Saturday, April 30, 2011

પિતા પધરાવો સાવધાન!

સુંદરલાલ ચિંતિત હતા. એમની ત્રણ દીકરીઓ મોટી થઈ ગઈ હતી. એનાં લગ્ન કરવાનાં હતાં. છોકરાઓની તલાશ જારી હતી.
રોજ એક વાળ ઓછો થતો. દીકરીઓ માટેના મુરતિયાની તલાશની ફિકર એ કારણ હતું. થોડા જ દિવસમાં સુંદરલાલને માથે સુંદર ટાલ પડી ગઈ હતી. પુત્રીવિવાહની ચિંતાની સાથી એ ટાલ હતી.
***
ભાવનગર ખાતે પણ જયંતિલાલ નામના ભાઈ પુત્રીનાં લગ્નની ફિકરમાં અકાળે વૃદ્ધત્વ તરફ ધકેલાતા હતા.
છેવટે દીકરી માટે એક પાત્ર મળી ગયું હતું. પણ એ માટે ‘પાત્ર’ના કુટુંબનું પાત્ર ભરવાનું હતું.
ગોરનું તરભાણું ભરવું અશક્ય નથી પણ જ્યંતિલાલના વેવાઈના તરભાણાનું ક્ષેત્રફળ વધ્યું હતું. એ તરભાણું પણ ભર્યું. લગ્ન તો થઈ ગયાં.
કોઈકે પૂછયું, “કાં જયંતિભાઈ, દીકરીના હાથ પીળા કરી દીધા ને!”
“હા ભાઈ હા... પણ... પણ...”
“પણ પણ શું?”
“દીકરીના હાથ પીળા કરવામાં મારો બરડો લાલ થઈ ગયો છે”. બનિયન ઊંચું કરવાની ચેષ્ટા કરતા જયંતિલાલે કહ્યું. દીકરીઓનું આવું છે. દબંગ શૈલીમાં છગન કહે છે, “આવી દીકરીઓ હોવાનો ડર નથી પણ એ દીકરીઓને લઈ જનારાઓનો ડર લાગે છે સા’બ.”ળ
બાકી દીકરી જેટલું વહાલ ક્યાંથી મળે. એ તો વહાલનો દરિયો છે. ખારો નહીં પણ મીઠા જળનો.
***
આવા માહોલમાં અમદાવાદમાં, અવળીગંગા જેવી ઘટના બની. મિત્રો, અમદાવાદની સ્થાપના જ અવળીગંગા તુલ્ય ઘટનાથી થઈ હતી ને! એક સસલું કૂતરાની સામે થઈ ગયું. એ અવળીગંગાએ અમદાવાદના સર્જનમાં ભાગ ભજવ્યો.
આ અવળીગંગાવાળા મેગાસિટીમાં એક મેગા અચરજ થયું. પુત્રીનાં લગ્નની ચિંતા પિતા કરે. પુત્રીનું લગ્ન પિતા ગોઠવે, પણ કુત્તે પે સસ્સા આયાવાળા આ શહેરમાં એક પુત્રીએ પિતાનું ચોકઠું ગોઠવ્યું! પિતાનાં લગ્નની ગોઠવણી દીકરીએ કરી. એ દીકરી ખુશીથી કહી રહી હશે કે ‘આજ મેરે બાપ કી શાદી હૈ’ દીકરીના હાથ પીળા તો હરકોઈ બાપ કરાવે પણ આ કિસ્સામાં બાપના હાથ દીકરીએ પીળા કરાવ્યા. વિધુર પિતા એકલવાયા થઈ જશે, એ જાણી દીકરીએ નક્કી કર્યું કે બાપનાં લગ્ન કરાવ્યા સિવાય તે લગ્ન નહીં કરે.ળદીકરીએ પોતાનાં લગ્નની ખુશીમાં એડવાન્સ ભેટ તરીકે પિતાને પત્ની આપી. પિતાના હાથ પીળા કરાવનાર પુત્રી એમબીએ છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં એમબીએ થવાય છે તેમ સેલ્ફ ડેઝિગ્નેટેડ એમબીએ પણ હોય છે. જગદીશ જાની એક બેન્કમાં ક્લાર્ક, લોકો તેને એમબીએ કહે.કોઈકે પૂછયું,” આ ભાઈ એમબીએ થઈને ક્લાર્કમાં કામ કરે છે?” ત્યારે કોઈકે ખુલાસો કર્યો કે જગદીશભાઈ સેલ્ફ ડેઝિગ્નેટેડ છે. તેઓ માને છે કે ‘મને બધું આવડે’, જે એમબીએનું શોર્ટફોર્મ છે. વેલ,પણ આ દીકરી ડેઝિગ્નેટેડ એમબીએ નથી. સાચા અર્થમાં મેનેજમેન્ટ સમજે છે કે પિતાને લગ્ન કરવાં જરૃરી છે એટલે મેનેજમેન્ટના જ્ઞાનરૃપે તેણે નિર્ણય લીધો.
ખેર, પિતાને પરણાવનાર પુત્રી તરીકે આ પહેલી નથી. ઝવેરચંદ મેઘાણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’માં પણ આવી એક કથા આલેખેલી છે. રાજપૂત કન્યા તેના વૃદ્ધ પિતાને ફરી પરણાવે છે. તે રાજપૂતને સંતાનમાં એકમાત્ર પુત્રી જ હતી. તેનાં લગ્ન થાય છે ત્યારે તેનો પિતા ઘરમાંથી ઘણીબધી ચીજવસ્તુ એકમાત્ર સંતાન પુત્રીને આપી ગાડે ચડાવે છે. એ વખતે ચોરીમાં બેઠેલા પિતરાઈ ભાઈઓ આડા ફાટે છે. ટોણા મારે છે. “અદા, દીકરો ભલે ન હોય પણ અમે ભાઈના દીકરાઓ તો છીએ. બધું છોકરીને ન આપી દેવાય.” આટલું સાંભળતાં જ દીકરી વીફરી. ગાડું પાછું વળાવ્યું અને બાપને ફરી પરણાવવાનું નક્કી કરે છે. બાપને કઢેલાં દૂધ પાઈ જુવાનીનો સંચાર કરાવે છે અને લગ્ન કરાવી, તેને પુત્ર થાય ત્યાં સુધી પતિઘેર નથી જતી. બાપને ત્યાં દીકરો થાય છે ત્યારે પિતરાઈ ભાઈઓને સંભળાવે છે “હવે આ ઘરમાં કશું જ નહીં રહેવા દઉં, બધું જ લઈને જઈશ.” બૂરી નજરવાળા પિતરાઈઓનું મોઢું કાળું પડી ગયું હશે... આવા વટના કટકાવાળી કેટલીક ઘટનાઓ બની હશે.. પણ હાલની ઘટના એક અદ્ભુત કિસ્સો ગણાય. ચોરીમાં ‘કન્યા પધરાવો સાવધાન’ કહેવાય છે. અહીંયાં પિતાને લઈને મંડપમાં ગયેલી પિતાને પધરાવે છે તેમ કહેવાય.
વાઈડબોલ
તળાવમાં પાણીનું ટીપું પડે, કોઈ નોંધ નહીં લેવાય, પણ તે ટીપું વૃક્ષના પાન ઉપર પડશે તો ચમકી ઊઠશે. માણસે ચમકી ઉઠાય તેવી જગ્યા પસંદ કરવી જોઈએ.

Apr 30,2011

No comments: