Saturday, January 29, 2011

રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે?


“કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમરે ચેતવણી આપી છે.”

“કોને ત્રાસવાદીઓને?”

“ના જી.”

“તો જરૂર પેલા પાકિસ્તાન તરફી નારા લગાવનારા અને નિર્દોષોની હત્યા કરનારાઓને કડક પગલાંની ચેતવણી આપી હશે.”

“ના કડક પગલાંની ચેતવણી આપી છે, એ બીજા લોકોને.”

“બીજા લોકો કોણ?”

“પેલા ભાજપવાળાઓને.”

“ભાજપવાળાને કેમ આપવી પડી?”

“અરે બોસ, આ ભાજપવાળા જીદ લઈને બેઠા છે.”

“આમ તો એ લોકો જીદ લઈને જ બેસતા હોય છે, જુઓને જેપીસી તપાસ માટે કેવી જીદ કરે છે.”

“બરાબર છે હવે આ લોકો કહે છે અમે કાશ્મીરમાં ધ્વજ ફરકાવીશું.”

“ભાજપવાળા કાશ્મીરમાં ધ્વજ ફરકાવાના છે તે કયા દેશનો છે?”

“ધ્વજ તો ભારતનો રાષ્ટ્રધ્વજ છે.”

“કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે ગુનો બને છે?”

“ના.”

“તો પછી?”

“કાશ્મીર સરકારને ગણતંત્ર દિને રાષ્ટ્રધ્વજ ફરકાવાય તે સામે વાંધો છે!”

“કેમ?”

“બોસ, તમને ખબર છે સાકર એ તો મીઠી ચીજ ગણાય પણ ગધેડાઓ સાકર ખાય તો મરી જાય એમ કહેવાય છે. તેમ રાષ્ટ્રધ્વજ એ આમ તો સ્વમાનનું પ્રતીક છે, પણ કાશ્મીર સરકાર તેને ફરકાવવો તે તેનાથી વિરુદ્ધનું સમજે છે.”

“ખરેખર?”

“હા, સમગ્ર દેશમાં તિરંગો ફરકાવવાના કામમાં આવે છે, પણ કાશ્મીરમાં તે બાળવાના કામમાં વપરાય છે.”

“ગજબ કહેવાય.”

“મિત્ર, કેરોસીન બાળવાના કામમાં આવે છે, એ બાળવા માટે જ વપરાય, તમે એને પીવા માટે વાપરો ખરા?”

“ના.”

“બસ એ જ તર્ક છે જે ધ્વજ ત્યાં બાળવામાં આવે છે તેને ફરકાવવામાં આવે કઈ રીતે?”

“પણ તમે ભારતીય છો, અને ભારત-ભૂમિમાં રાષ્ટ્રધ્વજ ન ફરકાવી શકો?”

“મિત્ર, તમે રાષ્ટ્રધ્વજ ન ફરકાવો તેથી તમે ભારતીય મટી જતા નથી.”

“એટલે?”

“એટલે બ્રાહ્મણ હોવાની સાબિતી તરીકે તમે જનોઈ પહેરો, જોકે હવે ઘણા બ્રાહ્મણો પણ જનોઈ નથી પહેરતા, તેમ ભારતીય હોવાની સાબિતી તરીકે તમારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો? જેમ ઘણાં બ્રાહ્મણોએ જનોઈ છોડી દીધી છે, તેમ છતાં તે બ્રાહ્મણ જ ગણાય તેમ રાષ્ટ્રધ્વજ ન ફરકાવનાર પણ ભારતીય જ ગણાય. માટે ભાજપવાળાએ જીદ છોડવી જોઈએ.”

“એ બરોબર છે!”

“કેમ નહીં? ઘણી પરણેલી સ્ત્રીઓ સુહાગનું ચિહ્ન ગણાતો ચાંલ્લો નથી કરતી, છતાં તે પરણેલી ગણાય છે તેમ ચાંલ્લામાં ન માનતી પરિણીત સ્ત્રી જેવું કાશ્મીર છે તેમ સ્વીકારી લેવું.”

“રાષ્ટ્રમાં રાષ્ટ્રધ્વજ ઉપર બબાલ થાય એ કેવું?”

“આપણા એક મંત્રી, જેમની કૃપાથી કાંદા દુર્લભ વસ્તુ થઈ ગઈ છે...”

“તમે આદરણીય શરદ પવારની વાત કરતા લાગો છો.”

“સહી પહેચાના, જેમના (કુ) શાસનમાં કાંદા ઊંચાઈ પર પહોંચી ગયા છે. તેમના મંત્રાલયની ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ ઊલટો ફરકતો હતો, એક સ્વાતંત્ર્ય દિને અને એક ચેનલવાળાએ કલાકો સુધી તે દૃશ્ય બતાવ્યું હતું.”

“એમ?”

“હા, એક નેતાએ ડાબા હાથથી ધ્વજને સલામી આપી હતી.”

“એ તો વિરોધીઓને ડાબા હાથની આપવાની મનોવૃત્તિના કારણે.”

“અગાઉ રાષ્ટ્રધ્વજ સાથે ઘણાંએ ગુસ્તાખી કરેલી છે અને આ વખતે પ્રજાસત્તાક દિને ઓમર અબ્દુલ્લા રાષ્ટ્રધ્વજ કાશ્મીરમાં નહીં ફરકાવે?”

“એ તો રસમ પ્રમાણે ફરકાવશે, પણ તેમનું કહેવું છે ધ્વજ હું ફરકાવીશ એ મારો હક છે. છાસ આપવી કે ન આપવી તે વહુ નહીં સાસુ જ નક્કી કરે છે, તેમ રાષ્ટ્રધ્વજ રાજ્યમાં ફરકાવવાનો હક મુખ્યમંત્રી જ, બીજાને તે હક્ક નથી. વહુઓએ સમજવું જોઈએ...’

વાઈડ બોલ

‘ગઈ સાલ, ચંદ્રગ્રહણના દિવસે કેટલાંકે લગ્ન કર્યાં હતાં’.

‘ચંદ્રગ્રહણમાં એમને પાણિગ્રહણનો વાંધો નહીં હોય, ગ્રહણના દિવસે લગ્નને કેટલાંક ઘરણ ટાણે સાપ કહી શકે.’

No comments: