Saturday, June 26, 2010

એન્ડરસનેઅર્જુન લૂંટીયો...

ભો પાલ ગેસકાંડથી પીડિત કોઈ સૌથી વધુ હોય તો એ છે અર્જુનસિંહ. ગેસકાંડથી પીડિત લોકોને સરકાર સહાય કરી રહી છે, પણ શ્રીમાન અર્જુનસિંહને તેનો કોઈ લાભ મળે તેમ નથી. બલ્કે તેમની પીડા દિન-પ્રતિદિન વધી રહી છે.

ગેસકાંડના સૌથી મોટા અપરાધી એન્ડરસનને આ દેશમાંથી જતા રહેવાની સગવડ આપવાનો આરોપ અર્જુનસિંહ ઉપર છે.

અત્યારે સુનીલ ગવાસ્કરની કોમેન્ટ યાદ આવે છે.

ગવાસ્કરના બેટની જેમ જ પેન પણ જોરદાર ચાલે છે. તેણે ગુજરાતી ક્રિકેટર દિલીપ દોશી ઉપર તીખી કોમેન્ટ કરેલી.

આ દિલીપ દોશી સુનીલનો મિત્ર, અને માર્શલીન જે સુનીલની પત્ની બની એ બેનો મેળાપ દિલીપે કરાવી આપ્યો હતો. અથવા એટલે જ દિલીપની ફિલ્ડિંગ ઉપરે સુનિલે વ્યંગ કરતાં લખ્યું હતું કે બાઉન્ડરી તરફ જતા બોલને દિલીપે રોકવાને બદલે તેના વળાવિયા તરીકે કામ કર્યું હતું. (હી એસ્કોર્ટેડ બોલ) માનનીય અર્જુનસિંહે પણ એન્ડરસનને પકડવાને બદલે એના વળાવિયા તરીકે કામ કર્યું. હી એસ્કોર્ટેડ એન્ડરસન! દિલીપે બોલને બાઉન્ડરી બહાર જવાની મદદ કરી હતી તેમ અર્જુનસિંહે એન્ડરસનને સરહદ પાર કરવાની સગવડ આપી. અને સૈંયા બંૈયા છુડાવીને જતા રહ્યા. હવે તે મામલો બહાર આવ્યો છે. ફિલ્મ ‘રાજનીતિ’નો એક સંવાદ યાદ આવે છે, ‘રાજનીતિમાં મુરદા દાટી દેવામાં નથી આવતા, સાચવી રાખવામાં આવે છે. રાજનીતિમાં મુરદા પણ વખત આવે બોલે છે...’

અત્યારે ભોપાલકાંડના મુરદા બોલવા માંડયા છે. સિંદબાદ કહે છે ‘એન્ડરસન કાબો ગણાય..’ કારણ જણાવતા કહે છે એન્ડરસને અર્જુન લૂંટીયો...

અત્યારે અર્જુનસિંહ મીનાકુમારી બની ગયા છે. મીનાકુમારી એક ફિલ્મમાં (મૈં ચૂપ રહૂંગી?) ગમે તે થાય પણ કશું બોલતી જ નથી અર્જુનસિંહ પણ મૈં ચૂપ રહૂંગા કહે છે. બોલે તે બે ખાય, આમાં બોલે તો માર ખાય તેવી સ્થિતિ છે. સવાલ છે કે શું એન્ડરસન કેટલાક લોકોની કારકિર્દીનો એન્ડ લાવી દેશે?

આટલો મોટો ગુનો કર્યા પછી એન્ડરસન દેશ છોડીને ગયો, પૂરી શાનથી ગયો હતો. તે વખતના ભોપાલના એસ.પી. પુરી સાહેબ પૂરા અદબથી જાતે ગાડી ચલાવીને તેને એરપોર્ટ લઈ ગયા હતા.

આનો છેડો હવે રાજીવ ગાંધી સુધી પહોંચ્યો છે. જાણકારો પૂછે છે. આશિષ નહેરા બોલિંગ કરવા જાય અને ધોનીને ખબર જ ન હોય એવું બને ખરું?

રેલો હાઈકમાન્ડ તરફ જતો જોઈ પ્રણવ મુખરજી કહે છે એન્ડરસનને જવા દેવા પાછળ લોકકલ્યાણનો હેતુ હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એ જરૂરી હતું. નહિંતર તોફાન વધી જાત.

કાયદો વ્યવસ્થા જાળવવા, વધુ સ્થિતિ બગડે નહીં તે માટે ગુનેગારને છોડી દેવા જરૂરી લાગે એ થિયરી આગળ ચાલે તો?

અફઝલ ગુરુને ફાંસી અપાય તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે, તેમ શાસન જાહેર કરે તો શું? આવી નીતિ આડકતરી તો જાહેર કરી જ છે. તો એન્ડરસનની જેમ જ ભાઈ અફઝલ ગુરુને વાજતેગાજતે વાઘા બોર્ડર સુધી પુરીસાહેબ જેવા કોઈ ઉચ્ચ અધિકારી ડ્રાઈવ કરી લઈ જાય. એન્ડરસન વિદાયની જેમ અફઝલ વિદાયનું નાટક પણ જોવા મળે. પ્રણવ મુખરજીએ કહ્યું તેમ આપણે કાયદો અને વ્યવસ્થાનો વિચાર પણ કરવો પડે ને! ભોપાલના કિસ્સાના કારણે જ કદાચ ભોપાળું શબ્દ ચલણમાં આવ્યો

હશે?

વાઈડ બોલ

સોળ જૂનના છાપામાં બે સમાચાર હતા.

એક - ઉચ્ચ પોલીસ અધિકારીને કોર્ટે જામીનનો ઈન્કાર કર્યો.
બીજા - આતંકવાદના આરોપી ભટકલને કોર્ટે જામીન આપ્યા.

2 comments:

Unknown said...

નિરંજન ભાઈ વાઈડ બોલ વાંચવાની મજા આવી.

http://rupen007.feedcluster.com/

Unknown said...

નિરંજન ભાઈ વાઈડ બોલ વાંચવાની મજા આવી.


http://rupen007.feedcluster.com/