Saturday, June 4, 2011

નિવેદનરત્ન નેતાઓ


કેટલાક નેતાઓ અને પ્રધાનો તેમનો પગાર વસૂલ થાય તે માટે મનોરંજક કે વિવાદાસ્પદ વિધાનો કરતાં હોય છે. કોઈ એક સમયે કેન્દ્રમાં રાજનારાયણ હતા કે મણિલાલ બાગચી હતા. (હિન્દીમાં વની જગ્યાએ બ વપરાય છે) એ લોકો એકલે હાથે લોકસભા માથે લઈ શકતા હતા.

આપણા રાજ્યમાં છબીલદાસ મહેતા હતા. તેમનાં વિધાનોથી મનોરંજન અને વિવાદ બંને પીરસી શકતા.

થોડીક જ ઓવર રમી શશી થરૂર વિદાય થઈ ગયા. (યે કૈસી બિદાઈ, એવું ગીત તેમને વિદાય કરવામાં આવ્યા ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું હતું). તેમણે વિમાનના ઇકોનોમી ક્લાસને ઢોર કા ડિબ્બા કહ્યો હતો. એનાથી એમને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. જોકે પદ ગુમાવ્યું હતું. પ્રસિદ્ધિરૂપી ગઢ તેમણે મેળવ્યો હતો, પણ પદરૂપી સિંહ ગુમાવ્યો તેમ કહી શકાય.

આપણા બીજા એક પ્રધાન છે રમેશ જયરામ. એ પણ અવારનવાર મેદાનમાં બાઉન્સર ઉછાળે છે અને ચીયર્સ લીડર્સ તરફથી ‘એપલાઉઝ’ યાને કે ખુશીની અભિવ્યક્તિ મેળવે છે.

રમેશજી આમ તો પર્યાવરણમંત્રી છે. તેમનું એક કાર્ય પર્યાવરણ સુધારવાનું છે, પણ તેમના તાજેતરના એક નિવેદનથી સામાજિક પર્યાવરણ ડહોળાઈ ગયું છે. તેમણે કહ્યું, આપણી ખૂબ જ પ્રતિષ્ઠિત આઈઆઈએમ-આઈઆઈટી વિશે. તે બાર વરસે બોલતા બાવા જેવું વિધાન હતું. તેમણે કહ્યું, આઈઆઈટી-આઈઆઈએમના અધ્યાપકો ઠીક છે, પણ તેમની કક્ષા બહુ સારી કે વિશ્વકક્ષાની નથી. આઈઆઈએમના અધ્યાપકો વિશે તેમણે પોતાનો નિર્ણય જાહેર કર્યો. ટેસ્ટ મેચમાં નિર્ણય આપતા અમ્પાયરોની નિમણૂક કરતી વિશ્વ કક્ષાની ક્રિકેટ સંસ્થા જે તે વ્યક્તિની ક્ષમતા જોયા પછી જ નિર્ણય કરવાની સત્તા આપે છે. પણ આપણા નેતાઓ છાશવારે નિર્ણયો આપે રાખે છે તેની ક્ષમતા વિશે કોઈ ધારાધોરણ નક્કી નથી થયાં એટલે નેતાઓ ફાવે તેવાં નિવેદનો કરે છે. વાણી જયરામ નામની પાર્શ્વગાયિકાએ (‘બોલે રે પપૈયા...’વાળી) પોતાના કંઠથી ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. જ્યારે રમેશ જયરામ એમના શબ્દોથી ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે.

જોકે, જયરામનાં વચનોથી હોબાળો મચ્યો છે. જેમ સુષમા સ્વરાજની ટિપ્પણીથી થયો છે તેમ. આપને યાદ હશે કે, કર્ણાટકના પ્રધાનમંડળની રચના અંગે સુષમાજીએ અરુણ જેટલીની ટીકા કરી છે. છગનને ત્યારે નવાઈ લાગી હતી. પોતાના જ પક્ષના નેતાની ટીકા કરવાની? આ તો કૌટુંબિક મામલા જેવું થયું કહેવાય. ઘણી વાર છોકરો બગડી ગયો હોય ત્યારે પિતા, માતાને દોષ આપે છે. ‘તેરે લાડ ઔર પ્યાર ને ઉસે બિગાડ દિયા હૈ.’ અથવા વહુ સાસુને કહે છે, તમે મારા છોકરાની ટેવો બગાડી રહ્યાં છો. આ બધે ચાલતું જ હોય છે. આ કૌટુંબિક બાબત ગણાય. કુટુંબના સભ્યો કોના કારણે અનર્થ થયો એ બાબતે એકબીજા ઉપર દોષારોપણ કરતાં હોય છે. આથી તેઓ કુટુંબના સભ્યો મટી જતા નથી. આવું તો કુટુંબોમાં ચાલતું જ હોય છે.

રમેશ જયરામે જે નિવેદન કર્યું તેનાથી પક્ષના સભ્યોને કાંઈ અડતું ન હતું, પણ આઈઆઈએમના ધુરંધર અધ્યાપકોની એ તૌહીન હતી. સિંદબાદ કહે છે કે, એ અધ્યાપકોનું લેવલ ન હોય તો આ નેતાઓનાં લેવલ કેવાં છે? આ જયરામ રમેશે અગાઉ પદવીદાન સમારંભમાં પહેરાતા ગાઉનની મજાક ઉડાવી હતી. એમણે દીક્ષાંત પ્રવચન વખતે ગાઉનનો ગોટો વાળી ફેંકી દીધું હતું અને કહ્યું, “આ બધું ગુલામીની નિશાની છે”. (એ એમણે આપણી ભાષામાં નહીં, પણ અંગ્રેજીમાં કહ્યું હતું). આઈઆઈએમના અધ્યાપકો વિશેની ટિપ્પણીથી નારાજ કે અસંમત લોકો ‘થર્ડ અમ્પાયર’નો અભિપ્રાય માગી શકે કે નહીં ? ક્રિકેટમાં અમ્પાયરના નિર્ણયથી અસંમત થનારની તસલ્લી માટે ‘થર્ડ અમ્પાયર’ની વ્યવસ્થા છે તેમ આવા ઉટપટાંગ નિવેદનો કરનાર સામે પણ ‘થર્ડ અમ્પાયર’ના અભિપ્રાય લેવાની પ્રથા દાખલ કરવા જેવી છે.

બાકી વિદ્વાનો કે કલાકારોના લેવલ અંગે ભ્રષ્ટ શાસનનો ભોગ બનેલા નેતાઓ નિવેદન કરે કે સંસદમાં ધમાચકડી કરનારા ધાંધલ ધમાલ કરનારા આવા દોઢડહાપણ કરે તો શેતાન ક્વોટ્સ બાઈબલ જ કહેવાય ને!

વાઈડ બોલ

કાળો રંગ અશુભ મનાય છે, પરંતુ બ્લેક બોર્ડ વિદ્યાર્થીઓને બ્રાઈટ બનાવે છે.

Jun 04,2011

No comments: