આકાશી રમતમાં અમને પતંગ ગમે મેદાની રમતમાં અમને ક્રિકેટ ગમે. જાહેરખબરની શૈલીમાં કહીએ તો ભારતીયો ઈટ ક્રિકેટ, ડ્રીંક ક્રિકેટ, સ્લીપ ક્રિકેટ, ક્યારેક સ્લીપનો ફિલ્ડર ઊંઘતો લાગે, અમે પણ સોફામાં સૂતા સૂતા ક્યારેક ક્રિકેટ જોતા હોઈએ. કેટલાંક લોકો ક્રિકેટથી અકળાય છે. આ અકળાનારા તીસમારખાંઓ કહે છે, ક્રિકેટ કરોડો લોકોનો સમયનો વ્યય કરે છે, રાષ્ટ્રને નુકસાન કરે છે, વગેરે વગેરે. આ સાંભળી હસવું આવે છે. “પ્રભુ, એ લોકોને માફ કરજે, કારણ કે એ લોકોને ખબર નથી કે એ લોકો શું બોલી રહ્યા છે.”
મિત્રો, ક્રિકેટની રમતમાં જીવનની ફિલોસોફી પણ વણાયેલી છે. ક્રિકેટની જેમ તમે પણ સ્કોર કરવાની ઇચ્છાથી મેદાન ઉપર ઊતરો છો ત્યારે મેદાનમાં ઊભેલા અગિયાર જણની ઇચ્છા તમે સ્કોર ન કરી શકો તેવી હોય છે. તમે મેદાનમાં ઊભા છો પણ પેલા અગિયાર જણ તમને નિષ્ફળ કરવા જાતજાતના ને ભાતભાતના પેંતરા કરે છે. આ રીતે ક્રિકેટ આપણા જીવનની વાસ્તવિક છબી રજૂ કરે છે. તમારે તો રમવું છે પણ અગિયાર જણ તમે ટકો નહીં તેમ ઇચ્છે છે.
ક્યારેક ક્યારેક અમ્પાયર પણ તેમની સાથે થઈ જાય છે અને બેટ્સમેન પેવેલિયનમાં પરત થઈ જાય છે. જીવનની રમત રમતા બેટ્સમેનોને પણ આવા અનુભવ થાય જ છે ને! અમ્પાયર્સ તમને ખોટી રીતે આઉટ આપી દે તેવું બને છે. વાડ જ ચીભડાં ગળે તેવી હકીકત પણ જીવનમાં ક્યારેક અનુભવાય છે.
ક્રિકેટમાં મોટો સ્કોર કરનારમાં બીજો ફાળો તેની સામેના છેડે રહેલાનો સહયોગ છે. સારા સાથીદાર વગર ક્રિકેટર સફળ થતો નથી. જીવનમાં પણ એવું જ છે ને! તમે સફળ તો જ થઈ શકો, જો ‘નોન-સ્ટ્રાઈકર’ ઉપર રહેલ વ્યક્તિ તમને સહકાર આપે તો. સામેના છેડાવાળા સાથે તાલમેલ હોય તો જ તમે સફળ સફળ જીવનની તો આ ફિલોસોફી છે. તમે ફુલ ફોર્મમાં બેટિંગ કરતા હો, પણ સામેના છેડાવાળો તમને રન-આઉટ કરી દે તો વાત પૂરી.
ક્રિકેટમાં એક્સપર્ટ કોમેન્ટેટર હોય છે. જિંદગીમાં પણ આપણે આવા ‘એક્સપર્ટ’ની કોમેન્ટ સહન કરવી પડે છે. જેણે જિંદગીમાં એકાદ સદી કરી હોય છે તે એક્ષપર્ટ ડબલ સદી મારનારની ભૂલો બતાવ્યા કરે. ક્યારેક બહારના બોલને ટપલી બેટ્સમેન મારે તો પેલા સદાકાળ ‘એક્ષપર્ટ’ બોલશે “હી શૂડ નોટ હેવ પ્લેઈડ ધેટ બોલ” આ બોલ તેણે રમવો જોઈતો ન હતો.
આ પણ સંસારમાં જોવાય છે, જેની યોગ્યતા શંકાસ્પદ છે, તેવા લોકો તમારા કાર્ય અંગે અભિપ્રાય આપતા હોય છે. જિંદગીમાં તમારી ઉપર બમ્પર ફેંકનારા આવવાના જ,કેટલાંક બમ્પરોને હૂક કરી દેવાના તો કેટલાંક સામે ઝૂકી જવામાં શાણપણ હોય છે.દબાણમાં આવ્યા વગર રમશો તો જીતશો. ગીતામાંથી જો તત્ત્વજ્ઞાન અઘરું પડતું હોય તો ક્રિકેટમાંથી પણ શીખવા મળશે. જય ભગવાન.
ગૂગલી
પેટ્રોલ પંપ ઉપર બોર્ડ હતું. Speed(ઝડપ) પાંચ અક્ષરનો છે તો Death (મૃત્યુ) પણ પાંચ અક્ષરનો છે. જ્યારે Slow શબ્દ ચાર અક્ષરનો છે અને Life પણ ચાર અક્ષરનો છે.
12 april 2011
No comments:
Post a Comment