Wednesday, May 25, 2011

રડકણા નેતા


આપણને અનેક પ્રકારના નેતાઓ મળ્યા છે. અનેક વિભાગમાં તેમને વહેંચી શકાય. કેટલાક નેતા કરડકણા હોય તો કેટલાક રડકણા પણ હોય.

નેહરુજીનો કિસ્સો હતો, ત્યારે કહેવાતું કે લાઈટના થાંભલાને પણ નેહરુના નામે મત મળી જાય અને ચૂંટાઈ આવે. નેહરુજીના ચહિતા સાથી હતા કૃષ્ણ મેનન. આ કૃષ્ણ મેનન ભારતના સંરક્ષણ પ્રધાન પણ હતા. તે કરડકણા હતા. વડચકા કાયમ ભરતા હોય. શેક્સપિયરની શૈલીમાં કહી શકાય -તોછડાઈ તારું બીજું નામ કૃષ્ણ મેનન છે. ભારતના લશ્કરના મોટા મોટા જનરલો સાથે તે ઉદ્ધતાઈથી પેસ આવતા. એ વાત એક એડમિરલે ‘અનટોલ્ડ સ્ટોરી’માં કહી છે. એ પુસ્તકની વાતોથી ફલિત થતું હતું કે ભાષા ઉપર જબરદસ્ત પ્રભુત્વ ધરાવનાર કૃષ્ણ મેનન બીજાને મગતરાં જ સમજતા. પણ આ દેશને મળેલા એક નબળા સંરક્ષણ પ્રધાન હતા. મેનનમાં શત્રુઓ ઊભા કરવાની ગજબની શક્તિ હતી. ચીન સામે આપણને મળેલી પછડાટ મેનનનીતિનું પરિણામ હતું. તેમ છતાં નેહરુ એમને છોડવા તૈયાર ન હતા. તે વખતે નેહરુના મેનનપ્રેમ માટે એક સરસ શબ્દ શ્યામપ્રસાદ મુખરજીએ ‘કોઈન’ કર્યો હતો કે કદાચ પાછળથી અટલબિહારી વાજપેયીએ વાપર્યો હોય - પણ નેહરુના મેનનના લગાવ માટે ત્યારે એમણે કહેલું કે નહેરુને ‘મેનન-જાઈટિસ’ થયો છે. ચીન-યુદ્ધ પછી કરડકણા મેનનનો અંત આવ્યો.

થોડાક દિવસ પહેલાં નેહરુજીનો એક ફોટો છપાયો હતો. તેમની સાથે એક નેતા દેખાતા હતા, તે હતા સત્યનારાયણ સિંહા. તેમને તમે રડકણા નેતા કહી શકો. સિંહાસાહેબ દરેક પ્રધાનમંડળમાં હોય જ. સદા અત્તરથી તેઓ મઘમઘતા હોય. સેન્ટના દરિયામાં નાહ્યા હોય તેમ ‘પરફ્યુમ’નો ઉપયોગ કરતા. (પરફોર્મન્સ કરતાં પરફ્યુમથી આકર્ષક થવું સહેલું છે તે સત્ય, સત્યનારાયણ જાણતા હતા!)

પછી આવ્યું ઇન્દિરાજીનું શાસન. તેમણે કેટલાક પ્રધાનોને ડ્રોપ કરવા નિર્ણય કર્યો. ક્રિકેટની ભાષામાં કહીએ તો ‘રેસ્ટ’ આપ્યો. તેમાં સત્યનારાયણ સિંહાનો નંબર હતો. કેબિનેટની યાદી તૈયાર થઈ તેમાં સિંહાજીનું નામ નહીં. સિંહાજીએ તો સોગંદવિધિ વખતે પહેરવાના ખાસ વસ્ત્રો સેન્ટ છાંટીને તૈયાર રાખેલાં. સમાચાર જાણી સિંહા બકરી થઈ ગયા. ઇન્દિરાજી પાસે જઈ રડી પડેલા. પોતે પ્રધાન નથી એ આઘાત તેમને જીરવવો અઘરો હતો. જનતાની સેવા કરવાની ભારે તમન્ના દિલ મેં થી. હવે પ્રધાનપદ વગર જનતાની સેવા કેમ થાય? આ દુઃખથી તેઓ રડી પડેલા. જેનો અહેવાલ વર્તમાનપત્રોમાં પણ આવેલો. સિંહાને લાગી આવેલું કે સાલુ, મને જ નોતરું નહીં? ઇન્દિરાજીએ તેમની દાંડી ઉડાડી દીધેલી. હવે પ્રજાની સેવા કરવાના કાર્યથી વંચિત રહી જવાશે તેવા કારણોસર સિંહા રડી પડેલા. સિંહ રડતો હોય એ દૃશ્ય કેવું લાગે. ભલે સિંહ ઘાસ ન ખાય, પણ રડે તો ખરો જ. જનતાની સેવા કરવાની તક ગઈ, એની ઉપર સિંહાની આંખમાં આંસુ આવ્યા. સિંહાના લોચનીયાં ભીનાં થયાં.

કહેવાય છે કે, સ્ત્રીના આંસુથી પુરુષ પીગળી જાય છે. આ કિસ્સામાં પુરુષના આંસુથી સ્ત્રી પીગળી ગઈ. મતલબ કે સિંહાના આંસુથી ઇન્દિરાજી પીગળી ગયા. તેમને સંસદીય પ્રણાલિ કે એવા કોઈ ખાતાના પ્રધાન બનાવ્યા. બિનસત્તાવાર સમાચાર પ્રમાણે પ્રધાન બનાવ્યા ત્યારે પણ સિંહા રડેલા જ. પણ તે હર્ષનાં આંસુ હતાં.

ગુજરાત પાસે પણ એક રડકણા પ્રધાન હતા. ગુજરાતના મુખ્યમંત્રી થયેલા બાબુભાઈ જશભાઈ પટેલને રડકણા હોવાનો ‘જશ’ થાય છે. આમ તો બા.જ. પટેલ કહેવાય, પણ તેમનું દિલ બાજનું નહીં, કબૂતરનું હતું. મતલબ કે તે ખૂબ જ સંવેદનશીલ હતા. કર્મચારીઓએ કરેલી હડતાળથી તેઓ ખૂબ વ્યથિત થઈ ગયેલા ને ત્યારે ઇન્દિરાજીના પક્ષ સામે ચૂંટણી લડી તેઓ ચૂંટાયા હતા. લોકસભામાં ઇન્દિરાજી અને સંજયની હાર થઈ ત્યારે કોંગ્રેસ હાઉસની લોબીમાંથી હર્ષભેર જાહેરાત કરેલી કે ‘ગાય પણ હારી, વાછડું પણ હારી ગયું છે.’ (કોંગ્રેસનું નિશાન ત્યારે ગાય-વાછડું હતું) સમય બદલાતાં તેઓ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયેલા. સિંદબાદ કહે છે કે ત્યારે તેમનો માયલો રોયો હશે.

પુરુષો જાહેરમાં રડે તેવું જવલ્લે જ બને. એક બેન્કમાં મેનેજર હતા બહાદુરભાઈ. બેન્કના પ્રશ્નોથી અકળાઈને બહાદુરભાઈ ઘણીવાર બેન્કમાં રડી પડતા હતા. યુદ્ધમાં ‘બહાદુરીથી પીછેહઠ’ શબ્દ પ્રયોજાય છે. આ કિસ્સામાં ‘બહાદુરી રૂદન’ એમ કહી શકાય.

લાચારી નહીં ક્યારેક લાગણીવશ થઈ માણસ રડી પડે છે. આ કલમ લેખક શરદબાબુને વાંચતાં વાંચતાં ઘણીવાર રડી પડયા છે.

રડવાની વાત ઉપર પણ હસી લેવું...

વાઈડ બોલ

દાનવ અધિકાર પંચનું સૂત્ર ‘ભલે નવ્વાણું નિર્દોષ મરી જાય, પણ એક આતંકવાદી ન મરવો જોઈએ.’

May 21,2011

No comments: