Saturday, June 12, 2010

થાનેદાર કા સાલા

જગતમાં થાણેદારો છે અને થાણેદારોને સાળાઓ પણ હોય છે. બસ તમારે થાણેદારના સાળાઓને સાચવી લેવાના. આમાં જ સમજદારી છે. કેટલાંક વર્ષો પહેલાં આવેલી ફિલ્મમાં કવિએ ગીત મારફત સલાહ આપેલી. બુટા જમાદારે આરોપીને ઝીણવટથી જોયો ત્યારે ખ્યાલ આવ્યો, ‘હાય રે રામ ક્યા કર બેઠા ગોટાલા, એ તો હૈ થાનેદાર કા સાલાઅ!’ ધરપકડ કરી હતી તે શખ્સ કોઈ નહીં પણ થાણેદારનો સાળો હતો. કવિની પંક્તિમાં જમાદારનો અફસોસ જણાઈ આવે છે. આવડી મોટી કાયનાતમાં કોઈ નહીં અને થાણેદારનો સાળો જ હાથમાં આવ્યો?

હમણાં જ આપણી પ્રિય નગરી અમદાવાદમાં જ આ પ્રકારની ઘટના બની ગઈ. એક ટ્રાફિક કોન્સ્ટેબલે એક યુવાનને પકડયો, ઊભો રાખ્યો, ટ્રાફિકના ગુનાની જાણ કરી ‘‘ભાઈસાબ, લાલ લાઈટ થઈ ગઈ હતી, છતાં તમે બાઈક સાથે દોડી ગયા, આ કાનૂની અપરાધ છે, જેને કાનૂની પરિભાષામાં જમ્પિંગ ઓફ સિગ્નલ કહે છે.’’

અલબત્ત, અહીંયાં લખ્યું છે તેવી સાદી ભાષામાં પોલીસે નહીં કહ્યું હોય. અને એવી ભાષા પોલીસને શોભે પણ નહીં ને! એટલે શક્ય છે કે પોલીસે તેને શોભે તેવી કરડાકી રીતે યુવાનને કહ્યું હશે, ‘‘અરે ડફોળ, તેરે બાપ કી સડક હૈ! અંધા હૈ ક્યા? લાલ લાઈટ દિખાઈ નહીં દેતી ક્યા?’’ આવું કંઈ અથવા કદાચ વધુ ખરાબ ભાષામાં કહ્યું હશે. પેલા યુવાને પણ અક્કડ બતાવી. તેણે પોલીસ કોન્સ્ટેબલનો ઉધડો લેવા માંડયો. ‘‘શું સમજે છે? ઓ કોન્સ્ટેબલ! ખબર છે હું કોણ છું? તારી વરદી ઊતરી જશે!’’

કોન્સ્ટેબલ વિચારમાં પડી ગયા. વરદી ઉતારવાની ધમકી આપનાર આ દુઃશાસન કોણ હશે? પણ હાથમાં પેન પકડી લીધી હતી હાથમાં ડાયરી પણ હતી. હવે પારોઠનાં પગલાં કેમ ભરાય! કોન્સ્ટેબલ હરિસિંહનું રાજપૂતી ખમીર જાગ્યું. ‘‘અરે ઓ લબરમૂછિયા, મારી વરદી ઉતારવાની વાત કરે છે! લાવ તારું લાઇસન્સ.’’ જાણે કે કાલિયનાગ બાલકૃષ્ણ પાસે ગેડી દડા રમવાનું લાઇસન્સ માગતો હોય એવો રોષ લબરમૂછિયાના ચહેરા ઉપર આવી ગયો. એણે કહ્યું, ‘‘કોન્સ્ટેબલ જોયા જેવી થશે, છાનામાના પેનને મ્યાન કરી દો.’’

હરિસિંહ પણ ઝનૂનમાં હતા. એમણે યુવાનના હાથમાં મેમો પકડાવી દીધો.

બે જ કલાકમાં હરિસિંહનો મોબાઈલ રણક્યો, ‘‘જમાદાર, ટ્રાફિક પોઈન્ટ ઉપર જ રહેજો હું આવું છું.’’

