Sunday, June 20, 2010

કેટરીનાનું જેઠવટું

અવળીગંગા - નિરંજન ત્રિવેદી

શીર્ષક તમને કદાચ કોઈ ન્યૂ-વેવ ગુજરાતી ફિલ્મ જેવું લાગશે, પણ વાત છે ફિલ્મ ‘રાજનીતિ’ની. રાજનીતિ રમ્યા નથી પણ જોઈએ તો ખરા. પ્રચાર અને વખાણથી ખેંચાઈ અમે અમુક ‘મલ્ટિપ્લેક્સ’ ઉપર પહોંચ્યા. ‘સિક્યોરિટીવાળાએ રોક્યા. અમે ખોટી બાજુથી પ્રવેશ લઈ રહ્યા હતા.

‘ક્યાં જવું છે?’ સિક્યોરિટીવાળાએ પૂછયું. થિયેટર તરફ આંગળી ચીંધી અમે કહ્યું, ‘રાજનીતિ’ તુરંત તેણે કહ્યું, ‘તમે ખોટે રસ્તે છો, પણ જઈ શકો છો.’ મને લાગે છે કે સિક્યોરિટીવાળાને લાગતું હશે કે રાજનીતિ માટે તો બધા રસ્તા સહી જ ગણાય, ભલે ને આ માણસ ખોટે રસ્તે રાજનીતિમાં જાય - બધું જ ચાલે. એવરીથિંગ ઇઝ ફેર ઇન રાજનીતિ. અમે નિષેધવાળા રસ્તેથી ‘રાજનીતિ’માં દાખલ થઈ ગયા. ફિલ્મનાં ટાઇટલ્સ શરૃ થયાં. તેમાં પણ રાજનીતિ દેખાઈ આવી.તમે ટાઇટલ્સ વાંચી ન જાવ એટલી ઝડપથી ટાઇટલ્સ આવી જતાં હતાં.

ફિલ્મની નાયિકા કેટરીના કૈફને પણ રાજનીતિનો કેફ હતો. તે લાલ લાઈટવાળી ગાડીની ખેવના રાખતી હતી. તે રણબીર કપૂરના ગળાડૂબ પ્રેમમાં હતી, પણ લગ્ન રણબીર સાથે નહિ, તેના મોટાભાઈ સાથે કરે છે. રાજનીતિનો એ તકાજો હતો, માટે તેમ તે કરે છે. કેટલીક કોમોમાં દિયરવટુંનો રિવાજ છે. અહીંયાં કેટરીના પ્રેમીના મોટાભાઈ સાથે લગ્ન કરે છે. જેને આપણે ‘જેઠવટું’ કહી શકીએ.

આ ફિલ્મનો બીજો મોટો કલાકાર અજય દેવગન છે. એ પણ ફિલ્મમાં ‘ગન’ ચલાવે રાખે છે. છાપામાં વાંચ્યું હશે કે અજય દેવગન પણ નરેન્દ્ર મોદી સાથે સ્નેહસંબંધ વિકસાવી રહ્યો છે. આ અજયના પિતા વીરુ દેવગન ફિલ્મોમાં ફાઈટ માસ્ટર હતા. પણ અજયે જોયું હશે કે મોદીજીએ તો એકલે હાથે અંદર-બહારના બધાને ફાઈટ આપી છે. એટલે તે ઈમ્પ્રેસ થઈ ગયો હશે. હવે તે ગુજરાતમાં સોલર-પાવર હાઉસ ઊભું કરવાનો છે. એણે મોદીજીને પૂછયું ‘તમે રાજનીતિ જોયું?’ અજય ભોળો છો. મોદીજીએ રાજનીતિ જોવાની ન હોય...!

ફિલ્મમાં કેટરીનાનો પિતા મોટો ઉદ્યોગપતિ છે. તે લગ્નને સંસ્કાર નથી માનતો પણ સગવડ માને છે. એણે નક્કી કરેલું કે વૂડ બી ચીફ મિનિસ્ટર (સંભવિત મુખ્યપ્રધાન)ને મારી દીકરી પરણશે એ રણબીર કપૂર હોય કે અર્જુન રામપાલ હોય અને ગણિત પ્રમાણે તે દીકરીને અર્જુન રામપાલ સાથે પરણાવે છે. કનૈયાલાલ મુનશીએ લખેલા એક પૌરાણિક નાટકમાં સંવાદ છે કે ‘ઈન્દ્રાણી ઈન્દ્રને નથી પરણતી પણ ઈન્દ્રાસનને પરણે છે, જે કોઈ ઈન્દ્રાસન ઉપર બેસે તેનો ઈન્દ્રાણી ઉપર અધિકાર રહેશે.’ કેટરીનાના પિતાએ આ નાટક વાંચીને પચાવ્યું હશે એટલે તે સ્પષ્ટ કહે છે. મારી દીકરીનો પતિ કેવળ મુખ્યમંત્રી જ હોઈ શકે. ફિલ્મનો પ્રતિનાયક અજય દેવગણ, આમ તો રાજ્યનો કબડ્ડી ચેમ્પિયન છે, પણ તે રાજકારણમાં આવી જાય છે. કબડ્ડીમાં સામેવાળાના પગ ખેંચવાની આવડત જરૃરી છે. જે રાજકારણમાં ઘણી ઉપયોગી નીવડે, એ જાણી કબડ્ડી ચેમ્પિયન અજય રાજકારણમાં કૂદી પડે છે.

કેટરીના એના પ્રેમીને રસ્તામાં જ આંતરીને ‘કિસ’ કરે છે. અને જાહેર કરે છે તેની પાસે ‘લાઇસન્સ ટુ કિસ’ છે. જેમ્સ બોન્ડની ફિલ્મોમાં ‘લાઇસન્સ ટુ કિલ’ની વાત આવે છે. જોકે આ ફિલ્મમાં પણ લાઇસન્સ ટુ કિલ હોય તેમ ઢગલાબંધ લાશો ઢાળવામાં આવે છે.

ફિલ્મમાં ‘રાજનીતિ’નો એક મુખ્ય સંદેશ છે કે રાજકારણમાં નીતિ ન ચાલી શકે. આ ફિલ્મમાં કેટલાકને અત્યારના અમુક રાજનેતાઓ દેખાય, તો કેટલાકને મહાભારતની છાયા દેખાય.

સિંદબાદ કહે છે કે હાલના રાજકારણમાં કોઈ નીતિ નામની મહિલા કદાચ ચાલી જાય પણ નીતિ આદર્શ તરીકે, પોલિસી તરીકે ન ચાલે. નેતાનાં ભાષણોમાં નીતિની વાતો ઠીક છે. નસીરુદ્દીન શાહ એ જ વાત તેના પાંચ-દસ મિનિટના રોલમાં કહી જાય છે.

રાજનીતિ ફિલ્મમાં મુસ્લિમ વોટબેન્કનો ઉલ્લેખ પણ છે. (ભાજપશાસિત રાજ્યોમાં તેને કરમાફીની સગવડ મળશે?)

સિંદબાદ કહે છે કે ભાગલા પડયા ત્યારે કહેવામાં આવેલું કે હવે રાજકારણમાંથી કોમવાદની અસર મટી જશે. પાકિસ્તાનમાં તે બન્યું. ત્યાં હિંદુ વોટબેન્કનું રાજકારણ ખેલાતું નથી. આપણે ત્યાં ડબલ જોરથી ચાલુ થયું! આનો ઉલ્લેખ ફિલ્મમાં આડકતરો છે.

કેટરીનાને લાલ લાઈટવાળી ગાડી પામવી હતી. બગાસું ખાતાં તેના મોઢામાં આકસ્મિક રીતે મુખ્યમંત્રી પદનું પતાસું આવી જાય છે. તે કંકુ ગુમાવે છે, પણ લાલ લાઈટવાળી ગાડી પામે છે.

ફિલ્મનો સાર છે કે રાજનીતિમાં બેલેટ નહીં પણ બૂલેટ અને બોમ્બબ્લાસ્ટ સત્તા પામવાનું સાધન બની જાય છે. જય હો ભારત ભાગ્ય વિધાતા...

વાઈડ બોલ

પહેલી રાત, અને આખરી રાતમાં તફાવત શું?

પહેલી રાતે તમે ફૂલ ઉપર સૂતા હો, આખરી રાતે ફૂલ તમારી ઉપર હોય...

No comments: