આપણા મહાન દેશમાં એવી ઇચ્છા પ્રગટ કરવામાં આવે છે કે આ જ જન્મ નહીં, આગલા સાત જન્મ સુધી મને આ જ જીવનસાથી આપજે. પણ અમેરિકા એ અચરજપ્રધાન દેશ છે. ત્યાં તમને અનેક અચરજ જોવા મળે, આ અચરજપ્રધાન દેશમાં સાત જન્મ સુધી એ જ જીવનસાથીની વાત કરે પણ એક જનમમાં ચાર-છ વાર લગ્ન કરી શકે! અભિનેત્રી લીઝ ટેલરે અડસઠમા વરસે આઠમી વાર લગ્ન કર્યાં હતાં. એ જ દેશમાં એક શખ્સે સો વર્ષની ઉંમરે લગ્ન કર્યાં છે. મહારાજ યુધિષ્ઠિરે આ બનાવ જોયો હોત તો સૌથી વધુ આશ્ચર્યજનક બાબત કઈ? તેના જવાબમાં આ ઘટનાનો જ ઉલ્લેખ કરત.
આ શખ્સનું નામ છે ફોરેસ્ટ લુન્સવે, જે સો મે વરસે ઘોડે ચડી રહ્યા છે. આ ઉંમરે તો એ નનામી ઉપર ચડશે તેવું તેનાં સગાંવહાલાં ધારતા હોય, એને બદલે ઘોડે ચઢે છે! કબૂલ અમેરિકામાં વરરાજા ઘોડે ચઢતા નથી પણ રૃઢિપ્રયોગ તરીકે આપણે કહીએ છીએ ઘોડે ચઢયા. જે સન્નારી સાથે લુન્સવેનાં લગ્ન થઈ રહ્યાં છે તેનું નામ રોઝ પોલાર્ડ છે. તેને તમે ગુલાબબહેન કહી શકો. આ ગુલાબબહેન પણ ત્રાણું વર્ષનાં છે. (૯૩) જસ્ટ સેવન શોર્ટ ઓફ સેન્ચુરી! તેઓ નાઈન્ટીમાં છે. પણ નર્વસ નાઈન્ટી નથી. પણ ખુશ છે. પ્રફુલ્લિત છે. મારા એક સ્નેહી છે. તેમની ઉંમર પંચ્યાશી વર્ષ છે. એ ઘરની બહાર જ નીકળતા નથી. કહે છે કે હવે સ્મશાને જઈશ ત્યારે જ ઘરની બહાર નીકળીશ, જ્યારે આ ગુલાબબહેન ત્રાણું વરસે મંગળફેરા ફરે છે તેનું તેમને આશ્ચર્ય છે. ભાઈશ્રી ફોરેસ્ટ લુન્સવેને ઓગણીસ માર્ચના રોજ સો વર્ષ થયાં, એ દિવસે જ એમણે લગ્ન કર્યાં. ફોરેસ્ટ લુન્સવેની ઉંમર ફોરેસ્ટ એટલે કે વનમાં જવાની પણ ગણાય, પણ એમણે સંસારમાં રહેવાનું પસંદ કર્યું છે. અને સોમા વરસે લગ્ન કરી રેકોર્ડ કર્યા છે. આને સચિન તેંડુલકરના રેકોર્ડથી કમ ન કહેવાય.
ભાઈ ફોરેસ્ટને અગાઉનાં લગ્નથી થયેલાં સંતાનો છે. એ લોકોએ આ લગ્નમાં હાજરી આપી હતી. એ દંપતીની ઉંમર જોતાં (સંયુક્ત રીતે એકસો ત્રાણું વર્ષ) અમને એમ હતું કે વ્હીલચેર ઉપર બેસી તેમણે લગ્ન કર્યાં હશે, પણ ના ફોટો જોતાં લાગે છે કે તેમને વ્હીલચેરની જરૃર નથી પડી. શક્ય છે તેમનો પુત્ર જે આ લગ્નમાં હાજર હતો, જેની ઉંમર એંસી વર્ષની ધારી શકાય, એ કદાચ વ્હીલચેરમાં બેસીને બાપનાં લગ્ન માણવા આવ્યા હશે.
એમનો પૌત્ર પણ સાઠ વર્ષની આસપાસનો હશે. એણે દાદાનાં લગ્નમાં જવાની રજા ઓફિસમાં મૂકી હશે, ત્યારે કેવો માહોલ સર્જાયો હશે?
પેલા ત્રાણું વર્ષનાં રોઝબહેનની બાબતમાં પણ એવું જ બન્યું હશે ને? એના પણ અગાઉનાં લગ્નનાં સંતાનો હશે. આ બહેન અઠ્ઠાવીસ વર્ષથી લેન્જેવના પ્રેમમાં તો હતાં જ એ બધાં જાણતા હતા, એટલે એણે લગ્ન કર્યાં હશે ત્યારે સંતાનોએ કદાચ કહ્યું હશે “ડોશી કે’દાડાની પૈણું પૈણું કરતી’તી!”
સો વરસે અને ત્રાણું વરસે ચાલતા-ફરતા દંપતીનું રહસ્ય એ લાગે છે કે બંને ડાન્સર છે. ‘નચ દે મેરી જાન’ કહેતાં કહેતાં એ લોકો ડાન્સફ્લોર ઉપર ડાન્સ કરતાં હતાં. તેનાથી આ બન્યું. સિંદબાદ કહે છે કે કેટલીક મહિલાઓ ડાન્સર ન હોય તોપણ કોરિયોગ્રાફર હોય છે.
એ કઈ રીતે?
એ મહિલાઓ પોતાની ટચલી આંગળી ઉપર પતિને નચાવતી હોય છે. વેલ આ કિસ્સામાં તો બંને ડાન્સર છે. અને એક સામે ઘણું નાચ્યાં છે.
આપણા સમાજમાં આવાં લગ્ન હોય તો કેવો માહોલ થાય? એ કલ્પના પણ સૂઝપૂર્ણ છે.
કેડેથી વાંકો વળેલો એંશી વર્ષનો પુત્ર, સો વરસના બાપનાં લગ્નની કંકોત્રી વહેંચવા નીકળે!
સાઠ વરસના પૌત્રનાં સંતાનો કંકોત્રીમાં, લખે ‘મારા વડદાદાનાં લગ્નમાં જલૂલ જલૂલથી આવશો...’
વરરાજાના મિત્રો, બધાં દાંતનાં ચોકઠાં પહેરી જમવા બેઠા હોય, કન્યા (!)ની સહેલીઓ કમરના દુખાવા અને વાની ટીકડીઓ ગળતી હોય, ડાયાબિટીસની દવા લઈ જમવા બેસે...
વાઈડ બોલ
‘દબંગ’માં સંવાદ છે ‘મે થપ્પડ સે નહીં ડરતી મગર પ્યાર સે ડરતી હૂં’
એની પેરોડી મિત્ર મહેન્દ્રે કરી અને કહ્યું, ધોની પણ કહેતો હશે, ‘શોએબ કે આફ્રિદીનો ડર નથી, પણ મુનાફ અને આશિષ નેહરાનો ડર લાગે છે સા’બ!
No comments:
Post a Comment