રધાને તેમને વિદેશ પ્રધાન બનાવ્યા હશે. થરૃરને પ્રથમ પત્નીથી બે પુત્રો છે. પ્રથમ પત્ની વિદેશી ન હતાં, પણ તેના બે પુત્રો વિદેશમાં છે. આ બંને પુત્રોને બાપની શાદી માણવાનો મોકો મળી શકે છે. બહુ જ ઓછા માણસોને બાપનાં લગ્નમાં જવાની તક મળે છે. આવી વિરલ તક પૂરી પાડવા માટે તેઓએ પિતાશ્રીનો આભાર માનવો જોઈએ. થરૃરના વિદેશ રહેતા પુત્રોને બાપનાં લગ્નમાં આવવાની ઇચ્છા થશે તો રજા માટેના પત્રમાં લખશે આઈ વોન્ટ ટૂ એટેન્ડ માય ફાધર્સ મેરેજએનો બોસ ભારતીય હશે તો વિચારમાં પડી જશે કે ફાધર ફ્યૂનરલમાટે રજા માગનાર હોય છે. આ ફાધર્સ મેરેજમાટે રજા માગે છે.

પ્રાચીન કાળમાં રાજાઓ પ્રવાસે કે મૃગયા કરવા નીકળે ત્યારે એકાદ રાણીનો વેંત કરતા આવે. આગળ કહ્યું તેમ એક હતો રાજા તેને સાત રાણી, શશીજી વિચારતા હશે કે રાજા તરીકેના વૈભવમાં તેઓ અડધે રસ્તે પહોંચી ગયા છે.

અર્જુન પાતાળલોકમાં ગયો ત્યારે ત્યાં લગ્ન કરેલાં તે કથા મહાભારતમાં છે. ભીમે હિડિમ્બા સાથે પ્રવાસમાં જ લગ્ન કરેલાં. આમ બિનનિવાસી સ્ત્રીઓને પરણવાનો રિવાજ હતો જ. થરૃરની ત્રીજી પત્ની પણ પરદેશી છે. તે હાલમાં દુબઈ રહે છે. એટલે વિદેશપ્રધાનને એક વધુ વિદેશી સાસરું મળશે. જોકે હાલના સમયનાં લગ્નની વાત કરીએ તો ઈલીઝાબેથ ટેલર આગળ શશી ક્ષીણ ચંદ્ર લાગે. ઈલીઝાબેથ ઈકોતેરમા વર્ષે નવમી વાર લગ્ન કરવાની છે. તે સામે ચોપ્પન વર્ષના થરૃર ત્રીજી વાર ઘર માંડે છે. ઈલીઝાબેથ ટેલરને હરાવવા માટે શશીજીએ ઝડપ વધારવી પડશે.

એક રમૂજ વાંચેલી કે એક યુગલ દેવળમાં લગ્ન કરવા જાય છે. પાદરી રાબેતા મુજબ વિધિ પહેલાં લગ્નનું જીવનમાં મહત્ત્વ સમજાવતો પાઠ વાંચે છે. ત્યારે લગ્ન માટે આવેલી મહિલાએ પાદરીને કહ્યું, ‘સાહેબ, અમને બંને જણાને આ વાત ખબર છે. અમે બંને જણા સાતમી વાર પરણી રહ્યાં છીએ. તમે કહો છો તે બધું જ અમે અગાઉ સાંભળી ચૂક્યાં છીએ, પ્લીઝ, લગ્નની વિધિ જ પતાવો.

શશીજીને પણ લગ્નવિધિ ઘણી ખરી પાકી થઈ ગઈ હશે. જો તેઓ આ બાબતમાં આગેકૂચ ચાલુ રાખશે તો એમને પણ લગ્નના શ્લોકો મોઢે થઈ જશે.ગોરની ભૂલ પણ બતાવી શકશે.

એ કદાચ બીજાનાં લગ્નોમાં ન ગયા હોય તો કહી શકશે, ‘ભલે જાનમાં નથી ગયો પણ પા ડઝન વાર શાદી કરી છે.

આપણા સાંસદો વિશે એક સર્વે હમણાં પ્રસિદ્ધ થયો છે તે પ્રમાણે લગભગ સો જેટલા સાંસદો કરોડપતિ છે. કેટલા સાંસદો કરોડપતિ છે એ ખબર પડી પણ કેટલા સાંસદો કેટલી પત્નીના પતિ છે એ ખબર નથી પડી. શશી થરૃરના કિસ્સા પછી એ પણ સર્વે થવો જોઈએ તેમ લાગે છે.

વાઈડ બોલ

શોએબ મલિક ઉપર પાકિસ્તાનમાં મેચ ફિક્સિંગનો આરોપ લાગેલો છે. તે અંગે ટોણો મારતા માથાફરેલા સફરાઝ ખાને કહ્યું, ‘હવે ટેનિસની મેચો પણ ફિક્સ થશે.

Tuesday, April 13, 2010

બિન શાદી-તલ્લાક

તાજેતરના એક ચમત્કારની વાત કરવી છે. શોએબ મલિકની ઘટનાની. એ માણસ (એને માણસ કહેવા બાબતે તમને વાંધો નહીં હોય એમ માની લઉં છું.) હજી થોડા દિવસ પહેલાં કહેતો હતો, કે એનાં લગ્ન થયાં જ નથી. એ આયેશા સિદ્દીકીને ઓળખતો નથી એમ એણે પીચ ઠોકીને કહ્યું. શોએબે કહ્યું આવી કોઈ સ્ત્રીને એ ક્યારેય મળ્યો નથી. જોઈ નથી હવે એ જ સ્ત્રી જેને એ મળ્યો જ ન હતો, જેની સાથે લગ્ન કર્યાં નથી તે આયેશાને એણે હવે છૂટાછેડા આપ્યા છે. જે સ્ત્રી અસ્તિત્વ જ ધરાવતી ન હતી. તે યુવતીને શોએબે છૂટાછેડા આપ્યા છે. આને શું કહીશું? નહીં ફેંકાયેલા બોલ ઉપર સિક્સર વાગી? આ ઘણો મોટો ચમત્કાર નથી? જેની સાથે લગ્ન કર્યાં જ નથી એ સ્ત્રીએ છૂટાછેડા આપવા એ એક વિરલ ઘટના છે. શોએબે દાવો કર્યો છે કે તેણે આયેશાને જોઈ જ નથી! હવે તેણે આયેશાને છૂટાછેડા આપ્યા છે. છગન પૂછે છે આ કઈ રીતે બને ન જોયેલી સ્ત્રી સાથે લગ્ન થાય ખરાં?

બની શકે, પહેલાંના વખતમાં રજપૂતો લગ્ન કરવાં જાતે ન જતા, પણ ખાંડુ (તલવાર) મોકલતા. કન્યાનાં લગ્ન ખાંડા સાથે થતાં. એવા કિસ્સામાં કન્યાએ વરને જોયો જ ન હોય, પણ લગ્ન કર્યાં હોય. શોએબના કિસ્સામાં શોએબે ખાંડાની જગ્યાએ પોતાનું બેટ મોકલી આપ્યું હોય અને લગ્ન થયાં હોય તો શોએબ કહી શકે કે તેણે તો કન્યા જોઈ જ નથી.

જે હોય તે, શોએબે લગ્ન કર્યાં જ નથી એ રટણ પછી છૂટાછેડા લીધા છે. બિન બાદલ બરસાતની જેમ બિન શાદી તલાક,ની ઘટના ગણાય કે નહીં? ચાચુ ચમત્કાર હો ગયા. ક્રિકેટમાં તો શોએબ પર પ્રતિબંધ છે જ, કદાચ સાનિયા સાથેનાં લગ્ન ઉપર પ્રતિબંધ આવી જાત. પણ મિયાં બચી ગયા. છતાં કહેવત પ્રમાણે તંગડી ઊંચી રાખે છે.

કેટલાંક કહે છે આ બબાલ પછી શોએબ મલિકની ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ જશે. સાવ તેવું ન ગણાય. જે રીતે શોએબ ખોટા નિર્ણય લઈ શકે છે, એની ખોટા નિર્ણયની

ફાવટ એને પાકિસ્તાન ક્રિકેટના અમ્પાયર બનાવી શકે. ખરું કે નહીં?

---

શાહરુખ ખાને કપડાં ઉતારવાની જાહેરાત કરી છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ આ

કામ જો કે કરે છે. પણ આ કિસ્સામાં વાત અલગ છે. શાહરુખ ખાન આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો માલિક છે. એણે જાહેર કર્યું છે કે જો આઈપીએલમાં કોલકાતાની ટીમ જીતશે તો તે કપડાં ઉતારીને નાચશે. જો કે કોલકાતા ટીમ જીતે આ વાત - અસંભવ... વો દિન કહાં...? ટૂંકમાં શાહરુખને નગ્ન નહીં થવું પડે. તેની ઈજ્જત બચી જશે. એ રીતે કોલકાતાની હારમાં પણ જીત ગણાય.

કોલકાતા ટીમના કપ્તાન સૌરવ ગાંગુલી કપડાં ઉતારવાનું ટ્રેલરકેટલાંક વર્ષો પહેલાં બતાવી ચૂક્યા છે. ક્રિકેટના કાશી ગણાતા લોર્ડ્ઝ મેદાનમાં બનાવ બનેલો, ભારતીય ટીમ જીતી ત્યારે ગાંગુલી ખુશીમાં નાચી ઊઠેલો અને શર્ટ કાઢી હવામાં ઉછાળેલું - શાહરુખ ખાન જીતની ખુશી મનાવવામાં ગાંગુલીથી એક કદમ આગળ વધવા માગે છે એટલું જ.

પણ કોલકાતા જીતે અને શાહરુખને કપડાં ઉતારવાની નૌબત આવે તે બનવાનું નથી. પબ્લિસિટીનો તુક્કો છે.

વૌઠાના મેળામાં એક માલિકે તેના ગધેડાનું નામ શાહરુખ રાખ્યું હતું. અત્યારે શાહરુખ લોકોને ગધેડા બનાવી રહ્યો છે.

Sunday, April 11, 2010

કોના બાપની હોળી?

આમ તો કોના બાપની દિવાળી? પ્રયોગ જાણીતો છે. પણ આ કોલમ તો અવળીગંગાનું છે એટલે કોના બાપની હોળી? ની વાત છે. કોના બાપની દિવાળીને લોકો ફિલ્મી સ્ટાઈલમાં KBD (કેબીડી) પણ કહે છે. કોના બાપની હોળીને તમે KBH કહી શકો. દિવાળી મતલબ કે જલસા. આ જલસા અન્યને પૈસે કરવાના હોય ત્યારે કોના બાપની દિવાળી લોકો કહે છે. રમૂજમાં કહેવામાં આવ્યું છે તેમ મહેમાન જમવા બેઠા ત્યારે લાપસીમાં મોટો ખાડો કર્યો. જેથી ઘી બરાબર લઈ શકાય. યજમાને વ્યંગમાં પૂછયું પણ ખરું કે ઘરે આવા જ ખાડા કરીને જ ખાવ છો? બહાર તો કોના બાપની...?

આમ પારકે પૈસે જલસા થતા હોય તેમ પારકે લાકડે ઘણા લોકો તાપણું કરતા હોય છે. હોળી તો પારકે લાકડે જ સળગાવાની હોય. વિશ્વવિખ્યાત નાઇન ઈલેવનયાદ કરો. ઓસામા બિન લાદેને હોળી સળગાવી હતી, જેની આગ હજી ઠરી નથી. ટ્વીન-ટાવર જે ઓસામા બિન લાદેનના આતંકવાદીઓએ ખલાસ કરી નાંખ્યું ત્યાં હવે ગ્રાઉન્ડ-ઝીરો છે. પણ તેના પ્રત્યાઘાતના આંકડા પાછળ ઘણા બધા ઝીરો લાગી ગયા છે. હોળીમાં તો નવાણિયા જ કુટાતા હોય છે. નવ/અગિયારની હોળીમાં ઘણાં ઝનૂની આગ લઈ કૂદી પડયા. એ હોળીમાં હજ્જારો શેકાઈ ગયા. એ ટ્વીન-ટાવરમાં સવારે નવ વાગ્યે ઘણાં આવ્યા હશે. એમને ખબર પણ ન હતી કે તે આજની રાતના અગિયાર જોઈ શકવાના નથી. આ આતંકની હોળીમાં હોલિકાને કાંઈ થતું નથી!

પણ હાલમાં તો સમય હોલિકાની ફેવરકરે છે. તમે ચા પીતાં પીતાં ખાંડના ભાવ યાદ કરી લ્યો. કસાબે જે કસબ કર્યો છે તેમાં એ આર્થરરોડ જેલમાં બેઠો બેઠો ચા પી શકે છે. ખાંડના ભાવની ચિંતા વગર. છગન કહે છે પવાર અને કસાબ બન્નેને ખાંડના ભાવની ચિંતા નથી. આનું નામ તે કોના બાપની હોળી?

અમદાવાદની પોળોમાં તો હોળી બીજે દિવસ સવાર સુધી સળગ્યા કરતી હોય છે. ઘણાં લોકો એ હોળી ઉપર પાણીના દેગડા મૂકી દે છે. નહાવાનું ગરમ પાણી એ રીતે મેળવી લે છે. પારકે લાકડે પોતાના નહાવાનું પાણી ગરમ થઈ શકે છે.

પાકિસ્તાની કાશ્મીરમાંથી ત્યાંના લોકોને મુક્ત રીતે આવા દેવાની વાત વહેતી થઈ છે. આમ તો ગુલામો આવાજ ઉઠાવતા નથી. પણ ગુલામ નબી આઝાદે આનો વિરોધ કર્યો છે. આ રીતે આવનાર લોકોના ભાથામાં એ.કે. ૪૭ હશે, હોળી સળગાવા જ આવવાના, પણ એમ થશે તો નિર્ણય લેનારાઓને હોળીની અસર થોડી થવાની છે? હોળી થાય તો પણ કોના બાપની હોળી?’ કહી એકાદ વિરોધયાદી કે ચેતવણી તારીખ બદલીને ઈસ્યૂ કરી દેશે. ટીવી ચેનલોની કૌટુંબિક સિરીયલોનું એક લીટીમાં અવલોકન કરી શકાય. કોના બાપની હોળી?’

શાળામાં કે કોલેજોમાં કેટલાંક વિદ્યાર્થીઓ ફક્ત હોળી સળગાવવા માટે જ જતા હોય છે. થોડુંક ભણાઈ જાય તો એ બાય-પ્રોડક્ટ છે. રાજકારણમાં પણ જે કાર્યકર્તા બસો બાળી શકે છે, પોસ્ટરો બાળી શકે છે, એ જ લાઈમલાઈટમાં - અગ્રસ્થાને આવે છે. કોઈ ઓફિસનું ફર્નિચર તૂટયું કે બળ્યું મારે કેટલા ટકા? આવી વૈરાગ્યભાવનાથી આ કાર્યકર્તાઓ કાર્યરત હોય છે. કોના બાપની દિવાળી કરતાં કોના બાપની હોળીની ભાવના સમાજમાં વધુ છે.

શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ હસમુખ અઢીયાએ હમણાં જ ગુજરાતી માધ્યમના પરિસંવાદમાં પ્રવચન આપ્યું. એ સાંભળી છગન કહે છે કે (અઢીયા કાઠિયાવાડી માધ્યમમાં ભણ્યા લાગે છે.)

રાજકારણમાં ગીત અને ગાણાં...

ભાજપનું હમણાં જ ભોપાલમાં અધિવેશન મળી ગયું.

અધિવેશનમાં છેલ્લે ગીત-સંગીતની મહેફિલ થઈ. નેતાઓએ સંગીતના સૂર છેડયા. નેતાઓએ ગીત ગાયાં. છગને કહ્યું, 'ગીત ગાયા પથ્થરો ને...' નેતાઓને અને પથ્થરોને સંબંધ તો ખરો જ. કેટલાક નેતાઓએ પથરાબાજી કરી નેતાપદ પ્રાપ્ત કર્યું છે, કેટલાકે પથરાઓ ખાધા છે. કેટલાક ખાશે. રાજકારણ માટે કહી શકાય કે 'પથ્થર પથ્થર પે લીખા હૈ ખાનેવાલો કા નામ.'

આપણા જીવનના દરેક પહેલુ પર ગીત-સંગીત છવાયેલાં છે. જન્મના સમયથી જ ગીતોની શરૃઆત હાલરડાંથી થાય છે. લોકમુખે ગવાયેલું હાલરડું સિરિયલે પણ પ્રખ્યાત કર્યું, 'તમે મારા દેવના દીધેલ છો... આવ્યા છો તો અમ્મર થઈને રહો' આ લેખકના પિતાએ હાલરડાની પેરોડી કરતા, 'તમે મારા માથાના મારેલ છો, આવ્યા છો તો સખણા થઈને રહો.'

જન્મનાં હાલરડાં પછી લગ્નગીતો - છેલ્લે મરશિયા સાબિત કરે છે કે ગીત-સંગીત બધે જ છવાયેલું છે. એટલે ભાજપવાળાએ ગીતોથી લોકોને પૂરા કરવા પ્રયત્ન કર્યા. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન અને એક પ્રધાને ગીતો લલકારીને, કાલ સવારે સરકાર ન રહે તો સંગીત તો સહારો મળી રહેશે એવી પ્રતીતિ કરાવતા હતા.

સંગીતની અસર અંગે એક લેખકે લખેલું કે આપણે ત્યાં શાકવાળી પણ લયમાં શાક વેચે છે, 'એ કૂણા માખણ જેવા ભીંડા લઈ લો...' અરે, આપણે ત્યાં તો 'ઓ જાને વાલે બાબુ એક પૈસા દે દે' એમ કહીને ભીખ માંગવામાં આવે છે. સિંદબાદ કહે છે, મત માગવાવાળા નેતાઓ પણ માગણ જ કહેવાય ને! ભાજપ તો ભારતીયતાને વરેલો પણ છે. દરેક પ્રસંગ સાથે ગીત-સંગીત સંકળાયેલું છે, તે ભારતીય સમાજ તેનો આદર્શ છે. એટલે અધિવેશનમાં ગવાયેલાં ગીતોથી ખુશ થવા જેવું છે.

એક વાર અટલબિહારી વાજપાઈને ઇન્દિરાજીએ કેદ કરેલા. પછી તુરંત છોડી મૂકેલા, તે વાત તેમણે અમદાવાદમાં ફૂટબોલ ગ્રાઉન્ડ પર કરેલી અને બોલ્યા હતા, 'કેદ માગી થી રીહાઈ તો નહીં માગી થી...'

ઇન્દિરાજીએ 'ગરીબ હટાવો'નો નારો લગાવી તમામ પક્ષનાં સૂપડા-પીપડા વધુ સાફ કરી નાખેલું. ત્યારે જનસંઘ (ભાજપ)ના મુખપત્ર 'ઓર્ગેનાઈઝર'માં પૂરબ-પશ્ચિમ ગીતની પંક્તિ ટાંકવામાં આવી હતી.

'કોઈ અગર તેરા દિલ તોડ દે

અકેલા તુજે છોડ દે, તબ તુમ મેરે ઘર

ચલે આના પીયા... યે ઘર ખૂલા હૈ ખૂલા હી રહેંગા..'

'યે દીપક જલા હૈ જલતા હિ રહેગા' (ત્યારે જનસંઘનું નિશાન પણ દીપક હતું)

વડાપ્રધાનની ખુરશી વાટ જોવે છે, એવું જેમને લાગતું હતું તે અડવાણીજીએ ગાવું જોઈએ કે 'હમને તો કલીયાં માંગી થી કાંટો કા હાર મીલા' ઉમા ભારતીજી ગાઈ શકે,'જો તૂઝે ભૂલ ગએ. યાદ રહે ગમ તેરે.' મુલાયમનું દિલ પથ્થર જેવું છે, તે યાદ કરી અમરસિંહ ગાઈ શકે, 'પથ્થર કી તરહ દિલ હો જીસકા ઉસે દિલ મેં બસાકે ક્યા કરે.'

તાજેતરમાં 'માય નેઈમ ઈઝ ખાન'ના મામલે શાહરુખ ગાઈ શકે, 'આગે આગે મહારાષ્ટ્ર કી સરકાર યહાં કે હમ હૈ રાજકુમાર' ઘણાં ગીતો સ્ફૂરે છે - તે ફરી ક્યારેક

અમદાવાદમાં એક સ્કૂલનું નામ છે 'સેવન ડેઈઝ' 'તે પાંચ દિવસ જ ચાલે છે!'

છસ્સો વર્ષનું યુવાન અમદાવાદ

નગર અને નારીમાં (નરમાં પણ) તફાવત એ છે કે નગર ઘરડું નથી થતું. ઉંમર વધતાં નગરમાં નિખાર આવે છે. ઉંમર વધતાં નગર વધુ ખીલે છે. નારી ઉંમર વધતાં કરમાય છે, નગર નહીં. નગરને ચાર કે પાંચ વર્ષે નવો પતિ મળે છે. નારીને માટે તે કાયદેસર શક્ય નથી.

આજે છસ્સો વર્ષ થયાં આપણા અમદાવાદને. થોડાક જ દિવસો પહેલાં તેને છસ્સો એકમું બેઠું. જન્મદિન-વર્ષગાંઠની વાત નીકળી ત્યારે એક વાત યાદ આવે છે. ડ્રગ-કમિશનર તરીકે રહી ચૂકેલા ગિરીશ ભગત આ કોલમના લેખકની વર્ષગાંઠ નિમિત્તે ફોન કરે. ફોન તો અભિનંદન માટેનો હોય પણ પ્રશ્ન કરે, ‘નિરંજન, કેટલાં વર્ષ પાણીમાં ગયાં?’

સાબરમતીના કિનારે વસેલા આ શહેરને કેટલાં વર્ષ પાણીમાં ગયાં તેમ પૂછી શકાય તેમ નથી. હા, અગાઉનાં કેટલાંક વર્ષો પાણી વગરનાં ગયાં છે ખરાં. ઘાયલ સૈનિકની જેમ લોકોએ પાણી... પાણી...કરવું પડયું છે. ઘણાં વર્ષો સાબરમતીમાં પાણી નહીં પણ રેતી જ જોઈ શકાતી. અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજે તેનો ર્વાિષક અંક સાબરમતીના નામે બહાર પાડયો ત્યારે કોઈકે ટીકા કરેલી કે આ અંકમાં પાણીનહીં હોય. પણ હવે અમદાવાદની સાથે સાથે સાબરમતીમાં પણ નિખાર આવ્યો છે. રિવર ફ્રન્ટથયા પછી સાબરમતીનાં હવેનાં વર્ષો પાણીદાર થશે. જે સાબરમતી નદીના પટમાં ગધેડાં ફરતાં હતાં ત્યાં બોટ ફરતી દેખાશે એવી આગાહી છે. (જોકે, સાબરમતીના પટમાં ગધેડાં જ નહીં વાઘ, સિંહ પણ ફરતાં, જ્યારે ત્યાં સરકસ આવતું ત્યારે)

આજે અમદાવાદમાં પાણીનો કકળાટ નથી, કારણ સાબરમતી મૈયાની સાથે નર્મદામાશી પણ અમદાવાદીઓને પાણી પાય છે. મા-ઝિંદાબાદ અને માશી પણ ઝિંદાબાદ.

પાણી ઉપરાંત લોહી સાથે પણ અમદાવાદને સંબંધ છે. અમદાવાદમાં અવાર-નવાર બે કોમો એક જ પ્રકારના રંગનું લોહી વહાવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના માટે ઘણા વિદ્યાર્થીઓએ તેમનાં લોહી વહાવ્યાં હતાં. (સરનામાં વગરની ગોળીઓ વાગવાથી) આ પહેલાં લાલ રંગના લોહીથી, લડતના પરિણામે આઝાદી મળી. લાલ લોહીને પ્રતાપે સફેદ ઝભ્ભાવાળાઓને શાસન મળ્યું હતું. ગોળી ઉપર ભલે સરનામું ન હોય પણ ખુરશી ઉપર સરનામું હોય છે.

અમદાવાદની સ્થાપના અહેમદશાહે અમુકતમુક સાલમાં કરેલી. અમુકતમુક જોષીઓએ તેની કૂંડળીઓ પણ બનાવી છે. કૂંડળી જોતાં લાગે કે શત્રુસ્થાનમાં માણેકનાથ નામે બાવો હતો. કદાચ નહીં સ્થપાયેલા અમદાવાદ મ્યુનિસિપાલિટીનો તે ડીમોલેશનનો મુખી હતો. જેમ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હોય છે તેમ આ માણેકનાથ બાવો ડીમોલેશન સ્પેશિયાલિસ્ટ હતો. બાદશાહના માણસો દિવસે કોટ બાંધે. રાત્રે માણેકનાથ તેને ડીમોલીશ યાને કે ધ્વંસ કરી નાખે. એક કોન્ટ્રાક્ટર કહેતા હતા કે કામ શરૃ કરતા પહેલાં અહમદ શાહે માણેકનાથ સાથે બેસે ઊઠેકંઈક નક્કીકરી લેવું જોઈતું હતું.

એક સામાજિક વિજ્ઞાનના અભ્યાસીએ કહ્યું આમાં સામાજિક સમસ્યા છે. તમે કંઈક નવું કામ શરૃ કરો, એટલે એકાદ માણેકનાથ બાવો ટપકી પડશે. તે તમારા કામને બગાડવાનું-વખોડવાનું શરૃ કરશે. (સિંદબાદ કહે છે નરેન્દ્ર મોદીથી વધુ આ વાત કોણ સમજી શકે?)

દરેક અહેમદ શાહને માણેકનાથ સાથે કામ પડવાનું જ હોય છે. જે અહેમદ શાહ માણેકનાથને ઝારીમાં પૂરી શકે છે. બાટલીમાં બંધ કરી શકે છે એ જ સફળ થાય છે.

અમદાવાદની જન્મકથાનો એ બોધ છે કે તમે તમારી સામે આવેલા માણેકનાથને પરાસ્ત કરીને જ સર્જન કરી શકશો...

લાઈ ડીટેક્ટર’ (જુઠ્ઠાણું પકડતા) યંત્ર સામે એક વ્યક્તિને લાવવામાં આવી. કાગળિયા તૈયાર કરતા અધિકારીએ તેને પૂછયું, ‘તમારું નામ શું?’

જવાબ મળ્યો, ‘હરિશ્ચંદ્ર

માધુરી ફીદા હુસેન

અમદાવાદની રિવરફ્રન્ટઉપર કેટલાંક બુદ્ધિજીવીઓ આંસુ સારી રહ્યા હતા. એના કારણે સાબરમતીમાં પાણીની સપાટી ઊંચી પણ આવી હતી.

તમે લોકો કોણ છો? અને કેમ રિવરફ્રન્ટ ઉપર આંસુ સારી રહ્યા છો?’

અમે લોકો બુદ્ધિજીવીઓ છીએ, અમે લોકો રડવા માટે કાંકરિયાની પાળે જ બેસવાના હતા, પણ ત્યાં એન્ટ્રી ફીછે. જેનો અમે ઘણા વખતથી વિરોધ કરીએ છીએ, એટલે જ્યાં ફી નહીં પણ ફ્રી હોય ત્યાં અમે બેસીને રડીએ છીએ.

મિત્રો, તમે રડવા માટે નહીં પણ લડવા માટે ચગાવો છો. દિલ્હીમાં પણ ઘણી જગ્યાએ, ‘એન્ટ્રી ફીછે. ઉત્તર પ્રદેશમાં પણ છે. ત્યાં કેમ વિરોધ કર્યો નથી?’

અમે અમારી લડવાની શક્તિ ગુજરાત માટે જ રાખી છે.

બુદ્ધિજીવીએ ડૂસકાં ભરતાં ભરતાં કહ્યું.

હા ભાઈ-હા તમે લોકો તો ખેલાડીઓ છો, કયા મેદાન ઉપર રમવું તે તમારી મરજી. પણ કહો તો ખરા કેમ રડો છો?’

રડવું આવે જ ને! દેશની વસ્તીમાં એકનો ઘટાડો થયો.

કંઈ સમજાયું નહીં.

ઓ શૂન્યબુદ્ધિ, આપણા ચિત્રકાર એમ.એફ. હુસેને ભારતનું નાગરિકત્વ છોડી દીધું છે.

પેઈન્ટર એમ.એફ. હુસેનને મારા સાહિત્યકાર મિત્ર, માધુરી ફીદા હુસેન કહે છે. માધુરીની એક ફિલ્મ પંચાવન વાર તેમણે જોઈ હતી. માધુરી તો અમેરિકા જતી રહી. અબ ક્યા રખા હૈ ઇન્ડિયા મેં? એવું એમને થયું હશે. હિન્દુ દેવીઓનાં નગ્ન ચિત્રો દોરનાર આ પેઈન્ટર પોતે નંગે પાંવફરે છે. પગમાં જૂતાં પહેરતા નથી. સિંદબાદ કહે છે. હુસેનને ભય છે કે ક્યાંક લોકો એમના જ જૂતાંથી એમને ફટકારશે એટલે જૂતાં પહેરતા નથી.

હિન્દુ દેવતા-દેવીઓનાં નગ્ન ચિત્રો બનાવનાર, ચિત્રોમાંથી પૈસા પેદા કરી પોતે અને તેમનો પરિવાર સારાં કપડાં પહેરી ફરે છે. હૂસેન પોતે પણ બુદ્ધિશાળી ખરા, એમણે હિન્દુ દેવીઓનાં જ નગ્ન ચિત્રો દોર્યાં. ગરીબ કી જોરુ સબ કી ભાભી!! બીજા કોઈ ધર્મના આરાધ્યનાં નગ્ન ચિત્રો દોરે તો શું થાય એ કલાકારને ખબર છે. ડેન્માર્કના કાર્ટૂનિસ્ટે પયગંબર સાહેબનું અપમાનજનક ચિત્ર દોર્યું ત્યારે મેરા ભારત મહાનના એક નેતાએ એ કાર્ટૂનિસ્ટને મારનારને કરોડ રૃપિયા ઈનામ આપવાની વાત કરી હતી. ફોજદારી કાનૂન હેઠળ એ ગુનો પણ ગણાય, હુસેનના ટેકેદાર બુદ્ધિજીવીઓમાંથી કોઈએ પોતાની માતાનું નગ્ન ચિત્રો દોર્યું નથી. વિશાળ દિલવાળા આ સમાજે હુસેન માટે કોઈ સોપારીઆપી ન હતી. કદાચ હજ પઢવા જવા માટે વિમાનની સીડી ચડવા માટે સબસીડીઆપી હોત.

પયગંબર સાહેબ માટે અણછાજતું ચિત્ર દોરનાર વિરુદ્ધ દેશમાં રેલીઓ નીકળી હતી. ત્યારે આપણા બુદ્ધિજીવીઓ સોમવારના ગાંધી બની ગયા હતા. મૌન પાળ્યું હતું. કલાકારના સ્વાતંત્ર્ય વિશે ત્યારે બોલ્યા ન હતા. બુદ્ધિજીવીઓ ત્યારે ન બોલ્યામાં નવ ગૂણ માને છે. કોની તરફેણ કરી શકાય અને કોની વિરુદ્ધ બોલાય તે બુદ્ધિજીવીઓ જાણે છે. હુસેન જેવા દેવીઓનાં નગ્ન ચિત્રો દોરે છે ત્યારે આબિદ સૂરતી જેવા ચિત્રકાર રામનામવાળી ચાદર લપેટી ફરતા ઘણાએ જોયા છે.

હુસેન હવે કતાર જતા રહ્યા છે. એમની ઉપર અઢળક કેસ થયા છે. એમની ચિત્રકારની આંગળીઓએ કરેલા કૃત્યના કારણે હવે કાયદાના પંજાથી બચવા એ ભાગ્યા છે.

હિન્દી ભાષામાં હુસેન માટે અત્યારે એમ કહી શકાય કે આપ કતાર મેં હૈઆપ કતાર મેં હૈ એ વાક્ય આપણે પણ વારંવાર સાંભળીએ છીએ. ટેલિફોન ઉપર ૧૯૭ કે ૧૮૬ ઉપર લગાડો કે દૂરવાણીવાળા કહે આપ કતાર મેં હૈઆપણને થાય કે આપણે તો ભારતમાં છીએ પણ ટેલિફોનવાળા એટલે કે દૂરવાણીવાળા આપણને દૂર કતારમાં મોકલી દે. એક વાત નક્કી હુસેન કતારમાં બીજા કોઈ ધર્મના આરાધ્યનું નગ્ન ચિત્ર નહીં દોરે. ભારત જેવું વિધવા બ્રાહ્મણ મહિલાનું ખેતર બધે ન હોય.

દેશના રત્નઉપર પહેલો અધિકાર હુસેનનો હોય એમ કહી કદાચ તેંડુલકર પહેલાં હુસેનને ભારતરત્ન મળી પણ જાય.

યે દિલ કા નહિ બુદ્ધિ કા મામલા હૈ.

વાઈડ બોલ

આઈપીએલ મેચમાં તમને અચરજ શું લાગે છે?’

છક્કો વાગે કે ચીયર્સ ગર્લ નાચે છે

એમાં અચરજ શું?’

છક્કાથી સુંદરીઓ રાજી થાય તેછગને કહ્યું.

મુઝસે ફીર શાદી કરોગી?

તમે અત્યારે જે સ્ત્રીને પરણ્યા છો એ સ્ત્રી જ સાથે ફરી પરણો ખરા? છગનને પૂછવામાં આવ્યું. છગન ઊંડા વિચારમાં પડી ગયો. પછી આજુબાજુ નજર કરી ધીમે અવાજે બોલ્યો, 'જ્યાં સુધી પરણવાની વાત છે ત્યાં સુધી અત્યારની પત્ની જ ઠીક છે.'

તમે એની એ જ પત્ની કે પતિ સાથે ફરી લગ્ન કરો ખરા? લગ્ન માટે એના એ જ પાત્રને ફરી પસંદ કરો કે કોઈ નવી વ્યક્તિને પસંદ કરો? આ પ્રકારનો એક સર્વે એક મેગેઝિને હમણાં જ કરેલો. દુનિયાના અનેક દેશોમાં આ સર્વે એમણે કર્યો. મિત્રો શું ધારો છો? તમને જાણીને અચરજ થશે પણ અડસઠ ટકા લોકોએ એના જ જીવનસાથીની પુનઃ પસંદગી કરી છે. આ આપણા મહાન ભારત પૂરતી વાત નથી વિશ્વના અનેક દેશો આમાં સામેલ હતા. છતાં અડસઠ ટકા જેટલી ભારે બહુમતીથી એ જ જીવનસાથીની પુનઃ પસંદગી કરી. શું કારણ આ માનસિકતાનું?

'બીજે છેતરવા જવા કરતા અમારી દુકાને જ આવો...'

ગ્રાહક પણ વિચારે બીજે છેતરાવા કરતા એ જ દુકાને જવું સારું. આપણે દુકાન તો જાણીતી ખરી!

એક બાળવાર્તામાં આવે જેમાં કઠિયારો કહે છે 'મને તો ગમે મારી કુહાડી આરી' કઠિયારાને સોનાની કુહાડી પસંદ નથી, ચાંદીની નથી. ભલે લોખંડની હોય પણ એ કુહાડી સાથે તેનો મનમેળ છે એટલે એ કઠિયારો આપણા નેતાઓની જેમ કહે છે 'મેરી કુહાડી મહાન'

એક મહિલાને પૂછવામાં આવેલું આ જ પુરુષને તમે ફરી પતિ તરીકે પસંદ કરો? ત્યારે મહિલાએ કહ્યું, 'હાસ્તો' આને ટપારી ટપારી ઘડવામાં મને દસ વર્ષ લાગ્યાં છે. ત્યારે આ મહાશય માંડ ઠેકાણે આવ્યા છે. બીજા કોઈને પસંદ કરું તો ફરી બીજા દસ વર્ષ થઈ જાય ને? એટલે આ જ વર તરીકે ઠીક છે.

એક મિત્ર લાયબ્રેરીમાં જાય ત્યારે અઢળક ચોપડીઓ ત્યાં પડેલી હોય પણ એ મિત્ર પહેલાં વાંચેલું પુસ્તક જ લઈને આવે. કહે બીજી ચોપડી લઈએ તે સારી હોય કે ન પણ હોય ત્યારે આ ચોપડી આપણે વાંચેલી છે, જાણીતી છે, પત્તે પત્તું આપણું જાણીતું છે. આ માનસિક કારણસર પત્તા-પત્તા જાનત હે... એમ માની કેટલીક વ્યક્તિ એના એ જ જીવનસાથીને ફરી પસંદ કરે છે.

પુરાણ કાળમાં કહેવાયું કે તમે 'કાશીએ જઈને કરવત મેલાવો' (સ્વૈચ્છિક મૃત્યુ) અને તે વખતે જેવી ઇચ્છા વ્યક્ત કરો તેવો તે પછીનો જન્મ તમને મળે. એટલે ઘણા લોકો કાશીએ જઈ કરવતથી કપાઈ મૃત્યુને આવકારતા, ઇચ્છતા કે આવતા જન્મે હું રાજા બનું તો તેઓ રાજા બની શકતા. એક વાર્તા પ્રમાણે જોડા સીવનાર મોચીભાઈ કાશીઓ કરવત મુકાવા જાય છે. મોચીભાઈએ અનેક વિકલ્પો વિચાર્યા કે આવતા જન્મે શું થવું? લાંબી વિચારણા પછી મોચીએ વિચાર્યું કે આવતા જન્મે પણ મોચી થવું જ ઠીક પડશે એટલે કરવત મુકાવતા ફોર્મમાં ભર્યું કે આવતા જન્મે મોચી જ થઈશ. અગલે જનમ મુઝે મોચી હી કીજીયો.

જીવનસાથીની પુનઃ પસંદગીમાં પણ એ જ માનસિકતા પ્રગટ થઈ છે. સર્વેનો જવાબ આપનારાઓએ મોચીભાઈની જેમ જ એની એ જ અવસ્થા કબૂલ રાખી. અમારે કોઈ રાખી સાવંતના સ્વયંવરમાં નથી જવું કે રાહુલ મહાજન પામવો નથી છે. એ જ ઠીક છે.

માણસના સ્વભાવમાં નવી પરિસ્થિતિમાં ન જવું તેવું વલણ ઘણા ખરા કિસ્સામાં હોય છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં લટકતો લટકતો ફરતો છતાં તેને મુંબઈ પસંદ છે, છોડવું નથી. કોઈને ગામડામાં લીમડાના ઝાડ નીચે ખાટલો પાથરીને સૂવાનું પસંદ છે તેને અમદાવાદ-મુંબઈની સાહ્યબી પસંદ નથી. આપણે તો આપણું ગામડું સારું. 'હમ કો હૈ પ્યારી હમારી ગલીયાં' એ મોટા ભાગના માણસોની પ્રકૃતિ છે. એના એ જ જીવનસાથીની પસંદગીમાં માણસની સ્વગલી પ્રિયા દેખાય છે.

જોકે આનાથી વિપરીત એક કથા હાસ્યકાર બોરીસાગરે લખી છે. એક દંપતીમાં પતિ એકદમ નાસ્તિક, પત્ની ખૂબ જ ભક્તિવાન. દર નૂતન વર્ષે પત્ની મંદિરે જાય. એનો પતિ મંદિરમાં ન જાય અને બહાર જ ઊભો રહે. પતિ પૂરો નાસ્તિક. એક વાર પતિએ પૂછયું કે,'તું મંદિરમાં જઈ કાયમ પ્રાર્થના કરે છે. હું તો પૂરો નાસ્તિક છું. આવતો નથી, પણ એ કહે કે તું શું માંગે છે? પેલી પત્નીએ કહ્યું 'હું ભગવાનને કહું છું કે મને ભવોભવ તમે જ પતિ તરીકે મળો.' નાસ્તિક પતિ ગભરાયો. તેને થયું કે ભગવાન આની વાત સાંભળશે તો? એટલે નાસ્તિક હોવા છતાં મંદિરમાં દોડી જાય છે અને ભગવાનને કહે છે 'પ્રભુ, એકતરફી- એક્સપાર્ટી નિર્ણય ન લઈ લેતા મને પણ સાંભળજો.'

પણ આ તો અપવાદમાં ગણી શકાય. સર્વેએ બતાવ્યું છે કે એ જ જીવનસાથીની પુનઃ પસંદગીમાં મોટી બહુમતી છે.

ગાંધીજીને નરસિંહનું 'વૈષ્ણવજન' અતિપ્રિય. ગાંધીજી નરસિંહે કહેલા વૈષ્ણવજન કરતાં પણ અધિક હતા. નરસિંહે કહ્યું કે 'વૈષ્ણવજન... પરસ્ત્રી જેને માત રે..' પણ ગાંધીજી તો સ્વસ્ત્રીને પણ માત સમાન ગણતા હતા.

કસ્તુરબા.

Saturday, April 10, 2010

ખેલના ખેલાડી ખાન 13/02/2010

પાકિસ્તાની ક્રિકેટરો વિશેષ છે. શાહરુખખાન તો વિશેષ લાગે જ છે. પણ હું બીજી વાત કરું છું. પાક. ક્રિકેટરો ફક્ત ક્રિકેટરો જ નથી પણ એમાં વિલનો છે. તો કેટલાંક જોકરો છે. તો કેટલાંક સીધા સાદા ચરિત્ર કલાકાર નાસીર હુસેન જેવા પણ છે.

જે ફિલ્મમાં મારામારી હોય, ગમ્મત હોય, એ વધારે ચાલે, અથવા એ જ ચાલે. પાકિસ્તાની ક્રિકેટરો સિવાય આ વાત વધુ સારી રીતે કોઇ સમજતું નથી.

IPLની મેચો માટે કોઇ પાકિસ્તાની ખેલાડીઓ પસંદ થયા નથી. તેમની ઉપર બોલી લાગી નથી એટલે એ અકળાયા છે. 'સાલું વૌઠામાં ગધેડાંઓ ઉપર પણ બોલી લાગે અને અહીંયાં અમારી ઉપર કોઇ બોલી નહીં? કોઇ લેવાલ નહીં?' આ એમની વ્યથા છે. કર્ણને પણ દ્રૌપદી સ્વયંવરમાં અવજ્ઞાાનું દુઃખ થયું હતું. પાક.ના ક્રિકેટરો આ અવજ્ઞાાથી ઘવાયા છે. એટલે કેટલાંકે જેમતેમ બોલવા માંડયું છે. ત્યાંના રાજકારણીઓ પણ કૂદી પડયા છે. પ્રધાન મલિક જાણે આપણા માલિક હોય તે રીતે બયાન આપતા હતા. તકલીફ એ છે કે કાશ્મીરમાં તો ઘૂસણખોરી થઇ શકે છે. ક્રિકેટમાં નહીં. અહીંયાં એ ખેલાડીઓ લાખ્ખો રૃપિયા લઇને જાય છે. આ વખતે એ ન મળ્યા એટલે બમ્પર અને બીયર ફેંકવા માંડયા છે.

આપણે ઘણી વાર કેટલાંકને સારું લગાડવા માટે બોલતા હોઇએ છીએ. આશય ફક્ત સારું લગાડવાનો જ હોય છે. છગન એની પત્નીની રસોઇનાં વખાણ એટલા માટે જ કરે છે. સારું લગાડવા. એ રીતે ક્યારેક કેટલાંક માણસો કોઇને ખરાબ લગાડવા માટે જ કંઇક બોેલી નાખતા હોય છે. શાહરુખ ખાને પણ બાલાસાહેબને જ ખરાબ લગાડવા માટે બોલી નાખ્યું. 'પાકિસ્તાન ખેલાડીઓને કોઇકે તો લેવા જોઇતા હતા. IPL માં પાક. ક્રિકેટરોની બાદબાકી થઇ તે અંગે શાહરુખ ખાને કોમેન્ટ આપેલી. અને શિવસેનાએ શાહરુખના તાપના ભાગાકાર શરૃ કર્યા. સિંદબાદનું કહેવું છે કે આ વખતે બધા લોકોએ શાહરુખનો ઉધડો લેવો જોઇએ. શા માટે ફક્ત શિવસેના? શાહરુખ ખાન કહે છે 'મને મુંબઇએ ઘણું બધું આપ્યું છે' તો બિરાદર પાકિસ્તાને એ મુંબઇને શું આપ્યું ? એ યાદ કરો. '૨૬/૧૧' મુંબઇમાં તબાહી મચાવી મૂકી. એ પાકિસ્તાન રમવા આયે તો ભી ક્યા ન આયે તો ભી ક્યા?

આપણા બુદ્ધિજીવીઓની આ કિસ્સામાં વિચિત્ર ભૂમિકા છે. ખોંખારીને પાકિસ્તાનને કશું કહેવામાં તેઓ માનતા જ નથી. એ બુદ્ધિજીવીઓ શાહરુખ ખાનની પછીની પંગતમાં ગોઠવાયા છે. એક આડવાત શાહિદ કપૂરે હમણાં ટકોર કરેલી, કે 'શાહરુખ કેમ એમ કહે છે કે માય નેઇમ ઇઝ ખાન?' કારણ કે તેનું ફિલ્મમાં નામ તો રીઝવાન છે ખાન તો અટક છે. એટલે માય સરનેમ ઇઝ ખાન એમ કહેવું જોઇએ. આપણા બુદ્ધિજીવીઓ લાહોરમાં આપણા ખેલાડીઓને મીઠાઇ ઓફર થાય કે પાક. પ્રમુખ ધોનીની હેરસ્ટાઇલનાં વખાણ કરે એટલે ખુશ ખુશ થઇ જાય. પણ શ્રીકાંતનું શર્ટ મેદાન ઉપર પ્રેક્ષકોએ ફાડી નાખ્યું હતું તે ભૂલી જાય છે.

એ ખેલાડીઓ ક્રિકેટને પણ ઇસ્લામ સાથે જોડે છે. વર્લ્ડકપની રમત પછી જગતના તમામ મુસ્લિમોને એના ટેકા બદલ આભાર માન્યો હતો. (જાહેરમાં ટીવી ઉપર) શું ભારતમાં મુસ્લિમો એમને ટેકો આપતા હતા? બુદ્ધિજીવીઓએ આ કોમેન્ટ અંગે 'સોમવારના ગાંધી' થઇ ગયા હતા (સોમવારે ગાંધીજી મૌનવ્રત રાખતા હતા) સોબર્સે, માઇક ગેસંગે ઘણા મોટા ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટરોની ક્રિકેટને બદનામ કરતી હરકતો વિશે લખ્યું જ છે. ભાઇ શાહરુખ અને બીજા સહપંથીઓ એ સમજે તે જરૃરી છે. કિસ્સા તો ઘણા છે, પણ અહીં લખવાની જગ્યા નથી. પાક. ખેલાડીઓ માટે પણ જગ્યા નથી તેમ.

'એક દૂધની દુકાનનું નામ ગાંધી દુગ્ધાલય છે.' 'પણ ત્યાં બકરીનું દૂધ નથી મળતું.'

ઘોડાનો વરઘોડો 06/02/2010

હું કાંઈ જ્યોતિષ નથીએવું કહ્યા પછી દસ જ દિવસમાં શરદ પવારે આગાહી કરી કે, ‘ખાંડના ભાવ નહીં ઘટે

એવું હોય કે શરદ પવારે જ્યોતિષ વિદ્યાનો દસ દિવસનો શોર્ટ ટર્મ કોર્સ એ દરમિયાન કરી નાંખ્યો હોય

કેટલીક વસ્તુઓ જાય પણ તેનું નામ રહી જાય છે. તેની યાદ રહી જાય, ત્યારે સાપ ગયા પણ લીસોટા રહ્યા! આજનાં નાનાં છોકરાંઓને પાઘડી જોવી હોય તો કવિ દલપતરામનું ચિત્ર જોવું પડે. જેમ પાઘડી ચિત્રોમાં રહી છે તેમ વરઘોડા કંકોતરીમાં જ રહ્યા છે. પહેલાં લગ્ન વખતે વરઘોડા નીકળતા જેમાં વરરાજા ઘોડા ઉપર (બીતા બીતા) બેસતા. હવે વરરાજા ઘોડાને બદલે મોટરમાં જાય કે ક્યારેક બગીમાં જાય. પણ કંકોતરીમાં વરઘોડાનો સમય એમ જ લખ્યું હોય. વરયાત્રા કે વરપ્રસ્થાનને વરઘોડો નામ જ અપાઈ ગયું છે. આનું નામ તે ઘોડા ગયા પણ વરઘોડા રહી ગયા! વર જેમાં ગધેડો બનવા જઈ રહ્યો છે તે વરયાત્રાને વરઘોડો કહેવાય છે તેમ છગન કહે છે.

જ્યારે ઓટોરિક્ષાઓ ખાસ દોડતી ન હતી ત્યારે ઘોડાગાડીઓનું ચલણ હતું. સૌરાષ્ટ્રનાં શહેરોમાં તો ઘોડાગાડીઓ ઘણી દોડતી. પણ હવે યાંત્રિક વાહનોનો યુગ શરૃ થયો અને ઘોડા લાપતા થઈ ગયા છે. હવે શહેરોમાં કે નગરોમાં પણ ઘોડા ખાસ જોવા નથી મળતા. હવે ઘોડાઓ શહેરમાંથી સરકસમાં જતા રહ્યા છે. વાઘ બચાવોની ઝૂંબેશ ચાલે છે. જેમાં મહેન્દ્રસિંહ ધોની વાઘ બચાવોના સૂત્ર વાળું ટી-શર્ટપહેરીને આવે છે. એમ કહી શકાય કે સિંહ, વાઘ બચાવોની ઝુંબેશમાં જોડાયો છે. ભાઈ ઘોડા બચાવોની ઝુંબેશ થઈ નથી, પણ નાગર જ્ઞાતિએ ઘોડા સંવર્ધનમાં ફાળો આપ્યો છે તેમ કહી શકાય નાગરોમાં ઘોડા નામની અટક હોય છે. હમણાં પરિમલ બેન્કર્સ ક્લબમાં વક્તાનું સન્માન એક ઘોડાએ કર્યું હતું. મને એમ કે હમણાં વક્તાને લાત પડશે. નાગરોમાં ઘોડા-હાથી, મચ્છર માંકડ જેવી અટકો પણ હોય છે. એક ડોક્ટર મચ્છર હતા. અને તે મેલેરિયાની પણ દવા કરતા હતા. ડો. મચ્છર છે જે મેલેરિયા મટાડે છે એવું આ ડો. મચ્છર માટે કહી શકાય.

ઘોડા અટકધારીનાં પણ લગ્ન તો થાય જ ને. કાઠિયાવાડમાં એક લોકગીત પ્રચલિત હતું હાલો કીડીબાઈની જાનમાં’ (રતિકુમાર વ્યાસે ગાયું હતું) ઘોડાનાં લગ્ન માટે કહી શકાય. હાલો ઘોડાની જાનમાંકંકોતરીમાં પણ લખ્યું હોય અમુકતમુક સમયે ઘોડાનો વરઘોડો નીકળશે.

અમુક જ્ઞાતિઓમાં વરવિક્રય થતા હોય છે. વરના પિતા મોટી રકમ પડાવતા હોય છે. બાજખેડાવાળના મુખપત્રમાં આવા કિસ્સા માટે લખતા કે અમુક ભાઈએ તેમના છોકરાનું પચ્ચીસ હજારમાં વેચાણ કર્યું (એટલે કે પૈઠણ લીધું) શ્રીયુત ઘોડાનું આ રીતે પૈઠણ લેવામાં આવ્યું હોય તો એના કુટુંબીજનો કહી શકે ઘોડા બેચ કે સો જાઓ

શ્રીઘોડાનાં લગ્ન વખતે તેની ઓફિસમાં કંઈક આવા પ્રકારની વાતો થાય. અરે, ચોક્કસ ઘોડાનાં લગ્નમાં જવાનું છે ને?’ એટલે ચોક્કસ જવાબ આપે બોસ મારે તો ઘોડાની જાનમાં જવાનું હતું, પણ સમય નથી એટલે ઘોડાના રિસેપ્શનમાં જઈ આવીશ.

બીજો કહે એમ ઘોડાનાં લગ્ન છે?’ સાંભળીને કોઈક કહે ઘોડો કેદાડાનું પૈણું પૈણું કરતો તોકોઈક મિત્ર કોમેન્ટ કરે ઘોડો ઘોડે ચડે છેભલેને કારમાં જવાનો હોય પણ પરણવા જતા માણસ માટે ઘોડે ચડે છે એમ જ કહેવાય છે.

સારી તબિયત છે એ માટે ઘોડા જેવી તબિયત કહેવાય છે. આપણે ભટ્ટને પૂછીએ તબિયત કેમ છે?’ તો તે કહે ઘોડા જેવીકોઈ જાણકાર ત્યાં હાજર હોય તો કહે યાર, ઘોડાને તો કાલે જ હોસ્પિટલમાં દાખલ કર્યો છેત્યારે ભટ્ટ ચોખવટ કરે એ હોસ્પિટલનશીન ઘોડા જેવી નહીં પણ રેસના ઘોડા જેવી તબિયત છે સમાચાર શું છે? તે પૃચ્છાનો જવાબ આપતાં સિંદબાદ કહે છે. સમાચાર એ છે કે આજ સાંજે ઘોડાનો વરઘોડો છે

રૃપાળી તારું શું થશે? 10/04/2010

દૃશ્ય હતું ટેનિસ કોર્ટનું. એક મહિલા ત્યાં ઊભી હતી તેણે પૂરેપૂરો બુરખો પહેર્યો હતો. પગથી માથા સુધી શરીર બુરખામાં છુપાયેલું હતું. ફક્ત આંખ આગળનો ભાગ રિવાજ મુજબ ખુલ્લો હતો. જ્યાંથી તેની તગતગતી આંખો દેખાતી હતી. શરીર ઉપર બુરખો અને હાથમાં રેકેટ હતું.

થોડી વાર પછી જોનારાઓને ખ્યાલ આવ્યો કે તે બુરખો પહેરીને તે ટેનિસ રમી રહી હતી. અંદાજ બતાવતો હતો કે ભલે તેણે બુરખો પહેર્યો હોય પણ તેની રમત, તેના શોટ જોરદાર હતા. નિષ્ણાત હોય તે બંધનો સાથે પણ પોતાની કલા પ્રર્દિશત કરી જ શકે છે. જોનારને એમ લાગે કે જેમ આંધળો પાટો, આંખે પાટા બાંધીને રમાય છે, અથવા આંખે પાટા બાંધીને માટલી ફોડવાની રમત પણ રમાય છે તેમ, બુરખો પહેરી ટેનિસ રમવાની કોઈ નવી પદ્ધતિ વિકસાવાઈ હશે જેનાથી આપણે અજાણ છીએ. આ નજારો જોનાર એક સજ્જને ત્યાં ઊભેલા ગાર્ડને પૂછયું છાશ લેવા જવી ને દોણી સંતાડવી, એવી કહેવત જાણી છે પણ આ મહિલા ટેનિસ રમતા કેમ મોઢું સંતાડે છે?

ત્યારે પેલા ગાર્ડે કહ્યું,’તમે આ મહિલાને જાણતા નથી?’

ના ભાઈ, મારી આંખોમાં એવું કોઈ સ્કેનર નથી કે જાણી શકું કે આ મહિલા કોણ છે? તમે જ બતાવો કે બુરખે કે પીછે કૌન હૈ?’

જનાબ એ મહિલા છે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા છે. જો ઉપરવાળા - સોરી હૈદરાબાદવાળા મહેરબાન થશે તો સાનિયા મિર્ઝામાંથી સાનિયા મલિક થશે.

ઠીક છે એ મલિક થાય કે ન થાય તે માલિકની મરજી છે.

પણ એ બુરખો પહેરીને કેમ ટેનિસ રમે છે?’

સાબ તમે કહેવત સાંભળી છે?’

કઈ?’ ‘જેવો દેશ તેવો વેષ.

હા, પણ તેનું સાનિયા સાથે શું?’

કેમ નહીં? એ પરણીને પાકિસ્તાન જશે, ત્યાં એ બુરખો પહેરીને જ રમે તે ઈષ્ટ છે. પ્રદેશ પ્રમાણે પોશાક હોવો જોઈએ કે નહીં? સાનિયા આ વાત સમજે છે એટલે અત્યારે તેઓ બુરખા સાથે રમવાની પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

જોકે આજની તારીખે, આ લખાય છે ત્યારે લગ્ન થશે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. શોએબ મલિક એક વાર ભૂતકાળમાં પરણ્યો હતો, અને તેને છાપાની ભાષામાં કહું તો કહેવાતી દુલ્હન આયેશા મેદાનમાં આવી ગઈ છે. તે આ લગ્ન થવા દેવા માગતી નથી. (શોક્યનું સ્વાગત શા માટે કરે?) ચેનલવાળા આ પ્રકરણને સાનિયા બન ગઈ શોક્યએવું ટાઈટલ આપી મસાલો પ્રસારિત કરી શકે. આખીર ટીઆરપી કા તો સવાલ હૈ.

મામલો હવે અદાલતમાં જઈ રહ્યો છે. બંને પક્ષોએ વકીલો રોક્યા છે. લાગે છે કે સાનિયા ટેનિસ કોર્ટમાંથી લીગલ કોર્ટમાં જઈ રહી છે.

આયેશાના કુટુંબ તરફથી યે શાદી નહીં હો શકતીએવો ફિલ્મી ડાયલોગ બોલાઈ રહ્યો છે.

આયેશાએ ઘડો ફેડયો છે કે ચૂપ રહેવાના તેને સો કરોડ ડોલરની ઓફર થઈ છે.

માય ગોડ... સો કરોડ ડોલર? એટલે કે પચાસ અબજ રૃપિયા થયા! સમગ્ર આઈપીએલમાં આટલા પૈસા લલિત મોદીને મળ્યા હોય એટલા પૈસા આયેશાબહેન પૂરતા ગણાય. (જો સાચું હોય તો) અરે, એક કરોડમાં પણ શોએબને લાત મારવાનું સસ્તું ગણાય.

આ લેખ છપાશે ત્યાં સુધીમાં ઘીના ઠામમાં ઘી પડી જશે. અત્યારે તો ઘીને ક્યાં પડવું એ નક્કી નથી.

સાનિયાએ બયાન આપ્યું છે કે શાદી પછી પણ તે ભારત તરફથી જ રમશે! છગન કહે છે લોગો કો ઉલ્લુ બનાને કે લીયે યે બયાન અચ્છા હૈ

ધારો કે શરીફ નામનો કોઈ આર્મી મેજર હોય, અને તે કહે ભલે હું પાકિસ્તાની સાથે લગ્ન કરું, પણ યુદ્ધ થશે ત્યારે ભારત તરફથી જ લડીશ! એક જાહેરાતમાં નાનકડો છોકરો અમિતાભને કહે છે ક્યા હમેં ઉલ્લુ સમજતે હો?’ આપણે પણ એ જ કહેવાનું છે બહેન માટે. જેને પરણવું હોય તેને પરણજે અમારા ભેજાની બોનને ન પરણીશ. અમને ઉલ્લુ ન સમજતા...

ગીતામાં અર્જુનને સવ્યસાચી કહ્યો છે. જે ડાબા અને જમણા એમ બંને હાથે બાણ ચલાવી શકતો. કેટલાક નેતા ડાબેરીઓ અને જમણેરીઓ એમ બંને સાથે સેટ થઈ જતા હોય છે. આને સવ્યસાચી નેતા કહેવાય કે નહીં?

Friday, April 9, 2010

વિક્રમાદિત્ય સચિન

વિક્રમ રાજા માટે કહેવાતું બાણું લાખ માળવાના ધણી.

વિક્રમોના રાજા સચિનને બાણું સદીના માલિક કહેવાય.

એ મેદાનમાં ઊતરે છે, અને એકાદ વિક્રમ બની જાય છે. આ પણ એક વિક્રમ છે. વન-ડેની સૌથી વધુ સદી મારનાર સચિન પછી બીજા ક્રમે છે પોન્ટીંગ, એ બંને વચ્ચે અઢારથી-વીસ સદીનું અંતર છે, પહેલા અને બીજા નંબરનો આ ફાંસલો પણ એક વિક્રમ છે.

સચિનને ભારત રત્નઆપવાની માગ ચારે બાજુથી ઊઠી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને અને ભારતના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે પણ તેને ભારત રત્નઆપવાની તરફેણ કરી છે. ભાજપ અને કોંગ્રેસે સાથે એકમત પ્રગટ કર્યો હોય તેવો આ કિસ્સો પણ એક વિક્રમ છે. હવે રાષ્ટ્રપતિના પિતાનો પણ છૂટકો નથી ને તેને ભારત રત્ન આપવા સિવાયછગને કોમેન્ટ આપી.

સચિન ભારત રત્ન થાય તો સૌથી પહેલો રમતવીર, સ્પોર્ટમેન ભારત રત્ન થશે. એ પણ એક વિક્રમ ગણાશે.

અને તમે ભારત રત્ન બનાવો. એવી માગ કોઈ વ્યક્તિ માટે લોકોમાંથી સૌપ્રથમ વાર ઊઠી છે. એ પણ વિક્રમ સચિનના નામે ગણાશે.

ઉપર ગગન વિશાલ નીચે સચિનની ખેલધમાલજેવી તરત જ યાદ આવે. સચિનનું નામ તેના પિતાએ સંગીતકાર સચિનદેવબર્મનના પ્રશંસક તરીકે પુત્રને આપેલું. સચિને ક્રિકેટમાં સચિનદેવ જેવી લયબદ્ધતા બતાવી નામને સાર્થક કર્યું છે.

લાડુ પચવામાં ભારે ગણાય, કેટલાક વૈદો મધને પચવામાં ભારે ગણાવે, પચવામાં સૌથી ભારે શું? અનુપ જલોટા એ શું ભારે છે? શું હલકું છે? એવું જાણી ગાયું છે.પણ પાચન મેં ભારી ક્યા હૈ? એવું પૂછયું નથી. પાચન મેં ભારી છે સફળતા. સહેજ સફળતા મળતા માણસો ઝાલ્યા નથી રહેતા. પોતે આ પૃથ્વી ઉપર ન જન્મ્યા હોત તો પૃથ્વીનું શું થાત? તેવો ભાવ તેમની બોડી લેંગ્વેજમાં દેખાય. વાણીમાં નમ્રતા હોય પણ વર્તનમાં ઘમંડ દેખાઈ જાય. નાની વાતમાં પણ જ્ઞાાતિનો પ્રમુખ થાય કે કોઈ મંડળની કારોબારીમાં ચૂંટાય તો પણ તે જણ કોલર ઊંચો કરે. જ્યારે સચિને સફળતા, આટલી મોટી સફળતા પચાવી છે. બિલકુલ સાહજિક્તાથી. સચિન લો પ્રોફાઈલશબ્દનું વાસ્તવિક રૃપ છે.

ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની નવી આવૃત્તિ કરે તો તેમાં જરૃર ઉમેરે કે હે ધનંજય, બેટિંગમાં હું સચિન તેન્ડુલકર છું.

ચાલીસ વર્ષથી રમાતા આ વન-ડેમાં કોઈ બેટ્સમેને પહેલી વાર બસ્સો રન કર્યા છે. ચાલીસ વર્ષે બાવો નહીં પણ બેટ બોલ્યું છે.

ભાવિ ભારત-રત્ન તેન્ડુલકર ખરેખર કમાલ છે. ઓસ્ટ્રેલિયા, વેસ્ટ-ઈન્ડિઝ કે ઈંગ્લેન્ડ જેવા દેશો નહીં પણ ભારતના એક ખેલાડીએ વન-ડેમાં બસ્સો રન ફટકાર્યા છે. એ રીતે ભારતરત્ન છે જ એની સાબિતી આપી દીધી છે. વીસ વર્ષ ક્રિકેટ રમવું એ જ અજાયબી છે. (ફિટનેસ જાળવીને) રીકી પોન્ટિંગે કહેલું કે હું વીસ વર્ષ ક્રિકેટ રમું તો મારે મેદાનમાં આવવા વ્હીલ-ચેરનો ઉપયોગ કરવો પડે. આ રાજકારણ થોડું છે કે મરતે દમ તકતમે રમી શકો? પાકિસ્તાનનો અબ્દુલ કાદિર, જેને ભારતીય ખેલાડીઓ માટે જરાપણ આદર નહીં. એણે કહ્યું હતું કે, ‘આ છોકરાએ મને બોલિંગમાં ગૂંચવી દીધો હતો.શેન વોર્ને કહેલું કે સ્વપ્નાં પણ સચિન મારી બોલિંગ ઝૂડતો હોય તેવા આવતાંઆમાં સચિનની ખૂબી અને વોર્નની ખેલદિલી પણ ખરી.

વર્લ્ડ-કપમાં શોએબ અખ્તરને સચિને બરાબર ઝૂડયો હતો. તમામ ભારતીયો ત્યારે ઝૂમી ઊઠયા હતા.

આને તમે ભારતરત્ન આપો તો ભારતરત્ન ઉજળો થાય.

ગૂગલી : હમણાં તમારી ઉપર મિસ કોલ કોનો હતો?’ ‘મિસીસ નો

ઘર-સાળો

આપણાં ફિલ્મી ગીતોમાં ગજબની વાત ઘણી વાર હોય છે. દાખલા તરીકે રાજા મહેંદીઅલીની પંક્તિ ઘર કો નીકલે થે ખુશી કિ તલાશ મેં મગર ગમ રાહ દેખે હી ખડા થા રાસ્તેમેં કિ સાથ ચલ પડાતમે તો ખુશીની તલાશમાં નીકળ્યા હો પણ તકલીફો તમારા આવવાની જ રાહ જોતી હોય છે. પણ ક્યારેક ક્યારેક કવિને શું અભિપ્રેત છે તે ખ્યાલ નથી આવતો. એક ફિલ્મમાં હીરો તેની બહેનની પ્રશસ્તિમાં કહે છે, ‘એક હજારો મેં મેરી બેહના હૈસારી વાત લાગે. હજ્જારોમાં એકાદ આવી કોઈ બહેન હોય. પણ પછી હીરો ગાય છે સારી ઉંમર હમેં સંગ રહેના હૈયે બાત કુછ હજમ નહીં હૂઈ કેમ ભાઈ સારી ઉંમર તમારે બેનની સાથે જ રહેવું છે, એટલે શું? કેમ તમારે બહેનને પરણાવવાની નથી? બેનને વળાવવાની નથી? બેન એના સાસરે, તેના ઘેર નહીં જાય? તમારી બેન દાળ સરસ બનાવતી હોય એવું બને પણ એટલા જ ખાતર સારી ઉંમર તેની દાળ ખાવા માટે કુંવારી રાખવાની? સારી ઉંમર સાથે રાખવાની બીજી શું મતલબ હીરોભાઈ?

બીજી એક ફોર્મ્યુલા હીરોના મનમાં હોઈ શકે કે બેનને તો પરણાવીશું પણ બનેવીને આપણે ઘેર જ રાખીશું. તો બેનને જરૃર કહી શકાય કે સારી ઉંમર આપણે સાથે રહીશું!

જો કે હીરોના મનમાં આવો વિચાર હોય તો તે તર્ક ખોટો છે. આમાં વિચારની કચાશ છે, શાણપણનો અભાવ છે? તમે પણ પરણવાના તો ખરા, તમારાં પત્ની તમારે ઘેર આવશે. એને તમારી બેન સાથે સારી જિંદગી રહેવાના વિચાર પસંદ નહીં પડે, કારણ કે તમારી બેન ભલે હોય પણ એની તો એ નણંદ હશે. સારી જિંદગી નણંદ ઘરમાં રહે તે કોઈ મહિલા પસંદ ન કરે. તેની ઇચ્છા હોય કે નણંદનાં લગ્ન થઈ જાય, સાસરે જાય અને નણંદની કટકટ ન રહે. આવામાં તમે બેન માટે ગીત ગાવ કે સારી ઉંમર હમે સંગ રહેના હૈ!તો ગરબડ થઈ જાય.

શક્ય છે કે આ ગીત ગાતા ગાતા તમે પ્લાન ઘડયો હોય કે બેનને પરણાવીશું અને બનેવીને ધરમભાઈ બનાવી આપણા ઘેર રાખીશું. આવું કરો તો કુટુંબમાં ઘણી બબાલ થઈ જાય.

એ ગીતના કવિએ સ્પષ્ટ કર્યું નથી કે હીરો કઈ રીતે પોતાની બેન સાથે આખરી જિંદગી રહેવા માગે છે. કદાચ ફિલ્મના હીરોના મનમાં બીજો પ્લાન હોઈ શકે તેનો વિચાર ઘરસાળાથવાનો હશે. જેમ ઘરજમાઈ હોય તેમ ઘરસાળોપણ હોઈ શકે. આવું બની શકે તો સારી ઉંમર સંગ રહેવાનો નિર્ધાર પાર પડી શકે. જેમ કેટલાંક પુરુષો લગ્ન પછી સાસરે રહી જઈ ઘરજમાઈ બને છે તેમ કોઈ પુરુષ બેનનાં લગ્ન પછી તેના ઘેર રહેવા જાય તો તેને ઘરસાળોકહી શકાય.

મિત્રો, ઘરસાળાનો કન્સેપ્ટઆપણા સમાજ માટે નવો નથી. અજાણ્યો નથી. મહાભારતની કથા યાદ કરો તેમાં શકુનિ ઘરસાળાજ હતા. શકુનિ ધૃતરાષ્ટ્રના સાળા હતા. અને સારી ઉંમર બેનની સાથે જ રહેલા. કદાચ તેમણે પણ આ ફિલ્મના હીરોની જેમ ગાયું હશે કે સારી ઉંમર હમે સંગ રહેના હૈદુર્યોધનના મામા ઘરસાળા હતા મામાશકુનિતરીકે જાણીતા થયેલા.

કેટલાંક વર્ષો પહેલા એક હિન્દી ફિલ્મ ઘરસાળાના કન્સેપ્ટ ઉપર આવેલી. જોરૃ-કા-ભાઈજેમાં બલરાજ સહાની બનેવી હતા અને જોની વોકર સાળો હતો. જે બેનની સાથે સારી જિંદગી રહેવાની માન્યતાવાળો હતો. પરિણામે બલરાજ સહાનીની જિંદગી બદલાઈ જાય છે.

ગૂગલી

શાહરુખ ખાન ગીત ગાતો હશે, ‘આગે આગે મહારાષ્ટ્ર કિ સરકાર યહાં કે હમ હૈ રાજકુમાર

છુટ્ટા નથી

થોડા દિવસ પહેલાં રસ્તા ઉપર છુટ્ટા હાથની મારામારી જોઈ. છુટ્ટા પથ્થરની મારામારી થાય, છુટ્ટા પથ્થર કે ઈંટની પણ મારામારી થાય, ઈગ્લિશ ફિલ્મોમાં કોમેડી સીનમાં છૂટ્ટી ક્રીમ યા ડીશથી પણ મારામારી થાય. પણ કોઈ પોતાનો હાથ કાપીને કાઢીને છુટ્ટો મારતું નથી. છતાં છુટ્ટા હાથની મારામારી થઈ તેમ કહેવાય. એટલે આપણે પણ લખ્યું છુટ્ટા હાથની મારામારી. તપાસ કરી એટલે ખબર પડી કે છુટ્ટા પૈસા નહીં હોવાથી છુટ્ટા હાથની મારામારી થઈ હતી.

બજારમાંથી કેટલીક વાર કેરોસીન ગુમ થઈ જાય છે. કેટલીક વાર ખાંડ ગુમ થઈ જાય છે અને પરચૂરણ ગુમ થઈ જાય છે. ધનની ગેરહાજરી માણસને તકલીફ આપે જ છે... કહેવાય છે પૈસાથી બધા પ્રશ્નો નથી ઉકેલાતા પણ પૈસા ન હોવા એ જ સૌથી મોટો પ્રશ્ન છે. અને કેવળ પૈસાથી જ તે ઉકેલાય છે. ભલે કહેવાતું કે પૈસો એ બધાં દર્દોની દવા નથી, પણ પૈસાનો અભાવ બધાં જ દર્દોનું મૂળ છે. પણ એકલું ધન નહીં પણ જીવન ચલાવવા પરચૂરણ પણ જોઈએ. ખિસ્સામાં સો-સોની નોટો હોય કે દસ દસની નોટો હોય, પણ તમે લાચાર થઈ જાવ છો જ્યારે રીક્ષાવાળો કહે છે ચોવીસ રૃપિયા થયા, ઉપરના ચાર છુટ્ટા જોઈએ. તમે જલદી પહોંચવા રીક્ષા કરી હોય, પછી હાથમાં નોટ લઈ આજુબાજુ છૂટા લેવા દોડાદોડી કરો છો. રીક્ષા મુસાફરીથી બચાવેલો સમય પરચૂરણ શોધવાની કસરતમાં વપરાઈ જાય છે.

પરચૂરણની અવેજીમાં કેટલાંક વેપારીઓ પિપરમીન્ટ કે ચોકલેટ આપે છે. એક ભાઈ દવાની દુકાને ગયા. તેમણે પ્રિસ્ક્રિપ્શન આપ્યું. કેમિસ્ટે બત્રીસની દવા આપી અને પાંત્રીસ રૃપિયા જે ગ્રાહકે આપ્યા હતા તેને દવા સાથે છ ચોકલેટો આપી. ત્રણ રૃપિયાને બદલે છ ચોકલેટ. (એક ચોકલેટ=૫૦ પૈસા) ગ્રાહકે પૂછયું, ‘શું ડોક્ટરે ચોકલેટો પણ લખી છે? અને ચોકલેટ સવાર સાંજ એક એક વાર લેવાની કે રોજ એક વાર?’ પછી તો ગ્રાહક સાથે મગજમારી થઈ. એટલે ગ્રાહક છેવટે ચોકલેટની જગ્યાએ માથાની દવા લઈને ઘેર ગયો.

એ દવાના વ્યાપારીએ દવાની સાથોસાથ પરચૂરણના અભાવે છુટ્ટા પૈસાના પર્યાય તરીકે ચોકલેટો આપવા માંડી. એ વેપારી પરચૂરણની તંગીથી રાજી છે. એનું કહેવું છે આ ચોકલેટ મને વીસ પૈસાની પડે છે. પચાસ પૈસા તરીકે ગ્રાહકને પરચૂરણ તરીકે આપું છું. (પધરાવું છું એ સાચો શબ્દ) કેટલા ટકા નફો થયો? સો ટકા કરતાં પણ વધુ. આટલો નફો તો મને દવાના વેપારમાં પણ નથી થતો!

જય-મા-તંગી. (પરચૂરણની)

બસોમાં કંડક્ટર અને મુસાફરો વચ્ચે પણ પરચૂરણ અંગે ઝઘડા થાય છે. કેટલાંક અકળાયેલા મુસાફરો આક્ષેપ કરે છે કે આ બધું પરચૂરણ જાય છે ક્યાં? આ કંડક્ટરો પરચૂરણ વેચી મારે છે!

શાકવાળા પાસે રૃપિયાની કોથમીર માગો તો કહે, ‘રૃપિયો છુટ્ટો લાવ્યા છો?’ (નહીંતર-ચાલતી પકડો) આજે ઘણાં ઘરોમાં દાળ-શાકમાં ક્યારેય કોથમીર જોવા ન મળે તો તેનું કારણ આ છૂટા પૈસાની રામાયણ.

છૂટા પૈસાની રામાયણમાં કેટલીક જગ્યાએ મહાભારત પણ થાય છે. મારામારીઓ પણ થાય છે. તેને કારણે હાડવૈદો કે ઓર્થોપેડિક-સર્જનને ક્યારેક લાભ મળે છે. તો કેટલાંકમાં સામાન્ય પાટાપિંડીના કિસ્સાથી પતે છે. પણ એ રીતે પરચૂરણની તંગી મેડિકલ ક્ષેત્રના વિકાસમાં ફાળો આપે છે.

કેટલાક વેપારીઓ કકળાટથી દૂર રહેવા મંદિરના પૂજારીઓ પાસેથી પાંચ ટકાના વટાવથી પરચૂરણ મેળવી લે છે. અત્યાર સુધી પૂજારીઓ જપ-વિધિ જેવાં કામોમાં જ કંઈક મેળવતા, પણ હવે પરચૂરણની તંગીથી તેઓને પણ આવકનું એક નવું સાધન મળ્યું છે. આ આપણી અર્થવ્યવસ્થા નામના ગ્રહની તેમના ઉપર થયેલી કૃપા ગણી શકાય.

ગૂગલી

માય નેઈમ ઈઝ ખાનની રજૂઆત મોકૂફ રહી. - સમાચાર

માય નેઈમ ઈઝ ઠાકરેવધારે વજનદાર નીકળ્યું...

કાલે કેમેરા સે ડરીઓ

પહેલાંના જમાનામાં જ્યારે જુઠ્ઠાણું પકડવાનાં યંત્ર ન હતાં, ‘લાઈ-ડીટેક્ટરન હતા. ત્યારે જુઠ્ઠાણું કઈ રીતે પકડવું? એ પ્રશ્ન હતો. કેટલાંક માણસો જુઠ્ઠાણું પકડવા માટે કાગડા ઉપર આધાર રાખતા હતા. એ લોકો માનતા કે કાગડો એને કરડે જે જૂઠ્ઠો છે. એક કવિએ લખી પણ નાંખ્યું કે જૂઠ બોલે કૌઆ કાટે કાલે કૌએ સે ડરીઓકવિએ ચેતવણી આપી કે તમે જૂઠું બોલશો તો કાળો કાગડો તમને કરડશે. કવિએ કાળો કાગડો કેમ કહ્યું? કાગડા તો કાળા જ હોય ને કાશીમાં પણ કાગડા સફેદ નથી. કવિને એમ કહેવાનું હશે કે કાળો કાગડો તમારું સફેદ જૂઠ પકડી પાડશે. આ ઉક્તિ પ્રમાણે જે વ્યક્તિને કાગડો ચાંચ મારે તે વ્યક્તિ જૂઠી છે લાયરછે. એક આડવાત સિંધી ઉચ્ચાર પ્રમાણે લોયર’ (વકીલ)નો ઉચ્ચાર લાયર થાય છે. એક સિંધી ગૃહસ્થ વકીલ હતા. મારી પાસે આવીને કહ્યું, ‘મૈં લાયર હુંપોતે જૂઠ્ઠુો છે. એવું આટલી સ્વસ્થતાથી કહેતા એ માણસની નિખાલસતા માટે માન થયું. પછી ખબર પડી કે એ લાયર છે એમ કહે છે એટલે કે તે લોયરછે એમ કહેતો હતો. સિંદબાદ કહે છે કે આમેય એકનું એક જ કહેવાય. લોયર કહો કે લાયર કહો, નામ રૃપ જૂજવાં બાકી તો બધંુ હેમનું હેમ જ ગણાય.

સચ અને જૂઠ પારખવા માટે કાગડા ઉપર આધાર રાખવાની તરફેણ કોર્ટો કરતી નથી. કોઈ કોર્ટે કાગડો શું કહે છે કે કોને ચાંચ મારે છે. તેની ઝંઝટમાં પડતી નથી. એટલે કાલા કૌઆ સચ-જૂઠ નક્કી કરવા માટે કામના નથી. કૌઆ કવિને કામના હશે પણ કોર્ટોને કામના નથી.

પણ કાળા કૌઆને જે કામ કરવાનું હતું કે તે કામ કાળા કેમેરા ખૂબીપૂર્વક કરે છે. કોર્ટો ભલે કાળા કૌઆનું ન માનતી હોય પણ કાળા કેમેરાનું માને છે.

જેને સ્ટિંગ ઓપરેશનકહેવાય છે જેમાં કાળા કેમેરા ઘણાં મોટા માણસોનાં કાળાં કામ છતાં કરી દે છે.

આપણે હમણાંનો જ એક દાખલો લઈએ. પાકિસ્તાની ક્રિકેટર શાહીદ આફ્રિદી કાળા કેમેરાની ઝપટમાં આવી ગયો અને છાપે ચડી ગયો છે. બોલ ટેમ્પરિંગજેને બોલ સાથે ચેડાં કહેવાય એ કૃત્ય કરતા આફ્રિદીભાઈ કેમેરામાં ઝડપાઈ ગયા છે. ટીવી ઉપર બતાવ્યું કે આફ્રિદી બોલને દાંત વડે કોતરતો હતો. છતાં આફ્રિદીએ પોતાનો બચાવ ચાલુ રાખેલો. કહેવત છે કે મિયાં પડયા પણ તંગડી ઊંચીઆ કિસ્સામાં પણ મિયાં ઝડપાયા પણ તંગડી ઊંચી રાખતા હતા. એ તો હું બોલને ચાવવાની કોશિશ કરતો હતો. અલ્યા ભૈ, આ બોલ હતો કે બટાકાવડંુ! બટાકાવડંુ હોય એમ બોલને ભચડવાની કોશિશ કરતા ઝડપાઈ ગયો હતો. હવે ટેક્નોલોજી એટલી બધી વિકસી ગઈ છે કે આવી હરકતો છાની રહેતી નથી, મેદાનમાં ચારે બાજુ કેમેરા લાગેલા હોય છે. ગમે તે બાજુના કેમેરાથી તમારી બદમાશી પકડાઇ જાય છે. આફ્રિદીને બે મેચ માટે સસ્પેન્સ કર્યો છે. છગન કહે છે કે આ સસ્પેન્સનના પિરિયડમાં જે સમય તેને મળ્યો તે ગાળામાં કેમેરાઓથી કેમ બચવું? અથવા કેમેરો હોવા છતાં બોલ સાથે ચેડાં કઈ રીતે થઈ શકે તેની તાલીમ તે લેશે.

ચેડાં બધા જ ખેલાડી કરે છે, ‘છોટે મિયાં તો છોટે મિયાં બડે મિયાં સૂભાનઅલ્લાહબડે મિયાં પણ કોરસમાં જોડાઈ ગયા.

આ તો એવું છે કે પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જનાર વિદ્યાર્થી એમ કહે છે કે પરીક્ષામાં ચોરી તો બધા જ કરે છેશું એટલે એને છોડી દેવાનો?

જાવેદ મિયાંદાદના વખતમાં જો કેમેરાઓ આટલા એક્ટિવ હોત તો જાવેદની ઘણી બદમાશીઓ બહાર પડત. જો કે જાવેદની બદમાશી ઘણું ખરું શાબ્દિક જ હતી.

ક્રિકેટમાં ફક્ત બોલ જ નહીં કેમેરો પણ તમારું માથું ભાંગી શકે છે. સાવધાન...

ગૂગલી

વહાણ ડૂબી ગયા પછી બધા લોકો જાણતા હોય છે કે તેને કઈ રીતે બચાવી શકાયું હોત.

- ઈટાલિયન કહેવત

યુનિ.માં સુંદરકાંડ

ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં સુંદરકાંડના પાઠનું આયોજન થશે તેવા સમાચાર પ્રગટ થતાં જ ઘણા લોકો ઉછળ્યા છે.

સુંદરકાંડ વિશે એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે રોજ છાપામાં તેનો ઉલ્લેખ હોય છે. શહેરના કોઇ સ્થળે સુંદરકાંડ હોય જ અને તેની વિગત છાપામાં હોય.

એવું કહેવાય છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી સાંસારિક ઉપાધિઓ ટળે છે. આમજનતામાં તેનો ભારે મહિમા છે. સુંદર અવાજના એક માલિકે, ગાયકે સુંદર અવાજે સુંદરકાંડ ઠેરઠેર ગાયો, તેના કારણે જ તે સુંદર બંગલાના માલિક થયા છે.

કહેવાય છે કે સુંદરકાંડના પાઠથી નડતા ગ્રહોની શાંતિ થાય છે. સુંદરકાંડમાં સુંદર રામ, સુંદર સીતા બધી જ સુંદર વાતો છે. એના પાઠથી વિઘ્નો દૂર થાય છે. પણ આ સુંદરકાંડના કારણે ગુજરાત યુનિ.ના વાઇસ ચેરમેન પરિમલ ત્રિવેદી વિવાદમાં સપડાયા છે. યુનિ.ના વિસ્તારમાં સુંદરપાઠ થશે તે ખબર ફેલાતા બુદ્ધિજીવીઓ ઉશ્કેરાયા છે. એ લોકોને પરિમલ ત્રિવેદીમાં કોમવાદની દુર્ગંધ અનુભવાય છે.

યુનિ.માં સુંદરકાંડનો પાઠ? બિલકુલ ન ચાલે એવું એ હડહડતા સેક્યુલારિસ્ટો માને છે. શું થશે ભારત દેશની બિનસાંપ્રદાયિકતાનું જો શિક્ષણસંસ્થાઓમાં સુંદરકાંડ થશે તો? બુદ્ધિજીવીઓએ કાગારોળ મચાવી છે. શિક્ષણસંસ્થામાં રામનું નામ? એ લોકોને શંકા છે. શિક્ષણસંસ્થાઓમાં સુંદરકાંડ થશે તો શિક્ષણનો રામબોલોથઇ જશે.

એક એવો કાનૂન છે (કાગળ ઉપર તો છે જ ) કે શિક્ષણસંસ્થાની નજીક ગુટકા-તમાકુનું વેચાણ ન થઇ શકે. હવે સેક્યુલારિસ્ટો માંગણી કરશે કે શિક્ષણસંસ્થાની નજીક સુંદરકાંડનો પાઠ ન જોઇએ. ગુટકા-તમાકુથી કમ નુકશાનકારક એ નથી. એવી પણ માંગણી થશે કે સુંદરકાંડના પહેલા પાના ઉપર જ કાનૂની ચેતવણી છાપવામાં આવે કે, ‘સુંદરકાંડનો પાઠ શિક્ષણસંસ્થાઓ માટે હિતકારી નથી.

ગુજ. યુનિવર્સિટીમાં થનાર સુંદરકાંડના પાઠ સામે કોઇ વિરોધી હાઈકોર્ટમાં મનાઇહુકમ મેળવવા પણ જાય. શક્ય છે તે વખતે હાઈકોર્ટના મેદાનમાં સુંદરકાંડનો પાઠ ચાલતો હોય. છગન કહેતો હતો કે સુંદરકાંડ સામે બિનસાંપ્રદાયિકતાનો ઉકળાટ આઠ રિક્ટર સ્કેલનો ગણી શકાય.

કેટલાંક વરસો અગાઉ બિનસાંપ્રદાયિકોની અડફેટે બાળવર્ગમાં શિખવાડાતો કક્કો ચડી ગયો હતો. કક્કામાં ગણપતિનો એમ લખ્યું હતું ત્યારે હડહડતા બિનસાંપ્રદાયિકોને આ કક્કામાં ભારતની બિનસાંપ્રદાયિક્તા ઉપર સંકટ તોળાતું દેખાયું હતું. કક્કામાં હિંદુ દેવતા દેખાયા એ બિનસાંપ્રદાયિક્તા ઉપરનો ખતરો એ લોકોને જણાયો હતો. ઠેરઠેરથી વિરોધ કરવામાં આવ્યો. ગણપતિનો કક્કામાંથી દૂર કરો તેવા નારા ચલાવાયા. જેમની કમરને વાંકા વળવામાં મુશ્કેલી નથી તેવા શાસકો ઝૂકી ગયા. કક્કામાંથી ગણપતિનો દૂર કરવામાં આવ્યો અને ત્યાર પછી ની ઓળખ માટે ગધેડાનો એવું કક્કામાં લખવામાં આવ્યું. ગણપતિની જગ્યાએ ગધેડો આવી ગયો. કક્કામાં લખવામાં આવ્યું. ગધેડાનો બિનસાંપ્રદાયિકોને ગણપતિ સામે વાંધો હતો ગધેડા સામે નહીં. (ગધે કહીં કે) બિનસાંપ્રદાયિકતા કોને કહેવાય? કેટલાંક વરસો પહેલાં પ્રમુખસ્વામી મહારાજના આદેશથી મેમનગર પાસે એક સંમેલન યોજવામાં આવેલું તેમાં દરેક સંપ્રદાયના પ્રતિનિધિઓને પોતાના સંપ્રદાયની વાત કરવા માટે આમંત્રવામાં આવ્યા હતા. જેમાં પારસી, ખ્રિસ્તી બધા ધર્મના ગુરુઓ ઉપસ્થિત હતા. સિંદબાદ કહે છે બિનસાંપ્રદાયિકતા આ કહેવાય. પણ ગણપતિની જગ્યાએ જેમને ગધેડાનો જ આગ્રહ હોય એમને આ વાત ક્યાંથી સમજાય?

ગૂગલી : ધેર ઇઝ સમથિંગ ઇન સરનેઇમએમ લાગે છે, ગૌતમ ગંભીર બેટિંગની બાબતમાં ઘણો ગંભીર છે.

એક આપઘાતિયો. એક ભાગીયો.

એક જમાનામાં રમખાણ સમયે છાપામાં પહેલે પાને સ્કોર પ્રગટ થતા આજે આટલી છૂરાબાજી થઈ કે ગોળીબાર થયા. આટલા મર્યા તેટલા ઘાયલ થયા.

હવે પરીક્ષાના સમયે આ વાતનું પુનરાવર્તન થાય તેવું બન્યું છે. આજે બારમાની પરીક્ષા હતી. ચાર વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. બે વિદ્યાર્થીઓએ સ્કૂલ યુનિફોર્મની ટાઈથી ફાંસો ખાઈ લીધો અને બે વિદ્યાર્થીઓએ રાજ્યની જીવાદોરી ગણાયેલ નર્મદા નહેરમાં પડી પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી. આ પ્રકારના વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોના સમાચાર છપાઈ ગયા કેટલાંક વિદ્યાર્થીઓને ભણતર લાંબંુ લાગે છે અને જીવન ટૂંકાવી દે છે. આ પરીક્ષાઓના કારણે કેટલાંક બારમાના વિદ્યાર્થીઓનાં બારમા થવા માંડયાં છે.

કેટલાંક ખૂન ચાકુથી થાય છે. કેટલાંક પિસ્તોલથી થાય છે. આજના કેટલાંક વિદ્યાર્થીઓનાં ખૂન ગણિત નામના હથિયારથી થાય છે. કેટલાંકનાં ખૂન વિજ્ઞાાન વિષય નામની પિસ્તોલથી થાય છે. કેટલાંકનાં ખૂન માટે અંગ્રેજી વિષયનું શસ્ત્ર પણ વપરાય છે. આ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો તેમ કહેવાય છે પણ ખરેખર તે કેળવણીપદ્ધતિ દ્વારા થયેલાં ખૂન ગણાય.

ભાવનગરના એક સજ્જન કહે છે આને 'આવતી ધાડે ઝેર' એમ કહેવાય. એક ગામમાં સમાચાર આવ્યા કે ધાડપાડુ આવી ગયા છે. આ સમાચાર સાંભળતા જ ગાંડાલાલ ગભરાઈ ગયા. ધાડપાડુ આવી જશે તો હવે શું થશે! એ લોકો શું કરશે? મને મારી નાંખશે? એની કલ્પનાથી જ ગાંડાલાલ ગભરાયા. કરે તો ભી ક્યા કરે? એવા વિચાર ગાંડાલાલને આવવા લાગ્યા. એમણે ગભરાઈને ઝેર પી લીધું! ગાંડાલાલ એમનું નામ અને વિશેષણ બંને થઈ ગયાં. એ ભયથી કે ધાડપાડુ આવી જાય તો કોઈ તકલીફ ન પડે. આપઘાત કરનારા વિદ્યાર્થીઓ પણ ગ્રામવાસી ગાંડાલાલ જેવું જ ગાંડપણ ધરાવે છે. ધાડપાડુ આવશે તો શું થશે એ ભયે એ લોકો આપઘાત કરી લે છે. આવતી ધાડે ઝેર ખાનારા એ લોકો પણ છે.

મહેશ અને રમેશ બંને એક શાળામાં ભણે. મહેશ વધુ ભણે, રમેશ ભણે પણ ખરો ન પણ ભણે. પણ બંને જણા પરીક્ષાથી ફફડે. પરીક્ષાથી ફફડે અને પિતાથી પણ ફફડે. રમેશ-મહેશના પિતાઓ શાળાની પરીક્ષાના પરિણામથી અકળાયા. આવા માર્ક? તેમને આશ્ચર્ય થાય. મોંઘીદાટ ફી અને ટયૂશન છતાં આ લોકોના ભણતરમાં કોઈ ભઠિયો નથી તેનો વલોપાત બંનેના પિતાજીઓ કરતા હતા! અલ્યા, નપાવટો જોઈ આવો ગામનાં છોકરાંઓ, કેવાં કેવાં પરિણામ લાવે છે! અને તમે પરીક્ષામાં ઉકાળો છો અને પૈસા ડુબાડો છો.

મહેશ-રમેશ સમસમી જતા એ લોકોને મનમાં આવતું પણ બોલી શકતા ન હતા કે 'જોઈ આવો ગામના પપ્પાઓ.'

મહેશ... રમેશ બંને જણા પિતૃત્રાસથી કંટાળી ગયા હતા. અને રાજ્યની જીવાદોરી નર્મદાની નહેરમાં પોતાની જીવાદોરી ટૂંકાવવા પહોંચી ગયા. કોઈક જ્યોતિષીએ પણ તેમને કહેલું કે તમારા હાથમાં વિદ્યાની રેખા નથી. યુગો પહેલાં વ્યાકરણી પાણિનિને જ્યોતિષીએ કહ્યું હતું કે તારા હાથમાં વિદ્યાની રેખા નથી, ત્યારે પાણિનિએ છરીથી આપઘાત કરવાને બદલે પેલા જ્યોતિષીને કહ્યું, 'જુઓ મારા હાથમાં હું વિદ્યારેખા બનાવી રહ્યો છું.' પાણિનિએ આપઘાત કર્યો હોત તો દેશને એક વિદ્વાન ન મળત. પણ તે 'ઈડીયટ' ન હતો.

મહેશ-રમેશને એક સલાહકાર સજ્જન મળી ગયા. એણે બંનેને સમજાવ્યું કે પપ્પાઓ તો ઈડીયટ જ હોય પણ તમારે ઈડીયટ બનવાની જરૃર નથી. હા, બેસણાની જાહેરખબર અખબારવાળા સસ્તામાં છાપે છે, પણ મિત્રો, જીવન સસ્તું નથી. સરકારે જમીન હરિયાળી બનાવવા આ નહેર અહીંયાં લાવી છે. તેનો ઉપયોગ તમારું જીવન ઉજાડવા કરશો? બંને કામચલાઉ ઈડિયટોની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. આજે બંને જણ ખાઈ પીને મજા કરે છે.

મહિલાવિરોધી IPL

આધુનિક કકળાટ સંગીત અંગે વર્ષો પહેલાં એક સંગીતરચના શંકર-જયકિશનની યાદ આવે છે.

યાર મેરે મત બૂરા માનના યે ગાતા હૈ ન બજાતા હૈ.

આ સંગીત નહીં પણ ધમાલ છે. એવો સૂર હતો. એ જ પ્રમાણે આઈ.પી.એલ. ક્રિકેટ માટે કહી શકાય યાર મેરે મત બૂરા માનના યે ખેલ નહીં ખિલવાડ હૈ

આઈ.પી.એલ. રમત (સ્પોર્ટ) નથી. પણ વેપાર છે.

સામાન્ય માણસોને તો રવિવર્મા કે રવિશંકરજીનાં ચિત્રો ગમે. પિકાસો એમને ગળે ન ઊતરે. ખુદ પિકાસોએ છેલ્લે બાજી ફીટાઉંસકરતાં કહ્યું હતું કે, મોડર્ન આર્ટ એ ધતિંગ હતું. આઈ.પી.એલ. ક્રિકેટ પણ આધુનિક આર્ટ જેવું છે. એને પણ તમે ધતિંગ-ક્રિકેટ કહી શકો. આઈ.પી.એલ.ના મહારથીઓ પણ ક્રિકેટના પિકાસો છે. એ લોકોએ ક્રિકેટની બહેનનાં લગ્ન કરી નાંખ્યાં છે.

કહેવાયું કે, આઈ.પી.એલ.ની શરૃઆત જ કકળાટથી થઈ છે. શાહરુખ ખાને પાકિસ્તાની ક્રિકેટરોને તક ન મળી તે માટે કોમેન્ટ કરી અને થઈ બબાલ. પ્રથમ ગ્રાસે મક્ષિકા - પહેલે કોળિયે જ માખી એમ પણ ન કહી શકાય. થાળી પીરસતા પહેલાં જ પાકિસ્તાની ક્રિકેટરોને ખોટું લાગ્યું કે અમારી કોઈએ બોલી જ ન બોલી. વૌઠાના મેળામાં ગધેડાંઓની બોલી બોલાય પણ પાક. ક્રિકેટરોની બોલી ન બોલાઈ. જો કે શાહરુખ ખાનની ટીમે પણ પાકિસ્તાની ખેલાડીઓનો ભાવ પૂછયો ન હતો. છતાં પાક. ખેલાડીઓની થયેલી અવજ્ઞા|ની ટીકા કરેલી.

આ જ શાહરુખ ખાને કલકત્તાની ટોડી બ્રધર્સની જાહેરાતનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો, કારણ કે રીઝવાન નામના યુવકના મરણ માટે કેટલાક લોકો ટોડી-બ્રધર્સ ઉપર શંકા રાખતા હતા. બાદશાહે કહેલું, ‘રીઝવાન કુટુંબની લાગણીનો ખ્યાલ રાખી મેં કોન્ટ્રેક્ટ રદ કર્યો.અત્યારે કાશ્મીરમાંથી અવાનવાર શબપેટીઓઆવે છે જેમાં લશ્કરી અધિકારીઓનાં શબ હોય છે. આમાં પાકિસ્તાનનો હાથ અને મગજ બંને છે. એક કુટુંબની લાગણી ખ્યાલમાં લઈ તમે જાહેરાતનો કરાર રદ કરો છો, તો આ દેશનાં કરોડો કુટુંબની લાગણીનો ખ્યાલ નહીં કરવાનો?

આ પ્રારંભિક કકળાટ પછી આઈ.પી.એલ. સામે હવે મહિલાઓ મેદાને પડી છે. સંભલ જાઓ ઓ આઈપીએલ વાલો...

મહિલા-મનોરંજકસીરિયલો માટે આઈપીએલની મેચો વિલન બની છે. મહિલાઓ આ બધી સીરિયલો જોવા માટે આતુર હોય છે પણ આઈ.પી.એલ.ના કારણે પુરુષવર્ગ તેમના સુધી રિમોટ પહોંચવા દેતો નથી. સવાલ થાય છે શું એકવીસમી સદીમાં પણ મહિલાઓનું શોષણ થતું જ રહેશે?

મહિલા-મંડળો કેમ ચૂપ છે? મહિલા-અનામત સીટો માટે લડનારી મહિલાઓ ગૃહિણી એટલે ઘર સંભાળનાર (હોમ-મેકર) સ્ત્રીઓ માટે કેમ કંઈ કરતી નથી. આઈપીએલની મેચોએ તેમની સીરિયલો જોવાની આઝાદી પુરુષ-પ્રધાન સમાજમાં શહીદ થઈ ગઈ છે. શું આ ગૃહિણીઓએ કેવળ કિચનમાં કાંદા સમારતા જ આંસુ વહાવવાનાં? સીરિયલની દર્દનાક ઘટનાઓથી તેમને આંસુ વહાવવાની તક જતી રહી છે.

એક મહિલાએ લખ્યું છે. તેમના પતિ મેચ જોવા બેસી જાય છે. સસરા બેસી જાય છે અને સસરાના પિતા-પતિના દાદા પણ મેચ જોવા બેસે છે. જોતાં જોતાં બૂમ-બરાડા કરે છે. જમવા પણ નથી આવતા. મહિલાઓની દર્દકથા વાંચતા લાગ્યું કે મહિલાઓને અનામત આપવા કરતાં ટીવી જોવાના કલાકની અનામત ફાળવી આપો. જેમ અમુક વિસ્તારમાં કેવળ મહિલા જ ઉમેદવારી કરી શકે તેમ અમુક કલાકોમાં કેવળ મહિલાઓ જ ટીવી જોઈ શકે જરૃરત આની છે, લોકસભામાં મહિલા અનામતની નહીં લાલુપ્રસાદ યાદવ આ વાત સાથે સંમત થશે...

ગૂગલી

આઈપીએલ મેચમાં સેહવાગ આઉટ થયો ત્યારે તેંડુલકર અને હરભજન તાળીઓ પાડી ખુશ થતા હતા.

આ એવું લાગે કે દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હોય અને પાંડવો દાદ આપતા હોય.

‘ઠાકોરજી મારે પદ્મશ્રી નથી થાવું’

ઠીક ઠીક લાંબી લાઈન હતી.

ઘણા પ્રભાવશાળી ચહેરા દેખાતા હતા. પૂછવામાં આવ્યું કે આ લાઈન શાની છે?’

આ લાઈન પદ્મશ્રીની છે?’

પદ્મશ્રીની લાઈન? શું પદ્મશ્રી માટે લાઈનમાં ઊભા રહેવાનું હોય છે?’

ના ના, પદ્મશ્રી લેવા માંગતા લોકોની આ લાઈન નથી.

તો શેની લાઈન છે? તમે તો કહો છો પદ્મશ્રી માટેની લાઈન છે...

છે પદ્મશ્રીની જ લાઈન, આ લાઈનમાં ઊભા છે તે બધા જ પદ્મશ્રીઓ છે.

તો એ લોકો શા માટે લાઈનમાં ઊભા છે?’

એ લોકો પદ્મશ્રી પરત કરવા માટે આવ્યા છે. તેની એ લાઈન છે.

પદ્મશ્રી પાછો આપવા આવ્યા છે,? કેમ કેમ?’

સૈફ અલી ખાનને પદ્મશ્રી અપાયો. એટલે આ બધા પોતાને મળેલા પદ્મશ્રી પરત કરવા આવ્યા છે.

એમ?’

હા, હાલના કેટલાક પદ્મશ્રીધારકોને થયું છે કે હવે પદ્મશ્રીનું અવમૂલ્યન થઈ રહ્યું છે.

ઓહ!

થાય જ ને કોઈ ટૂનટૂનને મિસ ઈન્ડિયાનો ખિતાબ મળી જાય તો ભૂતકાળની મિસ ઈન્ડિયા થયેલીઓને આઘાત લાગે ને! કે અમે આની હરોળમાં હવે ગણાઈશું!

શિરીષ કાણેકરે મશહૂર અને મજબૂત (બધા મશહૂર અને મજબૂત નથી હોતા) સંગીતકાર મદનમોહન વિશે લખ્યું હતું કે આવા દિગ્ગજને સરકારે પદ્મશ્રી નહોતો આપ્યો. આવું લખ્યા પછી કાણેકરે ઉમેર્યું કે, સારું થયું મહેન્દ્ર કપૂર અને સુનીલ દત્તને પદ્મશ્રી મળ્યા પછી મદનમોહનને ન મળે તે જ સારું ગણાય.

કેટલાંક વેપારી બે જાતના ચોપડા રાખે છે. એક નંબરના અને બે નંબરના. તે જ રીતે ઉપરના સત્તાધીશો બે જાતની બુક્સ રાખે છે. ગુડબુક્સઅને બેડબુક્સતેમાં તેમની ગુડબુક્સમાં હોવ તો એવોર્ડ મળવાની શક્યતા વધે છે અને જો તમે તેમની બેડબુક્સમાં હોવ તો પદ્મશ્રી ક્યારેય પણ, ક્યારેય પણ ન મળે.

હાસ્યકાર પ્રબોધ જોશીએ (પત્તાની જોડનાટકના લેખક) એક જગ્યાએ લખ્યું હતું. જે પુસ્તકને વિવેચકો વખાણે છે તે લોકો વાંચતા નથી. અને જે પુસ્તકને વિવેચકો તેમજ લોકો કોઈ વખાણતા નથી તેને એવોર્ડ મળી જાય છે. પદ્મ એવોર્ડ ક્યારેક છદ્મ એવોર્ડ બની જાય છે.

ગીતને મશહૂર કરે છે એક્ટર પણ પડદા ઉપરની તેની એક્ટિંગથી ગીતકારનું ખાસ મહત્ત્વ નથીઆમીર ખાને આવું કંઈક વિધાન હમણાં કર્યું.તેનાથી ગણગણાટ થયો છે. વાતમાં કંઈક તથ્ય લાગે છે, જોઈએ આતી ક્યાં ખંડાલા?’ આ ગીત આખા દેશમાં મશહૂર થઈ ગયું હતું. એ મશહૂર શાથી થયું? ગીતકારને કારણે કે એક આમીર ખાનના કારણે? લોકોને ગીતકારનું નામ પણ યાદ નથી, પણ યાદ છે ગીતમાં રૃમાલ ફેરવી સ્ટાઈલ મારતો આમીર ખાન. સામે દેખાતા આમીર ખાને ગીતને મશહૂર કરેલું. પોતાની અદાથી ગીતકારના તેમાં કેટલા ટકા? એ ગીતમાં ખંડાલાની જગ્યાએ ચંડોળા પણ લખી શકાય.

આતી ક્યાં ચંડોળા?’તો ફેર ન પડત.

ફેર અદાકારનો છે બાપુ. બાપુ કહેતા ગાંધીબાપુ યાદ આવી ગયા. એ પણ ગજબના અદાકાર! વૈષ્ણવ જન તો તેને કહીએનરસિંહ મહેતાએ લખ્યું હતું. પણ ઊપડયું કોના કારણે? ગાંધીબાપુના કારણે, એટલે સાબિત થઈ જાય છે. ગીતકાર કરતાં અદાકાર પ્રભાવી છે. ઈતિ સિદ્ધમ્.

ગૂગલી

દ. આફ્રિકાના કેપ્ટન સ્મિથે કોમેન્ટ કરતા (વાઈડાઈ કરતા) કહ્યું હતું, ‘ભારતની ટીમ નંબરવન થવા લાયક જ નથીઅને ભારતે સાબિત કરી આપ્યું કે દ. આફ્રિકા બે (૨) માટે જ લાયક છે.

જે કરે ચાકરી તે પામે ભાખરી

એક નિયમ છે કે પ્રાપ્તિ માટે ભક્તિ કરવી પડે.

એક ઓફિસમાં દામજીનું બહુ ચાલે. એની મારફત ઘણાંનાં કામ થઈ શકે. આમ તો એ હેડપ્યુન હતો. પણ રોલો હેડ ઓફ ધ ઓફિસ જેવો. કારણ? કારણ એટલું કે તેના તમામ કાર્યનું ધ્યેય સાહેબને રાજી રાખવાનું હતું. સાહેબને શું ગમશે? એવો ખ્યાલ રાખીને જ કામ કરે એટલે સાહેબ એની પર રાજીરાજી. સાહેબનું શાક-પાંદડું લાવી આપે. સાહેબના છોકરાને સ્કૂલે લેવા જાય, મૂકવા જાય. ઘંટીએ જઈ ઘઉં દળાવી આવે. સાહેબનાં પત્ની પણ દામજીની આ માટે પ્રશંસા કરે. દામજીની યોગ્યતા તેના સાહેબને રાજી રાખવાની શક્તિમાં હતી.

થોડા વખતમાં ઓફિસમાં કામઢા કર્મચારીનો એવોર્ડ દામજીને મળ્યો.

લોકો કહેતા હતા, સાહેબ કેન્દ્ર સરકારમાં મોટા મોટા સત્તાધીશ હોત તો દામજીને પદ્મ એવોર્ડ મળી ગયો હોત.

---

એક દૈનિકે પદ્મ એવોર્ડ કે રિવોર્ડ ગણાય તેવી પોઝિશન કોને મળી તેની વિગત પ્રગટ કરી છે. એ પત્રકારમિત્રનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી સામે જેમણે શસ્ત્રો ફેંક્યાં છે. એ એવોર્ડ - રીવોર્ડ માટે યોગ્યતા ગણાઈ છે. મોદી ઉપર પથ્થર ફેંકનારને હીરા મળ્યા છે. એમ પત્રકાર જણાવે છે. ગુલબર્ગ કાંડ વિશે મોદીની ટીકા કરનાર સુપ્રીમના ભૂતપૂર્વ ન્યાયાધીશને પદ્મ વિભૂષણ અપાયો છે.

પત્રકારમિત્રનું કહેવું છે કે એવું લાગે છે કે મોદીની ટીકા કરો, પ્રહારો કરો અને એવોર્ડ કે ઈનામ લઈ જાવ. એમણે બીજું નામ આપ્યું છે જાવેદ અખ્તર. એ સરળ કવિ એક-દો-તીન જેવાં કેટલાંક વાહિયાત ગીતો એમણે લખ્યાં છે પણ આપોઆપ સારા ગીતો પણ લખ્યાં છે. પણ એમ તો બીજા સરળ ગીતકારો ભારતમાં છે જ પણ જાવેદ સાહેબે ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર વિશે સુપ્રીમમાં રીટ કરેલી તેઓ હવે રાજસભામાં બેસશે. મલ્લિકાબહેન તો નર્મદાનું પાણી પીને મોદી પાછળ પડયાં છે. તેમને પણ પદ્મ મળ્યો છે.

વડોદરામાં બેકરીકાંડને ચલાવનાર તીસ્તા સેતલવાડને પણ પદ્મ પ્રાપ્ત થયો છે.જૈસી જીસ કી ચાકરી ઈતના ઉન કો દેનએવું આમાં લાગે છે.

---

દામજીની જેમ જ શામજી પણ ચાકરીબાજ ધુરંધરોની ચાકરી કરે. કથાને અંતે તો પ્રસાદ આવશે તેવી અપેક્ષા તો હોય ને, શામજીએ ખૂબ મંજીરા વગાડેલા, કરતાલો ખખડાવેલી પણ પ્રસાદ તો મળ્યો. પદ્મરૃપી પ્રસાદની તેને અપેક્ષા હતી, પણ ન મળ્યો, હાય...! દિલ કે અરમા આંસૂઓ મેં બહ ગયે. કેટલાંકને ચાકરીનો બદલો મળે છે. કેટલાંકને નથી પણ મળતો. શામજી કહે છે કે મારો પનો ટૂંકો પડયો.રમેશ પારેખે લખ્યું છે ને તેમગોરમાને પૂજ્યા પાંચે આંગળીએ પણ નાગલા ઓછા પડયા રે લોલ.

છગન કહે છે કે આ બધું વાંચતા એવું લાગે છે કે જેમ આઝાદી પહેલાં સુભાષબાબુએ કહેલું કે, ‘તૂમ મૂઝે ખૂન દો મેં તૂમ્હે આઝાદી દૂંગાતેમ ટોચના આગેવાનો કહેતા હશેતૂમ મોદી કો પથ્થર મારો હમ તૂમ્હે પદ્મ દેંગે.

પદ્મને કમળના અર્થમાં લઈએ તો કમળ તો કાદવમાં જ ઊગે ને!

ગૂગલી

હમણાં જ મહિલા દિન ઉજવાઈ ગયો.

અરે ભાઈ, ત્રણસોએ પાંસઠ દિન મહિલાના જ છે ને એક અલગ શા માટે કરો છો?’ છગને કોમેન્ટ કરી.