Thursday, June 10, 2010

દાનવ અધિકાર પંચ

સુવર્ણદ્વીપમાં દાનવ અધિકાર પંચ કાર્યરત હતું.

કોઈ પણ દાનવને નુકસાન ન થાય તે માટે પંચ મેદાનમાં હતું.

એમના એક આગેવાનને પૂછવામાં આવ્યું, ‘‘શું તમે દાનવોના અધિકારોનું સમર્થન કરો છો?’’

‘‘હા’’ એટલું કહ્યા પછી તેમણે ઉમેર્યું, ‘‘શું દાનવોમાં જીવ નથી? માનવ હોય કે દાનવ બધાને હક હોય છે, હોવા જોઈએ, દાનવોનું કલ્યાણ અમે જોઈએ છીએ.’’

‘‘દાનવ અધિકાર?’’

‘‘હા, તમને અંધેરી નગરીની વાત ખબર છે ને? ત્યાં તાંદળજાની ભાજીનું મૂલ્ય સ્વાદિષ્ટ ખાજાં જેટલું જ હતું. શું ભાજી કે શું ખાજાં? અમે પણ શું સજ્જન શું ગુંડા? બંનેને સરખા ગણીએ છીએ.’’

‘‘એમ!’’

‘‘હા, ન્યાયશાસ્ત્રનું એક સૂત્ર છે. ભલે નવ્વાણું ગૂનેગારો છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ.’’

‘‘હા, એ તો જાણીતું સૂત્ર છે, ઘણો ઉમદા ખ્યાલ છે.’’

‘‘અમે એ સૂત્રને લંબાવ્યું છે.’’

‘‘એ શું છે?’’

‘‘ભલે નવ્વાણું નિર્દોષ મરી જાય પણ એક ગુંડો ન મરવો જોઈએ.’’

‘‘એ તો વૈચારિક ક્રાંતિ છે.’’

‘‘હા, અમારું પ્રિય કાવ્ય છે, અંધેરી નગરી મેં ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં.’’

‘‘એ કાવ્ય તમને બહુ ગમતું લાગે છે?’’

‘‘હા, સુવર્ણદ્વીપના રાષ્ટ્રગીત તરીકે આ ગીત હોવું જોઈએ.’’

‘‘શું ભાજી કે શું ખાજાં? શું સજ્જન કે શું બદમાશ? સર્વે સમાન છે, આ કાવ્ય સમાનતાનો ઉપદેશ આપે છે. કાવ્યમાં ચોરી કરવા જતા ચોરનું જ્યાં ચોરી કરવા જતો હતો તે મકાનની દીવાલ નીચે દબાઈ જતાં મૃત્યુ થાય છે.’’

‘‘હા એ વાંચેલું છે.’’

‘‘કેટલી અદ્ભુત વાત કવિએ કાવ્યમાં કરી છે, કોઈ પણ વ્યક્તિને એની દીવાલ બાંધવાનો હક નથી કે ચોર તેની નીચે કચડાઈ જાય.’’

‘‘પણ-પણ ચોર એ સમાજનું અનિષ્ટ તત્ત્વ છે, એ અનિષ્ટ તત્ત્વ દબાઈ ગયું તો શું ખરાબ છે?’’

‘‘ઘણું ખરાબ છે. સમાજમાં બદમાશ પણ રહેશે, સજ્જન પણ રહેશે...’’

‘‘તો-તો તમે બદમાશ કે દાનવોના હકનું રક્ષણ કરવા મેદાને આવો છો?’’

‘‘ના, અમે માનીએ છીએ કે કોઈ પણ બદમાશને સ્વેચ્છાએ મારવાનો કોઈને હક નથી.’’

‘‘પણ તમે બદમાશોનું બેસણું રાખી રહ્યા છો એવી છાપ પડે છે. મરેલાઓના કુટુંબીજનો બેસણાં રાખતા હોય છે, માર્યા ગયેલા બદમાશ કે ગુંડા તમારા કુટુંબીજનો હતા તેવી છાપ પડે છે.’’

‘‘અમે ફક્ત માનવ નહીં દાનવ અધિકારોનું પણ સમર્થન કરીએ છીએ.’’

‘‘એમ!’’

‘‘હા, પૌરાણિક કાળમાં ભગવાન શંકરે પણ કેટલાય દાનવોને વરદાન આપેલાં ને જ! અમે પણ દાનવોનું એ રીતે સમર્થન કરીએ છીએ... આખર એ પણ જીવાત્મા તો છે ને...’’

No comments: