Tuesday, June 15, 2010

વાત છે બાજી ફીટાઉંસની

આ કોલમના ‘બાજી ફીટાઉંસ’ નામ અંગે ઘણા પૂછપરછ કરે છે. આનો અર્થ શું એવું કેટલાક પૂછે છે.

બાજી ફીટાઉંસ શબ્દ પત્તાંની રમતનો છે. પત્તાંની રમતમાં બીજી અનુકૂળ ન આવે ત્યારે કેટલાક રમનારા બાજી ફીટાઉંસ જાહેર કરી દે છે. બાજી ફીટાઉંસ કરનાર નાનાં બાળકો જ હોય, પણ આ બાળક જ્યારે મોટા માણસમાં દેખાય છે ત્યારે ‘બાજી ફીટાઉંસ’ જોવા મળે છે. બાજી ફીટાઉંસ આપણા સર્વેમાં સુખી માનસમાં જોડાયેલું છે. કોઈ સરસ જણાતા છોકરા સાથે પુત્રીનો વિવાહ થાય, માતા-પિતા ખુશ થાય, અચાનક છોકરાનાં માતા-પિતાને બીજે તક મળે કે છોકરીનો વિવાહ પેલા લોકો તોડી નાંખે- આ બાજી ફીટાઉંસની રમતનો જ ભાગ. આપણા સૌના મનમાં બાજી ફીટાઉંસનું ‘એબીમેન’ છે જ ક્યારેક તે સરફેસ ઉપર આવી જાય. હુકમનાં પત્તાં ન આવે એટલે બાજી ફેંકી દેવાની! પણ સમાજમાં ઘણા માણસો ફાયદો ન દેખાય ત્યારે બાજી ફીટાઉંસ કરી નાખે છે.

રાજકારણમાં બાજી ફીટાઉંસની એક ‘ખાસ તરહ’ જોવા મળે છે. કેટલાંક વર્ષો પહેલાં ઉત્તરપ્રદેશમાં બસપા અને ભાજપની મિશ્ર સરકાર સત્તા ઉપર આવી હતી. નક્કી થયું કે વારાફરતી બંને પક્ષના મુખ્યપ્રધાનો બને. પહેલા બસપાના મુખ્યપ્રધાન બન્યા, પછી વારો આવ્યો બીજેપીનો. બીજેપીના ઉમેદવાર કલ્યાણસિંહે નવાં ચૂડીદાર કપડાં સિવડાવી રાખેલાં. ભાજપાના મુખ્યપ્રધાનના રાજ્યરોહણની તૈયારી હતી. ત્યાં માયાવતીજીમાં કૈકેયી પ્રગટ થયાં. બીજેપીનો રાજ્યાભિષેક અટકી ગયો. માયાવતીજીએ ‘બાજી ફીટાઉંસ’ જાહેર કરી દીધી. કર્ણાટકમાં પણ ‘યહી કલકી પુરાની કહાની દૂબારા છેડાઈ.’ ઊંઘણશી દેવગૌડાના પક્ષ સાથેની સમજૂતી પ્રમાણે, એક વાર તેમનો પક્ષ શાસન કરે પછી ભાજપ શાસન કરે. પહેલી ‘બેટિંગ’ દેવગૌડાના પક્ષે કરી. બેટિંગ ‘પીચ’નો લાભ મેળવી તેમણે રન કરી લીધા અને જેવો ભાજપનો વારો આવ્યો કે દેવગૌડાએ ‘બાજી ફીટાઉંસ’ કરી દીધી. ગુજરાતમાં પણ ચીમનભાઈ પટેલે ભાજપના ખભાના સહારે શાસન મેળવ્યું, પણ વખત આવે ‘બાજી ફીટાઉંસ’ જાહેર કરી દીધી. અનેક વાર સાથીપક્ષોની માત થતા બીજેપીને સિંદબાદ એસ.ડી.પી. કહે છે. સદા ડફોળ બનતો પક્ષ.

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના ટેકાથી મુખ્યપ્રધાન બનેલા. ‘ટનાટન’ મુખ્યપ્રધાન બનેલા. (ટનાટન શંકરસિંહનો પ્રિય શબ્દ છે.) પણ કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીએ કેસરિયા કર્યા. જાહેર કર્યું વાઘેલા હો યા બાઘેલા ઉસકો જાન હી પડેગા અને ટેકો પાછો ખેંચી લીધો, બાજી ફીટાઉંસ થઈ ગઈ.

પાકિસ્તાનના ચાલુ પ્રવાસે અકળાઈ ગયેલી ઈંગ્લેન્ડની ટીમે બાજી ફીટાઉંસ જાહેર કરી દીધેલી અને ચાલુ સિરીઝે વતન પરત ફરી ગયેલા. શિક્ષણપ્રથાના કારણે બાજી ફીટાઉંસના કેસ વધી ગયા છે. રાજા બેટા ડોક્ટર બનેગા એવું માનતા મા-બાપને કારણે રાજા બેટાના મગજ ઉપર ટેન્શન વધી જાય છે. ત્યારે અમુક કિસ્સામાં એ આત્મહત્યા કરી લે છે. આ વિદ્યાર્થીની બાજી ફીટાઉંસ છે.

લગ્નજીવનમાં ‘નથી રમતા જા’ કહી ઘણાં યુગલો લગ્નજીવનનો અંત લાવી દે છે. આને છોકરી કે છોકરાએ જાહેર કરેલ ‘બાજી ફીટાઉંસ’ છે.

જીવનમાં તક છે, તકલીફ પણ છે એ સાથે બાજી ફીટાઉંસનો ખેલ પણ છે.

ગૂગલી

કેટલાક શાણા લોકો હસતા નથી, કેમ કે તેઓ જાણે છે કે એમ કરવાથી તેમની ખામીઓ છતી થઈ જશે.

- એમર્સન અમેરિકન ચિંતક

No comments: