બીજી એપ્રિલે, આપણે બીજી વાર વર્લ્ડકપ મેળવ્યો. પૂરાં અઠ્ઠાવીસ વર્ષ પછી આખો દેશ ઉલ્લાસથી ઉછળતો હતો. દેશભરમાં આખી રાત ઉત્સવ ચાલ્યો, પણ તેના બે દિવસ અગાઉ સેમિફાઈનલમાં આપણે પાકિસ્તાનને હરાવ્યું, ત્યારે... ત્યારે... આખી રાત ઢોલ - ત્રાંસા વાગ્યા, ફટાકડા ફૂટયા. એ બુધવારની રાત હતી. એ બુધવારની રાતની ભવ્ય ઉજવણી માટે લખ્યું હતું, “જિંદગીભર નહીં ભૂલેંગી બુધવાર કી યે રાત” અમારી જેમ લાખો લોકો ઇચ્છતા હતા કે ફાઈનલમાં કદાચ ન જીતાય તો કંઈ નહીં, પણ પાકિસ્તાન સામે તો જીતવાનું જ. બાળહઠની જેમ ચાહે ગૂડીયા ના લાના... તેમ ચાહે કપ ન આયે મગર પાક કો હરા દેના એ કારણે પાક સામેના વિજયની ઉજવણી અતિ ભવ્ય હતી. લંકા સામેની જીતની ઉજવણી ભવ્ય ખરી, પણ પાક સામેના વિજયની ઉજવણીની તોલે ન આવે. પાક સામે સેમિફાઇનલના વિજયથી લોકો ફાઈનલના વિજય કરતાં પણ વધુ આનંદિત હતા. સિંદબાદ કહેતો હતો કે એવું લાગે કે “શાદી કરતાં સગાઈમાં વધુ ધામધૂમ થઈ.”
પ્રજાનું માનસ એવું જ છે. પાકિસ્તાન સામેની મેચ પહેલાં એક જીસ્જી આવ્યો હતો. “અમે એટલા ચોગ્ગા, છગ્ગા ફટકારીશું કે તમે વિચારશો કે તમે બાઉન્ડરી ઉપર છો કે બોર્ડર ઉપર?” પાકને હરાવવાનો આનંદ કંઈક ઔર છે. કેટલાક બુદ્ધિજીવી મિત્રો આ પ્રકારની ટિપ્પણીથી નારાજ થાય છે અને કહે છે, “પાક આપણો પાડોશી છે, તેની સાથે વેરભાવ વધે તેવી વાતો ન કરવી” આ બુદ્ધિના લઘુજીવીઓએ યાદ રાખવું જોઈએ કે ૨૦-૨૦ની ફાઈનલ વખતે પાકે એમને ટેકો આપવા માટે વિશ્વના તમામ મુસ્લિમોનો આભાર માન્યો હતો. (ટીવી ઉપર) ત્યારે બુદ્ધિજીવીઓ આ મામલે કશું બોલ્યા ન હતા, જો ધોની તમામ હિંદુઓનો આભાર માનત તો? ખેલમંત્રીથી બધા કૂદી પડયા હોત. યાદ રાખો. ભારત સામે કેટલાંક વરસ પહેલાં ટેસ્ટ જીત્યું, ત્યારે પાક સરકારે રાષ્ટ્રીય-રજા જાહેર કરી હતી. આપણને પણ તે સામે જુસ્સો આવે જ ને આ વખતે ફાઈનલમાં આપણે ફસકી ન પડયા. કેટલાક ઘોડાઓ દશેરાના દિવસે જાહેર રજા મનાવે છે... એ દિવસે છોડવાનું નહીં પણ ધોનીના ઘોડાઓ બીજી એપ્રિલના ‘દશેરા’એ દોડયા. ક્રિકેટથી કતરાતા સજ્જનોને કહેવાનું કે અનેક વિઘટનકારી તાકાતો વચ્ચે સમગ્ર દેશને એક કરવાનું કામ ક્રિકેટ કરે છે.
ધોનીએ સાબિત કર્યું કે તે પેલી કથામાં આવતા ગુરુ જેવો છે કે જે છોકરાને ગોળ ન ખાવાની સલાહ આપતા પહેલાં, પોતે ગોળ ખાવાનું છોડી બતાવે છે. જરૃર હતી ત્યારે મેદાનમાં યા હોમ કરવા ધોની પોતે આગળના ક્રમે આવી ગયા અને જોરદાર લડત આપી જીત અપાવી મેદાન ઉપર જ ધોનીની કમરમાં મોચ આવી ગઈ કે ‘બેક-પેઈન’ શરૃ થઈ ગયું. એણે મેદાન ઉપર જ સારવાર લીધી પણ રમત ચાલુ રાખી. તૂટેલી કમર સાથે ધોનીએ એવી રમત રમી કે લંકાની ટીમની કમર ભાંગી ગઈ.
કેટલાંક લોકો મરણ પહેલાં ગંગાસ્નાન કરી લેવાની ઇચ્છા રાખે છે તેમ સચિનની પણ એક ઇચ્છા હતી કે નિવૃત્તિ પહેલાં વિશ્વકપ ટીમ ઇન્ડયાને મળે તે જોવું. તે સ્વપ્ન ફળ્યું. ટીમના બધા સભ્યોએ જાહેર કરેલું કે સચિન માટે વર્લ્ડકપ જીતવો છે અને જીત્યા. તેની ખુશીમાં ટીમના સભ્યો સચિનને ખભે બેસાડી આખા સ્ટેડિયમમાં ફર્યા. આ જોઈ ઈંગ્લેન્ડના નાસિર હુસેને વિરાટ કોહલીને કહ્યું, “સચિનને તમે બધા ઊંચકીને આખા સ્ટેડિયમમાં ફર્યા કહેવું પડે!” કોહલીએ ત્યારે વિરાટ કોમેન્ટ કરી. “આ સચિને ૨૧ વર્ષ સુધી ક્રિકેટને પોતાના ખભા ઉપર ઉપાડી આ મંઝિલ સુધી લાવી મૂકી છે. અમે તો થોડીક મિનિટો જ તેને ઉપાડયો છે.”
ટોસ ઉછાળવામાં આવ્યો ત્યારે લંકાવાળાએ ‘રામાયણ’ કરી હતી. ભારત ટોસ જીત્યું હતું છતાં સંગાકારાએ કહ્યું, “ટોસ બરાબર નથી ઉછળ્યો, ફરી ઉછાળો” ટોસ ફરી થયો, તે કારણે સંગાકારાને જોઈતી પહેલી બેટિંગ મળી ગઈ છતાં તેઓ ફાવી ન શક્યા. છગન કહે છે કે ગલી ક્રિકેટમાં અંચઈ કરનારને જ્યારે અંચઈ ફળતી નથી ત્યારે કહેવામાં આવે છે કે અંચઈનો દાવ ઘંચઈ આવયો. સંગાકારાએ પણ કરેલી અંચઈનો અંજામ એ જ આવ્યો.
સિંદબાદે કહ્યું, “બોસ, લંકા સામે આપણે જીત્યા તે તો બોનસ હતું. અસલી કપ તો પાકિસ્તાનની જીત સાથે જ મળી ગયો હતો.
વાઈડ બોલ
સ્ત્રીની અર્ધી જિંદગી પતિની તલાશમાં જાય છે. અને બાકીની અર્ધી જિંદગી એ પતિની તલાશી લેવામાં પૂરી કરી નાખે છે.
No comments:
Post a Comment