સાવ નફ્ફટ છે આ ક્રિકેટરો. જો કે, અમરસિંહની ટેપ સાંભળ્યા પછી નેતાઓ જેટલા ક્રિકેટરો નફ્ફટ નથી એમ લાગે. એન.ડી. તિવારી (ઉંમર ૮૬)ની હરકતો જાણ્યા પછી ઉંમર વધવા સાથે વાનરની ગુલાંટ મારવાની ક્ષમતા લુપ્ત થતી નથી એમ લાગે. ત્યારે ક્રિકેટરોની હરકતો કમીના નેતાઓથી કમ છે એમ લાગે.
દક્ષિણ આફ્રિકાની ચીયર ગર્લ્સ ગ્રેબીયેલાએ કરેલા ચોંકાવનારા ઘટસ્ફોટથી અત્યારના ક્રિકેટરોની ઈજ્જતના લીરા ઉડયા છે. કોઈક કદાચ કોમેન્ટ કરશે હિન્દી ફિલ્મની શૈલીમાં બેઈજ્જતી એની થાય છે, જેની કોઈ ઈજ્જત હોય. આ ક્રિકેટરો તેમના ક્રિકેટથી મશહૂર છે, તેથી તેમની વર્તણૂંકથી કુખ્યાત છે.
કેટલાંક વરસો પહેલા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ મોટેરામાં રમવા આવી હતી. બોર્ડરની આગેવાની હેઠળની તે મજબૂત ટીમને અમદાવાદમાં હારનો સામનો કરવો પડયો. પાચનશક્તિ મજબૂત હોય તો જ તમે અમુક વસ્તુ પચાવી શકો. પચવામાં કઠિન તેવી એક ચીજ છે, તે હાર - પરાજય. હાર પચાવવી એ ઘણી કષ્ટદાયક છે. ઓસ્ટ્રેલિયાએ એ વાત ત્યારે સાબિત કરી હતી. હારથી અકળાયેલા ઓસ્ટ્રેલિયનોએ ત્યારે સ્ટેડિયમના સ્વીમિંગ પુલમાં તમામ ખેલાડીઓએ પાળી ઉપર ઊભા ઊભા સમૂહ લઘુશંકા યાને મૂતરવાનો કાર્યક્રમ ગોઠવેલો. ચીયર ગર્લ ગ્રેબીયેલાએ કહ્યું છે કે, ગુસ્તાખીની બાબતમાં ઓસ્ટ્રેલિયનો નંબર વન છે. બોર્ડરની ટીમના સભ્યોએ ત્યારે પણ સભ્યતાની તમામ ‘બોર્ડર’ ક્રોસ કરી હતી. આ વાત મેં છગનને કરી ત્યારે તે સ્ટેડિયમના સ્વિમિંગ પુલમાં નહાતો હતો. એને આંચકો લાગ્યો, ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોના મૂત્રમાં નાહી રહ્યો છે, તેવું તેને લાગતાં બહાર નીકળી ગયો.
સ્ટીવ વો જેવા ઉમદા માણસોને અપવાદ ગણીએ પણ પોન્ટિંગ, સાયમંડ, હેડન વગેરેની વર્તણૂંક ઘણીવાર ખેલાડીઓ જેવી લાગતી નથી. ચીયર ગર્લે આ ખેલાડીઓના વર્તાવની વાત જાહેર કરતાં તેઓ ચિયરલેસ થઈ ગયા છે. આ ઓસ્ટ્રેલિયનો ‘લેગ ગ્લાન્સ’ ફટકારવા માં આવ્યા છે. તેને બદલે ચીયર ગર્લ્સના લેગ તરફ ગ્લાન્સ કરતા હતા.
આમ, વસ્ત્રમાં દેખાતી ચીયર ગર્લ ગ્રેબીયેલાએ ક્રિકેટરોનું વસ્ત્રાહરણ કર્યું છે.
અલબત્ત આપણા ક્રિકેટર બાદશાહ ધોની અને શહેનશાહ તેંદુલકર માટે સન્માનીય વાત છે. આ લોકો આવી હરકતો કરતા નથી. આપણા ક્રિકેટરોની સભ્યતા ને વર્તણૂક બાબતમાં એક વાત વરસો પહેલા જાણેલી. ત્યારે પીજ ગામે બેંકમાં અમે કામ કરતા. એ ગામના અવળી ગંગા જેવું નામ ધરાવતા એક તંબાકુના વેપારી હતા, તેમના જમાઈ ઓસ્ટ્રેલિયાથી આવેલા. તેઓ ક્રિકેટના શોખીન જ નહીં, પણ તે ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયામાં કામગીરી પણ કરી રહ્યા હતા. ત્યાંની સ્થાનિક ટૂર્નામેન્ટ (કદાચ વિક્ટોરીયા ટૂર્નામેન્ટ) જે આપણી રણજી ટ્રોફી જેવી ગણાય તેમાં અમ્પાયરિંગ કરતા હતા. તે માટે જરૂરી યોગ્યતા પણ એમણે પ્રાપ્ત કરેલી. આજથી પચ્ચીસેક વર્ષ પહેલાની વાત છે, ત્યારે ઓસ્ટ્રેલિયામાં પજવી શકાય એટલી સંખ્યામાં ભારતીયો ન હતા. જ્યારે ભારતીય ટીમ ત્યાં રમવા જાય ત્યારે સ્વાભાવિકપણે આવું કોઈક ભારતીય કુટુંબ ખુશખુશ થઈ જાય. ‘વલ્લભ ડાહ્યા’ના જમાઈ પણ ભારતીય ટીમના આગમનથી ખુશ થતા. વળી એ તો ક્રિકેટ ક્ષેત્રમાં સામેલ, એટલે ભારતીય ટીમને ઘેર પણ બોલાવતા. એમણે કહેલા શબ્દો ફરી કાનમાં ગૂંજે છે.
જ્યારે ચીયરગર્લ ગ્રેબીયેલાએ ક્રિકેટરોના વર્તનની વાત જાહેર કરી ત્યારે તે પીજના જમાઈ બાબુએ કહેલું કે ‘સાહેબ આ લોકોને ઘેર ન બોલાવાય. થોડાક અનુભવ બાદ જ મેં આપણા ક્રિકેટરોને ઘેર બોલાવવાનું બંધ કરી દીધું. એમનું કહેવું હતું કે ગવાસ્કર અને કપિલ દેવ જેવાંને બાદ કરતા ખેલાડીઓની વર્તણૂંક ઘરમાં પણ અસભ્ય ગણાય તેવી હતી. બૈરી - છોકરા સાથે રહેતા આપણા જેવાએ તેમને ઘેર બોલાવાય જ નહીં. ગ્રેબીયેલાએ કહેલી વાતના પચ્ચીસ વર્ષ પહેલાં આ વાત એક ગુજરાતી સજ્જનના મોઢે જ સાંભળી. ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ટૂર્નામેન્ટના અમ્પાયરનો આ નિર્ણય છે. હાઉઝ ધેટ!’
ગૂગલી બકુલ ત્રિપાઠીની ‘પિયર જતી પત્નીને સલાહ’ કાવ્યની એક પંક્તિ
‘પ્રિય, મા-બાપને દુભવીશ નહીં.
આગ્રહ કરે તો રોકાઈ જા જે’.
May 17,2011
No comments:
Post a Comment