‘‘આપ કોણ?’’

‘‘હું પોલીસ ઓફિસર ઝાલા બોલું છું.’’

હરિસિંહ મૂંઝાયા, શું થયું હશે? અને હવે શું થવાનું હશે?

થોડી જ વારમાં જીપમાં ઝાલા પ્રગટ થયા - હરિસિંહે પ્રણાલિકા મુજબ સેલ્યૂટ મારી.

સાહેબ લાલઘૂમ હતા. સાહેબ આમ તો કાળા હતા પણ રૂઢિપ્રયોગની રીતે કહેવું પડે કે સાહેબ લાલઘૂમ હતા, કારણ કે સાહેબ અતિ ગુસ્સામાં હતા.

‘‘હરિસિંહ તમને પોલીસ બનાવ્યા કોણે?’’

જેણે તમને પોલીસ ઓફિસર બનાવ્યા તે દુર્બુદ્ધિએ જ મને પોલીસ બનાવ્યો છે. એવું હરિસિંહના મોઢે આવી ગયું પણ ખાતાની શિસ્ત જાળવવા તે ચૂપ રહ્યા અને નીચી મૂંડી કરી દીધી.

‘‘સાહેબ મારો ગુનો?’’ પોલીસવાળો પોતાના ગુના વિશે પૂછે તેવી અવળીગંગા વહી રહી હતી.

‘‘તમે મારા સાળાને પકડયો? મેમો આપ્યો!’’ મેમો બતાવતાં ઝાલા ત્રિલોકને ધ્રુજાવતા અવાજે પૂછયું.

હરિસિંહને સમગ્ર વાત સમજાઈ ગઈ, કાચું કપાઈ ગયાનો અહેસાસ તેના ચહેરા ઉપર આવી ગયો. નાગકન્યાઓ બે કર જોડી ભગવાન કૃષ્ણની માફી માગી હતી તેવી મુદ્રામાં હાથ જોડયા. ‘‘સાહેબ આપના સાળા હતા એ ખબર જ ન હતી એટલે ભૂલ થઈ ગઈ.’’ (આપના સાળા એ મારા સાળા એવું બોલાય નહીં એટલે બોલ્યા નહીં)

‘‘હરિસિંહ પરણેલા છો?’’ ઝાલાએ ‘ઈન્ટરઓગેશન’ શરૂ કર્યું.

‘‘હા સાહેબ, ઓણ જ લગ્ન થયાં છે.’’

‘‘તોય, સાળાનું મહત્ત્વ નથી સમજતા? દુઃખી થઈ જશો દુઃખી. સંસારમાં સાળાથી વધુ કોઈ નથી. લાલુપ્રસાદ યાદવના સાળાએ હક કરી રાજધાનીનું પ્લેટફોર્મ બદલાવ્યું હતું તે યાદ છે?’’

‘‘હા સાહેબ’’

‘‘કહેવત છે કે સારી ખુદાઈ એક તરફ ઔર જોરુ કા ભાઈ એક તરફ!’’

‘‘યાદ રાખીશ.’’

‘‘મારા સાળાને પકડયો કે તુરંત ઘરેથી મને ઠપકો આ પ્યો, મારા ભાઈને કોણે સતાવ્યો?’’

‘‘સા’બ, ભૂલ થઈ ગઈ...’’

હરિસિંહ ઢીલા પડી ગયા, ‘હમ સે ભૂલ હો ગઈ, હમ કા માફી દઈ દો’ એ ભાવ હતો.

(સંવાદો કાલ્પનિક છે)

વાઈડ બોલ

ઓલિમ્પિકમાં મેડલ લાવનાર શૂટરને સરકારે એક કરોડ આપ્યા, જ્યારે ત્રાસવાદીને મારતા શૂટ થઈ ગયેલા પોલીસના કુટુંબને ફક્ત એક લાખ આપે છે. મિત્રનો SMS ‘અરે ભાઈ, ગુંડાગીરી કરતો ગુંડો હુલ્લડમાં શૂટ થઈ જાય તો તેના કુટુંબને પણ એક લાખ આપે છે.’ આ છે અવળીગંગા!

No comments: