Tuesday, June 15, 2010

પારસીયત

‘બો સ, નોબેલિટીનું ગુજરાતી શું થાય?’ છગને પ્રશ્ન કર્યો.

‘છગન નોબેલિટીનું હું ગુજરાતી ભાષાંતર કરીશ જે તને શબ્દકોષમાં પણ નહીં મળે.’

‘બોસ, શબ્દકોષમાં પણ ન હોય તેવો ખોટો ખોટો અર્થ મારે નથી જાણવો.’

હું જ્ઞાનીપુરુષના રોલમાં આવીને બોલ્યો ‘વત્સ, ભલે તે શબ્દકોષમાં ન હોય પણ તે અર્થ સાચો જ નહીં વધુ સાચો હશે...’

‘પ્રભુ મારા કાન એ અર્થ જાણવા આતુર છે, મને જલદી કહો’ પૂરા શિષ્યભાવે છગને કહ્યું.

‘નોબેલિટીનું ગુજરાતી ભાષાંતર કરવું હોય તો કહેવાય પારસીયત, એટલે કે પારસીપણું, પારસી વર્તણૂક.’

‘ખરેખર?’

‘હા, એ સમજવા માટે છગન તારે ૨૬/૧૧, છવ્વીસ અગિયાર યાદ કરવી પડે...’

‘જે દિવસે આતંકવાદીઓએ મુંબઈ ઉપર ત્રાટક્યા હતા એ જ ને?’

‘હા, ત્યારે હોટેલ તાજમાં ભયંકર આતંક મચ્યો હતો. આગ્રાનો તાજમહાલ સ્થાપત્ય કલાનો નમૂનો દુનિયાને દેખાડે છે. ૨૬/૧૧ પછી હોટેલ તાજ માનવતાની ઉદાત્ત સરવાણીની સાક્ષી આપે છે.’

‘એ કઈ રીતે?’

‘આગ્રાનો તાજ આંખને ઠારે, પણ મુંબઈની તાજની વાત દિલને ઠારે છે. તાજ હોટલના ચેરમેન રતન ટાટાએ આતંકના ભોગ બનેલા માટે કરેલી કામગીરી ક્યારેય ન ભૂલાય.’

‘એમણે શું કર્યું?’

‘છવ્વીસ-અગિયાર આતંકમાં હોટલના લગભગ એંસી કર્મચારીઓ અસર પામ્યા હતા. એ તમામ માટે ટાટાએ ટ્રસ્ટ ઊભું કર્યું અને ઉદાર સહાયનો ધોધ છૂટયો.

‘જેમ કે?’

‘છેતાળીસ બાળકો, જેઓના વાલી/પિતા આતંકનો ભોગ બન્યા હતા, તે તમામ બાળકોના તમામ ભણતરનો ખર્ચ જીવનભર ટાટા ઉઠાવશે.’

‘કહેવું પડે...’

‘જે લોકો માર્યા ગયા તે તમામના કુટુંબને જીવનભર ઘેર બેઠા પગાર મળે તેવી વ્યવસ્થા કરી, એટલે કે કોઈ કર્મચારી ત્રીસ વર્ષનો હોય ને આતંકનો ભોગ બન્યો હોય તો સાઠ વર્ષની નોકરી ગણી દર માસે તેને ઘેર પગાર પહોંચે છે. એટલે કે બાકીના ત્રીસ વર્ષ કુટુંબને પગાર મળ્યા કરશે.’

આતંકનો ભોગ બનેલાના કુટુંબને જીવનભર મેડિકલનો ખર્ચ મળ્યા કરશે.

‘ગજબ કહેવાય.’



‘અને જે કર્મચારીઓએ લોન કંપનીમાંથી લીધી હોય તે તમામ વ્યાજ સાથે માફ કરી દીધી. લઈ જવાની સગવડ આપી અને પંચ-તારક હોટલમાં ત્રણ અઠવાડિયાં સુધી રાખ્યા.’

આ સિવાય ટાટાએ જે હોટલના કર્મચારી ન હતા પણ આતંકનો ભોગ બન્યા હતા તેના કુટુંબીજનોને છ માસ સુધી દર મહિને રૃ. દસ હજાર મોકલ્યા. જેમાં રેલવે, પોલિસ સ્ટાફ અને પાંઉભાજીની લારીવાળો પણ આવી ગયા.

આતંકવાદીની ગોળી, એક ફેરિયાની પૌત્રીને વાગી હતી. તેને બચાવવા લાખ્ખો રૃપિયા ટાટા ટ્રસ્ટે આપ્યા.

હોટલ તાજ આતંકના કારણે લાંબો સમય બંધ રહી ત્યારે પણ તમામ કર્મચારીઓને ઘેર પગાર મનીઓર્ડરથી મોકલી આપ્યો.

સૈકાઓ પહેલાં આતંકવાદનો ભોગ બની પારસીઓ ઈરાનથી, ભારત બલ્કે ગુજરાત આવ્યા હતા. આતંકવાદની બળતરા એમનાથી વધુ કોણ સમજી શકે? ટાટાએ કહ્યું હતું કે ગુજરાતમાં જે રોકાણ નથી કરતો તે ઈડિયટ છે. સૈકાઓ પહેલાં પારસીઓ ગુજરાત સ્થાયી થયા, કારણ કે તે ઈડિયટ ન હતા. રતન ટાટાએ કર્મચારીઓને અને આતંકનો ભોગ બનેલા માટે જે ઝિંદાદિલી બતાવી તે જોઈ સિંદબાદ કહે છે... ‘તુઝ મેં રબ દિખતા હૈ...’ ખરેખર આ જ ઈશ્વરનું કાર્ય છે...

No comments: