Saturday, April 16, 2011

રીક્ષા કે પીછે ક્યા હૈ?


‘‘રીક્ષા કે પીછે ક્યા હૈ?” આવો સવાલ સાંભળી એક રીક્ષાવાળાએ જવાબ આપ્યો, રીક્ષા કે પીછે એક તો હપ્તો લેનાર હવાલદાર હોઈ શકે, ખાસ કરીને શટલ રીક્ષાની પાછળ.
રીક્ષાની પાછળની વાત કરવાની છે, તે એક બીજા સંદર્ભમાં છે. કેટલાક લોકો પાછળ બોલવાની ટેવવાળા હોય છે. જે માણસની ગેરહાજરી હોય એનું વાટવું એવો શોખ ઘણા લોકોને હોય છે. કેટલાક પાછળ બોલતા હોય છે, તો કેટલાક પાછળ લખતા હોય છે. પાછળ લખવાના શોખમાં રીક્ષાવાળા આગળ પડતા છે. ટ્રકવાળા કે કેટલાક વાહનોવાળા પણ પાછળ લખતા હોય છે. હમણાં એક ચેનલવાળાએ કાર્યક્રમ કર્યો હતો કે રીક્ષા કે એવાં વાહનોવાળાં કેવાં પ્રકારનાં લખાણ લખતા હોય છે. વાહનો પાછળ, રીક્ષા પાછળ અનેક પ્રકારનાં વાક્યો આપણે વાંચ્યાં છે. પણ એક વાક્ય સર્વપ્રિય છે. એમ લાગ્યું અનેક રીક્ષાવાળા અનેક ટ્રકવાળા એ વાક્યનો ઉપયોગ કરે છે. જેમ આણંદ બાજુ ગોરધનભાઈ કે કાન્તિભાઈ ઘણા બધા મળે. તેમ આ વાક્યનો ઉલ્લેખ કર્યો છે જેનો આજ પહેલાં અનેક ‘બૂરી નઝર વાલે તેરા મૂંહ કાલા’ આ વાક્ય તમે અનેક પ્રકારનાં વાહનો ઉપર ઠેર-ઠેર, ચારેકોર જોશો. આનું સર્વવ્યાપીપણું એક રમૂજમાં વણી લેવામાં આવ્યું છે. એક ટ્રક ઓપરેટરને એસટીમાં કન્ડક્ટર તરીકે નોકરી મળી. એણે પોતાની બસમાં પણ ચીતરાવ્યું ‘બીના ટિકિટ વાલે તેરા મૂંહ કાલા.’
કેટલીક રીક્ષા પાછળ વ્યક્તિઓનાં નામ લખેલાં હોય છે. એક રીક્ષાના પાછળના બમ્પર ઉપર નામ હતાં, ‘વિપુલ, રીટા, મહેશ, દીપક’.
સ્વ. વિનોદ જાનીએ તેની ઉપર કોમેન્ટ કરી હતી કે આ બધા જે એની રીક્ષા સાથે અથડાઈને શહીદ થઈ ગયા તેના નામની ખાંભી છે.
કેટલાંક મા-બાપના આશીર્વાદ પાછળના ભાગે લખાવે છે. છગન કહે છે બાપના પ્રોવિડન્ટ ફંડના પૈસામાંથી એ રીક્ષા લીધી હોય એટલે મા-બાપના આશીર્વાદ લખ્યું હશે.
“અલ્યા ભૈ, પ્રોવિડન્ટ ફંડ શું બાપનું હોય તે! તો માનું નામ કેમ જોડયું હશે!”
“મિત્ર, બાપ પાસેથી પૈસા કઢાવવા માટે માતાનો જ ઉપયોગ કરવો પડે. માતા દબાણ કરે તો જ પિતા પૈસા ઢીલા કરે, એટલે માતાપિતાના આશીર્વાદ એમ લખ્યું હોય છે.”
એક રીક્ષાવાળાએ કોઈ સંતની જેમ સુવાક્ય લખ્યું હતું. રીક્ષાની પાછળ બોધવચન હતું. ‘તું તારું કર’. એનો અર્થ એવો પણ થઈ શકે કે હું રીક્ષા કેમ ચલાવું છું કે ભગાવું છું એ જોવાનું કામ તારું નથી. તું તારું કામ કર.
અમદાવાદ મ્યુ. બસ ર્સિવસે પણ બસ પાછળ સરળ સૂત્રો લખાવ્યાં હતાં. હરિન પાઠક જે મૂળમાં શિક્ષક, એ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન હતા ત્યારે બસ પાછળ જાતજાતનાં સૂત્રો લખાયાં હતાં. એક હતું ‘અપેક્ષા એ દુઃખની માતા છે.’ બસની પાછળ આ સૂત્રનો સંકેત હતો, તમે બસ પકડી શકતા નથી, કંડક્ટરે ઊભી નથી રાખી, ત્યારે પાછળ લખેલું સૂત્ર તમને સાંત્વન આપે કે બસ મળે તેવી અપેક્ષા રાખવી નહીં. નહીંતર તમને દુઃખ મળશે, બસ તો ન મળી પણ દુઃખ મળશે એટલે બસની અપેક્ષા રાખવી નહીં.
એક રીક્ષાવાળાએ વર્ષો પહેલાં લખેલું યાદ આવે છે.
‘જગહ મિલને પે સાઈડ દી જાયેંગી,
હર પ્યાર કરને વાલે કો બોબી મિલ જાયેંગી.’
એ રીક્ષા ડ્રાઈવરના દિલમાં કરુણાનું ઝરણું વહેતું હશે એ આમ પ્રજાને શુભેચ્છા પાઠવે છે કે તમને તમારી ‘બોબી’ મળી રહેશે.
ઘણી રીક્ષાઓ પાછળ શાયરીઓ લખેલી હોય છે.
જેમાં મોટાભાગે મૂળ રચનાની ઐસી તૈસી કરી નાંખી હોય છે. (જેમ આપણા નિર્માતા જાણીતી કથા ઉપરથી ઊતરેલી ફિલ્મોમાં કરે છે તેમ)
એક ખાનગી કાર ઉપર પણ અમે લખેલું વાંચેલું કે ‘ગવર્મેન્ટ ઈઝ ગોડ’ (સરકાર ભગવાન બરોબર છે). કદાચ એ સરકારી કોન્ટ્રાક્ટર હશે. એક રીક્ષામાં પાછળના ભાગે ભગવાનનું નામ લખ્યું હતું. કોઈકે પૂછયું, “કેમ ભગવાનને પાછળ રાખ્યા છે?” રીક્ષાવાળાએ જવાબ આપેલો, “આમેય ભગવાન પાછળથી જ યાદ આવે છે ને!”
વાઈડ બોલ
ઉનાળાની શરૃઆત જ જોરદાર ગરમીથી થઈ. એ અંગે ક્રિકેટપ્રેમી મિત્રે કહ્યું, ‘ઉનાળાની શરૃઆત પણ સેહવાગ શૈલીથી થઈ છે... જોરદાર’

Apr 16,2011

No comments: