‘અગિયાર કરોડ કોને કહેવાય? ‘ સિંદબાદે સવાલ કર્યો. ‘અગિયારની પાછળ સાત મીંડાં લાગે ત્યારે અગિયાર કરોડ થાય છે, પણ તું કેમ મૂંઝાય છે ?’
‘બોસ, મારો ભાઈ વરસે દોઢ લાખ કમાય છે. આટલું ભણ્યા પછી, તેની આ સરેરાશ જોતાં તેની જિંદગીમાં તે ચાલીસ-પચાસ લાખ માંડ કમાઈ શકે, જ્યારે એક હત્યારા આતંકવાદીને સાચવવા અગિયાર કરોડ ખર્ચાઈ ગયા છે!’
સ્વાભાવિક હતું કે સિંદબાદ કસાબની વાત કરી રહ્યો હતો.
‘સિંદબાદ, કસાબને ફાંસી આપ્યા પછી આ ખર્ચ બંધ થઈ જશે.’
‘જોક સારી છે.’
‘તને જોક લાગે છે?’
‘હાસ્તો, હજી તો કેટલી અપીલો થશે અને છેવટે રાષ્ટ્રપતિ મેદાનમાં આવશે.’
‘એટલે?’
‘એટલે કે માર દીયા જાયે કે છોડ દીયા જાયે તે નક્કી કરવા માટે રાષ્ટ્રપતિને દયાની અરજી થશે.’
‘પછી?’
‘રાષ્ટ્રપતિની કુળ રીતી સદા ચલી આઈ, ની રેકર્ડ શરૂ થશે,એ રેકોર્ડ બ્રેક નહીં થાય પણ વાગ્યા જ કરશે. ‘
‘એટલે?’
‘એટલે કે દરમિયાન રાષ્ટ્રપતિઓ બદલાયા કરશે, પણ રાષ્ટ્રની નીતિ નહીં બદલાય, કસાબની ફાંસીની સજા કાયમ રાખવાનું નિમિત્ત કયા રાષ્ટ્રપતિ કે કેટલામા રાષ્ટ્રપતિ બનશે તે નક્કી કરવા ભલભલા જ્યોતિષીઓ પણ પાછા પડે.’
‘ખરેખર?’
‘હા, ‘વક્ત’ ફિલ્મનો સંવાદ હતો કે કપ અને હોઠ વચ્ચે ઘણું અંતર હોય છે આ દરેક ‘વક્ત’માં લાગુ પડે છે એ સંવાદને જરા ફેરવીને કહી શકાય કે ગળા અને ફાંસીના દોરડા વચ્ચે ઘણું અંતર છે.’
‘લાગે છે ખરું.’
‘હા,ગળું પણ છે ફાંસીનું દોરડું પણ છે, પણ તેનો મિલાપ ક્યારે થશે? ફાંસીનું દોરડું કસાબના ગળાને ક્યારે ગળે મળશે તે કોઈ જાને ના.’
આપણા દેશમાં અનેક ટીવી ચેનલો છે. છગનની આગાહી છે કે ‘ચેનલ વન’માંથી કોઈ એકાદ ચેનલ કસાબકથા ઉપર એકાદ વિશેષ કાર્યક્રમ ભવિષ્યમાં રજૂ કરશે.’
‘એ કેવો કાર્યક્રમ હશે?’
‘શરૂમાં બતાવશે કે કસાબને પકડયો ત્યારે તે કેવો લાગતો હતો તેના ક્લિપિંગ રજૂ કરવામાં આવશે. પછી દરેક વર્ષના તેના ફોટા અને ક્લિપિંગ બતાવવામાં આવશે. કોર્ટમાં ચાલતી ટ્રાયલના ફોટા ક્લિપિંગ દેખાડશે.’
‘પછી?’
‘પછી જુદા જુદા રાષ્ટ્રપતિઓના ફોટા હશે જેના ગાળામાં કસાબની દયાની અરજીઓ આવી હશે તે હશે. ૧૯૧૫માં કસાબ કેવો હતો- ૧૯૨૦માં કસાબ કેવો લાગતો હતો. છેવટે એકાદ દિવસે તે કુદરતી મોતે મરી જશે. દિગ્વિજયસિંહ કુળના કોઈ નેતા કહેશે ‘ આ ભારતની લોકશાહી ન્યાય પ્રણાલિકાનો વિજય છે. અમે એમને એમ કસાબને લટકાવી નથી દીધો એને પૂરતી તક બચાવ માટે આપી છે. છેવટે ‘કસાબજી’ કંટાળીને ગુજરી ગયા.
અત્યારે ધોળકામાં મલાવ તળાવ ન્યાયના પ્રતીક તરીકે લોકોને બતાવવામાં આવે છે. ભવિષ્યમાં આર્થર રોડની કોટડી બતાવાશે. જ્યાં ન્યાય સાચવવા સેંકડો માણસને શહીદ કરનાર પાછળ કરોડો રૂપિયા શહીદ થયા મતલબ કે વપરાઈ ગયા.
‘સત્યમેવ જયતે’ની જેમ સૂત્ર પ્રચલિત થશે
‘હણો આતંકવાદને, ન હણો આતંકીને’
ગૂગલી
‘હાથમાં કરોડો રૂપિયા, અને પાછી પત્ની જેલમાં, કનિમોઝીના પતિને અત્યારે જલ્સા જ જલ્સા છે’ અનુપમ ખેરે કહ્યું:
અનુપમ ખેરની પત્નીએ આ જાણ્યું એટલે કહ્યું ‘આવવા દો અનુપમને ઘેર આજે તેની ખેર નથી.’
May 31,2011
No comments:
Post a Comment