Saturday, May 28, 2011

દેશ કામરૂ દેશ બની રહ્યો છે

જૂની કથાઓમાં કામરૂ દેશનો ઉલ્લેખ આવતો હતો. ત્યાં સદા સ્ત્રીઓ રાજ કરે.

થોડાક વખત પહેલાં એક સર્વે થયો હતો. “ઓફિસમાં વુમન બોસ હોય તો તમને કેવું લાગે?”

એક કર્મચારીએ જવાબ આપેલો. “ઘર જેવું લાગે, ઘરે પણ વુમન બોસ. ઓફિસમાં પણ વુમન બોસ!”

લાગે છે જૂની કથાઓમાં આવતી કામરૂ દેશની વાત આકાર લઈ રહી છે આપણા દેશમાં. તાજેતરની ચૂંટણીઓમાં દેશને વધુ બે મુખ્યમંત્રી તરીકે મહિલાઓ મળી છે.

દેશના સૌથી મોટા રાજ્યનાં મુખ્યમંત્રી માયાવતી તો છે જ. શીલાકી જવાનીમાં તો નહીં પણ બૂઢાપામાં શીલાજી દિલ્હી જેવા અતિ મહત્ત્વના રાજ્યમાં શાસન કરી રહ્યાં છે.

ભારતના વડા પ્રધાન ભલે સ્ત્રી ન હોય પણ, સ્ત્રી જ વડાપ્રધાન ગણાય તેવું છે. કાનૂનમાં કહેવું હોય તો કહી શકાય કે, ‘ડીફેક્ટો’ વડા પ્રધાન સોનિયાજી છે તેમ સિંદબાદ કહે છે. વિરોધપક્ષમાં નેતા તરીકે સુષમા સ્વરાજનું રાજ ચાલે છે.

તાજેતરની ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે એક મિત્રે એસએમએસ કરેલો, “તામિલનાડુમાં અમ્મા આવ્યાં છે, તો બેંગાલમાં દીદી આવ્યાં છે. યુપીમાં બેનજી છે તો દિલ્હીમાં આન્ટીજી છે, કેન્દ્રમાં મેડમ છે. વિપક્ષમાં સ્વરાજ ઈશારત છે. ઘરમાં પત્નીઓનું રાજ છે જ હવે સ્ત્રીના રાજમાં આપણે છીએ.”

આમ પણ મહિલાઓનું આધિપત્ય છે જ. જન્મ થાય ત્યારે, તે જ ઘડીએથી માતાના શાસનમાં. આપણે સ્કૂલનાં પ્રારંભના દિવસોમાં મહિલા શિક્ષિકાઓના પ્રભાવ હેઠળ રહેવાનું. ઘરમાં બહેન હોય તો તે તમારી ઉપર રોફ મારે. કાળક્રમે તમે મોટા થાવ અને પરણો પછી પત્નીશાસન હેઠળ તમે આવી જાવ. પછી તમારાં સંતાન મોટાં થાય એ પરણે તમારા માથે પુત્રવધૂનું શાસન આવી જાય. આમ મહિલાઓના શાસનમાં તમે. હા, સરકારો બદલાયા કરે, પહેલાં માતાની સરકાર, પછી પત્નીની સરકાર પછી પુત્રવધૂની સરકાર એમ ચાલ્યા કરે. સરકાર મહિલાઓની છે તમે કેવળ રૈયત છો, એમાં પણ મહિલા જાગૃતિ મંડળો છાશવારે પુરુષોની જોહુકમીના દાખલાઓ આપે. અને એ રીતે પુરુષોના માથે મત્સ્યસ્નાન કરાવે.

હવે આ લોકો મહિલા અનામતના બિલની માગણી કરી રહ્યા છે. લાગે છે કે તમને એની જરૂર? મહિલા અનામત બિલ આવે તો લોકસભા, વિધાનસભાને રાધાસભા કહેવી પડશે તેવી સ્થિતિ આવશે.

કહેવત છે કે ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.’ આ વાત ઇન્દિરાજીને જરૂર લાગું પડે કે તેમણે રાજીવ - સંજયનું પારણું ઝુલાવ્યું હતું. પણ માયાવતી કે મમતા દીદી અને જયલલિતા અમ્માએ કોઈનું પારણું ઝુલાવ્યું નથી, પણ શાસન કરે છે. આ મહિલાઓને પતિ છે જ નહીં એટલે સંતાનનું પારણું ઝુલાવવાનો પ્રશ્ન થતો નથી.

આપણા ધર્મમાં પણ મહિલાઓ છવાયેલી છે. દેવોની સાથે ઘણી સંખ્યાઓમાં દેવીઓ પણ આપણી પાસે છે. બીજા કોઈ ધર્મમાં આવું નથી. દેવીઓના પ્રભાવ કેવા છે? તે જાણવું હોય તો ભિન્નમાલ (રાજસ્થાન)માં ગોત્રદીઠ એક એક દેવી માતાનું સ્થાપન થયેલું છે.

હિન્દુ ધર્મની ફિલોસોફીના અભ્યાસી વડોદરાના ડો. સત્યવ્રત પટેલે લખ્યું હતું કે, ‘માતા કાલિકા એક્સપ્રેસ ધ વોરિયર મૂડ ઓફ મધર.’ (કાલિકા માતા, માતાનો યોદ્ધા તરીકેનો ભાવ પ્રગટ કરે છે).

આપણા મહિલા નેતાઓ પણ અલગ અલગ મૂડ પ્રગટ કરે છે. જયલલિતા અમ્મા, મહિલાઓનો લક્ઝુરિયસ મૂડ પ્રગટ કરે છે. તેમના વોર્ડમાં દસ હજાર સાડીઓ છે. (વોર્ડરોબનો પણ કેવો રોબ?) આટલી બધી સાડીઓ તો ઘણા ખરા સ્ટોર્સમાં પણ ન હોય. એ ઉપરાંત સાતસો પગરખાં! જૂતાં બજારની દુકાન લાગે. અમ્માનાં ઘરેણાંઓ જોતાં લાગે પૂરું ઝવેરી બજાર ઘરમાં આવી ગયું છે.

અમ્મા સામે દીદીની વાત કરો તો મમતાદીદી પાસે સાત જોડી પણ પગરખાં નહિ હોય. એકાદ બે જોડી સ્લીપર જ હશે. જયલલિતાની સાડીઓ અને મમતાદીદીની સુતરાઉ સાડી કોઈ હોસ્પિટલની આયા પહેરે તેવી ગણાય. દુર્ગા, કાલિકા, સરસ્વતી માતાઓમાં જેવી વિવિધતા છે તેમ આ મહિલા નેતાઓમાં પણ છે.

વાઈડ બોલ

‘તેરી દો ટકીયાકી નોકરી, મેરા લાખ્ખો કા સાવન જાય રે...’

‘અરે બહેન, તમે જેને દો ટકીયાની નોકરી કહો છો તેના કારણે જ તમારા એ હોમલોનની બાર ટકાવાળી લોનના હપ્તા ભરી શકે છે.’

May 29,2011

No comments: