‘લે ને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ’ લેવા ગઈ પુત્ર અને પતિ ગુમાવી પરત આવી. આપણી ટીમ વેસ્ટ ઈન્ડિઝ કપ લેવા ગઈ હતી. પણ બાજી ફીટાઉંસ કરી પરત આવી ગઈ. કેટલાંક પત્રકારમિત્ર આને ધોળકું ધોળ્યું એમ પણ કહ્યું. આમાં બિચારા ધોળકાવાસીઓનો શો વાંક? ધોળકાની નિંદા કરતી આવી ઉક્તિ માટે ધોળકાવાસીઓ કેમ ચૂપ છે? આ લેખકનો ધોળકા સાથે નાતો છે એ નાતે અમારો ટેકો રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકાની બદબોઈ કરતી ઉક્તિ માટે વિરોધ કરવો જોઈએ. હા, તો ધોળકું નહીં પણ સેન્ટ-લૂઇસમાં ધોળ્યું. આપણા લાખોમાં આળોટતા ખેલાડીઓએ. હવે આપણા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેના મગજ ઉપર કન્ટ્રોલ ગુમાવ્યો છે. ખેલાડીઓને ‘શો-કોઝ’ નોટિસ આપી દીધી છે. છ ખેલાડી એટલે અડધી ટીમને નોટિસ મળી ગઈ છે. શો-કોઝ એટલે કારણ આપો. વિદ્યાર્થીને પૂછવામાં આવે ‘દિવસ-રાત કેમ થાય છે?’ કારણ આપી સમજાવો. હવે આ લોકોએ દિવસ રાત તમે શું કર્યું એ સમજાવવાનું રહેશે. ખાસ કરીને રાત્રે, પબમાં શું થયું? શું કર્યું? સમજાવવાનું રહેશે. અલબત્ત, કારણ આપી ને.
છગન કહે છે આનું નામ પડતા ને પાટુ. બિચારા પડી ગયા છે એમને ઊભા કરવા હાથ આપવાને બદલે લાત મારવાની? જગતનો નિયમ છે. સફળતા જેવું કશું સફળ નથી. તમે નિષ્ફળ જાય એટલે ખણખોદ શરૃ થાય. છોકરો પાસ થાય ત્યારે પાર્ટી જ થાય, એ કેટલું વાંચતો હતો તે કોઈ પૂછે નહીં. પણ નપાસ થાય તો ટીવી. જોયા કરતો હતો. મેચ જોયા કરતો હતો. વગેરે વગેરે બમ્પર તેના માથા ઉપર આવે.
હવે બોર્ડ આ છ જણને તેમની છઠ્ઠી યાદ કરાવી દેશે. ટીવી. સ્ક્રીન ઉપરથી તેઓ બંધ થઈ જશે. અને ચેક આવતા બંધ થઈ જાય... કુછ ભી હો સકતા હૈ.
ઘણાં લોકો અકળાયા છે. આપણા ખેલાડીઓ હાર્યા પછી પબમાં પાર્ટી કરી રહ્યા હતા ને ત્યાં પણ બીજા ગ્રાહકો સાથે બાખડયા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે તેઓ પોતાનો હાથ બતાવી ન શક્યા પણ વેસ્ટ ઈન્ડિઝના પબમાં પોતાનો હાથ બતાવવા આતુર હતા. શાપિત આશિષ (નહેરા) કહે છે કે હાથ નહીં કેવળ જીભ જ બતાવી હતી. આશિષને શાપિત એટલે કહ્યો છે કે તેને શો-કોઝ નોટિસનો શાપ ડસી ગયો છે. આપણા ગુજ્જુભાઈ જાડેજાને હજુ તો પગ જમાવવાનો છે ત્યાં પગ ઉપર કુહાડો મારી રહ્યો છે. છગન કહે છે જાડેજાની શો-કોઝ નોટિસમાં પહેલી લાઈન હશે. ‘પાપ તારં પરકાશ જાડેજા...’ હાર્યા પછી પાર્ટી ન થઈ શકે એવું નથી. પૂછો શાયર સાહિરને. એણે જ લખ્યું છે ‘બરબાદીઓ કા જશ્ન મનાતા મૈં ચલા’ કવિ કહે છે કે હું તો બરબાદીનો પણ જશ્ન કરું છું. કવિએ કહ્યું તે આપણા ક્રિકેટરોએ કર્યું. ક્યા બુરા કીયા? ગીતામાં પણ સુખ અને દુઃખને સમભાવે જોવાની સલાહ આપવામાં આવે છે. યુવરાજ એ જ કરી રહ્યો હતો. જાડેજા કે ઝહિર એ જ કરી રહ્યા હતા. આટલી નાની વયે ગીતાને ચરિતાર્થ કરનારને તો બિરદાવવા જોઈએ. અમદાવાદમાં શેરબજાર (પહેલાનું)ની બહાર જ ચવાણાવાળાની જાણીતી દુકાન, કહેવાય છે કે જે વેપારી (કે સટોડિયો) પૈસા ગુમાવે, નુકસાન થાય ત્યારે ખાસ ચવાણું મંગાવીને ખાય, નાસ્તા પાણી કરે. આપણા ક્રિકેટરો એ વેપારી કે સટોડિયા જેવા જ ગણાય. (કેટલાંક ક્રિકેટરોને પણ સટોડિયા કહે છે જ ને!) હાર્યા ત્યારે જશ્ન કરવો. નોટિસ પામેલા ક્રિકેટરો તેનો જવાબ લલિત-મોદીની સલાહથી ‘ડ્રાફ્ટ’ કરે તો તે હજ્જારો પાનાંનો બની રહે. આ સલાહ છે સામેના ખેલાડીએ આપેલો કેચ નથી એને ‘ડ્રોપ’ ન કરતા.
No comments:
Post a Comment