પૌરાણિક કાળમાં યુધિષ્ઠિર મહારાજે શ્વાનના હક માટે લડત છેડી હતી. શ્વાન માટે તે સ્વર્ગને ઠુકરાવવા તૈયાર થયા હતા. ત્યારે પણ ભગવાને સંભવામિ યુગે યુગે જેવું વચન આપેલું. પરિત્રાણય શ્વાનમ્ એવું કંઈક એમણે કહેલું. આજે લીસા વોર્ડન કરીને એક મહિલા શ્વાનોના રક્ષણ માટે લડત છેડી રહ્યાં છે. તેમના વ્યવહાર પરથી લાગે છે કે આ લીસા વોર્ડન તેમના પતિ માટે નહીં પણ શ્વાનો માટે કૂતરા માટે કહી રહ્યાં છે કે ‘મુઝે તૂમસે પ્યારા ઔર ન કોઈ’ તેઓ કૂતરાઓના રક્ષણ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. અમદાવાદની શેરીઓ અને સોસાયટીઓમાં કૂતરાઓ રાત્રે સપ્તક જેવું સંગીત સંમેલન યોજતા હોય છે. એક બાજુ એક કૂતરું ઊંચી ડોક કરી સૂર લગાવે, કે થોડી જ વારમાં સામી બાજુએથી તેનો પ્રતિસાદ બીજું કોઈ કુતરું કરુણ અવાજે આપે અને જૂગલબંદી રાતભર ચાલે. રહીશોની ઊંઘ હરામ થઈ જાયે.
દિવસે નાનાં છોકરાંઓ શેરીમાં રમતા ડરે કે પેલું કાળિયું કૂતરું કરડશે તો? શ્વાનના ત્રાસથી માણસો ઊંઘી શકતા નથી ત્યારે કોર્પોરેશન જાગી ઊઠે છે અને કૂતરાને પકડવાની કામગીરી શરૃ કરે છે. જેમ સાયલોક જેવા વ્યાજખોર ધિરાણ લેનારને સાણસામાં લે તેમ કૂતરાને પકડવા માટે કોર્પોરેશનના માણસો પણ સાણસા લઈ મેદાને પડે છે.
થોડાક ખેલ નખાય છે પણ જેમ ટ્રાફિક સમસ્યાનો હલ મળતો નથી તેમ અમદાવાદમાં રખડતાં ગાય-કૂતરાના પ્રશ્ને પણ ઉકેલ મળતો નથી.
કોર્પોરેશનના માણસો સાણસા લઈ સોસાયટીમાં દોડાદોડી કરે, કૂતરાઓ પણ આમતેમ દોડાદોડી કરે પણ સાણસામાં આવે નહીં.
કૂતરાઓએ તેમને પડતી પરેશાનીથી ત્રસ્ત થઈ ભગવાનને પ્રાર્થના કરી. હે પ્રભુ, માણસોને જ બચાવવા તમે સંભવામિ યૂગે યૂગે કહ્યું હતું પણ અમારું જરા વિચારો. ત્યારે પ્રભુએ પરિત્રાણાય્ શ્વાનમ્... કોઈ દૂતને મોકલવાનું નક્કી કર્યું. લીસા વોર્ડન એ રીતે શ્વાનોનાં તારણહાર તરીકે પ્રગટ થયાં છે. એ બહેનનો જુસ્સો ઝાંસી કી-રાણી જેવો છે. જેમ માનવહક માટે માનવઅધિકાર પંચ છે. જે સજ્જન કે ગૂંડા બધા માણસોના હક માટે લડે છે તેમ લીસાબહેન પ્રાણી અધિકારપંચનાં અધિષ્ઠાતા છે. તેમનો નિર્ધાર છે કૂતરાઓનું રક્ષણ. જેમ વાંસ ન હોય તો વાંસળી પણ ન રહે. તે તર્ક પ્રમાણે કૂતરાને પકડવાના સાણસા નહીં હોય તો કૂતરા પણ નિર્ભય રીતે ફરી શકશે. એમ માની લીસાબહેન કોર્પોરેશનની કચેરીમાંથી સાણસાઓ ઉપાડી ગયા છે. હવે કોર્પોરેશનવાળા લીસાબહેનને પકડી શકાય તેવા સાણસાની તલાશમાં છે. તેમની ઉપર ફોજદારી દાવાઓ ફટકારી દેવામાં આવ્યા છે. લીસાબહેનનો માર્ગ કઠિન છે. દસ કરોડનો માનહાનિનો દાવો પણ તેમની ઉપર થયો છે. કૂતરાઓ માટે લીસાબહેન બરબાદ થવા તૈયાર છે. કૂતરાઓ માટે તે આશા છે. છગન કહેતો હતો કે કૂતરાઓથી બચવા, કરડી ન જાય માટે પહેલા હું લાકડી રાખતો હતો. હવે મેં લીસાબહેનનો ફોટો રાખ્યો છે. કૂતરાને બતાવું કે તુરંત જ પૂંછડી પટપટાવા માંડે છે. એને ખબર છે કે આ બેદર્દ જમાનામાં તેમની ફિકર આ બહેન કરી રહ્યાં છે. કોર્પોરેશનવાળાએ તેમની સામે પોલીસકેસ કરી દીધો છે. પણ અન્ય ગુનેગારોની જેમ, આપણી પ્રણાલિકા પ્રમાણે લીસા વોર્ડન પણ દેશ છોડીને જતાં રહ્યાં છે. કોર્પોરેશનને મળે તો કદાચ સાણસા પાછા મળે...
ગૂગલી
શાહરૃખ - અક્ષયે એકબીજાને મોંઘીદાટ ઘડિયાળો ભેટ આપી - સમાચાર.
શું સમય આવ્યો છે!
No comments:
Post a Comment