Thursday, June 10, 2010

કાચબા કુરિયર સર્વિસ

સચિવાલયની દસ માળની ઈમારત હતી. એરકંડિશન્ડ ઓફિસો હતી. ડઝનબંધ લિફ્ટ હતી. જે લોકોને, મંત્રીઓને, અધિકારીઓને ઉપર-નીચે લઈ જતી હતી. સચિવાલયની લોબીમાં મોટી મોટી પીઠવાળા કાચબાઓ ફરી રહ્યા હતા. જેને ઢાલ કાચબા પણ કહેવાય છે, તેવા કાચબા સચિવાલયમાં તેમની મંથર ગતિએ ચાલી રહ્યા હતા.

જાણવા મળ્યું કે કાચબાની મોટી પીઠ તેમનું નાનું પેટ ભરવાનું કામ કરી રહી હતી.

નવાઈ લાગી. આ કાચબાઓ સચિવાલયમાં શું કરી રહ્યા છે? અને એમનું સચિવાલયમાં હોવું તેમના પેટ ભરવાનું કારણ કઈ રીતે બની શકે?

મહાદેવના મંદિરમાં કાચબા હોય, પણ સચિવાલયમાં કાચબો? કાચબા તળાવમાં હોય તે સમજાય, કેટલાક કાચબાઓ પ્રાણી સંગ્રહાલયમાં પણ હોય છે. સચિવાલયને આપણે પ્રાણી સંગ્રહાલય કઈ રીતે કહી શકીએ? પણ કાચબાઓ ફરી રહ્યા હતા. ફીલ એટ હોમ અનુભવી રહ્યા હોય તેમ કાચબા ચાલતા હતા.

ત્યાં એક પટાવાળો આવ્યો અને એક કાચબાને ઉઠાવીને કચેરીની અંદર લઈ ગયો.

અજાણ્યાને થાય કે આ શું થાય છે? યે ક્યા માઝરા હૈ? થોડી વારમાં પટાવાળો આવ્યો. કાચબાને જમીન ઉપર મૂકી દીધો, પણ તેની વિશાળ પીઠ ઉપર એક ફાઈલ બાંધેલી હતી. અને કાચબો ધીમે ધીમે ચાલવા માંડયો. કોઈકે પટાવાળાને પૂછયું, ‘‘અરે ભાઈ, આ નવતર શું છે? કાચબાની પીઠ ઉપર ફાઈલ? અને ફાઈલ ક્યાં જશે?’’

ત્યારે પટાવાળો હસ્યો. ‘‘ભાઈ, પહેલાંના વખતમાં કબૂતરો સંદેશાવાહક હતાં એ ખબર છે?’’

‘‘હા એવું વાંચેલું ખરું.’’

‘‘એ વાંચેલું ને? હવે આ જુઓ. આ આધુનિક સંદેશાવાહક મતલબ કે ફાઈલવાહક છે. જેમ કબૂતરોને ખબર હોય કે ક્યાં જવાનું છે તેમ આ કાચબાઓને ખબર છે કે ફાઈલ કયા ટેબલ ઉપર લઈ જવાની છે. કબૂતરોના પગમાં સંદેશાની ચીઠ્ઠી હતી. કાચબાઓની પીઠ ઉપર નિર્ણય માટેની ફાઈલ હોય છે.’’

‘‘પણ પણ આ રીતે ફાઈલ જે તે ટેબલ ઉપર પહોંચે ક્યારે?’’

‘‘તમે ભાઈ ભારે ઉતાવળિયા લાગો છો આ ફાઈલ તમે જોઈ તે ટેબલ ઉપર ક્યારે પહોંચશે ખબર છે?’’

‘‘ના’’

‘‘મે મહિનાની ૩૧ તારીખ થઈ, એ ગંતવ્ય સ્થાન.’’

‘‘ગંતવ્ય સ્થાન? એટલે શું?’’

‘‘અરે ભાઈ, ડેસ્ટિનેશનનું ગુજરાતી છે.’’

‘‘ઠીક-ઠીક પછી શું થશે?’’

‘‘એ મે માસમાં નીકળેલી ફાઈલ, નવેમ્બરમાં તે ટેબલ પર પહોંચી જશે?’’

‘‘બાપ રે!’’

‘‘હવે દાદા રે બોલો, ત્યાંથી ફાઈલ કાચબા મારફત પરત આવશે ત્યારે બે હજાર અગિયારનો મે માસ હશે.’’

‘‘ખરેખર પરદાદા રે દાદા બોલવું પડે તેવું છે.’’

‘‘ભાઈ સાબ, ફાંસીવાળા અફઝલ-ગુરુની ફાઈલ પણ આ કાચબા મારફત ફરી રહી છે.’’

‘‘એટલે શું થશે?’’

‘‘અફઝલ-ગુરુની ફાઈલ લઘુ ગતિએ ચાલી રહી છે, એ તમે છાપામાં વાંચ્યું હશે!’’

‘‘તો કાચબાઓ ફાઈલ ક્યારે પહોંચાડશે?’’

‘‘મિત્ર, કાચબાઓ બસ્સો-ત્રણસો વર્ષ જીવે છે, એટલે અફઝલ-ગુરુની ફાઈલ કાચબા-કુરિયર-ર્સિવસ મારફત ફર્યા કરશે.’’

‘‘પણ ત્યાં સુધી અફઝલ ગુરુ જીવતો હશે?’’

‘‘પ્રયત્ન તો થશે, કોઈ પણ ફાંસીનો કેદી કુદરતી મોતે ન મરવો જોઈએ, એટલે એને જીવતો રાખવા લાખો રૃપિયા ખરચી નાખવામાં પાછું વાળીને નહીં જોવાય.’’

મધ્યયુગમાં કબૂતરો સંદેશાવાહક હતાં. અત્યારે કાચબાઓ ફાઈલવાહક છે. એક ટેબલથી બીજા ટેબલ સુધી અમુક ફાઈલો પહોંચાડવાની જવાબદારી કાચબાઓની છે. એ લોકો મહિનાઓ એ કામ માટે લે છે. છગન કહે છે દીર્ઘજીવી કાચબા ફાંસીના કેદીની જિંદગી લંબાવી રહ્યા છે.

વાઈડ બોલ

‘તમાકુના કારણે લાખ્ખો લોકો મૃત્યુ પામે છે.’

તમાકુ વિરોધ દિનની જાહેરાત.

‘કેટલાક લોકો પોતે જીવવા માટે અનેકને મૃત્યુના મોંમાં ધકેલે છે.’

No comments: