Tuesday, May 3, 2011

પ્લેકાર્ડની દુનિયા

અત્યારે મેચનું ટેલિકાસ્ટિંગ થતાં એક નવો રંગ તો ઉમેરાયો છે. દર્શકો પોતાની વાત પોતાની રીતે રજૂ કરવાનો મોકો તેમાંથી ઢૂંઢી લે છે.

કેટલાંક વર્ષ પહેલાં વેસ્ટ ઇન્ડિઝમાં મેચ ચાલતી હતી. ત્યાંના પ્રેક્ષકોમાં હાસ્યરમૂજ ઘણી જણાય છે. એક જાણીતું પોપસોન્ગ છે ‘બી હેપી-બી મેરી’ વેસ્ટ ઇન્ડિઝના એક પ્રેક્ષકે આ ગીતની પેરોડી કરતો હોય તેમ ‘પ્લેકાર્ડ’ બનાવ્યું તેમાં લખ્યું હતું

ડોન્ટ મેરી બી હેપી

યાને કે લગ્ન ન કરો અને આનંદમાં રહો. આ માણસ નરસિંહ મહેતાથી એક કદમ આગળ ગયો. નરસિંહે તો પત્ની મરણ પામી ત્યારે કહેલું : ‘ભલું થયું ભાંગી જંજાળ...’ આ પ્રેક્ષકે તો સેહવાગની જેમ એક સ્ટેપ આગળ જઈ ફટકો માર્યો. લગ્નની જંજાળ જ ઊભી ન કરો અને આનંદમાં રહો. શક્ય છે કે, આ પ્લેકાર્ડ બતાવનાર પ્રેક્ષકને મેચ જોવા આવવા માટે ગૃહમોરચે કકળાટનો સામનો કરવો પડયો હશે. એટલે આ પ્લેકાર્ડ મારફત ઉકળાટ ઠાલવ્યો હશે.

હાસ્યમાં પણ ‘ઇંગ્લિશ હ્યુમર’ તેની વિશેષતા ધરાવે છે. પ્લેકાર્ડ તેની સાબિતી છે.

એક વખત ભારતીય ટીમ સામે (ગાંગુલીના સમયે) ઇંગ્લેન્ડની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. તેના બેટ્સમેન આપણા બોલર સામે ટકી શકતા ન હતા. ત્યારે પ્રેક્ષકમાંથી કોઈએ તીખો વ્યંગ કરતાં ‘પ્લેકાર્ડ’ બતાવ્યું. ‘નોકરી ખાલી છે. ઇંગ્લેન્ડની ટીમમાં બેટ્સમેન માટે.’ મતલબ કે આવા બેટ્સમેન જે છે તે ન ચાલે નવા લાવો. તે વખતે ઇંગ્લેન્ડના વડા પ્રધાન મેજર હતા. ઇંગ્લેન્ડના ધબડકા વખતે દર્શકગણમાંથી એક બોર્ડ દેખાયું : ‘ક્વીન્સ ટીમ ઇન મેજર ટ્રબલ.’

ભારતની છોકરીઓ પણ ‘શરમિંદગી છોડ દી મૈંને’ એવો મૂડ ક્યારેક બતાવે છે. મુંબઈમાં મેચ ચાલતી હતી એક છોકરીએ ‘પ્લેકાર્ડ’ બતાવ્યું. “ઝહિર ખાન, વીલ યુ મેરી મી?’ ક્યા મુઝસે શાદી કરોંગે?” કોઈ શીલાની આ દીવાનગી હશે.

આપણી ટીમ કેટલાંક વર્ષ પહેલાં પાકિસ્તાન રમવા ગઈ હતી. ત્યારે કરાચીના દર્શકોએ ધમાલ કરી હતી અને આપણા સ્ટાર બેટ્સમેન શ્રીકાંત જે બાઉન્ડરી ઉપર ફિલ્ડિંગ ભરી રહ્યા હતા ત્યારે કરાચીના કેટલાંક પ્રેક્ષકોએ હુમલો કર્યો હતો અને તેનું શર્ટ ફાડી નાખ્યું હતું. અત્યારે આપણી ટીમ પાકિસ્તાન જાય તેવી વિચારણા ચાલી રહી છે. અમને પણ આ અંગે એક ‘પ્લેકાર્ડ’ બતાવવાનો તુક્કો સૂઝ્યો છે. અમે જો પાકિસ્તાની દર્શક હોઈએ તો ભારતીય ફિલ્ડરને પ્લેકાર્ડ બતાવીએ “એક્સ્ટ્રા શર્ટ લેકે આયે હો ને?”

યૂસુફ પઠાણે જે રીતે ૩૭ બોલમાં સદી કરી હતી તેમજ લંકામાં જઈ ધમાલ કરી લંકા પાસેથી વિજય ખૂંચવી લીધો હતો, ત્યારે અમે પ્લેકાર્ડ બતાવીએ “આ છે પઠાણી ઉઘરાણી.”

વિવિધ પ્રકારનાં પ્લેકાર્ડ લખાયાં છે, લખી શકાય તેમ પણ છે. વિષય રસપ્રદ છે. વધુ વાતો ક્યારેક...

ગૂગલી

કોઈને લૂંટો નહીં, કોઈને છેતરો નહીં,

સરકાર સાથે શા માટે હરીફાઈ કરવી?

May 03,2011

No comments: