Saturday, May 14, 2011

પાકીટ જડે તો?

‘રીડર્સ ડાયજેસ્ટ’વાળાએ થોડાક સમય પહેલાં એક સર્વે કરેલો. જુદા જુદા દેશના લોકોને પૂછયું, તમને રસ્તામાંથી પાકીટ મળે તો શું કરો?

આ સર્વેમાંથી પ્રેરણા લઈ સિંદબાદે મને પૂછયું, “બોસ, તમને રસ્તામાંથી પાકીટ મળે તો શું કરો?”

“આમ તો રસ્તામાં મારું પાકીટ જવાની ઘટના બની છે, મને પાકીટ મળવાની ઘટના બની નથી. આવી તારા પ્રશ્ન જેવી અવળી ગંગા ક્યારેય થઈ નથી. પાકીટ માટે અમારા નસીબમાં આઉટગોઈંગ જ છે. ઈનકમિંગ નથી એવું અમારા અનુભવથી જાણ્યું છે.”

“ઠીક છે બોસ પણ આ તો ધારવાનું છે, ધારો કે તમને પાકીટ મળે એટલે કે જડે તો શું કરો?”

ડાયજેસ્ટવાળાએ આ સવાલ સિંગાપુર, મલેશિયા, ઈન્ડોનેશિયા તેમજ યુરોપના દેશોમાં પણ પૂછેલો, જે કોઈએ જવાબ આપ્યા તેમાંથી કશું ખાસ ફલિત થતું નથી. હવે સિંદબાદ સર્વે કરી રહ્યો હોય તેમ પૂછતો હતો, “બોસ, તમે શું કરો?”

“સિંદબાદ, મિયાંના પગમાં જૂતાં અને આ બ્રાહ્મણના નસીબમાં પાકીટ જડવા અસંબંધિત બાબતો ગણાઈ છે.”

“આમાં ધારવાનું છે, ધારવામાં શું જાય છે? ગણિતના દાખલાઓમાં આવે છે ને કે ધારો કે છગન પાસે સો રૂપિયા છે, તેમ ગણિતના દાખલાની જેમ ધારી લ્યો.”

“સિંદબાદ, મેં ગણિત છોડી દીધું હતું.”

“સમજ્યો, ભલે ગણિત છોડી દીધું હોય, પણ ધારવાનું ન છોડો. ચાલો ધારો કે રસ્તામાંથી પાકીટ જડે તો શું કરો?”

વાચકમિત્રો, તમે પણ ધારી લો કે તમને રસ્તામાંથી પાકીટ જડે તો શું કરો? ધારવાનો આનંદ લઈ શકાય તેમ છે. પાંચસો પાંચસો કે હજાર હજારની નોટો ભરેલું પાકીટ જડે તો? દિલ કો બહેલાને કે લિયે ખયાલ અચ્છા હૈ. સિંદબાદે ફરી પ્રશ્ન દોહરાવ્યો, “જવાબ આપો શું કરશો?”

“જો મને પાકીટ જડે તો પાકીટ ઉપાડતા પહેલાં હું જોઈ લઉં કે મને પાકીટ મળ્યું છે તે કોણ કોણ જુએ છે?”

“આ જવાબ સ્પષ્ટ નથી લાગતો.”

“સ્પષ્ટ જ છે, પહેલાં એ જોવું પડે કે કોણ જોઈ રહ્યું છે કે રસ્તા ઉપરથી આને પાકિટ મળ્યું છે.”

“કેમ?”

“એમાંથી જ એનો માલિક થતો કોઈ આવે અને કહે લાવો પાકીટ તો મારું છે.”

“હા એ વાત ખરી. જડે તમને અને લઈ જાય કોઈ. કહેવત છે ને ખોદે ઉંદર ભોગવે ભોરીંગ.”

“બરાબર, એટલે ભોરીંગનો ભોગવટો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડે.”

“ઠીક છે, તમને પાકીટ મારતા સોરી પડેલા પાકીટને ઉઠાવતા કોણ કોણ જુએ છે તે જોઈ લ્યો પછી?”

“પછી તીરછી નજરે પાકીટમાં અંદાજે કેટલા પૈસા છે તે જોઈ લઉં.”

“બરોબર પછી?”

“પછી?”

“પછી હું ઈશ્વરનો આભાર માનું...”

“ઈશ્વરનો આભાર! શા માટે ઈશ્વરનો આભાર?”

“મોડે તો મોડે મારી પ્રાર્થના સાંભળવા માટે.”

“શેની પ્રાર્થના, બોસ સમજાય તેવી વાત કરો ને!”

“સિંદબાદ એક વર્ષ પહેલાં મારું પાકીટ ગયું ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરેલી કે હે પ્રભુ મને પાકિટ નહીં તો છેવટે પૈસા પણ અપાવી દો...”

“તો...”

“સિંદબાદ, તને ખબર છે ને કે ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી.”

“એટલે?”

“એટલે પ્રભુએ વરસ પછી પણ મારા ગયેલા પૈસા પણ આપ્યા છે તેમ માનું.”

“પણ તમારા ગયેલા તેટલા જ આ પૈસા હોય ખરા?”

“જો એનાથી ઓછા હોય તો માનું કે ભગવાન મને હવેથી પૈસા પરત મળે તેમ ઇચ્છે છે, પ્રભુની ઇચ્છા માથે ચડાવું.”

“તમારા ગયેલા પૈસા કરતાં વધુ પૈસા હોય તો?” “બને એવું પણ બને. તો માનવાનું કે ભગવાન ગયેલા પૈસાનું વ્યાજ આપવા ઇચ્છે છે. ભગવાનના વ્યાજની ગણતરી ઊંચી હોય પણ ખરી, વાંધો નહીં. એમની ઈચ્છા માથે ચડાવું.”

સિંદબાદ ડઘાઈ ગયો. “બોસ બોસ, આ ઠીક છે?”

“ઠીક જ છે, કાયદામાં ટાઈટલ અંગે સ્પષ્ટતા થયેલી છે. તેમાં સ્પષ્ટ છે - જેને વસ્તુ મળે છે તેને મૂળ માલિક પછી સેકન્ડ બેસ્ટ ટાઈટલ મળે છે. એટલે કે તે બીજા નંબરનો પાકીટનો માલિક જ ગણાય...”

“બોસ તમે પણ ચીજ છો...”

“હા હમ ભી ચીજ હય...”

વાઈડ બોલ

પત્ની - મેં તો તમને જોયા ન હતા પણ લગ્ન કર્યાં.

પતિ - અરે ગાંડી, મારી હિંમત તો જો - તને જોઈ તોપણ તારી સાથે લગ્ન કર્યાં છે. (sms by mahendra joshi)

No comments: