Tuesday, April 19, 2011

તૂમ પ્યાર કરો યા ઠુકરાવો..

છેલ્લાં ત્રેસઠ વર્ષથી સાંભળતા આવ્યા છીએ કે પાકિસ્તાન સાથે આપણા સંબંધ સુધારવાના છે. આપણા નેતાઓ પાકિસ્તાન કે સાથ સંબંધ સુધારને કે લીયે કુછ ભી કરેંગે તેવા મૂડમાં જ હોય છે. ક્રિકેટની પરિભાષા કહીએ તો રાઈટ ફ્રોમ ધ વર્ડ ગો, એટલે કે શરૂથી જ આપણે પાકિસ્તાનને રાજી કરવા ઘણાં કામ કર્યાં છે. મોહંમદ અલી ઝીણા ને લિયાકતઅલીખાંને રાજી રાખવા ભારતનો ટુકડો આપી દીધો. એમ કરતા શાંતિ થતી હોય તો! શું શાંતિથી થઈ ખરી?

આજથી સાઠ - પાંસઠ વર્ષ પહેલાં પાકિસ્તાને ભાગના પંચાવન કરોડ રૂપિયા માગ્યા. સરદાર પટેલ સહિત અનેક લોકોએ પાકિસ્તાનને રાજી કરવા આ કદમ ન ઉઠાવવાની ચેતવણી આપી, સરદારે કહ્યું હતું કે આ કરોડો રૂપિયા ગોળીઓ બની આપણી ઉપર જ વરસશે. પણ સરકારને તો પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાની તાલાવેલી હતી એટલે પૈસા ચૂક્તે કરી દીધા. પૈસા આપ્યા પછી પણ એક દિવસ શાંતિનો મળ્યો નથી તે ઇતિહાસ જાણે છે.

પાક.ને ખુશ કરવા, તેમજ પાકિસ્તાન તરફી તત્ત્વોને ખુશ કરવા અને સંબંધ સુધારવા, આપણી સરહદે એક અજોડ કામ કરેલું છે. જે દુનિયામાં ક્યાંય પણ બન્યું નથી.

ભારત સામે ત્રાસવાદી કાર્ય કરતા માર્યા ગયેલાને કુટુંબીજનોને પણ સરકાર પેન્શન આપે છે. વિશ્વમાં ક્યાંય પણ આ ન બની શકે. આપણી સામે ત્રાસવાદ ફેલાવનાર, આચરનારના કુટુંબીજનોના રોટી - કપડાંની ચિંતા આપણી માનવતાવાદી સરકાર કરે છે. તમે જ્યારે ઈન્કમટેક્ષ ભરો છો, ત્યારે આ પૈસા ત્રાસવાદીના કુટુંબની માવજત માટે ખર્ચાય છે તેની તમને ખબર ન હોય. આ વાત કાશ્મીરના નિવૃત્ત ગવર્નરે જ કરી છે (સો ઈટ ઈઝ ફ્રોમ હોર્સ માઉથ)

આપણા શાસકો કોઈ પણ હિસાબે, પાકિસ્તાનને રાજી કરવા મથે છે. મથવું ક્રિયાપદ અગત્યનું છે. કેવળ મથામણ જ દેખાય છે. પરિણામ નહીં. કવિ અટલજીએ ‘સમજૌતા પાકિસ્તાન સે કરલો’ એવી કોઈ પંક્તિ ગાતાં ગાતાં સમજૌતા એક્સપ્રેસ રવાના કરી અને આપણને મળ્યું કારગિલ. હવે શાસકો કહે છે. પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માટે રમવા જઈશું અને બોલાવીશું.

ત્યાં ક્રિકેટ રમવા જશો એટલે સંબંધો સુધરી જશે? ‘બડે નાસમજ હો યે ક્યા ચાહતે હો!’ લંકાની ટીમની શું હાલત થઈ હતી? દુનિયાના બીજા દેશો પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે જરા પણ તૈયાર નથી. પારકા છોકરાને આગળ કરી ક્રિકેટ ડીપ્લોમસીથી આમજનતા રાજી નથી. શાસકોના પુત્રો સેહવાગ - સચિનની જગ્યાએ હોત તો ક્રિકેટ રમવા ત્યાં મોકલત? આપણી ટીમ ત્યાં રમવા જશે તો સંબંધો સુધરી જશે? શું કૂતરાની પૂંછડી સીધી થવાની શક્યતા છે!

આજની તારીખે પણ ગુજરાતના દરિયામાંથી માછીમારો ઉપાડી જતા પાકિસ્તાનની જાળમાં આપણા શાસકો સામેથી જઈને પડી રહ્યા છે. આ બેલ મૂઝે માર’ શું આને જ કહેતા હશે? આપણે એમના સંગીતકારોને ઢગલાબંધ રૂપિયા આપીએ છીએ, એ આપણા જગજિતસિંહ કે પંકજ ઉધાસને બોલાવે છે? ગેરકાયદેસર કરોડો રૂપિયાની હેરા-ફેરી એમના ગાયકે આપણે ત્યાં કરી છે. હજી હમણાં જ એકતરફી પ્રેમમાં ઘણા ખુવાર જાય છે એ આપણે ભૂલવું ન જોઈએ.

ગૂગલી

‘વિશ્વકપ જીત્યા પછી આપણા ખેલાડીઓએ સ્ટેડિયમમાં ચક્કર મારેલાં’.

‘હા, એ લોકો મોડલ પૂનમ પાંડેને શોધતા હતા’.

Apr 19,2011

No comments: