Tuesday, April 26, 2011

અમને નોતરું નહીં...?

ભાવનગરના ગાંઠિયા વખણાય... તેની સાથે લોકોએ ગાય અને ગાંઠિયા જોડી દીધા છે. જો કે ગાયની બાબતમાં ભાવનગરનું અમદાવાદ સાથે હરીફાઈ કરવાનું ગજું નહીં. અગાઉ અમે જણાવ્યું હતું તેમ અમદાવાદમાં રસ્તે રઝળતી ગાયો, આચરકૂચર ખાઈ પોતાનું પેટ ભરે છે અને સાથોસાથ એમની હરકતોથી ઓર્થોપેડિક સર્જ્યન અને હાડવૈદોનાં પણ પેટ ભરે છે. અગાઉના વખતમાં ગાય માટે અલગ રોટી કાઢવામાં આવતી હતી. આજે આ ગાયો ડોક્ટરોને રોટી (રોજી) આપે છે.

વાત કરતા હતા ભાવનગરની, ભાવનગરની એક ખાસિયત ત્યાંના લોકો પેરોડી સરસ કરે છે.

વર્ષો પહેલાં સાંભળેલી એક ‘પેરોડી’ પંક્તિ.

તે વખતની ફિલ્મનું જાણીતું ગીત હતું.

‘ઘર ઘર મે દિવાલી

મેરે ઘર મેં અંધેરા’

ત્યારે ભાવનગરના એક શેઠે ન્યાત કરેલી પણ એક જણને આમંત્રણ નહીં આપેલું તેણે પેરોડી પંક્તિ ગાઈ હતી.

‘ઘર ઘર મેં જમણવાર

મને નોતરું નહીં, મને નોતરું નહીં’

આ પંક્તિ હમણાં શાહિદ આફ્રિદી પણ બોલતા સંભળાયા.

ઘર ઘર મેં જમણવાર, અમને જ નોતરું નહીં. વાત સમજમાં આવી હશે. IPL વાળાએ બધાંને નોતરું આપ્યું. પાકિસ્તાનને નહીં. ઈંગ્લેન્ડવાળા જમવા એટલે કે રમવા આવ્યા, ઓસ્ટ્રેલિયાવાળા આવ્યા - દ. આફ્રિકાવાળાને પણ નોતરું, ફક્ત નહીં નોતરું પાકિસ્તાન ખેલાડીઓને. આફ્રિદીને ઘણું લાગી આવ્યું છે. એણે કકળતા અવાજે પૂછયું પણ ખરું “શું અમે અછૂત છીએ?”

એ ખરું દરેક દેશના ખેલાડીઓ IPL માં છે. પણ પાકિસ્તાનીઓ નથી. કોઈએ પાકિસ્તાન ખેલાડીઓ માટે બોલી જ ન લગાવી. પેલી ભાવનગરી પેરોડીમાં પ્રથમ પંક્તિ હતી...

‘ઓ બાબુભાઈ શેઠ - ઓ બાબુભાઈ શેઠ

મેં તમારું શુંયે બગાડયું?’

ઘર ઘર મેં જમણવાર મને નોતરું નહીં. મને નોતરું નહીં.

નહીં આમંત્રિત થયેલ દુઃખીજન કહે છે કે મેં તમારું શું બગાડયું છે કે મને નોતરું નથી? આફ્રિદીએ પણ આ જ વાત કરી. અમે કેમ નહીં?

આ બનાવથી શેરી ક્રિકેટ, ગલી ક્રિકેટની યાદ આવી જાય છે. શેરીમાં પણ ઘણી વાર અમુક જણને રમાડવામાં ન આવતા ત્યારે તેઓ પણ આફ્રિદી શૈલીમાં જ રડતા.

“અમને રમાડો ને!” એમ અરજ ગુજારતા. પાકિસ્તાન રમવા ન જવાય એ બાબતે મોટાભાગના દેશ એકમત છે. લંકાના ખેલાડીઓ ઉપર બોલ ફેંકવાને બદલે લાહોરમાં બોંબ પડયા હતા. ઈંગ્લેન્ડ - ઓસ્ટ્રેલિયાવાળા પણ પાકિસ્તાન જવા માટે જરા પણ તૈયાર નથી.

આપણા હૈયાફૂટાઓ ત્યાં રમવા જવાની ખુશી બતાવે છે. સિંદબાદ કહે છે કે ન આપણે ત્યાં રમવા જવાય - ન એમને બોલાવાય. IPL ની આટલી બધી ટીમના સંચાલકો આ સત્ય જાણે છે. જો આપણે ત્યાં રમવા જઈએ તો શું થાય? એક દિલધડક કલ્પના સિંદબાદે કહી... લાહોરની હોટેલમાંથી તેંદુલકરનું આતંકવાદીઓ અપહરણ કરે છે. બાનમાં લે છે. “તમે કસાબને છોડો તો સચિન છૂટશે...” અલ્ટિમેટમ મળે છે. ત્યારે સરકાર તો ઠીક બાલા સાહેબ ઠાકરે પણ કસાબને છોડવાની હા પાડે.

એ લોકોને તો દૂરથી જ નમસ્કાર કરવા જોઈએ તેવું IPL ના ફ્રેન્ચાઈઝીઓને લાગ્યું હશે. એટલે જમણવારમાં પાકિસ્તાન નથી. બાજી ફીટાઉંસ છે.

ગૂગલી

બોલતા તો બધાને આવડે છે પણ વાતચીત કરતા તો કોઈકને જ.
Apr 26,2011

No comments: