Tuesday, April 5, 2011

જિંદગીભર નહીં ભૂલેગી બુધવાર કી યે રાત

સમય સાપેક્ષ છે તેનો અનુભવ થયો બુધવારે ત્રીસ તારીખે બાર વાગ્યે. અમદાવાદનો એવો માહોલ મધ્યરાત્રિએ હતો કે જાણે આઠ જ વાગ્યા છે. ચારેબાજુ ફટાકડા ફૂટતા હતા. ઢોલ, ત્રાંસા વાગતા હતા. અમદાવાદ જ નહીં. આ હાલત સારા ભારતની હતી. જંગ જીતાઈ ગયો હતો, તેનાં બ્યુગલો વાગી રહ્યાં હતાં. પાકિસ્તાન સાથેની સેમી-ફાઈનલ હતી. પણ દરેક ભારતવાસી માટે તે ફાઈનલથી પણ વધારે હતી. આ લેખ છપાશે ત્યારે તો ફાઈનલનું રિઝલ્ટ પણ આવી ગયું હશે. પણ લોકોને હવે કોઈ પરવા નથી - કપ મળે તો સરસ ન મળે તો રનર-અપની રકાબી પણ આવે. કપ મળશે તો કપમાં ચાહ પીશું. નહીંતર રકાબીમાં પીશું.

ચેનલોવાળાએ આ મેચ અગાઉથી એવો માહોલ બાંધ્યો હતો કે યુદ્ધ થવા જઈ રહ્યું છે. બંને પક્ષો જોરદાર હોંકારા - પડકારા કરી રહ્યા હતા. શાહીદ આફ્રિદીએ કહ્યું આજે તેંડુલકરને સો રન નહીં કરવા દઈએ. પણ સચિને કહ્યું અત્યારે સિઝન સેલ ચાલી રહ્યું છે. મારા તરફથી પંદર ટકા ડિસ્કાઉન્ટ હતું એટલે પંચ્યાશી રન કર્યા. (જે સદી બરોબર હતા).

કહે છે ધોની ત્યારે ગીત ગણગણતો હતો. શાહિદને જોઈને

‘તૂમ હાર કે યે મેચ યહાં,મેરી જીત અમર કર દો...’

અને શાહીદે એ ગીતનું માન રાખ્યું. નહેરાની ગયેલી ઈજ્જત પાછી અપાવવા, તેના હાથે જ આઉટ થયો. આત્મઘાતી હુમલા જેવો એ સ્ટ્રોક હતો.

પાકિસ્તાનના વડાપ્રધાનને મેચ જોવા ખાસ ભારત સરકારે આમંત્રણ આપેલું આથી બાળાસાહેબ ઠાકરે અકળાયેલા, એમણે કહ્યું, કસાબ અને અફઝલ ગુરુને પણ મેચ જોવા બોલાવો. એમની વાતમાં તથ્ય હતું. કસાબના ‘સ્પોન્સરર’ને બોલાવ્યા તો કસાબને પણ બોલાવો.

દ. આફ્રિકા સામે આપણે જીતતા જીતતા હારી ગયા હતા, તેમ પાકિસ્તાન સામે આપણે હારતા હારતા જીતી ગયા. નહેરા અને મુનાફ પટેલ બંને જણ ટીમમાં હતા. સિંદબાદ કહેતો હતો કે આ બે જણમાંથી વધારે ખરાબ બોલર કોણ તે નક્કી નહીં કરવાથી ધોનીએ બંને જણને રાખ્યા હતા. અને બંને જણ ‘ઉડાઉ દીકરા’ની જેમ પરત આવ્યા પણ બદલાઈ ગયા હોય તેવું લાગ્યું.

મિસબાહ એ મિયાંદાદ નથી એ ફરી એક વાર સાબિત થયું. ૨૦-૨૦ની મેચમાં છેલ્લા બોલે પાંચ રન કરવાના હતા, ત્યારે ક્રિકેટના પ્રભુદેવા શ્રીસંતને તેણે કેચ આપી દીધેલો.

કોર્ટના પક્ષકારો કહે છેઃ સાક્ષી તમને ફળે તો તમે જીતો, ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીને સાક્ષી ફળી છે. તેની પત્નીનું નામ સાક્ષી છે. રૃઢિચુસ્ત લોકો કહે છે એ સારાં પગલાંની છે. ધોની ઘણી વાર જીતી ગયો છે. ન ધારેલી જગ્યાએ તેનું કારણ ‘વહુનાં પગલાં’.

એક મિત્રનો sms આવ્યો કે આ ટુર્નામેન્ટમાં ‘જી’ (એસ)થી શરૃ થતાં નામવાળા કેપ્ટનોની ટીમ છેવટે ફેંકાઈ ગઈ છે. જેમ કે, સ્મિથ, સેમન, શકીલ, શાહીદ વગેરે વગેરે... હવે લંકાના કેપ્ટન પણ ‘એસ’ નામધારી (સંગાકારા) છે. પૂછો શું થાય છે! આ લેખ લખાય છે ત્યારે બે દિવસની વાર છે. છપાશે ત્યારે ખબર પડશે કે એક વધુ ‘એસ’ને લાત પડી છે કે નહીં. સચિન આમ તો તેની સદી, પુસ્તકની જેમ કોઈને કોઈને અર્પણ કરતો હોય છે. આ વખતે તેણે પંચ્યાસી રનની સદી (૧૫ ટકા ડિસ્કાઉન્ટ) પાકિસ્તાની ફિલ્ડરોને અર્પણ કરવી જોઈએ... ખરું કે નહીં?

ગૂગલી

વિપરીત સ્થિતિમાં મનુષ્યનો પ્રભાવ કે પૈસો કામ નથી આપતો, પણ તેનો સ્વભાવ અને સંબંધ કામ આપે છે. (sms)

No comments: