Saturday, May 7, 2011

ગરીબોનું ગોવા - દીવ

જ્યારે અમિતાભનો ડંકો વાગતો હતો, અલબત્ત, અત્યારે પણ તેનો ડંકો વાગે જ છે, પણ અમિતાભ જ્યારે હીરો હતો ત્યારની વાત છે. તેની શારીરિક ઊંચાઈ ઘણી. તેથી જ તેની ‘પ્રાઈસ’ ઘણી ઊંચી એટલે કે વધારે હતી.

બધા નિર્માતાઓને અમિતાભ પોસાય નહીં, ત્યારે વિકલ્પ હતો - પ્રેક્ષકોને પ્રિય મિથુન ચક્રવર્તી. મિથુન નિર્માતાઓને સસ્તામાં પડે. સેકન્ડ ચોઈસ તરીકે નિર્માતાઓ મિથુનને પસંદ કરતાં. એટલે મિથુન ગરીબોના અમિતાભ તરીકે ઓળખાતો. એના કારણે મિથુનને ઘણી ફિલ્મો મળેલી. આ ગરીબોનો અમિતાભ એ કારણે પૈસાદાર થઈ ગયેલો.

ગરીબોનો એવો શબ્દ વાપરીએ ત્યારે ડુંગળી યાદ આવે. ડુંગળી યાદ કરીએ ત્યારે શરદ પવાર પણ જબરદસ્તીથી યાદ આવી જ જાય. કુદરતે એવી રચના કરેલી છે કે હાજર રહેલી ડુંગળી તમારી આંખમાં આંસુ લાવી દે છે, પણ ભગીરથતૂલ્ય શરદ પવારે આમાં અવળી ગંગા કરી અને ડુંગળીની ગેરહાજરીથી આંખમાં આંસુ લાવી બતાવ્યાં. ખાસ કરીને ગરીબોની આંખમાં, જે રોટલો ને ડુંગળી ખાઈ ગુજારો કરી લેતા હતા. આ ડુંગળી પણ ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાય છે. કસ્તુરીમાં ઘણા ગુણ છે. આયુર્વેદ કસ્તુરીનાં ઘણાં ગુણગાન કરે છે. આરોગ્ય માટે કસ્તુરી ખૂબ જ ઉપયોગી પણ તેની કિંમત અમિતાભ જેટલી ઊંચી. શારીરિક આરોગ્ય તેનાથી સુધરે, પણ નાણાકીય આરોગ્ય કથળી જાય. એટલે કસ્તુરી તો ધનાઢય લોકોને જ પોસાય. કુદરતે તેનો ઉપાય કર્યો, ડુંગળી બનાવી. આયુર્વેદમાં પણ ડુંગળીને ગરીબોની કસ્તુરી કહી છે. આથી ગરીબો કસ્તુરીની અવેજીમાં ડુંગળી વાપરે. જેમ ધનાઢય નિર્માતાઓ બચ્ચનને સાઈન કરે તો સામાન્ય નિર્માતાઓ બચ્ચનની અવેજીમાં મિથુનને સાઈન કરે. એટલે તેને ગરીબ નિર્માતાઓના બચ્ચનનું બિરુદ મળ્યું છે. અમિતાભને અપાતી ‘સાઇનિંગ એમાઉન્ટ’માં મિથુન પિક્ચર પૂરું કરી આપે.

આ કુદરતી વ્યવસ્થા છે. કુદરત સામાન્ય માણસનો પણ ખ્યાલ રાખે છે. સહેલગાહોનાં સ્થળોમાં પણ કુદરતે આ વ્યવસ્થા જાળવી છે તેમ સિંદબાદ કહે છે. માણસોને સહેલગાહે જવાની ઇચ્છા હોય છે (કેટલાક અપવાદો સિવાય). ભારતનાં ઘણાં સ્થળોમાં ગોવા પણ એક એવું સ્થળ છે જ્યાં પ્રવાસે જવાની લોકોને ઇચ્છા થાય છે. સરસ મજાનો દરિયા કિનારો, એના બીચ ઉપર આંટો મારનાર તેનું સ્મરણ અવારનવાર કરતાં રહે તેવો અનુભવ છે. સિંદબાદ કહે છે ગોવા એક નયનરમ્ય સ્થળ છે. જ્યાં માણસોની એક પ્રકારની ‘પ્યાસ’ બુઝાવાનું સ્થળ છે, પણ ગોવા જનારને ખિસ્સાંનો પણ વિચાર કરવો પડે ને જેમ કસ્તુરી ખરીદતા કરવો પડે તેમ.

ગોવા જવું, ત્યાં રહેવું અને પાછા આવવું, આ એક વખતની ક્રિયામાં જ માણસ તૂટી જાય છે. આવા સ્થળે સફર કરવી આપણને ગમે, પણ તે સફર, અંગ્રેજી અર્થમાં ‘અફર’ બની જાય તેવું છે. ગોવા જવાની પ્યાસ બૂઝાવે તેવું દરેક સ્થળ ગુજરાતમાં પગવગું છે તે છે દીવ. જ્યાં તમને ગોવાનો અહેસાસ થાય છે. સિંદબાદ કહે છે દીવ એ ગરીબોનું ગોવા છે (ગુજરાત માટે).

દીવમાં ગોવા જેવો સુંદર નાગવા બીચ છે. બીચ ઉપર ખાણીપીણીના સ્ટોર છે. બાળકોને રમવા માટે લપસણી અને ઝૂલા છે, ચકડોળ છે. બાજુમાં પોસાય તેવી કિંમતની હોટેલ છે, રિસોર્ટ પણ છે.

આ મોંઘવારીના જમાનામાં કોઈ વસ્તુ સસ્તી નથી કે સહેલાઈથી મળતી નથી. ફક્ત મોંઘવારી જ સસ્તી છે જે તમને તુરત જ મળી જાય છે. દૂધનું મૂલ્ય સતત વધતું જ રહે છે. રાજાની કુંવરી માટે કહેવાતું કે તે રાતે ન વધે તેટલી દિવસે વધે. અત્યારે આ રાજાની કુંવરીનું સ્ટેટ્સ દૂધે પ્રાપ્ત કર્યું છે. અમૂલ સહિતના દૂધ ઉત્પાદક મંડળીઓની એ નમ્રતા છે કે દૂધને રાજકુંવરી તુલ્ય કરવા બદલ સહેજ પણ અભિમાન નથી કરતાં. આવા આ કપરા સમયમાં ગોવા સસ્તામાં જોવાનું પણ મોંઘું પડે. ત્યારે કુદરતે ગરીબોના બચ્ચન કે ગરીબોની કસ્તુરીની ફોર્મ્યુલા પ્રમાણે આપણને દીવ આપ્યું. કાવડિયાં ઓછાં છે. જાવ ગોવાને બદલે દીવ ફરી આવો એવી જ મજા પડશે (નહીં પીનારાઓને પણ).

છગન કહેતો હતો દીવો લઈને શોધવા જશો તો પણ દીવ જેવું પોસાય તેવું સ્થળ ફરવા માટે નહીં મળે. છગન પણ ઉમેરે છે દીવ ગરીબોનું ગોવા છે.

પોર્ટુગીઝોએ કમને દીવ છોડયું ત્યારે તેમાંથી ભૌતિક સંપત્તિ લેતા ગયા, તેમની ઇચ્છા હશે કે અહીંનો બીચ પણ લગેજમાં પેક કરીને સાથે લેતા જાય. જેવી વેંગસરકરે લોર્ડ્ઝની વિકેટ સાથે લઈ જવાની ઇચ્છા કરી હતી તેમ, પણ દીવના બીચ, સુંદર નાળિયેરનાં જંગલો એ છોડતાં ગયા છે.

વાઈડબોલ

શાહી લગ્ન અંગે કોમેન્ટ કરતાં મિત્ર મહેન્દ્રે કહ્યું : “પ્રિન્સ વિલિયમ્સનો વેડિંગ સૂટ આપણે ત્યાંના બેન્ડવાજાંવાળાના ડ્રેસના જેવો હતો!”

May 07,2011

No comments: