‘વાંચે ગુજરાત’ એ છાપાંમાં રોજ ચમકતી બાબત છે.
‘વાંચે ગુજરાત’ એવું શીર્ષક વાંચી સિંદબાદ પૂછે છે, ‘‘વાંચે ગુજરાત એટલે શું? ગુજરાત શું વાંચે છે!’’
‘‘એટલે તું શું કહેવા માગે છે?’’
‘‘બોસ, જેમ કે ‘દાખે દલપતરામ...’ એમ કહેવાય એટલે દલપતરામ કહે છે એમ સમજાય કે ‘ભણે નરસૈંયો’ એ જાહેરાત ગણાય કે નરસૈંયો આમ કહે છે તે જ રીતે ‘વાંચે ગુજરાત’ એટલે ગુજરાત વાંચે છે તેમ કહેવાય. હકીકતમાં તો ફરિયાદ છે કે ગુજરાત વાંચતું નથી. ગુજરાત વાંચતું નથી એને વાંચતું કરવાની વાત ને આંદોલન તે ‘વાંચે ગુજરાત’ કઈ રીતે કહેવાય?’’
સિંદબાદની વાતમાં તથ્ય તો ખરું. આંદોલનનું નામ ‘વાંચ ગુજરાત વાંચ’ એવું રાખવું જોઈએ. જે રીતે ‘કબૂતર જા જા’ એમ કહી કબૂતરને જવા માટે પ્રેરણા આપવામાં આવે છે તેમ ગુજરાતીઓને વાંચવા માટેની પ્રેરણા આપવી હોય તો ‘વાંચ ગુજરાત વાંચ’ એમ કહેવું જોઈએ.
છગન તેના કુટુંબ સાથે ઢોંસા ખાવા ગયો હતો. કહે ‘‘બોસ, ચારસો રૂપિયા થયા.’’
છગને ઢોંસા ખાધા, હોટેલના વેઈટિંગમાં ચાલીસ મિનિટ કાઢી, પિસ્તાળીસ મિનિટ હોટલના હોલમાં બેઠા ચારસો રૂપિયા ખરચી નાખ્યા. ટીપ અને પેટ્રોલનો ખર્ચ વધારાનો.
છગન કહે, ‘‘આટલા પૈસા પછી પણ મને તો પેટમાં તકલીફ થઈ હતી.’’
આ જ છગનને મેં કહ્યું હતું, ‘‘કોઈ શિષ્ટ સામયિકનું વરસ માટે લવાજમ ભરે તો પૂરા બાર મહિના તારે સંસ્કારી મેગેઝિન આવે. પેલા ચારસોમાં પેટ બગડયું હતું, આ ખર્ચમાં તારું પેટ ન બગડે, પણ તારું મગજ સુધરે. તારા ટેબલ ઉપર પડયું હોય તો ઘરના બીજા સભ્યો સમય મળે ત્યારે વાંચે, મહેમાન કે પડોશી પણ વાંચે. ઢોંસાના ખર્ચમાં તો તું એકલો જ ખાય, આમાં કેટલા બધા લોકો તેં ખરીદેલ મેગેઝિન વાંચી શકે!’’
પછી છગને કહ્યું, ‘‘બોસ. આવતા મહિને ઢોંસા ખાવા નહીં જાઉં...’’
‘‘તો!’’
‘‘એક-બે સંસ્કારદાયી મેગેઝિનનાં લવાજમ ભરીશ.’’
ઈસનપુર-અમદાવાદના એક મિત્રે કહ્યું, ‘‘અમારા વિસ્તારની બે વિશેષતા છે.’’
‘કઈ કઈ?’’
‘‘ખાડિયામાં ફૂટપાથ પાર્લામેન્ટ હતી એ તમે જાણ્યું હશે.’’
‘‘હા, બરાબર ખબર છે, શું ઈસનપુરમાં ફૂટપાથ પાર્લામેન્ટ છે?’’
‘ના, બોસ. ઈસનપુરમાં ફૂટપાથ ટોઈલેટ છે. ઈસનપુરના રીંગરોડ ઉપર નીડ નોટ ટુ પે એન્ડ યુઝ ટોયલેટ છે...’’
‘‘શું વાત છે કમાલ કહેવાય...’’
‘‘પચાસ ટકા રીંગરોડ રોકતા, શાકવાળાઓ આ પ્રયોગનો મુક્તમને લાભ લે છે. કોર્પોરેશનના મોટાસાહેબોને આ ખબર નથી. નહીંતર જોવાલાયક સ્થળોમાં આનો સમાવેશ થઈ શકે.’’
એ મિત્રને એમના વોર્ડની આ વિશેષતા માટે અભિનંદન આપ્યાં અને પૂછયું, ‘‘બીજી કઈ વિશેષતા છે?’’
‘‘બોસ, અમારા વિસ્તારમાં ડઝનબંધ બૂટ-ચંપલની દુકાનો છે, પણ પુસ્તકની એક પણ દુકાન નથી.’’
‘‘એનો પણ સંકેત ગણાય.’’
‘‘કયો?’’
‘‘તમારા વિસ્તારમાં બૂટ-ચંપલની દુકાનો છે, પણ પુસ્તક નથી, ખરું ને?’’
‘‘હા’’
‘‘એનો અર્થ થયો, તમારા વિસ્તારના લોકો પગની ચિંતા કરે છે પણ માથાની નહીં.’’
‘‘બાળકના જન્મ સાથે અમારો સિલસિલો છે.’’
‘‘એટલે?’’
‘‘બાળક ચાલતો થાય કે દોઢસો બસોના શૂઝ એને પહેરાવે.’’
‘‘એમ!’’
‘‘હા, એ શૂઝ એવા કે બાળક ચાલે કે બૂટમાં લાઈટ થાય.’’ પણ પછી જાણ્યું એ લોકો છોકરો વાંચતો થાય ત્યારે કોઈ બાળકોના મેગેઝિન માટે પૈસા નથી ખરચતા, છોકરો ચાલતો થાય તેનું જ મહત્ત્વ છે, વાંચતો થાય તેનું નહીં.
આ સમાજ કઈ રીતે ચાલતો થશે?
વાઈડ બોલ
દસ ટકા રાજકારણીઓ સારા હોય છે, પણ બાકીના નેવું ટકાને કારણે તેઓ બદનામ થાય છે.
- હેન્રી કિસિંજર (અમેરિકાના પ્રખ્યાત વિદેશપ્રધાન)
No comments:
Post a Comment