કલા એ સમાજની આરસી છે. સમાજના પ્રવાહોની અસર કલાજગત ઉપર પણ પડે છે.
છગને એક નાટક તૈયાર કર્યું અને હોલમાં પ્રથમ પ્રયોગ હતો ત્યારે પરદો ઉઠાવતા પહેલાં છગને એક નિવેદન પરાણે ટિકિટ વળગાડેલા, તેમજ સ્વેચ્છાએ ટિકિટ ખરીદીને આવેલા દર્શકો સમક્ષ કર્યું.
‘દર્શકમિત્રો, અમને ખબર છે કે ક્યારેક દર્શકો નાટકની રજૂઆતથી નારાજ થાય છે. તેવે વખતે કલાકારો ઉપર રિવાજ મુજબ સડેલાં ઈંડાં - ટામેટાં કે જૂતાં ફેંકવામાં આવે છે. હવે જૂતાં રિઝર્વ કેટેગરીમાં ચાલ્યાં ગયાં છે. નારાજ લોકો ફક્ત નેતાઓ ઉપર જૂતાં ફેંકે છે. અમેરિકાના પ્રમુખથી માંડી રાજ્યના કોઈ નાયબ પ્રધાન ઉપર લોકો જૂતાં ફેંકે છે. શક્ય છે કે અમારું નાટક જોઈને તમે રાજી થવાને બદલે નારાજ થાવ એવી પરિસ્થિતિ ઊભી થાય તો મારી આપને એક વિનંતી છે. સડેલાં ઈંડાં, ટામેટાં ફેંકવાને બદલે તમે ડુંગળી ઉપર આપની પસંદગી ઉતારજો. બીજું કંઈ નહીં પણ અમને આપની નારાજગી પ્રગટ કરવાની તક મળશે અને કલાકારો પણ રાજી થશે. જયહિંદ’. લોકોએ આને છગનનું શાણપણ ગણાવ્યું હતું.
પોતાની પ્રિય વ્યક્તિ માટે પ્રેમી કહેતા હોય છે, ‘તું તો મારી આંખનું રતન છે’ હવે પ્રેમી પોતાના પ્રેમની ઊંચાઈ દર્શાવવા કહે છે, ‘હે પ્રિયે, તું તો મારી આંખની ડુંગળી છે’.
અને પ્રેમિકા ખુશ થઈ જાય છે. ‘ઓહ માય ગોડ, આણે મને ડુંગળી જેવું ઊંચું સ્થાન આપ્યું’.
* * *
લગ્ન પછી સ્ત્રીઓની અટક બદલાય છે. પતિની અટક સ્ત્રીને મળે છે. બદલામાં સ્ત્રીની ટકટક પતિને મળે છે. પોતાની અટક પત્નીને આપનાર પતિને સ્ત્રીઓ અટકના બદલામાં ટકટક આપે છે.
ટકટકનું મહત્ત્વ તો છે જ, અટકનું પણ મહત્ત્વ છે. અભિનેત્રી રાખી કવિ ગુલઝારને પરણી. રિવાજ પ્રમાણે પછી તે રાખી ગુલઝાર કહેવાઈ. પછી વિખવાદ થયો.બંને છૂટાં પડી ગયાં. કવિશ્રી ગુલઝારે રાખી ને ન રાખી પણ રાખીએ કવિશ્રી ગુલઝારની અટક રાખી લીધી છે. રાખી એનું નામ રાખી ગુલઝાર તરીકે લખાવે છે. ઈન્દિરાજી લગ્ન પહેલાં ઈન્દિરા નહેરુ હતાં. ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યાં પછી ઈન્દિરા ગાંધી થઈ ગયાં. પણ ઈન્દિરાજી જાણતાં હતાં કે ગાંધી અટક જાદુઈ છે. સાથોસાથ નહેરુ અટક પણ છોડવી ગમતી વાત ન હતી. એટલે તે ઈન્દિરા નહેરુ ગાંધી એમ લખતાં. સંસદમાં સોગંદવિધિ વખતે તેમણે ‘હું ઈન્દિરા નહેરુ ગાંધી...’ એમ બોલીને સોગંદ લીધા હતા.
ઈન્દિરાજીને પિયર પક્ષ અને સાસરિયાં પક્ષ બંને બાજુનો ફાયદો મેળવ્યો હતો.
અટકની વાત નીકળી ત્યારે હોલિવૂડની અભિનેત્રી ‘બ્રુક શીલ્ડ’ની વાત યાદ આવે છે. કોઈકે એને પૂછયું, “તમે જેમ્સબોન્ડ સાથે લગ્ન કરવાનું પસંદ કરો?” બ્રુક શીલ્ડે ના પાડી અને કારણ જણાવતાં કહ્યું,” પછી હું બ્રુક શીલ્ડને બદલે ‘બ્રુક બોન્ડ’ થઈ જાઉં. મને બ્રુક બોન્ડ તરીકે ઓળખાવું ન ગમે.”
ઘણી ખરી પટેલ અને વણિક કન્યાઓને લગ્ન પછી અટક બદલવાની લપ થતી નથી. લગ્ન પછી પણ ઘણુંખરું તે પટેલ કે શાહ જ રહે છે.
સિંદબાદ કહે છે, “ભલે પત્નીને આ કિસ્સામાં નવી અટક ન મળે, પણ પતિને નવી ટક ટક તો મળે જ છે”.
છગન કહે છે બધું આમનું આમ જ છે.
ગૂગલી
નિર્ણય લેવો છે?
પહેલાં દિલને પૂછો પછી દિમાગને પૂછો.
પછી પત્ની કહે તેમ કરો.
No comments:
Post a Comment